પાકિસ્તાનને અલગ-થલગ પાડવાની ભારતની રણનીતિ કેટલી સફળ

    ૧૯-મે-૨૦૧૭

  •  પાકિસ્તાનના પડોશી દેશ ઈરાને પણ પાકિસ્તાનને સ્પષ્ટ ધમકી આપી છે કે પાકિસ્તાન જો તેના દેશના આતંકીઓને કાબૂમાં નહીં રાખે તો પાકિસ્તાનની અંદર ઘૂસી આતંકીઓને ખોખરા કરીશું.
  • અફઘાનિસ્તાને પણ પાક સરહદ પર ધડા-ધડી બોલાવી સાત પાકિસ્તાની સૈનિકોને હણી નાખ્યા હતા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન યાત્રાનું નિમંત્રણ, પહેલાં આતંકવાદને રોકે એમ કહીને ઠુકરાવી દીધું છે.
  • ભારત અફઘાનિસ્તાન અને ઈરાનની તીકડી બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ઘેરવામાં સફળ રહ્યું છે. આ તિકડીના સતત હુમલાઓને કારણે પાકિસ્તાનની આબ‚ અને શાખના આંતરરાષ્ટ્રીય સ્તરે લીરેલીરા ઊડી રહ્યા છે.

 

એલ.ઓ.સી. પર યુદ્ધવિરામ ઉલ્લંઘન બાબતે, કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદી હુમલા હોય કે પછી તાજેતરમાં જ ભારતના કુલભૂષણ જાધવની ફાંસી મુદ્દે ભારત-પાકિસ્તાનમાં સામસામી તલવારો ખેંચાઈ ચૂકી છે ત્યારે ભારતે પાકિસ્તાનની આ અવળચંડાઈ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીને પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કર્યો છે અને તેની અસરો પણ વર્તાવા લાગી છે. વર્તમાન સરકારની ડિપ્લોમસી જ છે કે, ન માત્ર ભારત બલ્કે પાકિસ્તાનના પડોશી દેશ એવા ઈરાન અને અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન સામે ખુલ્લેઆમ આવી ગયા છે. ભારતની એ રણનૈતિક જીત જ છે કે આજે પાકિસ્તાન વિશ્ર્વસ્તરે અલગ-થલગ પડી રહ્યું છે.

જાધવ મામલે આઈસીજીની લપડાક

કુલભૂષણ જાધવને ભારતનો જાસૂસ હોવાના ખોટા આરોપસર પાકિસ્તાની કાંગારુ કોર્ટે મોતની સજા ફટકારી ભારતની અનેક વિનંતી છતાં પાકિસ્તાને પોતાની નાપાક પરંપરા મુજબ ભારતની વાત અને સબૂતોને ધરાર નજરઅંદાજ કર્યાં. છેવટે ભારતને આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવો પડ્યો. જ્યાં આ મામલે પાકિસ્તાના ગાલ પર આંતરરાષ્ટ્રીય કોર્ટનો જોરદાર તમાચો પડ્યો છે. આઈસીજીએ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. જો કે અહેવાલો મુજબ એક તરફ પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને માનવાના મૂડમાં છે, જ્યારે પાકિસ્તાન સૈન્ય જાધવ મુદ્દે વિશ્ર્વના કોઈપણ દબાણને વશ થવાના મૂડમાં નથી. પરિણામે પાકિસ્તાનમાં સરકાર અને સૈન્ય બન્ને સામસામે આવી ગયાં છે. જો કે પાકિસ્તાનનો ઇતિહાસ જોતાં જીત હંમેશા અહીંના સૈન્યની જ થાય છે. ત્યારે પાકિસ્તાની સૈન્ય આંતરરાષ્ટ્રીય કોર્ટને નજરઅંદાજ કરી કુલભૂષણ જાધવને ફાંસીએ ચડાવી પણ શકે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની જગતભરમાં નાલેશી થશે અને પહેલેથી જ ધોવાઈ રહેલી આબ‚નું વધુ ધોવાણ થશે. ત્યારે જાધવનો આખો મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જઈ ભારત પાકિસ્તાનને ભેખડે ભેરવવામાં સફળ થયું છે. ભારતની આ ડિપ્લોમેટીક જીતને કારણે પાકિસ્તાન સરકાર અને સૈન્ય અંદર અંદર જ લડવા લાગ્યાં છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવ્યું

