@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ પ્રથમ વિધાનસભા ચૂંટણીની રસપ્રદ વાતો

પ્રથમ વિધાનસભા ચૂંટણીની રસપ્રદ વાતો


 
 
આઝાદી બાદ જ્યારે પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા થઈ ત્યારે તો પ્રજામાં આનંદ અને ઉત્સાહનો માહોલ હતો. વળી, સૌરાષ્ટ્ર તો એ વખતે અલગ રાજ્ય હતું, ત્યારે તેમાં થયેલી વિધાનસભાની ચૂંટણી લોકશાહીનું પ્રથમ પગથિયું હતું. નવી નવી આઝાદી હતી ને કેટલીક જૂની પરંપરા હતી, એમાં સૌરાષ્ટ્ર રાજ્યમાં જ્યારે આ ચૂંટણી યોજાઈ ત્યારે અનોખું વાતાવરણ હતું !
 
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કાઠિયાવાડ
 
ગુજરાત આર્કાઇવ્ઝ-વેસ્ટ સર્કલમાં કેટલાંક જૂનાં પુસ્તકો અને દસ્તાવેજી આધારોની ચકાસણી કરવામાં આવી તો તેમાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી. દેશ આઝાદ થયો એ પછી કાઠિયાવાડના પ્રિન્સલી સ્ટેટ્સે "યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડનું કરારનામું કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની સૂઝબૂઝથી દેશી રજવાડાનું ભારતમાં વિલીનીકરણ થયું એ બાદ સૌરાષ્ટ્ર સરકારના પ્રમુખ જામસાહેબ અને પુષ્પાવતીબેન મહેતાના અધ્યક્ષસ્થાને શ્રી સૌરાષ્ટ્ર બંધારણસભાની રચના થઈ હતી, જેની પણ ચૂંટણી થઈ હતી. આ બંધારણસભાની બેઠકની નોંધ આર્કાઇવ્ઝમાં જોવા મળે છે.
 
આ વખતે માત્ર ૩૦૧ ગ્રામ પંચાયતો
 
સૌરાષ્ટ્ર રાજ્યની કામગીરીનો પ્રારંભ સરદાર વલ્લભભાઈ પટેલે ૧૫મી ફેબ્રુઆરી-૧૯૪૮ના રોજથી શ‚ કરાવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરની શપથવિધિ થઈ હતી. આમ તો એ પહેલાં દેશી રજવાડાંઓમાં પણ ગ્રામ પંચાયતો અમલમાં હતી. સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્ર વિલેજ પંચાયત ઓર્ડિનન્સ વટહુકમ લાવી પંચાયતીરાજની સ્થાપના કરી હતી. એ વખતે ૩૦૧ જેટલી ગ્રામ પંચાયતો હતી. જેમાં ૨૦૦૦થી વધુ ગામોમાં સર્વાનુમતે પંચાયતની રચના કરવામાં આવતી હતી. વળી, કેટલાંક રાજ્યોમાં નગરપંચાયતો પણ હતી. જો કે, એમાં મતદારોની સક્રિય ભાગીદારી નહોતી. એટલે અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શન હતું !! વળી, મતદારયાદીમાં પણ એટલી ચોક્કસાઈ રાખવામાં આવતી નહોતી!!! ભાવનગર સ્ટેટમાં ૧૩૧, જસદણ સ્ટેટમાં ૩૮ જેટલી અને પોરબંદર સ્ટેટમાં પણ ગ્રામ પંચાયતો હતી. પણ જ્યારે, દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટું કાર્ય હતું સ્વતંત્ર રીતે ચૂંટણી કરાવવાનું !
 
