વિચાર વૈભવ : ડિસેમ્બરનું પતંગિયું

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭

 
 
દિવાળી હોય કે ડિસેમ્બર, એની સુવાસ કાલાન્તરની છે. સમય બદલાય છે, કેલેન્ડર અને ઘડિયાળના ટહુકાઓ આપણા અસ્તિત્વને નવા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. ક્યાંકથી ઠંડા પવનો આવે છે અને આપણો આપણી શેરી સાથેનો સંબંધ બદલાઈ જાય છે.
હીંચકાનું હલવું ધીરે રહીને ઘડિયાળના લોલકમાં સંતાઈ જાય છે, સવારે બગીચાઓ ઊભરાઈ જાય છે. સ્વાસ્થ્યની શોધ કરવા નીકળેલી મનુષ્યતાનું આ ઋતુ અનુકૂલન મજાનું છે.
પણ બીજી તરફ જોઈએ તો અહંના પવનો અને ઠંડી-ગરમી પણ સમજવા જેવાં છે. મારા ‘અંધારપંખી’ કાવ્યમાં ‘ઈર્ષ્યા જાણે ઇયળ ચણવા આભથી ઊતરે છે.’ એવું લખ્યું ત્યારે ઘણા મિત્રોને ખૂબ ‘રોકડું-ડાયરેક્ટ’ વિધાન લાગેલું. પણ સહેજ જુદી રીતે જોઈએ તો બધું સમજાય છે. કો’ક ઠંડા પવન જેવા વાક્ય કે વર્તનથી સંબંધો કેવા બદલાઈ જાય છે. અચાનક જ નાક-કાન ઢાંકીને નીકળવું પડે છે, અચાનક જ જે રસ્તા પરથી રોજ જતા હતા ત્યાં ખાબોચિયું થઈ જતાં બીજે રસ્તે જવું પડે છે. કો’ક તેજસ્વી માણસની ઉપેક્ષા કે અપમાન આખા સંદર્ભને પ્રદૂષિત કરી મૂકે છે. જીવનભર એવી અહં-પ્રેરિત હરકતો માણસને વ્યક્તિગત જીવનમાં વ્યથિત અને જાહેર જીવનમાં પ્રદૂષિત કરી મૂકે છે. આની સામે તદ્દન હકારાત્મકતાની હવા લાગે તો વાત બદલાઈ જાય છે. માણસની અનુકૂલન શક્તિનો પરચો મળે છે, બીજાની શક્તિ અને સામર્થ્યને સ્વીકારવાની નમ્રતાનો અહેસાસ થાય છે અને સંવાદિતાનું સંગીત પ્રગટે છે, પ્રસરે છે. મનુષ્ય એ ભગવાને રચેલું પુષ્પ છે, એની કોમળતાની રક્ષા કરવી જોઈએ. એની કોમળતાને પામીને પવનને પ્રેમ કરવો જોઈએ. ઋતુઓને અવગણતા પણ ગણગણતા કોઈ ગાયક જેવા વૃક્ષ પાસે બેસીને પ્રેમનાં ગીત ગાવાં જોઈએ. કોઈ નદીના પાણી સાથે વાદળની વાત માંડવી જોઈએ, કોઈ દરિયામાં ડૂબેલા નદીના ગીતને વીણવા કલાકો સુધી સમુદ્રકાંઠે બેસી રહેવું જોઈએ.
હમણાં એક સરસ લઘુવાર્તા વાંચી. એક માણસ ઊંઘી જાય છે, એને સ્વપ્ન આવે છે. એ સ્વપ્નમાં પતંગિયું બની જાય છે. પતંગિયું ઉડાઉડ કરે છે, પતંગિયું સૃષ્ટિમાંથી રંગ ક્યારે ઉછીના લે છે તે ક્ષણ તો ઝડપાતી નથી, પેલો માણસ સ્વપ્નને ખૂબ આનંદે છે, થોડી અર્ધનિદ્રા સુધી આવીને પછી એ ઊઠે છે, થોડી વારમાં ઉદાસ થઈ જાય છે, એની પત્ની એને પૂછે છે, ‘કેમ ઉદાસ લાગો છો ?’ માણસ સ્વપ્નની વાત કરે છે, કહે છે, ‘મને ચિંતા એ વાતની છે કે મારું જીવન કોઈ પતંગિયાની સ્વપ્નકથા તો નથી ને ?’
અદ્ભુત કથા છે, આપણામાં રહેલા પતંગિયાને ઓળખવા જેટલી જાગૃતિ આવી જાય તો કેવી મજા પડે ?
હું હિંચકા પર બેઠો છું. એક પતંગિયું ઉડાઉડ કરે છે. મારી ઘડિયાળ જડતી નથી. કેલેન્ડર ઝાંખું પડી ગયું છે. તડકાનાં બે હરણ મારી સામે જોઈ રહ્યાં છે.