મહાત્માજીની બિલાડી

    ૦૮-નવેમ્બર-૨૦૧૭


 

 

એક મહાત્મા જંગલમાં આશ્રમ બનાવી તેમના શિષ્યો સાથે રહેતા હતા. એક દિવસ રસ્તો ભટકેલ બિલાડીનું બચ્ચું આશ્રમમાં આવી ચડ્યું. મહાત્માજીએ દયાવશ બિલાડીના બચ્ચાને પાળ્યું. પરંતુ જ્યારે મહાત્મા ધ્યાનમાં બેસતા ત્યારે તે ક્યારેક તેમના ખોળામાં તો ક્યારેક ખભે ચડી જઈ તેમને હેરાન કરતું. છેવટે બિલાડીના બચ્ચાને ધ્યાન અને કીર્તનમાં બેસતા પહેલાં ઝાડ સાથે બાંધી દેવાનું નક્કી થયું. સમય જતાં મહાત્માનો સ્વર્ગવાસ થયો અને તેમનો પ્રિય શિષ્ય ગાદીએ બેઠો. એક દિવસ બિલાડીનું બચ્ચું પણ મૃત્યુ પામ્યું. શિષ્યોની સભા ભરાઈ, સ્વામીજી બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બાંધ્યા વગર ધ્યાનમાં બેસતા હતા. નક્કી થયા પ્રમાણે ગમે ત્યાંથી બિલાડીના બચ્ચાને શોધી લાવવામાં આવ્યું. તેને ઝાડ સાથે બાંધવામાં આવ્યું અને મહાત્માજી ધ્યાનમાં ભેઠા. ત્યારથી આજ સુધી જાણે કેટલીય બિલાડી અને મહાત્માનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ આજે પણ આશ્રમમાં મહાત્માજી જ્યાં સુધી બિલાડી ઝાડ સાથે બંધાય ત્યાં સુધી ધ્યાનમાં બેસતા નથી. કોઈ શાણો માણસ પૂછે છે, તો કહેવાય છે અમારા ગુરુજી પણ આમ કરતા. અમારી પરંપરા છે. તે ખોટી હોઈ શકે.

તો વાત હતી તે મહાત્માની પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા સૌએ પણ એક નહીં એવી અનેક બિલાડીઓ પાળી રાખી છે. સેંકડો વર્ષોથી આપણે કેટલાંક સ્વાર્થી તત્ત્વો દ્વારા નિર્મિત કુરિવાજોને પરંપરાના નામે નિભાવ્યે જઈએ છીએ. જરૂરત છે પરંપરાઓ અને અંધવિશ્ર્વાસ પર આંખો બંધ કરીને વહન કરતા પહેલાં તેના પર વિચાર કરવાની.