@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ વસ્ત્ર વગરનો રાજા

વસ્ત્ર વગરનો રાજા


ડેન્માર્કની સુપ્રસિદ્ધ વાર્તા

બહુ સમય પહેલાંની વાત છે. એક રાજાને જાતભાતનાં કપડાં પહેરવાનો ખૂબ શોખ હતો. તે થોડી-થોડી વારે નવાં કપડાં બદલતો અને પછી ઠાઠમાઠથી ઘૂમતો રહેતો. જે સામે મળે તેને તે પૂછતો : ‘મારાં કપડાં કેવાં લાગે છે ?’
સાંભળનાર બધાં કહેતાં : ‘વાહ રાજા સાહેબ, આપનાં વસ્ત્રો તો શ્રેષ્ઠ છે, સુંદર છે, અજોડ છે, અલૌકિક છે !’
રાજાને આવી પ્રશંસા ગમતી, એટલે નવાં નવાં વસ્ત્રો બદલીને તે ફરતો રહેતો. આ કારણે રાજસભામાં કોઈ કામ થતું નહીં. પ્રજાની ભલાઈનું પણ કોઈ કામ થતું નહીં. સભા થાય ત્યારે પણ નવા નવા ઢંગના કપડાંની જ ચર્ચા થતી.
એક દિવસે રાજા પોતાના મહેલમાં કપડાં બદલી રહ્યો હતો, તે વખતે એક સેવકે અંદર આવીને કહ્યું : ‘મહારાજા, બહાર બે વણકર આવ્યા છે. તેઓ આપનાં દર્શન કરવા માગે છે. આપ હુકમ કરો તો તેમને અંદર બોલાવી લાવું.’
વણકરોનું નામ સાંભળીને રાજાને બહુ ખુશી થઈ. તેણે તરત જ આદેશ કર્યો : ‘હા, જાઓ, વણકરોને અંદર મોકલો.’
અંદર આવીને વણકરોએ રાજાને પ્રણામ કર્યાં અને પછી કહ્યું, ‘મહારાજ, અમે આપને માટે ઉત્તમોત્તમ કપડું વણવાની ઇચ્છા રાખીએ છીએ. અમે સાત સમુંદર પાર જઈને આ વિદ્યા શીખી આવ્યા છીએ. દુનિયામાં કદી કોઈએ પણ એવું વસ્ત્ર પહેર્યંુ નહીં હોય, એવું વસ્ત્ર અમે આપને માટે વણી આપીશું. પરંતુ...’
‘હા-હા, કહો, પરંતુ શું ?’ વણકરોની વાતથી રાજા ખુશ થયો હતો.
વણકરોએ કહ્યું : ‘મહારાજા, અમારા વણેલા એ કપડાની એક વિશેષતા છે. આપના રાજ્યમાં જે માણસ મૂર્ખ હશે, અને અયોગ્ય હશે, તેને અમારું વણેલું કપડું દેખાશે નહીં.’
વણકરોની વાત સાંભળીને તો રાજાનું દિલ અતિ પ્રસન્ન થઈ ગયું. તેણે મનમાં વિચાર કર્યો, ‘વાહ ! આ તો અદ્ભુત વસ્ત્ર કહેવાય ! એવું વસ્ત્ર પહેરીને તો હું રાજ્યના મૂર્ખ અને બુદ્ધિમાન તથા યોગ્ય અને અયોગ્ય વ્યક્તિઓને તરત જ ઓળખી શકીશ. વાહ, મજા પડશે !’
તરત જ તેણે વણકરોને કાપડ વણવાનો હુકમ આપી દીધો અને એ માટે પુષ્કળ સોનું પણ આપ્યું. વણકરોએ સોનું ઠેકાણે મૂકી દીધું અને એક સાળ પર કપડું વણવા માટે બેસી ગયા. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, પરંતુ હજુ કપડું તૈયાર થયું નહોતું.
આ બાજુ રાજાની ધીરજ ખૂટી ગઈ હતી. તેને નવાં કપડાં માટે મનમાં અધીરતા થઈ રહી હતી. આખરે એક વિશ્ર્વાસુ મંત્રીને બોલાવીને કહ્યું :
‘પ્રધાનજી ! જાઓ, વણકરોની પાસે જઈને તપાસ કરી આવો, કાપડ વણાઈ ગયું છે કે નહીં ?’
