આતંકીસ્તાનને પાઠ ભણાવવાની અમેરિકાની તારીખ પે તારીખ !

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને બે બાબતની ચેતવણી આપી હતી કે, શક્ય એટલા જલદી આતંકવાદીઓ વિનાનું પાકિસ્તાન બનાવો અને અફઘાની તાલિબાનોને ટેકો આપવાનું બંધ કરી દો ! પરંતુ એ ચેતવણી આપ્યા પછીના ૧૦૦ દિવસમાં પાકિસ્તાને તે બાબતે એક પણ પગલું ભર્યું નથી.
હાફીઝ સૈયદે એવો સંકેત આપ્યો છે કે પાકિસ્તાનના કેટલાક ધાર્મિક કટ્ટરવાદીઓમાં પોતે ઘણો પ્રભાવ ધરાવે છે અને તેથી જ તે ૨૦૧૮ની સામાન્ય ચૂંટણી લડશે.
અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયા માટે ઘડી કાઢેલી નવી નીતિને પૂરા એકસો દિવસ થયા. ઑગસ્ટ મહિનામાં જાહેર કરેલી એ નીતિ વખતે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને બે બાબતની ચેતવણી આપી હતી કે, શક્ય જલદી આતંકવાદીઓ વિનાનું પાકિસ્તાન બનાવો અને અફઘાની તાલિબાનોને ટેકો આપવાનું બંધ કરી દો ! પરંતુ એ ચેતવણી આપ્યા પછીના ૧૦૦ દિવસમાં પાકિસ્તાને તે બાબતે એક પણ પગલું ભર્યું નથી. ‘શિશુપાલની સો ગાળ’ પૂરી થઈ પછી શ્રીકૃષ્ણએ સુદર્શનચક્ર છોડીને તેનો શિરચ્છેદ કર્યો હતો, કંઈક એ જ રીતે ડૉનાલ્ડ ટ્રમ્પે પણ સો દિવસ પૂરા થયા કે તરત જ તેમના સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસને પાકિસ્તાન મોકલ્યા છે, જેનો મુખ્ય મુદ્દો એ જ છે કે, પાક. ‘ટેરરિસ્ટ સેઇફ હેવન’ તો ન જ રહેવું જોઈએ ! શ્રીકૃષ્ણએ તો સુદર્શનચક્ર છોડીને બ્રહ્માંડમાં ધાક બેસાડી દીધી હતી. ટ્રમ્પ પાસે એવું કયું ચક્ર છે ? મુંબઈના ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદને ફરી પકડીને જેલમાં નાખવા કરેલી માગણીનો પાકિસ્તાને અમલ ન કરતા, અમેરિકાને વધુ ગુસ્સો આવ્યો છે. મેટિસ એ અંગે જ સરકાર સાથે, નાગરિકો સાથે, વડપ્રધાન શાહિદ અબ્બાસી સાથે અને લશ્કરી વડા ઓમર જાવેદ બાજવા સાથે વાટાઘાટો કરશે, મેટિસે ઇજિપ્ત, જોર્ડન, કુવૈત અને પાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસે આવતા પહેલાં જ હેતુ સ્પષ્ટ કરી દીધો છે કે, અમારા વચ્ચે ‘કોમન ગ્રાઉન્ડ’ છે, પણ અફસોસની વાત એ છે કે, એવું જ ‘કોમન-ગ્રાઉન્ડ’ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે પણ બનાવી રાખ્યું છે. મેટિસની મુલાકાતથી પાકિસ્તાન થોડું સમસમી ગયું છે. બાજવાએ કહ્યું છે કે, અમે પણ ઇચ્છીએ છીએ કે પાકિસ્તાનની ઓળખ ‘આતંકવાદીઓના સ્વર્ગ’ તરીકે દૂર થવી જોઈએ. અમે તે અંગે અમેરિકા સાથે રહીને શું કરી શકીએ તે અંગે જરૂર ચર્ચા કરીશું, પણ માથાસાટે માથાની માફક ‘સહકાર સામે સહકાર’ની શરત તો રહેશે જ. ટંગડી ઊંચી તે... આનું નામ ! પરંતુ યુએસની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર પોમ્પીઓએ વોઈસ ઑફ અમેરિકા રેડિયો પર સ્પષ્ટ કહ્યું છે કે, મેટિસ, પ્રમુખ ટ્રમ્પનો સંદેશો લઈને પાકિસ્તાન જાય છે, કે ટ્રમ્પ આતંકવાદીઓ વિરોધી પગલાંની માગણીના અમલ માટે અત્યંત ગંભીર છે. ટ્રમ્પે ઑગસ્ટ મહિનામાં જ કહ્યું હતું કે, પાકિસ્તાન એ બાબતે ગંભીર નહીં થાય તો અમે પાકિસ્તાનને સહાય આપવાનું બંધ કરી દઈશું. અમે પાકિસ્તાનને બિલિયન ડૉલરની સહાય કરીએ છીએ અને એ અમે જે આતંકવાદીઓ સામે લડીએ છીએ તેને આશ્રય પૂરો પાડે છે. પાકિસ્તાને તરત જ બદલાવું પડશે. બસ, ટ્રમ્પ પાસે આ પ્રકારનું સુદર્શનચક્ર છે !
મેટિસ થોડી એવી પણ વાતો કરી રહ્યા છે કે, પાકિસ્તાન અને ભારતની એક જ સરહદ હોવા છતાં આર્થિક વેપાર નથી કરતા, જેના કારણે બંને બાજુના લોકો તેનો ફાયદો ગુમાવે છે. હવે આ પણ ન રહેવું જોઈએ. પરિસ્થિતિ અને વલણમાં બહુ ઝડપથી ફેરફાર થવો જોઈએ. મેટિસ તે અંગેની ચર્ચા પણ હાથ ધરવાના છે.
પણ પાકિસ્તાન વૈશ્ર્વિક આતંકવાદી હાફીઝ સઈદ અંગે હવે પછીનું કંઈ વિચારે તે પહેલાં પરવેઝ મુશર્રફે અગનગોળો ફેંક્યો છે. મુશર્રફ અગાઉ પણ લશ્કર-એ-તોયબા પ્રત્યે તેમનો પ્રેમ પ્રદર્શિત કરી ચૂક્યા છે, પણ હવે તો તેમણે એવી જાહેરાત કરી છે કે, તેઓ ૨૦૧૮માં આવી રહેલી પાકિસ્તાનની ચૂંટણી હાફીઝ સઈદને સાથે રાખીને લડશે ! આમ તો મુશર્રફનું મહાગઠબંધન તો તૂટીને ટુકડા થઈ ગયું છે, પણ હાફીઝ સૈયદે એવો સંકેત આપ્યો છે કે, પાકિસ્તાનના કેટલાક ધાર્મિક કટ્ટરવાદીઓમાં ઘણો પ્રભાવ ધરાવે છે અને તેથી જ તેણે એવો સંકેત આપ્યો છે કે, એ ૨૦૧૮ની સામાન્ય ચૂંટણી લડશે. એ જાહેર કરવાનું બાકી છે કે, તેઓ કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમનો મુખ્ય ચૂંટણી મુદ્દો કાશ્મીરને આઝાદ કરવાનો રહેશે, એવું તો તેણે જાહેર કરી જ દીધું છે.