સમીકરણ : ટ્રમ્પના જે‚સલેમમાં દૂતાવાસ ખસેડવાના એલાનથી ખળભળાટ કેમ ?

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જે‚સલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી તેના કારણે ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે, અમેરિકા હવે જે‚સલેમને ઈઝરાયલની રાજધાની ગણશે ને પોતાનું દૂતાવાસ પણ તેલ અવીવથી જે‚સલેમ ખસેડશે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે એક તરફ મુસ્લિમ રાષ્ટ્રો ભડક્યાં છે ત્યારે બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં પણ તોફાન શરૂ થઈ ગયાં છે. ટ્રમ્પના આ નિર્ણયના દુનિયાભરમાં ઘેરા પ્રતિઘાતો પડ્યા છે. આરબ દેશો અને સંખ્યાબંધ મુસ્લિમ રાષ્ટ્રો સહિતના દુનિયાભરનાં રાષ્ટ્રોએ ટ્રમ્પને આ પગલું રોકવા ચેતવણી પણ આપી છે.
 
જેરૂસલેમ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના વિવાદનું મૂળ ગણાય છે. આ કારણે જેરૂસલેમને દુનિયાભરના દેશો ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપતા નથી ત્યારે ટ્રમ્પના એલાનથી આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જોખમમાં આવી પડશે એવો વિશ્ર્વના દેશોએ અંદેશો વ્યક્ત કરેલો ને એ અંદેશો સાચો પડતો લાગી રહ્યો છે.
 
ડૉનાલ્ડ ટ્રમ્પનું આ પગલું અણધાર્યું છે પણ અનપેક્ષિત નથી, કેમ કે અમેરિકા લાંબા સમયથી આ હિલચાલ કરતું જ હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું ઇઝરાયેલ ખાતેનું દૂતાવાસ તેલ અવીવથી જે‚સલેમ લઈ જવાનું નક્કી ભલે અત્યારે કર્યું પણ વાસ્તવમાં ઘણાં વર્ષોથી અમેરિકા પોતાનું દૂતાવાસ જે‚સલેમમાં ખસેડવા હિલચાલ કરી રહ્યું હતું. ૧૯૯૫માં અમેરિકી કોંગ્રેસે જે‚સલેમ એમ્બસી એક્ટ પસાર કર્યો હતો. આ કાયદા અંતર્ગત અમેરિકાએ પોતાનું દૂતાવાસ તેલ અવીવથી જે‚સલેમ લઈ જવાની યોજનાને અમેરિકાની કોંગ્રેસ એટલે કે સંસદે મંજૂરી આપી હતી. અલબત્ત મામલો ઠેલાતો રહ્યો કેમ કે તેના પ્રત્યાઘાત ઘેરા પડશે તે સૌને ખબર હતી. તેના કારણે ૧૯૯૫ બાદ અમેરિકાના દરેક રાષ્ટ્રપ્રમુખ દૂતાવાસ ખસેડવાનું ટાળતા આવ્યા છે અને સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને આ કાયદાના અમલ પર રોક લગાવતા રહ્યા છે.
 
આ ઍક્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દર છ મહિને તેમાંથી છૂટ લેવા હસ્તાક્ષર કરી શકે છે. બિલ ક્લિન્ટનથી લઈને જ્યોર્જ બુશ અને બરાક ઓબામા સુધીના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આ એક્ટમાંથી છૂટ લેવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા આવ્યા છે. તેના કારણે ડૉનાલ્ડ ટ્રમ્પે ગત જૂનમાં આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી દીધા હતા, પરંતુ આ વખતે આ દસ્તાવેજ પર સહી કરવાની અંતિમ તારીખ ૪ ડિસેમ્બરે પસાર થઈ ગઈ છતાં ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. આ કારણે દુનિયાભરમાં અટકળો થઇ રહી છે કે ટ્રમ્પ અમેરિકી એમ્બસી જે‚સલેમમાં ફેરવવા માંગે છે. લોકોનું આવું માનવા પાછળનું કારણ એ છે કે ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન અમેરિકી દૂતાવાસ જે‚સલેમ શિફ્ટ કરવાનો વાયદો કર્યો હતો. એવું પણ મનાય છે કે ટ્રમ્પ દૂતાવાસ ફેરવવાના કાયદા પર રોક લગાવતા દસ્તાવેજ પર કદાચ હાલ સહી કરી દે તો પણ તેઓ કદાચ તેઓ એવી જાહેરાત પણ કરે કે અમેરિકી એમ્બસી તેલ અવીવથી જેરૂસલેમ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને છ મહિના પછી એ કાર્યવાહી કરવામાં આવશે.
 
