ભગવાન શિવ સાથે લગ્નની ઇચ્છા અધૂરી રહી જતાં નામ પડ્યું કન્યાકુમારી

    ૦૨-જૂન-૨૦૧૭

પૌરાણિક કથા અનુસાર કન્યાકુમારી એક એવી કન્યા હતી જેનો જન્મ એક રાક્ષસને મારવા માટે થયો હતો, પરંતુ તેને શિવ સાથે પ્રેમ થઈ ગયો. સમસ્ત સૃષ્ટિની રક્ષા માટે તેમનાં લગ્ન શિવ સાથે થઈ ન શક્યાં અને તે આજીવન કુંવારી રહી ગઈ
ભારતના સૌથી સુંદર સ્થળો પૈકી એક છે કન્યાકુમારી પરંતુ શું તમને ખબર છે કે આ સ્થળનું નામ કન્યાકુમારી કેમ પડ્યું ? પૌરાણિક કથા અનુસાર કન્યાકુમારી એક એવી કન્યા હતી, જેનો જન્મ એક રાક્ષસને મારવા માટે થયો હતો, પરંતુ તેને શિવ સાથે પ્રેમ થઈ ગયો. અંતે સમસ્ત સૃષ્ટિની રક્ષા માટે તેનાં લગ્ન શિવ સાથે થઈ ન શક્યાં અને તે આજીવન કુંવારી રહી ગઈ. બાનાસુરનના વધ માટે કુમારી નામે કન્યાએ જન્મ લીધો હતો. શિવપુરાણમાં લખેલી એક પૌરાણિક કથા અનુસાર બાનાસુરન નામક એક અસુર હતો, જેણે દેવતાઓને પોતાનાં કુકર્મોથી હેરાન પરેશાન કરી નાંખ્યા હતા. તમામ દેવતાઓ આ અસુરથી મુક્તિ ઇચ્છતા હતા, પરંતુ બીજી તરફ ભગવાન શિવે અસુરને કઠોર તપસ્યા બાદ એ વરદાન આપ્યું હતું કે તેનું મૃત્યુ માત્ર એક કુંવારી કન્યાના હાથે જ થશે, અન્યથા તે અમર થઈ જશે.
શક્તિનો અંશ હતી કુમારી. તે કાળમાં ભારત પર શાસન કરી રહેલા રાજા ભરતને ત્યાં એક પુત્રીએ જન્મ લીધો હતો. રાજાના આઠ પુત્રો અને એક પુત્રી હતી. કહેવાય છે કે આ પુત્રી કોઈ અન્ય નહીં પણ આદિ શક્તિનું જ અંશ હતી જેનું નામ કુમારી રાખવામાં આવ્યું. આગળ જતાં રાજાએ પોતાના સામ્રાજ્યના નવ એકસરખા ભાગ પોતાના સંતાનોમાં વહેંચી દીધા, જેમાંથી દક્ષિણનો હિસ્સો પુત્રી કુમારીને ભાગે આવ્યો. કુમારીએ વર્ષો સુધી આ વિસ્તારની દિલથી રક્ષા કરી અને તેના વિકાસ માટે દરેક શક્ય પ્રયાસો કર્યા. શિવ સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી. પૌરાણિક કથાઓ અનુસાર માનવામાં આવે છે કે કુમારી ભગવાન શિવને પ્રેમ કરતી હતી. તેણે શિવજીને પરણવા માટે કઠોર તપસ્યા કરી અને તેના તપથી પ્રસન્ન થઈને શિવજીએ તેના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને તેને ત્યાં જાન લઈને આવવાનું આશ્ર્વાસન પણ આપ્યું. હવે કુમારી લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ. વિવાહ હેતુ તેણે શ્રૃંગાર પણ કર્યો. પરંતુ બીજી તરફ નારદ મુનિ જાણી ચૂક્યા હતા કે કુમારી કોઈ સાધારણ કન્યા નથી, પરંતુ અસુર બાનાસુરનનો વધ કરનાર દેવી છે. નારદે આ રહસ્ય તમામ દેવતાઓ અને શિવને જણાવી દીધું. અંતે સૃષ્ટિના કલ્યાણ માટે એ નિર્ણય લેવામાં આવ્યો કે ભગવાન શિવની જાનને અધવચ્ચેથી જ પરત કૈલાશ મોકલી દેવામાં આવે.
આ રીતે કૈલાશ પરત ફર્યા શિવ કુમારી સાથે લગ્ન કરવા માટે શિવજી મધરાતે જ કૈલાશથી ભારતના દક્ષિણ તરફ જવા રવાના થઈ ગયા જેથી કરીને સવાર સુધી લગ્ન મુહૂર્ત સુધી પહોંચવામાં આવે, પરંતુ દેવતાઓએ મધરાતે જ મરઘાના અવાજમાં બાંગ પોકારી દીધી અને મુહૂર્ત માટે મોડું થઈ ગયું હોવાનો અહેસાસ થતાં શિવજી કૈલાશ તરફ પરત ફર્યા. આ રીતે થયો બાનાસુરનનો વધ. દરમ્યાન બાનાસુરનને જ્યારે કુમારીની સુંદરતા અંગે જાણવા મળ્યું ત્યારે તેણે કુમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કુમારીએ કહ્યું કે જો તે તેને યુદ્ધમાં હરાવી દેશે તો તે તેની સાથે લગ્ન કરી લેશે. બન્ને વચ્ચે યુદ્ધ થયું અને બાનાસુરન મોતને ભેટ્યો. આ રીતે કુંવારી રહી ગઈ કન્યા, નામ પડ્યું કન્યાકુમારી. દેવતાઓને અસુરથી મુક્તિ મળી ગઈ અને ત્યારબાદ પોતાના વરની રાહ જોતી કુમારી આજીવન કુંવારી જ રહી ગઈ અને શિવ સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ ત્યજી દીધી. આ કથાને આધાર માનતા ભારતના આ દક્ષિણ વિસ્તારનું નામ પડ્યું કન્યાકુમારી.