લોકોને સમજાવી તેમના નામ મતદાર તરીકે દાખલ કરવામાં આવ્યા
 
ઉપલબ્ધ વિગતો મુજબ એ વખતે સૌથી મોટું કાર્ય હતું મતદાર નોંધણીનું. આ કામગીરી ગામના પોલીસ પટેલ, કોટવાળ, વિલેજ ઓફિસર એટલે કે તલાટી મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, સોરઠ જેવા જિલ્લા હતા. વર્તમાન સૌરાષ્ટ્રનો બાકીનો પ્રદેશ મુંબઈ દ્વિભાષી રાજયમાં સમાવિષ્ટ થતો હતો. પ્રથમ મતદારયાદી તૈયાર કરવાનું કાર્ય પણ મહેનત માંગી લે તેવું હતું. લોકોને સમજાવી તેમનાં નામ મતદાર તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં. લોકો માટે પણ ચૂંટણી નવી હતી, એટલે તેમાં સાશ્ર્ચર્ય આનંદ હતો. સૌરાષ્ટ્રમાં આવી રીતે સિંગલ મેમ્બર ૧૫,૩૦,૭૬૫ અને ડબલ મેમ્બર ૩,૦૯,૧૨૫ મતદારોની નોંધણી થવા પામી હતી. કુલ ૧૮,૩૯,૮૯૦ મતદારો પ્રથમ મતદારયાદીમાં નોંધાયા હતા. અહીં સિંગલ મેમ્બર એટલે વિધાનસભાના મતદારો એવું થાય છે. ૧૯૫૨માં સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર લોકસભા માટે પણ ચૂંટણી કરવામાં આવી હતી. વળી, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન સ્લીપ અને મતપેટીને કલર કોડ આપવામાં આવ્યા હતા. સમગ્ર ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી એમ.કે. ચીટણવીસના માર્ગદર્શન નીચે યોજાઈ હતી.
 
ઢોલની દાંડી પીટીને પ્રચાર
 
ચૂંટણી માટે મતદાર જાગૃતિનું કાર્ય એટલું જ અગત્યનું હતું. મતદાર જાગૃતિ માટે ગામડામાં સાદ પાડવામાં આવતો હતો અને ઢોલ પર દાંડી પણ પીટવામાં આવતી હતી. શહેરી મતદારો માટે ઠઠ્ઠાચિત્રો સાથે એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી, જેમાં મતદાન કેવી રીતે કરવું એનું કાર્ટૂન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વળી, પ્રતિપ્રેષક અધિકારી, એટલે કે રિટર્નિંગ ઓફિસર માટે માર્ગદર્શક બુક પ્રકાશિત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા સમાહર્તા વા.ગો. સુભેદાર દ્વારા પ્રકાશિત આ પ્રકારની પુસ્તિકામાં પ્રતિપ્રેષક અધિકારીઓને કઈ રીતે ચૂંટણી કરવી એની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદાનમથકોમાં કેવી વ્યવસ્થા કરવી, કોને અંદર પ્રવેશવા દેવા, પ્રતિપ્રેષક અધિકારીએ કઈ તકેદારી રાખવી અને કઈ કલમ હેઠળ કામગીરી કરવી એ બાબતોનો એ પુસ્તિકામાં સમાવેશ થતો હતો. ગુજરાતી ભાષામાં પ્રકાશિત આ પુસ્તિકા એ વખતે અધિકારીઓ માટે ચૂંટણી ગીતા ગણાઈ હતી.
 
૨૨૨ ઉમેદવારો ચૂંટણી લડ્યા
 
ચૂંટણીમાં પણ જોરદાર ઉત્સાહ પ્રવર્તતો હતો. નવ જેટલા રાજકીય પક્ષોએ એમાં ભાગ લીધો હતો. પ્રથમ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૫૫ બેઠકો માટે ૨૮૭ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, તેમાંથી ૧૨ ઉમેદવારોના નામાંકન પત્રો રદ થયાં હતાં. જયારે, ૫૫ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. આખરે ૨૨૨ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ૪૪.૨૮ ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ ચૂંટણીમાં ઢેબરભાઈ ઉપરાંત પંચાયતીરાજના પ્રણેતા બ.ગો. મહેતા, સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ મગનભાઈ જોશી, રતુભાઈ અદાણી, ઘનશ્યામભાઈ ઓઝા, જયાબહેન શાહ જેવાં આગેવાનો પણ ચૂંટાઈ આવ્યાં હતાં.
પ્રથમ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૫૫ બેઠકો માટે ૨૮૭ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, તેમાંથી ૧૨ ઉમેદવારોના નામાંકન પત્રો રદ થયા હતા.