પડોશ : નેપાળમાં સામ્યવાદી સરકાર, ભારત સામે કૂટનૈતિક પડકાર

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
વિશ્ર્વના રાજદ્વારી મંચ પર પોતાનો પ્રભાવ સતત મજબૂત કરી રહેલા ભારતને તેના પડોશમાં સતત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન, પાકિસ્તાન, લંકાથી ભારતને વિવિધ મુશ્કેલીઓ છે જ, ત્યારે હવે નેપાળમાં પણ ફરી ભારતવિરોધી વલણ ધરાવતી ડાબેરી સરકાર રચાય એવાં ચૂંટણી પરિણામોએ આપણી ચિંતામાં સારો એવો વધારો કર્યો છે. નેપાળમાં ફરી એક વખતે કે. પી. ઓલી વડાપ્રધાન બને એવી શક્યતા સામે આવતાં ભારત માટે પડકારભરી રાજદ્વારી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઓલીના વડાપ્રધાનપદના અગાઉના કાર્યકાળ દરમ્યાન ભારત અને નેપાળના સંબંધોમાં ખટાશ આવી હતી. તે સમયે ઓલી ચીનની તરફ ઢળ્યા હતા અને આ વખતે તેનું પુનરાવર્તન ન થાય તેના માટે ભારતે જાગતા રહેવું પડશે. તે સમયે ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુનિફાઈડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ)નું પુષ્પકમલ દહલ-ઉર્ફે પ્રચંડની કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓઇસ્ટ સેન્ટર) સાથે જોડાણ હતું. જો કે, પ્રચંડે આ જોડાણનો અંત આણીને નેપાળી કોંગ્રેસની સાથે હાથ મિલાવીને નવી સરકાર રચી નાખી હતી. નવી સરકારે ભારત સાથેના સંબંધો સુધાર્યા હતા, પણ આ વખતે ફરી એક વખત ચૂંટણીઓમાં પ્રચંડ અને ઓલીના રાજકીય પક્ષોએ હાથ મિલાવીને ભારે બહુમતી હાંસલ કરી છે. સામ્યવાદી પક્ષોના આ જોડાણમાં ઓલીના પક્ષને વધુ બેઠક મળી છે અને સંસદ ઉપરાંત દેશના સાતમાંથી છ પ્રાંતોમાં આ સામ્યવાદી જોડાણ સત્તા હાંસલ કરે એવા પરિણામ સામે આવી રહ્યાં છે. ભારતને સમર્થન આપી રહેલી નેપાળી કોંગ્રેસ બહુ પાછળ રહી ગઈ છે. વળી, મધેસીઓના રાજકીય પક્ષો ગત ચૂંટણીની સરખામણીએ સારા દેખાવ છતાં સંસદની કાર્યવાહીમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ જણાતું નથી. આમ, નવા કાર્યકાળમાં ઓલી એક મજબૂત વડાપ્રધાન તરીકે સત્તા સંભાળશે એ વાત નક્કી છે. આવામાં તેઓ ચીન તરફી તેમના વલણને વધુ બેરોકટોક બનીને અમલમાં મૂકશે એવી આશંકા અત્યારથી વ્યક્ત થઈ રહી છે. આ બધાથી વિશેષ તો નવા બંધારણમાં અમુક જોગવાઈઓની સામે મધેસીઓને જે ફરિયાદ છે તેનો નવી સરકારે યોગ્ય ઉકેલ આણવો અનિવાર્ય બની રહેશે. આ અગાઉ ૨૦૧૫માં બંધારણ અમલમાં આવ્યું તે પછી મધેસીઓએ તેમના વાંધા અંગે ભારે આંદોલન છેડ્યું હતું. ભારતમાંથી જીવનજ‚રી ચીજોના પુરવઠા પર ભારે નિર્ભર રહેતા નેપાળની સરહદે મધેસીઓએ મહિનાઓ સુધી ચક્કાજામ કર્યા હતા. આ આંદોલનને લીધે તે સમયે ભારત અને નેપાળ સરકાર વચ્ચે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. તે સમયે ઓલી અને પ્રચંડે આ આંદોલનની પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. ઓલીએ તે પછી ચીનની સાથે મિત્રતા ગાઢ બનાવવા પગલાં લેવાની શ‚આત કરી હતી. જો કે, પાછળથી નેપાળ સરકારને ભાન થયું કે મધેસીઓની ઉપેક્ષા અને ભારતવિરોધી વલણથી કોઈ ફાયદો થાય તેમ નથી, ઊલટું લોકોની તકલીફો વધે છે.
જો કે ભારત માટે રાહતની ખબર એ છે કે, ભલે ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસ ત્રીજા નંબરે ફેંકાઈ ગઈ હોય, પરંતુ અપ્રત્યક્ષ ચૂંટણીમાં તેને વધુ બેઠકો મળવાની આશા છે. નેપાળી સંસદમાં ૧૧૧ બેઠકો અપ્રત્યક્ષ ચૂંટણી થકી ભરવામાં આવે છે. એટલું જ નહીં સૌપ્રથમ વખત ૨૧ મધેશી નેતા પણ સંસદ પહોંચી રહ્યા છે. એવામાં ઠીક-ઠીક મજબૂત કહી શકાય એવો વિપક્ષ વામપંથી દળોની મનમાની રોકવામાં કારગર સાબિત થઈ શકે છે.
ભારત નેપાળ વચ્ચેના સંબંધો માત્ર સરકાર-સરકાર વચ્ચેના ક્યારેય નથી રહ્યા. આમજનતા વચ્ચેના પારસ્પરિક સંબંધો પણ એટલા જ છે. નેપાળની રાજનીતિ, સમાજ અને ધર્મમાં ભારતની મુખ્ય ભૂમિકા રહી છે. આ તથ્યને નજરઅંદાજ ન કરી શકાય.
ભારતની મધ્યસ્થી જ ૨૦૦૬માં નેપાળમાં પ્રચંડના નેતૃત્વમાં સરકાર બની હતી. પ્રચંડના નેતૃત્વને સમર્થન આપવા માટે ભારતે જ તેની સમર્થક ગણાતી નેપાળી કોંગ્રેસને તૈયાર કરી હતી.
આ સિવાય ભારત તરફથી નેપાળના વામપંથીઓને વ્યક્તિગત સંબંધોને આધારે સાધવાની કોશિશ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામમાધવનાં કે. પી. ઓલી સાથે વ્યક્તિગત રીતે ખૂબ જ સારા સંબંધો હોવાનું કહેવાય છે. વામપંથી દળોની જીત મળતાં જ રામ માધવે તેમને જીત પર અભિનંદન પાઠવ્યાં હતાં. તેવી જ રીતે બીજા એક અન્ય વામપંથી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડના પણ ભારતીય નેતાઓ સાથે નજીકના સંબંધો છે. ત્યારે ભારતીય નેતાઓની કોશિશ પોતાના વ્યક્તિગત સંબંધોના સહારે નેપાળમાં ભારતની કૂટનીતિ સાધવાની રહેશે.