જેરૂસલેમ શહેર માટે આ વિવાદ છે તેનું કારણ એ છે કે ભૂમધ્ય અને મૃત સમુદ્ર વડે ઘેરાયેલું જે‚સલેમ શહેર યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ત્રણેય ધર્મના લોકો માટે અતિ પવિત્ર સ્થળ મનાય છે. ત્રણેય ધર્મોના લોકો વચ્ચે વિભાજિત જે‚સલેમના કેન્દ્રમાં ઓલ્ડ સિટી તરીકે ઓળખાતું પ્રાચીન શહેર છે. યહૂદી માન્યતા અનુસાર ઓલ્ડ સિટીમાં આવેલી કોટેલ એટલે કે પશ્ર્ચિમી દીવાલ વોલ ઑફ ધ માઉન્ટનો અવશેષ મનાય છે. યહૂદીઓ માને છે કે આ પવિત્ર સ્થળની અંદર તેમનું સૌથી પવિત્ર સ્થાન હોલી ઓફ ધ હોલીઝ સ્થિત હતું. અનેક યહૂદીઓની માન્યતા છે કે ડોમ ઓફ ધ રોક જ હોલી ઓફ ધ હોલીઝ છે.
મુસ્લિમોનો વિસ્તાર ઓલ્ડ સીટીમાં સૌથી મોટો છે. આ વિસ્તારમાં ડોમ ઓફ ધ રોક અને અલ અક્સા મસ્જિદ આવેલું છે. ઇસ્લામમાં મસ્જિદ અલ અક્સા મુસ્લિમો માટે ત્રીજું સૌથી પવિત્ર સ્થળ મનાય છે. મુસ્લિમોની માન્યતા અનુસાર અહીંથી જ મોહમ્મદ પયગંબરે જન્નતની યાત્રા કરી હતી.
 
ખ્રિસ્તી વિસ્તારમાં ચર્ચ ઓફ ધ હોલી સેપલ્કર આવેલું છે કે જે દુનિયાભરના ખ્રિસ્તીઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર આ સ્થળે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા. આ સ્થળેથી જ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું હોવાની માન્યતા પણ ખ્રિસ્તીઓમાં છે.
 
આમ આરબ દેશોના મુખ્ય ત્રણ ધર્મના લોકોની આસ્થા જે‚સલેમના જૂના શહેર સાથે સંકળાયેલી છે. જે‚સલેમમાં આર્મેનિયન્સની પણ મોટી વસ્તી છે. આર્મેનિયન લોકોનો પોતાનો મોટો વિસ્તાર છે. આર્મેનિયન લોકો પરંપરાગત રીતે ખ્રિસ્તી જ છે. જૂના જે‚સલેમમાં આવેલું સેન્ટ જેમ્સ ચર્ચ આર્મેનિયન લોકોની આસ્થાનું સૌથી પ્રાચીન સ્થળ મનાય છે.
 
