ટેક્નોલોજી ધર્મની સમજ વિસ્તૃત બનાવશે

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૭


તમારે જે સ્થળે જઈને જે દેવ-દેવીનાં દર્શન કરવાં છે એ તમે સમય, સ્વાસ્થ્ય કે અન્ય કોઈ કારણસર નથી શકતા ? હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કમ્પ્યુટર પર માઉસ ક્લિક કરીને તમે ઘરના સોફા પર બેઠા બેઠા ધર્મસ્થાનકમાં પ્રવેશી અગરબત્તી પ્રજ્વલિત કરી, પુષ્પ અર્પણ કરીને મંત્રોચ્ચાર કરતાં કરતાં તમારી ઇચ્છા મુજબનું દાનધર્મ પણ કરી શકશો. આપણા દેશમાં આ દસકામાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનો વપરાશ ઘણો વધ્યો છે અને હવે તો આપણા વડાપ્રધાન જ ડિજિટલ ઇન્ડિયા પર ભાર દઈ રહ્યા છે ત્યારે અત્યારે નાના પાયે થઈ રહેલી ઓનલાઈન ધાર્મિક પ્રવૃત્તિમાં આગામી વર્ષોમાં ખાસ્સો ઉછાળો આવશે એ વાત નક્કી છે. અંગત કારણસર હવે તમારી મનની મનમાં નહીં રહી જાય અને જો તમારી પાસે સારો સ્માર્ટ ફોન હશે તો તમારે દર્શન કરવા કે પૂજા કરવા કમ્પ્યુટરની પણ જરૂર પણ નહીં પડે. ગૂગલ સર્ચ એન્જિનમાં તમે puja શબ્દ લખશો એટલે તમારી સમક્ષ લાખો વિકલ્પ આવીને ઊભા રહેશે. આજે જ્યારે જીવન વધુ ભાગદોડભર્યું બની રહ્યું છે ત્યારે ધર્મભાવના સંતોષવા માટે આ પર્યાય વ્યાપક રીતે અપનાવાતો જોવા મળશે.

ડિજિટલ ઇન્ડિયાના સૂત્રને કારણે અને ઇલેક્ટ્રોનિક માધ્યમના વિકાસને પગલે ધર્મનો વ્યાપ વિસ્તરવાની તેમ જ એના પ્રચાર અને પ્રસારની હવે વિપુલ સંભાવનાઓ ઊભી થઈ છે. માત્ર પ્રભુદર્શન જ નહીં, પણ પ્રવચન કે કથા કે ભજનનું રસપાન શ્રદ્ધાળુઓ હવે ઘેર બેઠા શ્રવણ કરી પરમ આનંદનો અનુભવ અત્યારે નાને પાયે કરી રહ્યા છે જે હવે વિસ્તૃત ફલક પર કરી શકાશે. આ દર્શન કરવા માટે મુસાફરીની કે રહેવા માટેની જગ્યાની આગોતરી વ્યવસ્થા નહીં કરવી પડે તેમ જ લાંબી લાઈનમાં પણ નહીં ઊભું રહેવું પડે. બીજી એક વાત પર ખાસ ધ્યાન દોરવું છે કે નવી જનરેશન આ માધ્યમોથી ટેવાયેલી હોવાને કારણે વડીલોના સાંનિધ્યમાં અને તેમના માર્ગદર્શન હેઠળ ધર્મ પ્રત્યે તેમની રુચિ વધવાની સંભાવનાઓ બળવત્તર છે. આનો લાભ બે સ્તરે થશે, સ્થૂળ ભાવમાં અને સૂક્ષ્મ ભાવમાં. ઘેર બેઠા ગંગાની જેમ ધર્મસ્થાનકો અને એમાં કરવાની ધાર્મિક પ્રવૃત્તિ હાથવગી થવાને કારણે રોજે રોજ દર્શન પૂજા કરી શકવાથી સ્થૂળ ભાવ તો સંતોષાશે જ પણ સાથે સાથે ધર્મની બારીકીઓ ધ્યાનમાં આવવાથી સૂક્ષ્મ ભાવનો વિકાસ પણ થશે.

જ્યારે માનવી સ્થૂળ ભાવથી સૂક્ષ્મ ભાવ તરફ ગતિ કરે છે ત્યારે એ ઉન્નતિના માર્ગે આગળ વધે છે એવું મનાય છે અને આમ આ પ્રવૃત્તિ સમાજને ઉપલા સ્તરે લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. યુવા વર્ગમાં ધર્મ અંગેની સમજ વિસ્તૃત બનશે અને આધુનિક જમાનામાં પણ ધર્મ એટલો જ અસરકારક અને અર્થપૂર્ણ બની રહેશે.