પ્રધાન વણકરોની પાસે પહોંચી ગયો. પ્રધાનને જોઈને વણકરોએ અતિ નમ્રતાથી કહ્યું : ‘હજૂર, જુઓ, આ કાપડ કેટલું સુંદર છે ! તે કેવું બારીક છે અને કેવું ચમકદાર છે ! વાહ, છે ને ઉમદા ?’
પ્રધાને સાળ તરફ જોયું, આંખો પહોળી કરીને જોયું, પરંતુ સાળ પર તો કપડા જેવું કાંઈ દેખાતું ન હતું. તેને ભારે અચરજ થયું. પછી વિચારવા લાગ્યો, ‘શું હું વણકરોના કહેવા મુજબ મૂર્ખ અને અયોગ્ય નહીં હોઉં ? હું વારંવાર જોઉં છું છતાં મને કપડું તો દેખાતું નથી !’
પ્રધાને પોતાની મૂર્ખતા અને અયોગ્યતા છુપાવવા માટે કહ્યું : ‘હા-હા, કપડું તો એકદમ ઉમદા છે. આવું બારીક, મુલાયમ અને ચમકદાર કપડું તો મેં આજ સુધીમાં જોયું નથી. મહારાજા આ કપડું, પહેરીને ધન્ય ધન્ય થઈ જશે. હું મહારાજાને આ કપડાની સુંદરતા વિશે કહીશ.’
એટલું કહીને પ્રધાને વણકરોને બીજું થોડું સોનું આપ્યું ને ત્યાંથી ચાલતો થયો.
વણકરો એકબીજાની તરફ જોઈને હસવા લાગ્યા અને પાછા કપડું વણવાના કામમાં લાગી ગયા.
વળી પાછા થોડાક દિવસો પસાર થયા. હજુ કપડું પૂરેપૂરું તૈયાર થયું નહોતું. રાજાની બેચેની વધતી જતી હતી. આ વખતે તેણે પોતાના સૌથી વધુ વિશ્ર્વાસુ મુખ્યમંત્રીને વણકરોની પાસે મોકલ્યો, અને જલદીમાં જલદી કપડું વણીને પૂરું કરવાનું કહ્યું.
મુખ્યમંત્રીને આવતો જોઈને વણકરો વધુ ધ્યાનથી કપડું વણવા લાગી ગયા. તે એકદમ નજીક આવ્યો એટલે વણકરો ઊભા થઈ ગયા અને હાથ જોડીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા : ‘જુઓ હજૂર ! કપડું કેવું બારીક અને સુંદર છે ! જોતાં જ તે મન મોહી
લે છે. હજુર, છે ને સુંદર અને મુલાયમ ?’
મંત્રી મહોદય એકીટશે સાળ તરફ જોઈ રહ્યો, પરંતુ તેને સાળ પર કપડું તો શું સૂતરનો એક તાંતણો પણ દેખાતો ન હતો. હેરત અને પરેશાન થયેલા મુખ્યમંત્રીને વણકરોની વાત જરાય સમજાતી નહોતી.
બહુ વિચાર કરતાં મુખ્યમંત્રીને વણકરોએ શરતમાં કહેલી વાત યાદ આવી. તે વિચારમાં પડી ગયો : ‘શું હું મૂર્ખ અને અયોગ્ય વ્યક્તિ તો નહીં હોઉં ! કપડું તો મને દેખાતું નથી અને વણકરો તો સાળ ઉપર પોતાની પૂરેપૂરી શક્તિથી કામ કરી રહ્યા છે.’
મુખ્યમંત્રીએ પોતાની મૂર્ખતા અને અયોગ્યતા છુપાવવા માટે કપડાનાં ભરપૂર વખાણ કર્યાં : ‘હા, કપડું તો એકદમ અફલાતૂન છે !’
