તેમાં જ આપણા સૌનું કલ્યાણ છે

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
 
સ્વામી દયાનંદ સરસ્વતી એક વખત ફરુખાબાદના પ્રવાસે હતા. તે દરમિયાન એક કથિત નીચી જાતિનો ગરીબ વ્યક્તિ સ્વામીજી માટે ભોજન લઈ આવે છે. સ્વામીજીએ ખૂબ જ ભાવપૂર્વક એ ભોજન ગ્રહણ કર્યું. આ જોઈ તેમની સાથે રહેલાં બ્રાહ્મણોને ખૂબ જ ખોટુ લાગ્યું. તેઓએ કહ્યું તમે અમારા જેવાં બ્રાહ્મણોએ લાવેલ ભોજન છોડી એક મજૂર, નીચી જાતિના વ્યક્તિના ઘરનું ભોજન લીધું. આ ભોજનથી તમને ભ્રષ્ટ થઈ જવાનો ડર ન લાગ્યો ?
 
સ્વામીજીએ કહ્યું પહેલા મને એ જણાવશો કે અન્ન અને જળ દૂષિત કેવી રીતે થાય છે ? ભૂદેવો એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા.
 
સ્વામીજીએ કહ્યું, જવાબ નથી ને ? તો સાંભળો અન્ન અને જળ બે રીતે દૂષિત થાય છે. એક એ અન્ન જ્યારે અન્યને દુ:ખી કરી મેળવેલું હોય અને બીજું તેમાં કોઈ મલિન (ગંદી) વસ્તુ પડી જાય, પરંતુ આ બિચારાનું અન્ન આ બન્ને શ્રેણીઓમાં નથી આવતું. ઉલટાનું આ અન્ન તે, તેણે સખત મજૂરી કરી કમાયેલ પૈસાથી ખરીદેલું છે તે દૂષિત કઈ રીતે હોઈ શકે અને તેને ખાવાથી તે કોઈ ભ્રષ્ટ થઈ શકે ? હકીકત એ છે કે જ્યારે આપણુ મન મલિન હોય છે ત્યારે અન્યની ગમે તેવી શુદ્ધ પવિત્ર વસ્તુ પણ આપણને મલિન જ દેખાય છે. આ પ્રકારનું આચરણ આપણને વધુ મલિન બનાવે છે. માટે આપણે માણસ-માણસના ભેદભાવ મિટાવી ખુદના મનને દૂષિત થતું અટકાવવું જોઈએ. તેમાં જ આપણા સૌનું કલ્યાણ છે.