જે‚સલેમના વિવાદની શરૂઆત બીજા વિશ્ર્વયુદ્ધના અંતે વિજેતા દેશોએ યુદ્ધનો સૌથી વધારે ભોગ બનેલા યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર સ્થાપવાનું નક્કી કર્યું ત્યારથી જ થઈ ગઈ હતી. ૧૯૪૮માં ઇઝરાયેલની સ્થાપના થયા બાદ પેલેસ્ટાઈને પૂર્વ જે‚સલેમ મુસ્લિમોને મળવું જોઈએ તેવી માગણી કરી હતી તો યહૂદીઓએ આખું શહેર પોતાને મળવું જોઈએ તેવી માગણી કરી હતી. આ વિવાદ વકર્યો ને ૧૯૪૮માં જ જોર્ડને તેના પર હુમલો કરીને જે‚સલેમના પૂર્વ હિસ્સા પર કબજો જમાવી લીધો હતો. એ રીતે આ વિસ્તાર મુસ્લિમોના કબજામાં આવ્યો અને પેલેસ્ટાઈનીયનો ત્યાં મોટા પ્રમાણમાં વસ્યા. અત્યારે જે‚સલેમમાં ત્રીજા ભાગની વસતી પેલેસ્ટાઇની લોકોની છે પણ વરસો લગી મુસ્લિમોનો કબજો રહ્યો તેથી યહૂદીઓ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે ખાસ વહેવાર નથી. જેરુસલેમમાં યહૂદી વિસ્તારો અતિ સંપન્ન છે જ્યારે પેલેસ્ટાઇની લોકો કારમી ગરીબીમાં જીવે છે. શહેરમાં વસતા આશરે ત્રણ લાખ જેટલા પેલેસ્ટાઇની લોકો પાસે ઇઝરાયેલની નાગરિકતા પણ નથી.
 
લગભગ બે દાયકા સુધી મુસ્લિમોનો અડધા જે‚સલેમ પર કબજો રહ્યો. પછી ૧૯૬૭માં ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે થયેલા સિક્સ ડે વોરમાં ઇઝરાયેલે પૂર્વ જે‚સલેમ પર પણ કબજો કર્યો હતો. એ સાથે જ ઇઝરાયેલે આખા જે‚સલેમ પર કબજો કર્યો અને ત્યારથી આ વિવાદ વકર્યો. ઈઝરાયલે એ પહેલાં ૧૯૦૯માં સ્થપાયેલા તેલ અવીવને પોતાની રાજધાની બનાવેલી તેથી તેની રાજધાની તેલ અવીવ રહી. ઈઝરાયલે જે‚સલેમને પોતાની રાજધાની સત્તાવાર રીતે જાહેર કરી છે પણ તેનો વહીવટ તેલ અવીવથી જ ચાલે છે. જેરૂસલેમમાં સતત ઘર્ષણ થયા કરે છે તેથી ઈઝરાયલ લશ્કર ત્યાં ખડકાયેલું છે પણ રાજધાની તરીકે તેને માન્યતા નથી મળી. ઇઝરાયેલની સંસદ અને વડાપ્રધાનનું અધિકૃત નિવાસસ્થાન પણ પશ્ચિમ જે‚સલેમમાં બનાવાયું છે, પરંતુ દુનિયાભરના દેશો વિવાદાસ્પદ જે‚સલેમને ઇઝરાયેલની રાજધાની માનતા નથી. આ કારણસર જ ઇઝરાયેલને માન્યતા આપતા ૮૬ દેશોના દૂતાવાસ પણ જેરૂસલેમમાં નહીં પરંતુ તેલ અવીવમાં છે. ઇઝરાયેલ આખા જે‚સલેમ પર પોતાનું આધિપત્ય હોવાનો દાવો કરે છે પણ આરબ દેશો અને યૂ.એન. આ દાવાને માન્ય ગણતા નથી. બીજી તરફ પેલેસ્ટાઇન પણ જે‚સલેમને પોતાના ભાવિ રાષ્ટ્રની રાજધાની માને છે. ઇઝરાયેલ ૧૯૬૭ પહેલાંની સરહદોને માન્ય ગણે અને ઇઝરાયેલે કબજે કરેલા પ્રદેશમાં પેલેસ્ટાઇનની સ્થાપના થાય તો જ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદનું સમાધાન થાય તેવી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા છે.
 