આ વખતે પણ કપડું તૈયાર થઈને આવ્યું નહોતું, એટલે અધીર થઈને રાજા પોતે વણકરોની પાસે આવ્યો. વણકરો તલ્લીન થઈને સાળ પર કપડું વણી રહ્યા હતા. પરંતુ રાજાને તો કપડાં જેવું કાંઈ દેખાતું નહોતું. અરે, એક તાર પણ દેખાતો નહોતો ! રાજાએ સાળ પર નજર ફેરવી-ફેરવીને જોયું, પરંતુ ત્યાં કપડાં જેવું કાંઈ જ નજરે પડતું ન હતું. રાજા ગભરાઈ ગયો. તેને મનમાં થયું : ‘શું હું જ સૌથી મોટો મૂર્ખ અને અયોગ્ય વ્યક્તિ તો નહીં હોઉં ? વણકરોએ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ મૂર્ખ અને અયોગ્ય હશે તેને કપડું દેખાશે નહીં !’
રાજા કાંઈ બોલે એ પહેલાં જ તેના સલાહકારોએ કહેવાનું શ‚ કરી દીધું : ‘અરે વાહ ! કેવું સુંદર કાપડ છે ! કેવું ચમકદાર છે ! કરોળિયાના જાળા કરતાં પણ બારીક છે ! બસ, હવે તો મહારાજા પહેરે એટલી જ વાર છે ! આવું કપડું તો કોઈએ જોયું પણ નહીં હોય !’
રાજાએ પણ સલાહકારોની હામાં હા ભણી. રાજાને પ્રસન્ન થયેલો જોઈને વણકરોએ કહ્યું : ‘રાજાજી ! આ દર્પણની સામે ઊભા રહીને આપનાં કપડાં ઉતારી નાંખો, તે પછી જ નવાં કપડાંની શોભા દેખાશે.’
ખુશીમાં આવીને રાજાએ પોતાનાં પહેરેલાં કપડાં કાઢી નાખ્યાં. તે નગ્ન થઈ ગયો. તેણે નવાં કપડાં માગ્યાં, પરંતુ કપડાં હતાં જ ક્યાં ? વણકરોએ ખાલી ખાલી કપડાં પહેરાવવાનો ઢોંગ કર્યો. તેઓ રાજાને મૂર્ખ બનાવી રહ્યા હતા. જોનારા બધા જોઈ રહ્યા હતા કે રાજાના શરીર પર પણ વસ્ત્ર નથી, પરંતુ એવું કહીને મૂર્ખ અને અયોગ્ય વ્યક્તિ કોણ બને ?
પછી ધામધૂમથી રાજાનું સરઘસ નીકળ્યું. ચાર સેવકો તંબુ ઉપાડીને ચાલતા હતા, પરંતુ રાજા તો નવાં વસ્ત્રો બતાવવા તંબુની બહાર રહ્યો હતો. આગળ રાજા ને પાછળ નગરજનો ચાલી રહ્યાં હતાં. બધાં પોતાની મૂર્ખતા અને અયોગ્યતા સંતાડવા માટે ચુપચાપ ચાલી રહ્યા હતા.
થોડે આગળ બાળકો રમી રહ્યાં હતાં. રાજાને વસ્ત્ર વગરનો નગ્ન જોઈને બાળકો જોર-જોરથી બોલવા લાગ્યાં : ‘રાજા નાગો...! નગરનો રાજા નાગો...! અમારો રાજા નાગો...! ફેંઈ... રાજા નાગો...!’
બાળકોનો શોરબકોર બધાએ સાંભળ્યો, ધ્યાનથી સાંભળ્યો. પછી તો બધાં જ નગરજનો એકી સાથે કહેવા લાગ્યા : ‘હા-હા, રાજાજી નગ્ન છે, એકદમ નગ્ન છે !’
રાજા ચોંક્યો તેણે પોતાના શરીર પર હાથ ફેરવ્યો. પછી તો તેને પણ વિશ્ર્વાસ થઈ ગયો કે તેના શરીર પર એક પણ વસ્ત્ર નથી. તેને શરમ આવવા લાગી. પછી તો તે લજ્જાથી પાણી પાણી થઈ ગયો.
બસ, પછી શું થયું ? રાજાએ નવાં નવાં કપડાં પહેરવાનો શોખ એ દિવસથી છોડી દીધો.