સુખી સંસારની ચાવી

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
 
એક શહેરમાં એક મોટું કુટુંબ રહેતું હતું. નાના મોટા થઈ સિત્તેર માણસો હતાં. સંયુક્ત જીવન જીવી એક જ રસોડે એ બધાંય જમતાં હતાં. ક્લેશ શું છે એની કુટુંબની કોઈ વ્યક્તિને ખબર નહોતી. સમસ્ત કુટુંબનો સંપ રાજ્યની ખ્યાતિ હતી. આધુનિક યુગમાં સંયુક્ત પ્રથા એક સ્વપ્ન જેવું છે. આ કુટુંબની વાર્તા સાંભળી એક પત્રકાર મિત્ર તે કુટુંબની મુલાકાત લેવા ગયો. પત્રકાર મિત્રનું ઉમળકાથી સહકુટુંબ સ્વાગત કર્યું. સ્વાગતવિધિ પતી ગયા પછી, કુટુંબના વડીલને પત્રકારે મૂળ વાત રજૂ કરતાં કહ્યું, તમારું વિશાળ કુટુંબ ખૂબ-સલાહ-સંપથી રહે છે. પેલી વાત છે કે બે વાસણ હોય તો ખખડ્યા વિના રહેતાં નથી. તમારે ત્યાં તો સિત્તેર માણસોનો પરિવાર છે. છતાંય કોઈ ક્લેશ કે ક્યાંય ખખડાટ નથી ? આ વાતનું રહસ્ય જાણવાની મને જિજ્ઞાસા છે. કુટુંબના વડીલની ઉંમર ઘણી મોટી હતી. બોલવાની શક્તિ ન હતી. એટલે તેના એક પૌત્રને ઇશારો કરીને કાગળ અને પેન મંગાવ્યાં. પછી પોતાના ધ્રૂજતા હાથથી લગભગ સો એક શબ્દ લખી કાઢ્યા અને પત્રકાર સમક્ષ એ કાગળ રજૂ કર્યો. ઘણી ઉત્સુકતાથી પત્રકાર એ કાગળ વાંચવા માંડ્યો. પરંતુ તેમાં તે એકનો એક શબ્દ સો વાર લખવામાં આવ્યો હતો એ શબ્દ હતો : ‘સહનશીલતા’
પત્રકાર માટે એક આશ્ર્ચર્ય હજી ઊભું છે ત્યાં વળી આ નવું આશ્ર્ચર્ય ઉમેરાયું. એક પુત્રે બોલતાં કહ્યું, ‘સહનશીલતા’ના મહામંત્રથી અમે સૌ એકતાના દોરે બંધાયાં છીએ. કુટુંબ ભલેને ગમે તેટલું હોય, છતાં જો બધામાં સહનશક્તિ હોય તો જરાય વાંધો ન આવે. સહનશક્તિ માટે પહેલી જરૂર છે મતસહિષ્ણુતાની, સૌને આદર આપતાં આપણે શીખવું જોઈએ. કદાચ, સામા પક્ષની વાત ખોટી હોય તો પ્રેમથી સમજાવીને તેનું હૃદય જીતી લેવું એ સુખી સંસારની સર્વશ્રેષ્ઠ ચાવી છે.