શિયાળામાં કાજુ-બદામ ઉપરાંત કેટલુંક ખાવા જેવું ડ્રાયફુડ

    ૨૩-નવેમ્બર-૨૦૧૭
 

 
 
શિયાળો આવી ગયો છે.  ડ્રાયફુડ કે સુકો મેવો હવે બધાને યાદ આવશે. આજકાલ  નટ્સ, ડ્રાયફુડ કે સુકો મેવો ગિફ્ટમાં આપવાનું ચલણ વધી રહ્યું છે. કારણ કે તે આરોગ્યપ્રદ છે. પણ મહત્ત્વની વાત એ છે કે નટ્સ કે સુકો મેવાનું નામ આવે એટલે આપણને કાજુ બદામ સિવાય કશું યાદ આવતું નથી, પણ એવું નથી. કાજુ – બદામ ઉપરાંત ઘણાં નટ્સ-સુકો મેવો છે જે એટલા જ ગુણકારી અને આરોગ્યપ્રદ છે.
 
 
 
અખરોટ :
 
અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફુડ છે. તેમાં ફાઈબર, વિટામીન-બી, મેગ્નેશિયમ અને એન્ટી એક્સિડેન્ટ વધુ માત્રામાં હોય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ અખરોટ ઉત્તમ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. તેની ઉપયોગિતા ખૂબ ઓછા લોકોને ખબર છે. નિયમિત યોગ્ય માત્રામાં જો અખરોટ ખાવામાં આવે તો તેના અનેક ફાયદા છે. હૃદય માટે તે લાભદાયક છે. ઉંઘવામાં તે મદદરુપ થાય છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે જેનાથી સ્થુળતા ઘટે છે. કેન્સર જેવી બિમારી સામે લડવા પણ અખરોટ ઉપયોગી છે.
 

 
 
અંજીર :
 
સુકા મેવામાં અંજીરને આપણે ભૂલી જઈએ છીએ. પણ તે ખાવા જેવું ઉત્તમ ફળ છે. નબળા શરીરને મજબૂત બનાવમાં તે અગત્યનો ફાળો આપી શકે. મધુર અને પાચક એવું અંજીર પિત્તનાશક છે. તેમાં ટાયરોસિન, અમીનો એસિડ, લાયસિન જેવા જુદી જુદી જાતના પાચક રસો છે. ઉપરાંત તેમાં પ્રોટીન, વિટામીન, લોહતત્ત્વ, કેલ્શિયમ પણ છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. અંજીર ખાવાથી લોહી સુધરે છે, પાચનશક્તિ વધે છે, અનેક પેટની બિમારી દૂર થાય છે ઉપરાંત યાદશક્તિ પણ વધારવામાં અંજીર ઉપયોગી છે.
 

 
 
ખજૂર :
 
શરીરને ઊર્જાવાન અને સ્ફૂતિલુ બનાવવું હોય તો ખજૂર ખાવ. તેમાં કુદરતી સાકરનો સ્ત્રોત છે. તેમાં ગ્લુકોઝ હોય છે, તેમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. ખજૂરમાં આયર્ન હોવાથી તે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને દૂર કરે છે. તેમાં ફ્લોરિન હોવાથી દાંત પણ મજબૂત બને છે. જો તેને નિયમિત ખાવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી પાચન કે પેટને લગતા અનેક રોગો માટે તે લાભદાયી છે.
 

 
 
પિસ્તા :
 
લોએસ્ટ કેલેરી નટ્સ તરીકે ઓળખાતા પિસ્તા ભારતની પેદાશ નથી તે ખાસ કરીને પશ્ર્ચિમી એશિયામાં વધુ થાય છે પણ તે શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં એનસેચ્યુરેટેટ ચરબી હોવાથી તે હૃદય માટે ફાયદાકારક છે, તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તે માનસિક તાણ ઘટાડવામાં ઉત્તમ છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબર્સનું પ્રમાણ સારું એવું હોય છે જે શરીર માટે ઉપયોગી છે.
 

 
 
જરદાલુ :
 
અમેરિકન સંશોધકોએ એક અભ્યાસ કર્યો. આંખોનું વિઝન સારું રહે. ઉપરાંત આંખોના પડદા, કોર્નિયા સારા રહે તે માટે ઉત્તમ ફળ કયું ? તેમાં સૌથી મોખરે જરદાલુ આવ્યું છે. આપણે ત્યા ફ્રેશ જરદાલુ ઓછા ખવાય છે પણ ડ્રાય જરદાલુ વધારે ખવાય છે. જો કે આ બન્ને પ્રકારના જરદાલુમાં કેલેરી ખૂબ ઓછી જ હોય છે. તેમાં રહેલા અનેક પ્રકારના પોષક તત્વો શરીર માટે ગુણકારી છે. તેમાં ફાઈબર, આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ બધુ જ છે જેનાથી અનેક પ્રકારના રોગો દૂર થઈ શકે છે.
કિસમિસ : આ ખાટું મીઠું ડ્રાયફુડ છે જે દ્રાક્ષને સુકવીને બનાવવામાં આવે છે. એવું કહેવાય છે તે દૂધા તમામ તત્ત્વો ઉપરાંત વિટામીન સી કિસમિસમાં હોય છે. કિસમિસ પચાવામાં પણ સરળ છે. કિસમિસને નિયમિત અને યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો તે એક ઔષધી છે. કિસમિસ નખ સંબંધી રોગો તથા સફેદ દાગને મટાડી શકે છે. તે બેક્ટેરિયલ ઇન્ફેક્શન તથા વાયરલથી લડીને તાવને ઝડપથી દૂર કરી દે છે.