ઘૂમો દેશ-દુનિયા સારી... સર્વક્ષેત્રે અગ્રેસર તો ગુર્જર નારી...

    ૦૪-નવેમ્બર-૨૦૧૭
 
ભારતના બંધારણે પુરુષ કે સ્ત્રીના લીંગભેદ વિના સૌને સમાન અધિકારો આપ્યા છે. ગુજરાત સરકારે મહિલાઓના બંધારણીય અધિકારોના સંદર્ભમાં મહિલા અને બાળવિકાસ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના ક્રિયાન્વયનને કારણે ગુજરાતની મહિલાઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, ઉદ્યોગ સાહસિકતા વગેરે જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. ગુજરાત સરકારે મહિલાઓના સર્વાંગીણ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતનાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સરકારની યોજનાઓ સંખ્યાત્મક અને ગુણાત્મક બંને દૃષ્ટિએ વધુ પરિણામલક્ષી સિદ્ધ થઈ છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકલ્યાણ માટે ચલાવાતી કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓ નીચે પ્રમાણે છે :
 • બેટી બચાવો
 • બાલિકા સમૃદ્ધિ યોજના
 • કિશોરી સશક્તિ યોજના
 • સ્વયંસિદ્ધા યોજના
 • વિધવા સહાય અને તાલીમ યોજના
 • મહિલા વૃદ્ધાશ્રમ
 • સખી મંડળ યોજના
 • કૃષિ તાલીમ યોજના
 • નારી અદાલત
 • મત્સ્યોદ્યોગ સાહસિક યોજના
 • સરસ્વતી સાધના યોજના
 • સાત ફેરા યોજના
 • કુંવરબાઈનું મામેરું યોજના
 • બચત અને રોકાણ મંડળો
 • જેન્ડર ઇક્વાલિટી પોલિસી
 • મિશન મંગલમ્
આ યોજનાઓ ઉપરાંત મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે ગુજરાત સરકારે કુટુંબ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, ન્યાય અને સમાનતા જેવી બાબતો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઘરેલું હિંસા, મહિલાને સંપત્તિમાં અધિકાર, દહેજ તથા જાતિય સત્તામણી સામે રક્ષણ વગેરે મહિલાઓને સ્પર્શતી બાબતો માટે પણ ગુજરાત સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ અસરકારક પગલાં લે છે. ટૂંકમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે જાતિય સમાનતાને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકારે મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ, સર્વ ક્ષેત્રમાં સમાન તકો તથા બંધારણીય સ્વાતંત્ર્ય અને અધિકારો માટે અનેક પગલાં ભર્યાં છે, જેના પરિણામે ગુજરાતની મહિલા આજે વિકાસના સર્વક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. નેતૃત્વ ક્ષેત્રે પણ ૮૩૧ સમરસ ગામોમાં મહિલા સરપંચો યોગદાન આપી રહી છે. મહિલા-બાળવિકાસ માટેની ગુજરાત સરકારની આ યોજનાઓ સર્વ વર્ગની મહિલાઓને આવરી લે છે, જેમ કે ગ્રામીણ મહિલાઓ માટે સખી મંડળ યોજના, શહેરી મહિલાઓ માટે બચત અને રોકાણ મંડળી, અનુ. જાતિ-જનજાતિની મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે મત્સ્યોદ્યોગ યોજના, કૃષક પરિવારની મહિલાઓ માટે કૃષિ તાલીમ યોજના, ગરીબી રેખાથી નીચેના પરિવારોની મહિલાઓ માટે ચિરંજીવી યોજના, સંતાનો દ્વારા ઉપેક્ષિત વૃદ્ધ મહિલાઓ/માતાઓ માટે મહિલા વૃદ્ધાશ્રમ, મહિલા સશક્તિકરણ માટે સ્વયં સિદ્ધા યોજના - આ પૈકીની ઘણી બધી યોજનાઓનો દેશમાં સૌપ્રથમ આરંભ કરાવનારું રાજ્ય ગુજરાત છે. એ આપણા માટે ગૌરવની બાબત છે.
ગુજરાત સરકારની મહિલા અને બાળકલ્યાણની આવી અનેકવિધ યોજનાઓના પરિણામલક્ષી ક્રિયાન્વયનને કારણે આજે ગુજરાતની મહિલા વિકાસનાં સર્વક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે અને ગુજરાતને વિકાસના માર્ગે અગ્રેસર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, પરંતુ આ બધામાં મહિલા સુરક્ષા માટે પણ ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. માત્ર મહિલાઓની સુરક્ષા માટે સરકારે ૨૫ મહિલા પોલીસ સ્ટેશન તથા ૮ મહિલા સેલની રચના કરી છે. સરકારની આ બધી યોજનાઓના પરિણામે ગુજરાતની મહિલા આજે વૈશ્ર્વિક પડકારોને પહોંચી વળવા સક્ષમ બની રહી છે. આથી જ કહી શકાય કે ઘૂમો દેશ દુનિયા સારી, સર્વક્ષેત્રે અગ્રેસર તો ગુર્જર નારી...