ટૂંકમાં કહીએ તો ધર્મ નહીં બદલાય કે નહીં વિરામ પામે, પણ તેને આત્મસાત્ કરવાના માર્ગો બદલાતા જશે. છેવટે ધર્મ અને વિજ્ઞાનના આવા હસ્તમેળાપમાં જ તો મનુષ્યજીવનનું હિત સમાયેલું છે. શ્રદ્ધા અને સાયન્સનો મેળાપ થવાને પગલે દૂર દૂરનાં ધર્મસ્થાનકો સુધી પહોંચવું ડાબા હાથનો જ નહીં બલકે, એક આંગળી વડે થતા ક્લિકનો ખેલ વ્યાપક સ્તરે થઈ જશે. ઓનલાઈન ધર્મના ફેલાવાને સમર્થન આપનારાની દલીલ છે કે ‘આજકાલ જીવન ખૂબ જટિલ બની ગયું હોવાથી લોકો થાકી વધુ જાય છે જેને કારણે કામકાજ પછી સમયના અભાવે ધર્મસ્થાને જઈ નથી શકતા. વરસગાંઠ નિમિત્તે કે પછી લગ્નતિથિ જેવા સપરમા દિવસે આપણી સંસ્કૃતિમાં ઉછરેલા લોકોને ઈશ્ર્વરના ચરણે શીશ નમાવવું ગમે છે, પણ હવે રહેણીકરણી એવી થઈ ગઈ છે કે આવી મનોકામના મનમાં જ રહી જાય છે.’

આ ઓનલાઈન ધર્મભાવનાની શરૂઆત એનઆરઆઈથી થઈ હતી. હવે સ્થાનિક લોકોનું ચલણ વધી રહ્યું છે અને જેમ ઇન્ટરનેટનો ઉપયોગ વધશે એમ એ ચલણ પણ વધશે એવી સંભાવના છે. શ્રવણે કાવડમાં બેસાડીને માતા-પિતાને જાત્રા કરાવી હતી, આજના શ્રવણ કમ્પ્યુટર કે સ્માર્ટ ફોનના સ્ક્રીન પર વડીલોને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્થળોની જાત્રા કરાવશે. ધર્મ એ જીવનનું તારકબળ છે. ધર્મનો પ્રભાવ ચોમેર વિસ્તરતો જાય છે. મનુષ્યજીવનમાં શ્રદ્ધા અને આસ્થા વધ્યાં છે, પણ ધર્મ વિશે માનવી અનેક ઉલઝનમાં છે. ધર્મના સિદ્ધાંતોનું રટણ થાય છે, પણ આચરણમાં નથી ઊતરતું. આપણે કહીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. જો કે, આગામી વર્ષોમાં ટેક્નોલોજીના વપરાશને પગલે બે ટેક્નોલોજીના થનારા સમન્વયને પગલે નવી દિશા મળવાના સંજોગો ઊજળા છે.

ધર્મ એક શક્તિ છે અને એ માણસના જીવનને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે. ધર્મ અને જીવનને જુદા ન ગણવા જોઈએ, એ તો એકબીજાના પૂરક છે. ધર્મ માણસને સન્માર્ગે વાળે છે, પણ એ વિશે સાચી સમજણ હોવી જ‚રી છે. બે પેઢીના તાલમેલથી આ શક્ય બની શકે છે. પ્રેમ, ધર્મ અને જ્ઞાન આ ત્રણેય આપણા જીવનના આધારસ્તંભો છે. એના વગર આપણું અસ્તિત્વ ટકી શકે નહીં.

જોકે, પ્રેમ ઘરમાં, ધર્મ મંદિરમાં અને જ્ઞાન વિદ્યાલયોમાં કેદ થઈ ગયાં છે. પ્રેમને વ્યાપક અને વિસ્તૃત બનાવવો જોઈએ અને ધર્મને મંદિરમાંથી બહાર વિસ્તારવો જોઈએ. આધુનિક ટેક્નોલોજી આ બાબતમાં ઉપયોગી સાબિત થશે એવાં એંધાણ જરૂર મળી રહ્યાં છે. પ્રાર્થના કરીએ કે ટેક્નોલોજી વડીલો અને યંગ જનરેશન વચ્ચે એક સેતુ બની એક નવી દિશા ઉઘાડશે જેને કારણે ધર્મનો સાચો અર્થ સમાજ સમજી શકે.

 

- સંપાદક મંડળ