બંધનમુક્તિ

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૭
 
 
રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવતાં રાજા પરીક્ષિતને છ દિવસ થઈ ગયા. હવે ભવિષ્યવાણી મુજબ સાપના કરડવાથી તેમના મૃત્યુનો એક જ દિવસ બાકી હતો. ત્યારે પણ રાજા પોતાના નિશ્ર્ચિત મૃત્યુના ભય અને શોકમાં ડૂબેલા હતા. દરેક ક્ષણે કાલે તો મારું મૃત્યુ થવાનું છે એમ વિચારી દુ:ખી - બેચેન રહેતા.
સુખદેવજીએ પરીક્ષિતને એક વાર્તા સંભળાવી. રાજા, સાંભળ. ખૂબ જ જૂની વાત છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. સંયોગવશ તે માર્ગ ભૂલ્યો અને જંગલમાં ખોવાઈ ગયો. રાત થઈ હતી, ઉપરથી વરસાદ અને જાનવરોની ભયાનક ત્રાડો તેને ડરાવી રહી હતી. કોઈપણ પ્રકારે રાત્રિ પસાર કરવા ગમે તેવું સ્થાન મળી જાય તેવા વિચારમાં તેની નજર એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીમાં ખૂબ ગંદો બીમાર વ્યક્તિ રહેતો હતો. બીમારી અને ગંદકીને કારણે ભયંકર દુર્ગંધ પ્રસરેલી હતી. પહેલાં તો તે અચકાયો પરંતુ અન્ય કોઈ ઠેકાણું ન હોવાથી તે પેલા બીમાર વૃદ્ધને આશરો આપવા વિનંતી કરવા લાગ્યો. પેલા વૃદ્ધે કહ્યું, રાજા, આ જગ્યા તમારા લાયક નથી. રાજા ન માન્યો અને કહ્યું કે મારી મજબૂરી છે માટે અહીં રહેવું પડશે. સવાર થતાં જ ચાલ્યો જઈશ, પરંતુ સવાર થતાં રાજા ત્યાંથી ગયો નહીં.’ આ સાંભળી પરીક્ષિત રાજા બોલ્યો, કેવો મૂર્ખ રાજા કહેવાય ? એવી ગંદી જગ્યાએ તો કંઈ રહેવાય ? સુખદેવજીએ કહ્યું, ‘પરીક્ષિત, એ મૂર્ખ તું જ છે. મળમૂત્રભર્યા શરીરરૂપી આ કોટડીને છોડવાથી ડરી રહ્યો છે. તારું આયુષ્ય પૂરું થવા છતાં પણ શરીર છોડવામાં આનાકાની કરી રહ્યો છે.’ પરીક્ષિતને ગીતાજ્ઞાન થયું અને બંધનમુક્તિ માટે સહર્ષ તૈયાર થઈ ગયા.