બૈતુલ સંઘનું તીર્થસ્થાન

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૭


જ્યારે આપણે હિન્દુ સમાજ કહીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે, સંગઠિત હિન્દુ. જો આપણી વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો કે મતભેદ છે, તો આપણે અસ્વસ્થ સમાજ છીએ. માટે સ્વસ્થ રહેવા માટે આપણે સંગઠિત રહેવું પડશે. આ શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના. ગત ૮ ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના બૈતૂલમાં આયોજિત હિન્દુ સંમેલનમાં તેઓએ આ વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, હિન્દુ સંગઠિત બનશે ત્યારે જ ભારત વિશ્ર્વગુરુ બની શકશે. મત પંથને નામે દુનિયાભરમાં રક્તપાત કરવામાં આવી રહ્યો છે. અર્થના નામે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે અને એ સંઘર્ષોનું સમાધાન વિશ્ર્વ પાસે નથી. ત્યારે સમાધાન માટે વિશ્ર્વ ભારત તરફ મીટ માંડી રહ્યું છે. વિશ્ર્વ ભારતને વિશ્ર્વગુરુની ભૂમિકામાં જોઈ રહ્યું છે. ભારતને વિશ્ર્વગુરુ બનાવવાની જવાબદારી હિન્દુ સમાજ પર છે. માટે જ હિન્દુ સમાજનું સંગઠિત રહેવું જ‚રી બની જાય છે. આપણા દેશમાં જાતિ-પંથના આધારે કોઈ ભેદ જ ન હતા. અહીં તમામમાં એક જ તત્ત્વ જોવામાં આવતું. તમામ એક જ રામના અંશ હતા. આપણે સૌએ એક બની સમાજની સેવા કરવાની છે. આપણા જે ભાઈઓ પાછળ રહી ગયા છે, કમજોર છે, તેઓને આગળ લાવી શક્તિશાળી બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌએ એક વખત ફરી આપવાવાળા સમાજનું નિર્માણ કરવાનું છે. વર્ષો પહેલાં અંગ્રેજોએ આપણને ટૂટેલો અરીસો પકડાવી દીધો હતો. તે તૂટેલા અરીસામાં સમાજને જોવાથી આપણને અહીં ભેદ દેખાય છે. આપણે અંગ્રેજોના એ અરીસાને ફેંકી દેવાનો છે. બૈતૂલ પ્રાચીન ભારતનું કેન્દ્રબિન્દુ હતું માટે સંગઠિત હિન્દુ સમાજનો સંદેશ અહીંથી સમગ્ર ભારતમાં પ્રભાવી ‚પે પહોંચી શકે છે. સમાજને સબળ બનાવી ભારતને વિશ્ર્વગુરુ બનાવવો એ જ આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય છે.

જાપાનમાં રહેનારો વ્યક્તિ જાપાની, અમેરિકામાં રહેનાર અમેરિકન અને જર્મનીનો જર્મન કહેવાય છે. તેવી જ રીતે હિન્દુસ્થાનમાં રહેનારો પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. ભલે લોકોના મત-પંથ અને પૂજાપદ્ધતિ અલગ અલગ હોય, પરંતુ હિન્દુસ્થાનમાં રહેવાને કારણે તમામની રાષ્ટ્રીયતા હિન્દુ જ છે. માટે જ ભારતમાં રહી રહેલા મુસ્લિમની રાષ્ટ્રીયતા પણ હિન્દુ જ છે. ભારત માતા પર આસ્થા રાખનાર પ્રત્યેક નાગરિક હિન્દુ જ છે, માટે આપણે તમામ લોકોએ એક થઈ રહેવાનું છે.

ઉલ્લેખનીય છે કે સરસંઘચાલકજી પોતાના આ પ્રવાસ દરમિયાન બૈતૂલ જેલની મુલાકાતે પણ ગયા હતા. આ એ જ જેલ છે કે, જ્યાં ૬૮ વર્ષ પહેલાં ૧૯૪૮માં સંઘ પર પ્રતિબંધ દરમિયાન સંઘના દ્વિતીય સરસંઘચાલક મા. શ્રી માધવ સદાશિવરાવ ગોલવલકર ગુરુજીને કેદ કરવામાં આવ્યા હતા. ગુરુજીને અહીં ત્રણ મહિના સુધી કેદ રાખવામાં આવ્યા હતા. તેઓને જે કોટડીમાં રાખવામાં આવ્યા હતા આજે તે કોટડીમાં તેમની છબી લગાવવામાં આવી છે. ભાગવતજીએ તે છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી સુરેશ સોની સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં વનવાસી બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે સરસંઘચાલકજીએ કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા હતા

*     સમાજના કમજોર ભાઈઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરીશ.

*     મારા ઘર-પરિસરમાં પર્યાવરણની રક્ષા કરીશ.

*     મારા ઘરમાં મારા જીવનમાં મહાપુરુષોના પ્રેરક પ્રસંગ મારા પરિવારને સંભળાવી ભારત માતાની આરતી કરીશ.

*     મારા દેશનું નામ વિશ્ર્વમાં ઊંચું કરવા, જીવનમાં તમામ કાર્ય મહેનત અને નિષ્ઠાપૂર્વક કરીશ.