ઈશ્ર્વરના અંશ હોવાથી કોઈને ખરાબ કહીએ છીએ, એ સમયે આપણે ઈશ્ર્વરનું અપમાન કરીએ છીએ

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૭

એક બાળકની લગભગ પાંચ-છ વર્ષની ઉંમર હશે. એ બાળક પોતાની પાસે કંઈક પર્સ જેવું હતું એ લઈને એક બહુ જ મોટો મોલ હતો એના એકાઉન્ટન્ટ પાસે જઈને ઊભો રહ્યો. એની પાછળ એક ધનિક માણસ શોપિંગ કરવા આવ્યો હતો. એને એમ થાય છે કે આ એકલો નાનકડો બાળક શું લેવા આવ્યો હશે ? ત્યાં પેલા બાળકે કહ્યું, ‘અંકલ, મને એ ઢીંગલી જોઈએ છે.’ વેચનારને ખબર હતી કે બાળક પાસે ઢીંગલીના પૂરતા પૈસા નથી. એ બિચારો ત્યાં નોકરી કરતો હતો એટલે કંઈ કરી શકે તેમ પણ ન હતો એટલે એ બાળકને કહે છે કે તારી પાસે પૂરતા પૈસા નથી. ધનિક માણસ જુએ છે કે બાળક એનું પોકેટ ખોલે છે ને બંધ કરે છે !

જુઓ, સંવેદનાનો જન્મ કેવી રીતે થાય છે ! પેલા ધનિક માણસને થયું હું શું કરું ? એ બાળકને બોલાવે છે અને પૂછે છે કે તું આ ઢીંગલી શા માટે ખરીદવા માંગે

છે ? બાળક હવે કથા શ‚ કરે છે, ‘અંકલ, મારી એક બહેન ભગવાન પાસે ચાલી ગઈ છે અને મારી બહેનને આ ઢીંગલી બહુ પ્રિય હતી, પરંતુ અમે એને આ ઢીંગલી ન અપાવી શક્યા, તો હવે ભગવાન પાસે ગયેલી એ મારી બહેન માટે મારે એ ખરીદવી છે.’ હવે તો સમસ્યા વધુ જટિલ બની ગઈ. સાત વર્ષના બાળકને કેમ સમજાવવો ? ધનિક માણસ પૂછે છે કે, ‘તું એ તારી બહેન પાસે કેમ પહોંચાડી

શકીશ ?’ બાળક કહે છે, ‘અંકલ, એનો ઉપાય છે. મારી મા બે-ત્રણ દિવસમાં ભગવાન પાસે જવાની છે !’

રહસ્ય વધુ ઘેરું બનતું ગયું, કાઉન્ટર પર બેઠેલા અને પાછળ ઊભેલા ધનિક એ બંને માણસ માટે રહસ્ય હતું ! હવે પેલા પાછળ ઊભેલા ધનિકને થયું કે ત્રણ દિવસ પહેલાં અખબારમાં એક ખબર છપાઈ હતી, કે એક ટ્રક ડ્રાઇવરે શરાબ પીને ટ્રક ચલાવ્યો અને એક બાળકીનું મૃત્યુ થયું તથા એની મા બહુ ગંભીર રીતે ઘાયલ થઈ. એની માને હૉસ્પિટલમાં દાખલ કરીને ડૉક્ટરોએ કહ્યું કે તે બચે પણ ખરી અને ન પણ બચે ! ક્યાંક આ બાળકની એ બહેન તો મરી ગઈ નહીં હોય ને ? ક્યાંક હૉસ્પિટલમાં દાખલ થયેલી એની બેહોશ મા વિશે તો ડૉક્ટરોએ હાથ અધ્ધર તો નહીં કરી દીધા હોય ને ? ત્યારે કદાચ આ માસુમ હૃદયમાં એવી વાત ઊઠી હશે કે, હું મારી મા સાથે મારી બહેન માટે આ ઢીંગલી મોકલી આપું ! એટલે બિચારો આ બાળક પોતાની પાસેના થોડાક પૈસા લઈને ઢીંગલી ખરીદવા ઘૂમતો હશે !

ધનિક કહે છે, ‘બેટા, તારું પર્સ લાવ. કદાચ ગણવામાં તારી ભૂલ થતી હશે.’ બાળકે પોકેટ આપ્યું અને બાળકને ખબર ન પડે તે રીતે તે વ્યક્તિએ થોડા પૈસા એમાં નાખી દીધા ! સંવેદનાનો જન્મ આમ થાય છે. જો આપણા જીવનમાં વિવેક પ્રગટ થાય તો પૈસામાંથી પણ સંવેદના પ્રગટ થઈ શકે, વિદ્યામાંથી પણ સંવેદના પ્રગટ થઈ શકે છે. જ્ઞાનમાંથી પણ સંવેદના પ્રગટ થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં સંવેદનાનો જન્મ થાય છે અને એ અંકલે બાળકના પોકેટમાં પૈસા નાખીને વિશ્ર્વને એક મેસેજ આપ્યો કે મારાં ભાઈ-બહેનો, થોડી સંવેદના અર્જિત કરો. આ નાનકડી વાર્તાના સારરૂપે મારે તમને એ જ કહેવું છે કે સંવેદના પ્રગટ થવી જોઈએ.

જેણે આ જન્મમાં પારમાર્થિક આનંદ મેળવવો હોય, વિવેકનો આનંદ લેવો હોય એમણે બે બાબતો કરવી જ‚રી છે. એક તો કપડાંને દોરી પર સૂકવો અને એના પર સૂરજનો પ્રકાશ આવવા દો. વાસનાથી ભીનાં કપડાં સુકાય એ માટે વિવેક અને જ્ઞાનનો સૂરજ જોઈએ.

મૂળમાં છે રામકૃષ્ણ પરમહંસ અને એમનું ફૂલ છે સ્વામી વિવેકાનંદ. આપણે એ ફૂલની મહેક લેવી છે. વિવેકાનંદજી કહ્યા કરતા હતા કે, ‘મારે દુનિયાને ખરાબમાંથી સારી નથી બનાવવી’ એ કહે છે, ‘દુનિયા સારી છે, મારે થોડી વધારે સારી બનાવવી છે.’ કેટલું પોઝિટિવ થિંકિંગ ! કોણ ખરાબ છે ? ઈશ્ર્વરના અંશના નાતે આપણે કોઈને ખરાબ કહીએ છીએ તો આપણે ઈશ્ર્વરનું અપમાન કરીએ છીએ. માત્રામાં ભેદ છે, ગુણભેદ નથી. એક સમુદ્રનું પાણી અને એક નદીનું પાણી કસનળીમાં લઈ લફો, માત્રામાં ભેદ છે. સમુદ્રમાં મોટાંમોટાં જહાજ ચાલે છે, નદીમાં નાની નાની નૌકાઓ ચાલે છે, પરંતુ પાણી તો પાણી જ છે. તો મારાં ભાઈ-બહેનો, આપણે વિવેકાનંદજીની સ્મૃતિમાં વિવેકનો આનંદ લઈએ. ૧૯મી સદીમાં સનાતન ધર્મને વિશ્ર્વમાં ઉજાગર કરવાનું શ્રેય વિવેકાનંદજીને જાય છે.

* * *

(સંકલન : જયદેવ માંકડ)