૧૬૦૦૦ રાજપૂતાણીઓ સાથે જૌહર કરનાર રાણી પદ્માવતીની રીયલ કહાની

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
શું પદ્માવતી માત્ર કલ્પના ?
 
રાણી પદ્માવતીને લઈને કેટલાક લોકો કહે છે કે, ઇતિહાસમાં આ નામનું કોઈ જ પાત્ર ન હતું. પદ્માવતી એ તો હિન્દી સાહિત્ય પદ્માવતીનું એક કાલ્પનિક પાત્ર માત્ર હતું. ૧૬મી સદીમાં મલિક મુહમ્મદ જાયસી દ્વારા લખાયેલ ‘પદ્માવત’ નામના કાવ્યમાં પદ્માવતીનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે માત્ર એક સાહિત્યિક પાત્ર માત્ર હતી. તેને ઇતિહાસ સાથે કશી જ લેવા-દેવા નથી.
ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો કંઈક અલગ જ કહે છે
 
ઇતિહાસનાં અનેક પુસ્તકો, ત્યાં સુધી કે રાજસ્થાન સરકારના પાઠ્યક્રમ અને પ્રવાસન વિભાગનાં પુસ્તકોમાં પણ રાણી પદ્માવતીના જૌહરની ગાથાઓ વાંચવા મળે છે. આજે પણ ચિત્તોડના કિલ્લામાં આવનાર પ્રવાસીઓને રાણી પદ્માવતી અને તેના જૌહરની બાબતે અચૂક બતાવવામાં આવે છે. પ્રવાસીઓને એ સ્થળ પણ બતાવવામાં આવે છે, જ્યાં રાણી પદ્માવતીએ અન્ય હજારો રાજપૂતાણીઓ સહિત જૌહર કર્યું હતું. અલાઉદ્દીન ખિલજીએ જ્યાં પદ્માવતીનું મુખ જોયું હતું તે સ્થળ પણ બતાવવામાં આવે છે.
 
ઇતિહાસમાં રાણી પદ્માવતી
 
રાણી પદ્માવતીના સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર છે અને આજે પણ રાજસ્થાનની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. તેના રૂપ, યૌવન અને જૌહરની કથા મધ્યકાળથી લઈ વર્તમાન કાળના કવિઓ, લોકગાયકો દ્વારા વિવિધ રૂપોમાં વ્યક્ત થતી આવી છે. પદ્માવતીનું પ્રારંભિક જીવન સિંહલપ્રદેશ (શ્રીલંકા)માંથી શરૂ થયું હતું - તેવી માન્યતા છે. તેના પિતાનું નામ ગંધર્વસેન અને માતાનું નામ ચંપાવતી હતું. ઉંમરલાયક થતાં પદ્માવતીનો સ્વયંવર યોજાયો જેમાં ચિત્તોડના રાજા રાવલ રતનસિંહે રાજા મલખાન સિંહને હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યાં. ચિત્તોડના રાજા રતનસિંહ એક કુશળ શાસક હતા અને કલાના કદરદાન પણ હતા. તેના દરબારમાં અનેક પ્રતિભાશાળી લોકો હતા, જેમાં રાઘવ ચેતન નામનો એક સંગીતકાર પણ હતો, પરંતુ રાઘવ ચેતન કાળો જાદુ કરતો તે અંગે રાજાને જાણ ન હતી. તે કાળા જાદુનો ઉપયોગ પોતાના હરીફોને મારી નાખવા કરે છે તેની ગંધ આવતાં તેના પર નજર રાખવાનું શ‚ થયું. એક દિવસ રાઘવ ચેતને દુષ્ટ આત્માઓને બોલાવતાં રાજાના હાથે રંગે હાથ પકડાયો. રાવલ રતનસિંહે તેને તત્કાળ ચિત્તોડ છોડી ચાલ્યા જવા જણાવ્યું. પોતાના આ અપમાનનો બદલો લેવા રાઘવ દિલ્હી ગયો જ્યાં અલાઉદ્દીન ખિલજી જે જંગલમાં શિકાર કરવા આવતો ત્યાં રોકાઈ ગયો. એક દિવસ સુલતાન અલાઉદ્દીન ખિલજી જ્યારે શિકાર કરવા આવ્યો ત્યારે તેણે બંસરીના સૂર રેલાવવા શ‚ કર્યા જેનાથી આકર્ષાઈ ખિલજીએ તેને તેની પાસે બોલાવ્યો અને પોતાના દરબારમાં આવવાનો આદેશ આપ્યો.. રાઘવ ચેતનને આ જ જોઈતું હતું. કોઈપણ રીતે સુલતાનને ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરવો. તેણે સુલતાન ખિલજીને અનેક રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરી જોયો, પરંતુ ખિલજી રાજપૂતો સાથે ફોગટમાં વેર બાંધવા તૈયાર ન હતો. રાઘવે ખિલજીના હરમપ્રેમની વાતો ખૂબ જ સાંભળી હતી. પરિણામે તેણે ખિલજી સમક્ષ રાણી પદ્માવતીના સૌંદર્યનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં. સૌંદર્યના હવસી ખિલજીના મનમાં રાણી પદ્માવતી વિશે કામનો કીડો સળવળ્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લાવવાનું નક્કી કર્યું.
 
કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ખિલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કરી રાણા રતનસિંહને પત્ની પદ્માવતીનું મોં બતાવવા માટે મજબૂર કર્યો હતો, પરંતુ કેટલાક લોકોના મતે અલાઉદ્દીન ખિલજી ષડયંત્ર કરી ચિત્તોડગઢના મહેલમાં મહેમાન બની ગયો હતો, જ્યાં રાણા રતનસિંહે તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આ દરમિયાન તેણે રાણી પદ્માવતીને મળવાની અને જોવાની વાત કરી હતી, પરંતુ રાજપૂતાણી પોતાનું મુખ પતિ સિવાય કોઈ પણ મર્દને બતાવતી નથી એમ કહી તેણે ખિલજીને સ્પષ્ટ ના પાડી દેતાં ખિલજીએ ચાલાકી વાપરી પદ્માવતીને પોતાની બહેન ગણાવી તેનું મુખ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજા રતનસિંહને પણ ખિલજીને નાહકનો છેડવો યોગ્ય ન લાગતાં તેણે પદ્માવતીને તેનું મુખ બતાવવા માટે મનાવી લીધી, પરંતુ પદ્માવતીએ શરત રાખી કે તે સીધે-સીધું પોતાનું મો ખિલજીને નહીં બતાવે અને ૧૫૦ સ્ત્રીઓ સાથે સરોવરમાં તેનું મુખ અલાઉદ્દીન ખિલજીએ જોવું. ખિલજીએ આ શરત મંજૂર રાખી. પદ્માવતીની સુંદરતા પાણીમાં પડછાયા રૂપે જોઈ અલાઉદ્દીન ખિલજી પદ્માવતીના મોહમાં પાગલ બન્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ દિલ્હી પરત ફરતી વખતે તેની સાથે શિષ્ટાચાર ખાતર પદ્માવતીના પતિ રતનસિંહ પણ હતા. આ દરમિયાન ખિલજીએ આદેશ આપી રતનસિંહને બંદી બનાવી દેવડાવ્યા અને ચિત્તોડગઢની સામે શરત રાખી કે, પદ્માવતીને સોંપો અને રાણાને લઈ જાઓ.
 
ચિત્તોડગઢ સમક્ષ આ સૌથી મોટું ધરમસંકટ હતું. એક તરફ રાજ્યના રાજાનો જીવ હતો તો બીજી તરફ રાજરાણીની ગરિમા અને રાજની આબરૂ. ચિત્તોડગઢ એ વખતે ખિલજી પર સીધો હુમલો કરી શકે તેમ નહોતું. કારણ કે, ખિલજીનું સૈન્ય રાણાની ધરપકડ સાથે જ સાબદું થઈ ગયું હતું. પરિણામે રાજપૂત વીર યોદ્ધાઓએ બળ સાથે કળ વાપરવાનું નક્કી કર્યું. ચૌહાણ રાજપૂત સેનાપતિ ગોરા અને તેમના ૧૫ વર્ષના ભત્રીજા બાદલે યોજના બનાવી કાલે સવારે પદ્માવતી ખિલજીને સોંપી દેવામાં આવશેની વાત કરી. આગલા દિવસે ૧૫૦ પાલખીઓ ખિલજીની શિબિર તરફ રવાના કરવામાં આવી, પરંતુ પાલખીમાં પદ્માવતી નહીં, શસ્ત્રો અને સૈનિકો હતા. પ્રત્યેક પાલખીમાં એક અને ચાર પાલખી ઉપાડનારા એમ પાંચ ખૂબ જ કુશળ સૈનિકો રાખવામાં આવ્યા હતા. પાલખીને રતનસિંહને બંદી બનાવાયા હતા ત્યાં ઊભી કરી દેવામાં આવી અને સશસ્ત્ર સૈનિકો રતનસિંહને છોડાવી લઈ ગયા. કહેવાય છે કે આ હુમલામાં સેનાપતિ ગોરાએ શહીદી વહોરી હતી. કહેવાય છે કે યુદ્ધમાં ખિલજીના સેનાપતિએ યુદ્ધ નિયમો વિરુદ્ધ જઈ કપટપૂર્વક સેનાપતિ ગોરાના સાથળ પર વાર કર્યો હતો. અને ગોરા નીચે ઢળતાં જ તલવારથી મસ્તક અલગ કરી દીધું હતું. પરંતુ રાજપૂત ગોરાનું ઝનૂન જુઓ તેનું ધડ પણ મસ્તક લઈ જતા ઝફરની પાછળ દોડ્યું અને એક જ ઝાટકે તેના શરીરનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં હતાં.
 