ટ્રમ્પ પોતે કરેલા ચૂંટણી વાયદાની દિશામાં આગળ વધે અને જેરૂસલેમમાં અમેરિકન એમ્બસી સ્થાપે તો એનો અર્થ એ નીકળે કે અમેરિકાએ પૂર્વી જે‚સલેમના વિવાદાસ્પદ હિસ્સાને પણ ઇઝરાયેલના તાબા હેઠળનો માની લીધો છે. ૧૯૬૭માં પૂર્વ જે‚સલેમ પર કબજો જમાવ્યા બાદ ઇઝરાયેલ આ વિસ્તારમાં ઘણી વસાહતો સ્થાપી ચૂક્યું છે. આ વસાહતો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ગેરકાયદેસર ગણાય છે. અમેરિકાના પગલાથી આ વસાહતો પણ કાયદેસર બની જાય ને મુસ્લિમોનો તેના પરથી હક જ જતો રહે. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ સહઅસ્તિત્વમાં માને છે તેથી તેમના વચ્ચે વિખવાદ ના થાય.
 
અમેરિકાના આ પગલાની બહુ મોટી અસર પડે. અમેરિકા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકામાં છે અને આરબ દેશો તેના પર વિશ્ર્વાસ રાખે છે. ટ્રમ્પ પૂર્વ જેરૂસલેમને ઇઝરાયેલનો હિસ્સો માની લે તો મધ્યસ્થી તરીકેની તેની ભૂમિકા વિશ્ર્વસનીય ન રહે. આ સંજોગોમાં આરબ દેશો પણ અમેરિકાના વિરોધમાં ઊભા રહી જાય. સાઉદ અરેબિયા સહિતના દેશો ખુલ્લેઆમ અમેરિકાના વિરોધમાં આવે ને દુનિયા બે છાવણીમાં વહેંચાઈ જાય.
 
અમેરિકાનું આ પગલું કટ્ટરવાદી મુસ્લિમ અને આતંકવાદી સંગઠનોને મજબૂત કરશે તેવી પણ શક્યતા છે. મુસ્લિમો માટે જેરૂસલેમ આસ્થાનું પ્રતીક છે ને એ તેમના હાથમાંથી છિનવાઈ જાય તો મુસ્લિમો ઉગ્ર આતંકવાદનો રસ્તો અપનાવે. ભૂતકાળમાં યાસર અરાફત કે અબુ નિઢાલ જેવા આતંકવાદીઓએ ઈઝરાયલ સામે હથિયારો ઉઠાવીને ભારે ખૂનામરકી કરેલી. એ સિલસિલો ફરી શરૂ થઈ જાય ને દુનિયામાં અમેરિકાના સમર્થક બીજા દેશોમાં પણ આતંકવાદ વધે. પશ્ર્ચિમ એશિયાના દેશોમાં ઇસ્લામિક સ્ટેટનો આતંક છે જ ને લોકો તેને બહુ સમર્થન નથી આપતા પણ ઈઝરાયલના ઘટનાક્રમના કારણે તેનું સમર્થન વધે. ભૂતકાળમાં અલ કાયદા જે રીતે મુસ્લિમોમાં હીરો બની ગયેલું તેવી સ્થિતિ થાય.
 
હાલમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે તેની અસર તમામ આરબ દેશો પર પડી રહી છે. આ સંજોગોમાં અત્યારે અમેરિકા તેનું દૂતાવાસ જેરૂસલેમમાં ફેરવે તો આ ક્ષેત્રમાં નવો તણાવ ઊભો થાય અને આ વિસ્તાર વધારે અશાંત અને અસ્થિર બને. અમેરિકાના નિકટના સહયોગી મનાતા આરબ દેશોએ ટ્રમ્પના આ વલણનો જોરદાર વિરોધ પણ શરૂ કરી દીધો છે અને તેની અસર આર્થિક બાબતો પર પણ પડે કેમ કે આરબ દેશોના હાથમાં પેટ્રો ઇકોનોમી છે.