ગુજરાતે ઉજવ્યો ગુજરાત ગૌરવ મહોત્સવ

    ૦૫-મે-૨૦૧૭

૧લી મે - ૫૭મો ગુજરાત સ્થાપનાદિન
ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ પર એક અઠવાડિયાં સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ૩૦ એપ્રિલ અને ગુજરાત સ્થાપનાદિન ૧લી મેના રોજ ભવ્યાતિભવ્ય રીતે ગુજરાત ગૌરવ મહોત્સવ ઉજવાયો. સ્થાપનાદિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા અનેક નવા આયામોનું લોકાર્પણ થયું. વિકાસની ગતી તેજ થઈ અને ગૌરવવંતા ગુજરાતની સંસ્કૃતિ ઝળહળી ઊઠી. ગુજરાત સ્થાપનાદિને ગુજરાતનાં નાગરિકોની સુખાકારીની અનેક યોજનાઓ પણ અમલમાં આવી અને સ્થાપનાદિન વિશેષ રીતે ઉજવાયો. પ્રસ્તુત છે તેની એક ઝલક. 

પૂ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરી શુભારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં ૫૭મા ગુજરાત ગૌરવ દિવસ-સ્થાપના દિવસનો શુભારંભ મહાગુજરાત આંદોલનનાં પ્રણેતા પૂ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કરીને કર્યો હતો. મુખ્યમંત્રીએ ઇન્દુચાચાનાં નેતૃત્વમાં યુવાનો દ્વારા શહાદત વહોરી તેનું ઋણ સ્વીકારી તેમને યાદ કર્યા હતા.

 રિવરફ્રન્ટ પર ગુજરાતની આન-બાન-શાનની ઝાંખી કરાવતી ભવ્ય પરેડ

રિવરફ્રન્ટ પર રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ભવ્ય પરેડ યોજાઈ હતી. પરેડમાં ૪ જિલ્લામાંથી ૩૦૦ મહિલા પોલીસ, આરએએફ અને બીએસએફના જવાનો, વિવિધ બેન્ડ, ચેતક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ અને બાઈક સવાર મહિલા પોલીસે ભાગ લીધો હતો.

નૌકા સ્પર્ધા

અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી નૌકા સ્પર્ધાનું પણ શહેરીજનોમાં જબ‚ આકર્ષણ રહ્યું હતું. સાબરમતી નદીમાં નૌકાસ્પર્ધા જોવા હજારો લોકો એકઠા થયા હતા. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ દ્વારા રાહત-બચાવ કાર્યનું નિદર્શન યોજવામાં આવ્યું હતું અને મ્યુનિ. ફાયર બ્રિગેડ દ્વારા નવી બોટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

હોમગાર્ડભવન અને મલ્ટી લેવલ પાર્કિંગનું લોકાર્પણ

ગુજરાત સ્થાપનાદિને ૧લી મેના રોજ અમદાવાદ લાલદરવાજા સ્થિત ૧૬ કરોડથી વધુના ખર્ચે બનેલ હોમગાર્ડ ભવનનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સુરક્ષામાં હોમગાર્ડઝનાં યોગદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ૧૦૦૦ જેટલા હોમગાર્ડઝ જવાનોએ માનવ સાંકળ રચી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫૮ કરોડનાં ખર્ચે બનાવાયેલ મલ્ટીલેવલ પાર્કિંગ પણ આ દિને લોકાર્પિત થયું. ઉલ્લેખનીય છે કે, ૪ માળના આ પાર્કિંગમાં ૧૧૩૨ વાહનો પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા છે. જેમાં ૩૮૫ ફોર વ્હીલર અને ૭૪૭ ટુ વ્હિલર પાર્ક થઈ શકશે. વાહનોની સુરક્ષા માટે કુલ ૫૭ જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

પુસ્તક મેળો

૧લી મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રી ગૌત્તમભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ બૂક ફેરને ખુલ્લો મુકાયો.

સોલા સિવિલ હૉસ્પિટલમાં ઓપીડી બ્લોકનું લોકાર્પણ

અમદાવાદનાં સોલા વિસ્તાર સ્થિત સોલા સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં નવનિર્મિત ઓપીડી બ્લોકનું લોકાર્પણ થયું. આ પ્રસંગે ગુજરાત સરકારની જીએમઈઆરએસ મેડિકલ કૉલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ૨૯ બેઠકો શરૂ કરાઈ છે. રાજ્યની મેડિકલ કૉલેજોમાં આવનાર બે વર્ષોમાં પાંચ હજાર બેઠકોની ક્ષમતા પ્રાપ્ત થાય અને રાજ્યનાં યુવાઓને સ્થાનિક સ્તરે ચિકિત્સા શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું. તાપી અને નર્મદા જેવા વનવાસી વિસ્તારો સહિત રાજ્યમાં નવી મેડિકલ કૉલેજો શરૂ કરવાની જાહેરાત કરતા તેઓએ કહ્યું હતું કે, રાજ્યનાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી સારવાર મળી શકે, તે માટે નવી મેડિકલ પોલિસી અંતર્ગત છૂટ આપવામાં આવી છે.

અમદાવાદને દુલ્હનની માફક શણગારાયું

ગુજરાત સ્થાપનાદિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદની અનેક પ્રખ્યાત ઈમારતો, વિવિધ બ્રિજ અને રીવરફ્રન્ટને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. પરિણામે શહેરમાં જાણે દીવાળી જેવો માહોલ બની ગયો હતો. ૩૦ એપ્રિલની રાત્રે રીવરફ્રન્ટ પર આતશબાજી પણ યોજાઈ હતી. આતશબાજીનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

શ્રવણ તીર્થ યાત્રાનો પ્રારંભ

ગુજરાત સ્થાપનાદિને અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શ્રવણતીર્થ યાત્રાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚રૂપાણીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતનાં સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવાં યાત્રાધામોને ગુજરાત એસટી નિગમ અને ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ સાથે સાંકળવાનો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. ગુજરાત રાજ્ય પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક આ સમગ્ર પ્રોજેક્ટ અમલી બનશે. શ્રવણ તીર્થ યોજના મુજબ ૪૫ કે તેથી વધુ સિનિયર સીટીઝનનાં સમૂહને યાત્રાધામના સ્થળે લઈ જવા પરત લાવવા સરકાર દ્વારા એસટી બસનાં નિર્ધારિત ભાડામાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.