 
 
 
રાજપૂતોના આ કળ અને બળપૂર્વકની લડાઈથી અજેય ગણાતા સુલતાનને જબરજસ્ત માત મળી હતી. પરિણામે ખિલજીએ પોતાના તમામ સૈન્યને ચિત્તોડગઢ પર હુમલો કરી તેને તહેસનહેસ કરી નાખી રાણી પદ્માવતી સહિતની રાજપૂત સ્ત્રીઓને ઉઠાવી લાવવાના આદેશો આપ્યા. ૧૩૦૩માં ખિલજીના સૈન્યે ચિત્તોડગઢના કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો. સતત છ મહિના સુધી રાજપૂતો અને ખિલજીના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું, છતાં કિલ્લાનો દરવાજો તોડી શકાયો નહીં પરંતુ કિલ્લાની ખાદ્યસામગ્રી હવે ખૂટી રહી હતી. કિલ્લાની અંદર મહિલા-બાળકો, વૃદ્ધો ભૂખથી ટળવળી રહ્યાં હતાં અને દરવાજો ખૂલતાં રાજપૂત સેનાની હાર નિશ્ર્ચિત હતી. છેવટે ચિત્તોડગઢના રાજપૂતોએ દુશ્મન સામે કેસરિયાં કરવાનું નક્કી કર્યું અને રાજપૂતાણીઓએ જીવતેજીવત તો શું મર્યા બાદ પણ વિધર્મીઓના હાથનો સ્પર્શ તેમના શરીર પર ન થાય માટે જૌહર કરવાનું નક્કી કર્યું. રાજા રતનસિંહ સહિત ૩૦,૦૦૦ રાજપૂત વીરોએ માથે કેસરી સાફા બાંધી તિલક અને તલવાર સજાવી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે કિલ્લાના દરવાજા ખોલી ખિલજીના સૈન્ય પર તૂટી પડ્યા.
આ બાજુ રાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ ગૌમુખમાં સ્નાન કરી વિશાળ ચિતા પ્રગટાવી તેમાં કૂદી પડી અને જોતજોતામાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓ રાખ બની ગઈ.
 
ચિત્તોડગઢ પર જીત મેળવ્યા બાદ ખિલજી રાજપૂતાણી પદ્માવતીને દિલ્હી લઈ જવા માટે મહેલમાં ધસી આવ્યો, પરંતુ સમગ્ર રાજમહેલના પ્રાંગણમાં આગ અને ધુમાડાના ગોટેગોટા હતા, તેની નજર સામે મોટા યજ્ઞ કુંડમાં રાખનો ઢગલો હતો. જેમાં પદ્માવતી સહિત ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ જૌહર કર્યાં હતાં. સુલતાન રાણી પદ્માવતીના શરીરને તો શું તેની ભસ્મને પણ સ્પર્શ કરી ન શક્યો. આમ ભલભલા તાકાતવર રાજાઓ-મહારાજા- સુલતાનોને હરાવનાર ખિલજીને પદ્માવતી નામની એ રાજપૂતાણીના સતીત્વ અને પતિવ્રતે ધૂળ ચાટતો કરી દીધો.