શક્તિ ચરિત્ર્ય: સુપર મોમ મેરી કોમ

    ૨૮-નવેમ્બર-૨૦૧૭


 

 

મંગટે ચુંગનેઇજંગ મેરી કોમ જે દેશ અને દુનિયામાં મેગનીફીશન મેરી અથવા તો સુપર મોમ તરીકે વિખ્યાત છે. મેરી કોમનો દરેક ચંદ્રક સંઘર્ષની દાસ્તાન છે, પણ એશિયાઈ બોક્સિગં ચેમ્પિયનશીપમાં તેણે જીતેલો પાંચમો સુવર્ણ ચંદ્રક ખાસ છે. કારણ કે પાછલા એક વર્ષ દરમિયાન રિંગની બહાર અનેક ભૂમિકાઓ ભજવ્યા બાદ તેણે ફરી એકવાર ગોલ્ડન પંચ લગાવ્યો છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિકની કાસ્ય ચંદ્રક વિજેતા ભારતની મહાન મુક્કેબાજ મેરી કોમ ગત સપ્તાહે એશિયાઈ ચેમ્પિયનશીપમાં પાંચ ચંદ્રક જીતનારી પહેલી ખેલાડી બની છે. મેરી કોમ તેની સફળતા પર કહે છે કે મારા તમામ ચંદ્રક પાછળ એક સંઘર્ષની કહાની રહેલી છે. દરેક ચંદ્રક પાછળ એક નવો સંઘર્ષ છે. મને આશા છે કે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ મારો ચંદ્રક દેશની મહિલાઓને ખાસ કરીને માતાઓને વધુ પ્રેરિત કરશે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ૩૫ વર્ષીય મેરી કોમ રાજ્યસભાના સાંસદ છે અને ત્રણ સંતાનની માતા પણ છે.

મેરી કોમ આજે કોઈ પહેચાનની મોહતાજ નથી. પૂરા વિશ્ર્વમાં તેણીએ પોતાની પ્રતિભા અને લડાયક જુસ્સાથી એક અલગ પ્રકારનો રુત્બો હાંસલ કર્યો છે. એક એવી ભારતીય મહિલા છે જેણે સાબિત કરી બતાવ્યું છે કે માતા બન્યા બાદ એક મહિલાની જિંદગી ફક્ત બાળકો અને ઘર ગૃહસ્થી સુધી સીમિત નહીં પણ તેનાં સપનાં પૂરાં કરવાનો હક્ક રાખે છે. અનેક સંઘર્ષો બાદ પણ મેરી કોમે ક્યારેય હાર માની નથી. બોક્સિગંની રમત મહિલાઓ માટે નથી, તેવા પૂર્વગ્રહને તેણીએ તોડ્યો નથી, પણ પાંચ વખત કઠિન રમતમાં આપબળે વર્લ્ડ ચેમ્પિયન પણ બની છે. હવે મેરી કોમે તેની કારકિર્દીના આખરી પડાવમાં ફરી એક વાર રિંગમાં મજબૂતીથી વાપસી કરી છે અને એશિયાઈ ચેમ્પિયનશીપમાં ૪૮ કિલો ગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેરી કોમ સ્પર્ધામાં અગાઉ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. તે ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૨માં ચેમ્પિયન બની હતી. જ્યારે ૨૦૦૮માં તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. મેરીકોમની મુઠ્ઠી ઊંચેરી સફળતા દેશ માટે ખાસ કરીને મહિલાઓ માટે ગર્વની વાત છે.

પશ્ર્ચિમ ભારતના મણિપુરમાં જન્મેલી અને ત્યાંથી આગળ વધેલી મેરી કોમ ત્રણ સંતાનની માતા છે. જેમાં એક જોડકા પણ છે. તેણીએ વર્ષ ૨૦૦૦થી બોક્સિગં રમવાનું રૂ કર્યું હતું. મેરી કોમના પિતા એક ગરીબ ખેડૂત હતા. આમ નાનપણથી સંઘર્ષ સહન કરનારી મેરી કોમ ક્યારે પણ જીવનમાં કે ખેલમાં હાર માની નહીં. તેની લડાયક સંઘર્ષગાથા પર બોલિવૂડમાં ફિલ્મ પણ બની ચૂકી છે. જેમાં મેરી કોમનું પાત્ર પ્રિયંકા ચોપરાએ ભજવ્યું હતું.

મેરી કોમે કહે છે કે હવે પછીનું મારું લક્ષ્ય ૨૦૧૮ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવો છે. હું અત્યારથી ૨૦૨૦ના ઓલિમ્પિક પર ફોક્સ કરી રહી નથી. માટે મારે પહેલા ક્વોલીફાઈ થવાની બાધા પાર કરવાની છે, જે માટે હું કમર કસી ચૂકી છું. તે કહે છે કે જો હું આવી ફિટનેસ ટકાવી રાખીશ તો મને કોઈ સ્પર્શી પણ શકશે નહીં. શરીર ‚ થાક અનુભવે છે, પણ જુસ્સો અને જીતની જિજીવિષા પહેલાં જેટલી અકબંધ છે.

મેરી કોમ દેશની લોખંડી મહિલાનું પ્રતીક બની ચૂકી છે. તેને ૨૦૦૩માં અર્જુન ઍવોર્ડ, ૨૦૦૬માં પદ્મશ્રી સન્માન અને ૨૦૦૯માં ખેલરત્ન સન્માન મળી ચૂક્યાં છે. મેગ્નીફિશન મેરીની સિદ્ધિ ભારતીય ખેલજગતમાં મેજર ધ્યાનચંદ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લગોલગ સમાન છે. ભારતની સાઈના નેહવાલ, પીવી સિંધુ, સાનિયા મિર્ઝા, સાક્ષી મલિક, દીપા કર્માકર, જેવી બીજી અનેક મહિલા ખેલાડી વિશ્ર્વમંચ પર ડંકો વગાડી રહી છે, પણ મેરીકોમની સફળતા અને સંઘર્ષ સવિશેષ છે. મેરી કોમ સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં સમર્પણ, ત્યાગ, આત્મવિશ્ર્વાસ અને દૃઢ ઇચ્છાશક્તિ હોય તો તમને આગળ વધતાં કોઈ રોકી શકે નહીં.