પબ્લિક વાઈ-ફાઈના ઉપયોગમાં શી સાવચેતી રાખવી ?

    ૦૨-જૂન-૨૦૧૭

કોઈ મોલ, રેસ્ટોરાં કે એરપોર્ટ જેવી જગ્યાએ તમે સ્માર્ટફોનમાં વાઈ-ફાઈ ઓન કરો અને કોઈ ફ્રી વાઈ-ફાઈ કનેક્શન મળતું દેખાય તો તેનો લાભ લેવાની લાલચ થઈ આવે છે ? ફ્રીનો લાભ લેવામાં દેખીતું કોઈ નુકસાન નથી, પણ સાથોસાથ નીચેની બાબતો ધ્યાનમાં રાખશો તો પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે.
કોઈ લેવડદેવડ ન કરશો : ફ્રી પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરીને ક્યારેય કોઈ પણ પ્રકારનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરશો નહીં. તમારી બેન્કની સાઈટ કે એપમાં લોગ ઈન થવું કે ઓનલાઈન શોપિંગ કરીને તેને માટે ઓનલાઇન પેમેન્ટ કરવું ચોક્કસપણે જોખમી બની શકે.
માત્ર એનક્રિપ્ટેડ સાઈટ્સ સર્ફ કરો : તમે બ્રાઉઝરમાં કોઈ પણ એડ્રેસ ટાઈપ કરો ત્યારે એડ્રેસ બારમાં શ‚આતમાં લીલા રંગના તાળાની નિશાની સાથે સિક્યોર અને પછી એચટીટીપીએસ જોવા મળે છે ? આવી સાઈટ અન્ય સાઈટની સરખામણીમાં, આપણા માટે વધુ સલામત ગણાય તેમ સિક્યોર પર માઉસ લઈ જશો તો વાંચી શકશો કે આ સાઈટ પર તમે મોકલેલ પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર્સ ખાનગી રહે છે. તેની વિરુદ્ધ જો તમે ફક્ત એચટીટીપી સાઈટ સર્ફ કરી રહ્યા હો તો એવું બની શકે કે તમારી આસપાસ બેઠેલી કોઈ વ્યક્તિ તમે જે સાઈટ જોઈ રહ્યા હો તે સાઈટ અને તેમાં જે પાસવર્ડ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો નંબર આપી રહ્યા હોય તે પણ જોઈ શકતી હોય !
હોટસ્પોટમાં સાવચેતી : હોટસ્પોટનો ઉપયોગ કરવામાં સાવધ રહો. તમે જાણતા જ હશો કે તમે તમારા પોતાના મોબાઈલમાં મોબાઈલ ડેટા કનેકશન અને હોટસ્પોટ સુવિધા ઓન કર્યા પછી બીજા મોબાઈલ કે લેપટોપમાં મોબાઈલમાંથી મળતાં વાઈ-ફાઈ સિગ્નલની મદદથી નેટ કનેક્શન કરી શકો છો (જુઓ ‘સાયબર સફર’ ડિસેમ્બર ૨૦૧૩ અંક). આ જ પદ્ધતિ બીજી કોઈ વ્યક્તિ પણ અજમાવી શકે છે.
સામાન્ય રીતે આપણે પોતે જ્યારે હોટસ્પોટ ક્રિએટ કરીએ અને બીજી વ્યક્તિને તેનો લાભ આપીએ ત્યારે તેને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકીએ છીએ. પરંતુ ખોટા ઇરાદા સાથે હોટસ્પોટ ઊભું કરનાર વ્યક્તિ આવું કોઈ પાસવર્ડ પ્રોટેક્શન ન રાખે અને ઓપન હોટસ્પોટ મળતું જોઈને આપણે તેનો ઉપયોગ કરવા લલચાઈ જઈએ એવું બની શકે છે.
જો તમે આવી જાળમાં ફસાઓ તો એ વ્યક્તિ તમે જે કંઈ સર્ફ કરો એ તો જોઈ જ શકે એ ઉપરાંત તમને દેખાતી સાઈટ પણ એ વ્યક્તિ બદલી પણ શકે. આવું કરવું એ સામાન્ય હેકરના ગજા બહારની વાત છે પણ એ શક્ય જરૂર છે.
આવી સ્થિતિમાં તમને એમ લાગતું હોય કે તમે જીમેઈલ કે ફેસબુકમાં લોગ ઈન કરી રહ્યા છો પણ વાસ્તવમાં હેકરે બનાવેલા જીમેઈલ કે ફેસબુક જેવા જ લાગતા કોઈ બનાવટી વેબપેજ પર તમે તમારા લોગ ઈનની વિગતો આપી રહ્યા હો તેવું બની શકે છે.
જરૂર ન હોય ત્યારે વાઈ-ફાઈ બંધ રાખો : આપણને કોઈ વાઈ-ફાઈ સિગ્નલ ન મળી રહ્યા હોય છતાં આપણે વાઈ-ફાઈ કનેક્શન ઓન રાખીએ તો તેમાં બહુ મોટું જોખમ નથી, પરંતુ તેમ છતાં કોઈ હેકર તેનો લાભ લઈ શકે છે.
આપણા ફોનમાં વાઈ-ફાઈ બંધ રાખીને હેકર માટે દરવાજો પણ બંધ રાખવો સારો છે. એ રીતે ફોનની બેટરી પણ બચશે.
વીપીએનનો ઉપયોગ કરો : આ સલાહ સાચી છે, પણ એમાં બે તકલીફ છે. ફ્રી વીપીએન સર્વિસ બહુ અસરકારક હોતી નથી અને એ જ આપણી માહિતી મેળવી લે એવું બની શકે છે અને પેઈડ વીપીએન ખર્ચાળ બાબત છે ! તમે કોઈ મોટી કંપનીના એક્ઝિક્યુટીવ હો કે તમારો પોતાનો સારો બિઝનેસ હોય તો એ તમને પોસાઈ શકે અને તો જ તમને એની ખરેખર જ‚ર છે.
સલામત પાસવર્ડનો ઉપયોગ કરો : વારંવાર કહેવામાં આવતી અને છતાં વારંવાર અવગણવામાં આવતી વાત. હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો જુદા જુદા એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. પ્રી પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે જો કોઈ હેકરને તમારા એક એકાઉન્ટ માટેનો પાસવર્ડ મળી જાય તો એ ઘડીના છઠ્ઠા ભાગમાં તમારા એક એકાઉન્ટ ઉપરાંત અન્ય સંખ્યાબંધ એકાઉન્ટસમાં એ એક જ પાસવર્ડની મદદથી ઘૂસી શકે છે.