ભારત-પાકિસ્તાનની સરહદની જેમ પાકિસ્તાન અફઘાનિસ્તાનની સરહદ પર પણ તનાવ છે. અફઘાનિસ્તાન પાકિસ્તાનના સૈનિકોની અથડામણ - સામાન્ય વાત બની ગઈ છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાને પાકિસ્તાનની સરહદ પર હુમલો કરી તેના સાત સૈનિકોની હત્યા કરી હતી, તો સામે પક્ષે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ૫૦ સૈનિકો હણવાનો દાવો કર્યો હતો. જોકે આ દાવાને અફઘાનિસ્તાને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યો હતો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધો એટલી હદે વણસી ચૂક્યા છે કે, તાજેતરમાં જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન યાત્રાનું નિમંત્રણ પણ એમ કહી ઠુકરાવી દીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને સાથ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી કોઈ જ પાકિસ્તાન યાત્રા નહીં થાય. જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાન અને ભારતના સંબંધો વધુ ને વધુ ગાઢ બની રહ્યા છે. ભારત-અફઘાનિસ્તાનને ભરોસો અપાવવામાં કામિયાબ નીવડ્યું છે કે, તેનાં હિતો ભારત સાથે જોડાયેલાં છે અને ભારત તેનું સાચું હિતરક્ષક છે. અફઘાનિસ્તાનની નજરમાં ભારતની હેસિયત શું છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, ગત વર્ષે પાકિસ્તાનમાં આયોજિત સાર્ક સમ્મેલનના ભારતે કરેલા બહિષ્કારને અફઘાનિસ્તાને પણ સમર્થન આપી અને સાર્ક સમ્મેલનનો બહિષ્કાર કર્યો હતો.

ઈરાનની પાકિસ્તાનને ખુલ્લી ધમકી

ભારત-અફઘાનિસ્તાન સાથેના પાકિસ્તાનના સંબંધોની જેમ જ ઈરાન સાથેના પાકિસ્તાનના સંબંધો પણ ઇતિહાસના સૌથી ખરાબ સમયમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના પીઠબળ બાદ પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, તે તેના પડોશીઓ સાથે ગમે તેવું વર્તન કરી શકે છે. પાકિસ્તાનના સુન્ની આતંકવાદીઓ ઈરાનને પણ ભારે પરેશાન કરી રહ્યા છે. છાસવારે ઈરાનમાં આતંકી હુમલા કરે છે. પરિણામે થોડા સમય પહેલાં જ ઈરાને પાકિસ્તાન પર રોકેટ લોન્ચરો છોડ્યાં હતાં અને એક સમયે પરિસ્થિતિ યુદ્ધ જેવી થઈ ગઈ હતી. આજે પણ ઈરાન-પાકિસ્તાન સરહદે પરિસ્થિતિ વિસ્ફોટક બની રહી છે. તેવામાં ઈરાને પાકિસ્તાનને સીધેસીધી ધમકી આપી છે કે જો પાકિસ્તાન તેની આતંકને પોષવાની અવળચંડાઈ બંધ નહીં કરે તો અમારા સૈનિકો પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખોખરા કરી નાખશે.

