વંચિતોનો વિકાસ વધુ વેગવાન

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
ગુજરાતના જૂનાગઢના નાનકડા ગામ લાઠોદરાની વંચિત પરિવારમાં જન્મેલી દીકરી હેતલ સોંદરવા આજે પાયલોટ બનીને આકાશને આંબી રહી છે. હેતલે ગુજરાતની પ્રથમ અનુસૂચિત જાતિની મહિલા પાયલોટ બનીને એ સાબિત કરી દીધું છે કે, આજે વંચિતો પણ મુખ્ય ધારામાં આવી ગયા છે. ગાંધીજીએ આઝાદીની ચળવળ વેળાએ તો ખૂબ પહેલાંથી અસ્પૃશ્યતા નિવારણ ઉપર ભાર મૂકીને સમાજના પછાત રહી ગયેલા અંગને સમાજની મુખ્ય ધારામાં ભેળવવા હિમાયત કરી હતી.
આપણા બંધારણની કલમ ૪૬માં પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યે વિશેષ કાળજી લઈને સમાજના નબળા વર્ગોના ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિત માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને સામાજિક તથા બધા પ્રકારના શોષણ સામે રક્ષણ આપવું જોઈએ.
કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી આ બંધારણીય આદેશનું પાલન કરવા માટે અને અનુસૂચિત જાતિના લોકોનો ઝડપી સામાજિક તથા આર્થિક વિકાસ કરવા માટે સતત પ્રયાસો થતા રહે છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં શિક્ષણ, આર્થિક ઉદ્ધાર, આરોગ્ય, રોજગાર સહાય, વ્યાવસાયિક તાલીમ અને સહાય, આવાસ વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે. કલ્યાણકારી યોજનાઓ દ્વારા તેમનું જીવનધોરણ ઊંચું લાવવા માટે અને તેમને આજીવિકાની તકો પૂરી પાડવા માટે વિવિધ પ્રકારના પ્રકલ્પો રાજ્ય સરકારે અમલમાં મૂક્યા છે. સરકાર તરફથી તેમને મળતા લાભો ઘરેબેઠા અને હાથોહાથ પહોંચાડવામાં આવી રહ્યા છે.
મહાત્મા ગાંધીએ ‘ગ્રામ સ્વરાજ’ પુસ્તકમાં સમાજના છેવાડાના માણસો-વંચિતો માટે નિસ્બત રાખીને કહ્યું છે કે, એ જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજનું, જેમાં ઊર્ધ્વગામી વિભાગો બિલકુલ ન હોય પણ સમાંતર વિભાગો હોય તથા જેમાં કોઈ ઊંચું કે કોઈ નીચું ન હોય, એવા સમાજનું ચિત્ર હતું. એમાં બધી સેવાઓનો દરજ્જો સમાન હશે તથા તેને માટે એક સરખું વેતન હશે, જેમની પાસે વધારે હશે તેઓ પોતાના એ લાભનો ઉપયોગ પોતાના માટે નહીં કરે, પણ જેમની પાસે ઓછું હોય તેમની સેવા ટ્રસ્ટી તરીકે કરશે. ગાંધીજીના વિચારને જાણે ગુજરાતે સાકાર કર્યો હોય તેમ સ્પષ્ટ દેખાય છે. કારણ કે આજે ગુજરાતના વંચિતો વધુ સાક્ષર અને સમૃદ્ધ બન્યા છે. મહાત્મા ગાંધીના ‘સર્વોદય’ની વિચારધારા મુજબ તો સમાજનો છેવાડાનો માનવી જ્યારે એમ કહે કે હવે હું સુખી છું ત્યારે સર્વોદય થયો કહેવાય અને ત્યારે જ અંત્યોદય થયો કહેવાય. મહાત્મા ગાંધીની સર્વોદયની આ ઝંખના ગુજરાતમાં પૂરી થાય છે. રાજ્ય સરકારના સઘન અને સતત પ્રયાસો થકી અનુસૂચિત જાતિના બાંધવોનો આજે સર્વગ્રાહી વિકાસ થયો છે. વર્ષ ૨૦૧૭ના બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે તે દર્શાવે છે કે, સરકાર વંચિતોની દરકાર કરે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા માટે કુલ રૂ. ૨,૮૫૭ કરોડની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી છે.

 
 • કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ તમામ લાયક લાભાર્થીઓ માટે સહાયનું ધોરણ રૂ. ૧૦,૦૦૦ થી વધારી રૂ. ૧૨,૦૦૦ અને વાર્ષિક આવક મર્યાદામાં રૂ. ૧ લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમૂહલગ્નોના આયોજકોને યુગલ-દીઠ આપવામાં આવતી રૂ. ૨,૦૦૦ની સહાય પણ મળશે.
 • કડી અને ગાંધીનગર ખાતે છોકરાઓ માટે અને લુણાવાડા ખાતે છોકરીઓ માટે છાત્રાલયનાં મકાનોના બાંધકામ માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • અનુસૂચિત જાતિના ઉમેદવારોને સરકારી અધિકારી અને કર્મચારીની ભરતી માટે સજ્જ કરવા ખાસ તાલીમ યોજવા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • વિવિધ સરકારી નિગમો મારફત અનુસૂચિત જાતિના લાભાર્થી-ઓને લોન માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિકસતી જાતિઓનું કલ્યાણ
 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અગરિયાની ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૯ના વધારાના વર્ગો શરૂ‚કરવા માટે રૂ. ૮ કરોડની જોગવાઈ કરવામાં આવી.
 • વિકસતી જાતિઓના વિવિધ નિગમોના લાભાર્થીઓને લોન આપવા માટે ‚રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી.
સમાજ-સુરક્ષા
 • સમાજ-સુરક્ષા માટે કુલ ‚રૂ. ૭૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • દિવ્યાંગો અને વયોવૃદ્ધ નાગરિકોને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી રૂ. ૭૩.૫૦ કરોડના વધારાના ખર્ચ સાથે સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
 • ૮૦ વર્ષની વય સુધીના વરિષ્ઠ નાગરિકોનું માસિક પેન્શન રૂ. ૪૦૦થી વધારીને રૂ. ૫૦૦ તથા ૮૦ વર્ષથી વધારે વયના વરિષ્ઠ નાગરિકોનું માસિક પેન્શન રૂ. ૭૦૦થી વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવ્યું છે.
 • આ ઉપરાંત, દિવ્યાંગોના કલ્યાણ માટે નવા નિગમની સ્થાપના કરવામાં આવશે. તે માટે શરૂઆતના શૅરમૂડી ફાળા પેટે રૂ. ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
 • દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી સહાય રૂ. ૪૦૦થી વધારીને રૂ. ૫૦૦ કરવામાં આવી.
 • દિવ્યાંગો માટેની સ્વાવલંબન આરોગ્ય વીમા યોજના અંતર્ગત આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • તમામ સમાજ સુરક્ષા સરકારી સંસ્થાઓને CCTV કૅમેરાથી આવરી લેવામાં આવશે, જે માટે રૂ. ૧.૫૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.