તંત્રી સ્થાનેથી : ભાજપાની સરકાર બનશે તે અંતિમ તારણ

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭

 
 
મહાગુજરાતના આંદોલનથી આજનાં ગુજરાતે (મોદીનું જ ને !) વિસ્મયજનક મેઘધનુષી રંગો જોયા છે. વિચક્ષણ બુદ્ધિનાં રાજકારણીઓ, ખેપાની પ્રતિસ્પર્ધીઓ, સહૃદયી મુખ્યમંત્રી અને મંત્રીમંડળો અને ગુજરાતની અસ્મિતાને ઉજાળતા ગુજરાતી મતદારો. ભાજપાનો ૧૯૯૫માં પ્રવેશ એ જાણે યુગ પરિવર્તનનો જ કાળ. હા, ત્યારની શાસકિય કોંગ્રેસ કે તેના ઘટકો બનેલા અન્ય પક્ષો સામે ગુજરાતીઓએ ભાજપાને ખોબે ખોબે મત આપી, ઉત્તરોત્તર સ્વરાજ્યની સંસ્થાઓ, મહાનગરો અને રાજ્યમાં બધે જ કુમકુમ તિલક કરી વધાવી છે. ૨૦૧૪માં તો યશસ્વી મુખ્યમંત્રીને, ૨૬ શણગાર સજાવી, દેશનું નેતૃત્વ કરવા, ભર તડકે, તપસ્યા કરીને સસ્નેહ વિદાય આપી છે.
ગુજરાતના ૧ કરોડથી વધુ સભ્યો સાથે ભાજપાનો મસમોટો પરિવાર જો દરેક સભ્ય એક અન્ય મતદારનો સહકાર મેળવે તો તેના શાસન માટે કોઈ સર્વે, સભાઓ, યાત્રાઓની જરૂર રહે ખરી ! ૪.૩૩ કરોડ મતદારોમાંથી અંદાજિત ૭૦% એટલે ૩.૦૩ કરોડ મતદાન કરે. ભાજપાની સ્વીકૃતિના આંક અનેક રાજ્યોમાં, દેશભરની સામાન્ય લોકસભા ચૂંટણીઓમાં કે અઠવાડિયા પહેલાં પૂરી થઈ હોય તેવી યુ.પી.ની કોર્પોરેશનોમાંય દિવા જેવા પ્રકાશી રહ્યાં છે.
આમ છતાં ગુજરાતમાં ઉદ્યોગ, વ્યાપાર, સેવાકીય પ્રવૃત્તિઓ વિગેરે અન્ય રાજ્યોની સરખામણીએ વધુ, માટે જ સમૃદ્ધિ વધારે. જીએસટી જેવા સુધારાને કારણે થયેલ સરળીકરણ છતાં તેના અમલીકરણમાં પ્રશાસનિક અડચણો આવતાં અનેક મતદારોની નારાજગી, ચૂંટણીના સમયે વમળો પેદા કરે છે. અલ્પેશ, હાર્દિક, જીજ્ઞેશના યૌવને પકડેલ સામાજિક સિદ્ધાંતોએ થોડા સમયથી વરવું રૂપ ધારણ કરી રાજનૈતિક નિર્ણયોમાં પગપેસારો કર્યો છે. ભાજપાની પ્રતિસ્પર્ધી કોંગ્રેસને બગાસુ ખાતા પતાસાં મળી ગયા હોય તેવો અનુભવ થયો અને ત્રણેયને મનાવીને પક્ષમાં ભેળવવાનો પ્રયાસ કર્યો. નિષ્ફળતા વચ્ચે પણ રાજકીય તડજોડની ગોઠવણમાં અત્યારે તો રાહુલજી ! (હવે તો ૧૨૫ વર્ષ જૂની કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ !)ના ગળામાં, ઘંટ બંધાયો છે. કોંગ્રેસ એટલી તો ગેલમાં છે કે ૪૦% ઓબીસી, ૭% એસસી/એસટી અને ૧૬% પટેલના બધા જ મત એમને મળે અને સરકાર તે જ બનાવે. તેમાંય છોટુભાઈ વસાવાની નવી ભારતીય ટ્રાયબલ પાર્ટીની ગોઠવણે અન્ય ૧૬% લોકોના મત એટલે કે ૧૫૦ સીટ કોંગ્રેસની. આ સંજોગોમાં રાજકીય સમીકરણો, મતદારોનો મિજાજ, ભાજપાની લોકચાહના, વડાપ્રધાનની સાર્વત્રિક સફળતા અને લોકોપયોગી શાસન દ્વારા સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે કાર્યકરતાં ભાજપા સરકારની છેલ્લા ૨૦ વર્ષની કારકિર્દી જોતાં, વડાપ્રધાને જ ૧૫૦થી વધુ સીટ જીતવાની આશા વ્યક્ત કરી છે.
હવે નથી ‘ખામ’ થિયરીનો સમય રહ્યો, નથી મુસ્લિમ તુષ્ટિકરણનો, નવયુવાનોની એક મુદ્દાના કાર્યક્રમની સ્વીકૃતિમાં સરકાર હોમાઈ જાય તેવા માહોલનો કે નથી જ્ઞાતિ-જાતિ સમીકરણોને ઉપસાવી મતો અંકે કરવાનો. ટીવી, સોશિયલ મીડિયા તથા સમાચાર પત્રો અને ચર્ચા સત્રોથી મતદારો વધુ વિચારશીલ થયા છે અને ગાડરીયા પ્રવાહમાં તણાઈ જાય તે ૨૧મી સદીમાં અને તેમાંય ગુજરાત જેવા રાજ્યમાં શક્ય નથી જ. કરફ્યુ મુક્ત ગુજરાત, દેવામુક્ત ખેડૂત, પર કેપિટા જીડીપીમાં પ્રતિવર્ષ વધારો, ક્ધયા કેળવણી, નર્મદાના નીરથી ખેતરોનું સિંચન, IIT અને AIIMS જેવી સંસ્થાઓનું આગમન, બુલેટ ટ્રેનની નજીકના ભવિષ્યમાં શક્યતા, ઉજ્જવલા દ્વારા ગરીબ પરિવારોને ગ્રામ્ય વિસ્તારોમાં મફત LPG સિલિન્ડરનું વિતરણ, સબસીડીની સીધી બેન્ક એકાઉન્ટમાં ક્રેડીટ, આમ આદમી ઉડી શકે તેવી ઉડ્યન ક્ષેત્રે સુવિધાઓ, અનેક વિષયોના ભણતર માટે નવી યુનિવસર્સિટીઓની સ્થાપના આ બધુ લોકોએ ભાજપાના શાસનમાં અનુભવ્યું છે.
સાધુ-સંતોથી પ્રભાવિત, અનુશાસિત તથા વૈદિક પ્રણાલિકાઓમાં જીવનનો આનંદ-પ્રમોદ અને સત્ત્વ સમજતા આ ગુજરાતીઓને અનેક ધર્મગુરુઓએ પણ સુરાજ્ય માટે આશીર્વાદ આપતાં, નીડર બની, હિન્દુ વિચારને વરેલ લોકોને તેમના પ્રતિનિધિ બનાવવા માટે આહ્વાન કરેલ છે. આવું જ આર્થિક જગતનાં માંધાતાઓ અને વિદેશી સંસ્થાઓએ અત્યારની કેન્દ્ર સરકારની નીતિઓ જોતાં આર્થિક ક્ષેત્રે સંતોષકારક પ્રગતિનો ઉંચો આંક લાવવાની ક્ષમતા તરફ અંગુલી નિર્દેશ કરેલ છે.
આમ, અનેક દૃષ્ટિથી પરિસ્થિતિ મુલવતાં, કોંગ્રેસ પાસે પ્રભાવી નેતાઓની ખોટે, રાહુલ-જીનો કોઈ મોટો રાજકીય પ્રભાવ ગુજરાતની જનતા પર ન હોવાથી, કસોકસ લાગતી ચૂંટણી પણ, મતદાનના દિવસે ભાજપાની તરફેણમાં ઉમેદવારોને જીતાડવાના મતો જ અંકે કરશે અને ભાજપાની સરકાર બનશે તે અંતિમ તારણ છે જ. અસ્તુ...