સાર્ક સેટેલાઈટથી પણ વંચિત

તાજેતરમાં ભારતે સાર્ક દેશો માટે ૪૫૦ કરોડનો સેટેલાઈટ અંતરિક્ષમાં તરતો મૂક્યો હતો. આ મહત્ત્વાકાંક્ષી યોજનામાંથી પણ પાકિસ્તાનને દૂર રાખવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાલ સહિત તમામ દેશોનાં નેતાઓએ સાર્ક સેટેલાઈટના ક્ષેત્રિય વિકાસ માટે ભારતનું મોટું કદમ ગણાવ્યું હતું. ત્યાં સુધી કે ચીની માધ્યમોએ પણ ચીનને આ પરિયોજના સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એ ભારતની કૂટનૈતિક જીત જ છે કે, ન તો ચીન કે ન તો પાકિસ્તાનનો પડછાયો આ મહત્ત્વાકાંક્ષી યોજના પર પડ્યો હતો.

આતંકવાદ મુદ્દે અમેરિકાની ચેતવણી

ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી કૂટનૈતિક સફળતા હોય તો તે અમેરિકા જેવી મહાસત્તાને પોતાના તરફ કરવાની છે. એક સમય હતો જ્યારે પાકિસ્તાન અમેરિકાનો ખંડિયો દેશ ગણાતો. પરિણામે ભારતનાં હિતોને ધરાર નજરઅંદાજ કરી અમેરિકા પાકિસ્તાનને પંપાળતું, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ છે. અમેરિકા જેવો દેશ પણ આતંકવાદને લઈ પાકિસ્તાનને ઘેરવા લાગ્યો છે. તાજેતરમાં જ ભારતયાત્રા પર આવેલા અમેરિકાના સુરક્ષા સલાહકારે પાકિસ્તાનને સલાહ આપી હતી કે, પાકિસ્તાન ભારત વિરુદ્ધ પરોક્ષ યુદ્ધ બંધ કરે તો અમેરિકન સાંસદ અને હાઉસ ડેમોક્રેટિક કોકસના અધ્યક્ષ જો ક્રાઉલીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ભારતના સૈનિકો અને તેના નાગરિકો પર હુમલા બંધ કરો, નહિ તો ભારત પણ ચૂપ નહીં બેસે. સાથે સાથે તેઓએ પાકિસ્તાનને તેની જમીન પર ધમધમતાં આતંકી કેન્દ્રો પર કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું. આ મુદ્દે તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને પણ પાકિસ્તાન પર દબાણ લાવવાનું કહ્યું હતું. તાજેતરમાં અહેવાલ એવા પણ હતા કે અમેરિકાની નવી સરકાર આતંકવાદ પર કાબૂ કરવામાં નિષ્ફળતાને લઈ પાકિસ્તાનને અપાતી સહાય અડધી કરવાનું વિચારી રહી છે.

આમ એક તરફ ભારત પાકિસ્તાનના પડોશી દેશો ઈરાન અને અફઘાનિસ્તાનને પોતાના પક્ષે કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ ને વધુ ઘેરી રહ્યું છે અને તેમાં સફળતાં પણ મેળવી રહ્યું છે. એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે એવી રાવ માત્ર ભારત તરફથી જ થતી. પરિણામે ખાઈબદેલી મહાશક્તિઓના પેટનું પાણી પણ હાલતું ન હતું, પરંતુ હવે ભારતના આ સુરમાં અફઘાનિસ્તાન અને ઈરાન જેવા મુસ્લિમ દેશો પણ સૂર પુરાવી રહ્યા છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો અવાજ વધુ ને વધુ મજબૂત બની રહ્યો છે. પરિણામે અમેરિકા સહિત મહાસત્તાઓ પાકિસ્તાન પર દબાણ વધારી રહી છે જેની અસર ક્યારે અને કેટલી થશે એ તો સમય જ કહેશે પરંતુ એટલું નક્કી છે કે, ભારત વિશ્ર્વસ્તરે પોતાની કૂટનીતિક શાખને વધુ ને વધુ મજબૂત બનાવામાં સફળ રહ્યું છે. ભારતની આ કૂટનીતિક જીત જ છે કે પાકિસ્તાન હાલ વિશ્ર્વસ્તરે અલગથલગ પડી ગયું છે.