@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ શાશ્ર્વતની કસ્તૂરી બતાવતા કાલિદાસની સંગે...

શાશ્ર્વતની કસ્તૂરી બતાવતા કાલિદાસની સંગે...

અષાઢના આ પહેલા દિવસે
અષાઢ બેઠો છે, રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથની યાત્રા ગતિની યાત્રા છે. સમાજની શ્રદ્ધા અને જીવનની યાત્રા છે. ભક્તિની સામૂહિકતાની યાત્રા છે. પણ ગઈકાલે અષાઢ બેઠો એની સાથે જ કાલિદાસે મનનો કબજો લઈ લીધો છે. વરસાદ વિનાનો અષાઢ વિરહને ઘેરો બનાવે છે, જાણે એક વખત કૉલેજની બાજુએ આવેલી કેન્ટિનમાં જૂના ફર્નિચરની દુકાન કરી હોય. એમ થાય યક્ષ પાસેથી માઈક લઈને વાદળને જુદો જ સંદેશ આપીએ. કવિતા અને ભાવક વચ્ચે થતી આ ખેંચતાણની એક પીડાનો આનંદ હોય છે છે. ઘણીવાર એમ પણ થાય ક્લાઉડ કમ્પ્યુટીંગની ગંગોત્રીથી કાલિદાસ બોલી રહ્યા છે તેવું જગતના રંગમંચ પર જઈને કહીએ.
Clouds can store, transmit and retrieve messages આવાં કમ્પ્યુટરજગતનાં વિધાનો સાંભળીએ ત્યારે કવિકુલગુરુની કાવ્યપ્રસૂતિક્ષણની મુગ્ધ આંખોનું સ્મરણ કરવું છે, એ કવિ-કાને સાંભળેલી અનંતસ્પર્શી ભાષાભંગિમાને પામવાના આ દિવસો છે. આ દિવસો વરસાદવિરહને પચાવવાના છે, જે મકાનો નાહીધોઈને ઊભાં હોય તેવાં લાગવાં જોઈએ એ પરસેવે રેબઝેબ ઊભેલાં દેખાય છે. એના લીધે ગાડીના એરકંડિશનરની ઠંડી હવામાંથી એક લીમડાની ડાળ પ્રગટે છે, અને નીચે જ ઊભા છે શ્ર્વેતકેશી કાલિદાસ...
ટેક્નોલોજીએ જ્યારે મનુષ્ય ચેતનામાંથી ‘વિરહ’ના ભાવને અનેક આયામોથી બાષ્પીભૂત કર્યો છે ત્યારે એ વિરહભાવની કવિતા વાંચવી એ અનોખો ભાવવિહાર છે, પરિણામે કવિતાનું અસ્તિત્વ-સાર્થક્ય અને શક્યતાની સમજને જુદી રીતે નિખારે છે.
મકાનોના ઘૂઘવતા મહાસાગરમાં બેસીને રામગિરી પર્વત પરના વિરહી પ્રેમીના વાદળને સંદેશ કહેવાની કવિતા આપણને આપણાથી ડિસકનેક્ટ કરવાની એક સૂક્ષ્મ પ્રક્રિયા કરે છે. આ પાર્શ્ર્વભૂમિ અને કવિતાનો લય આપણામાં એક ચાતકચેતના જગવે છે, મને એની મઝા આવે છે.
પ્રત્યેક શ્ર્લોકમાં એક દૃશ્ય મળે છે. શ‚આતમાં કવિ કહે છે, તને ધીરા ધીરા વાયુ લઈ જશે ત્યારે તારી સાથે ડાબી બાજુથી ચાતકના મધુર કૂજન સંભળાશે તો ગર્ભાધાનની મધુર ક્ષણની સ્મૃતિથી પ્રમત્ત બનેલી ગર્વીલી બલાકાઓની એક હાર પણ તને સાથ આપશે... પછી કવિ એક દૃશ્ય બતાવે છે, એક જગાએ મુગ્ધ ઋષિપત્નીઓ તારી હાથી જેવી કાયા જોઈને કહે છે, (શંકા કરે છે) ‘આ પવન-પંખાળા વાદળ પર્વતટોચને લઈ જશે કે શું ? (પૂર્વમેઘ-૧૪). યક્ષ મેઘનું માર્ગદર્શન કરે છે, તેણે કયા માર્ગે યક્ષપત્નીને મળવા જવું તેનાં વર્ણનો જગતકવિતામાં અનન્ય સ્થાન પામ્યાં છે. તેનું કારણ શબ્દનું નાજુક નકશીકામ છે. આગળના માર્ગનું વર્ણન કરતાં નર્મદા આવે છે. રેવા આવે ત્યાં હે મેઘ ! તું થોડીવાર ઊભો રહેજે. આ રેવા જાણે વિન્ધ્યપર્વત નામના હાથીના વિષમ કપાળે આંકેલી ભસ્મરેખા જેવી છે. પછી જ્યારે માનવવસાહતો ઉપરથી તું ઊડીશ ત્યારે ઉજ્જયની નગરી આવશે. ઊંચાં ઊંચાં વૃક્ષોને અડક્યા વગર કદાચ તું ઊડી શકીશ પણ ઉજ્જયનીનાં ઊંચાં ભવનોની અગાશીઓ તો તને બાહુ ઊંચાં કરીને ઊભેલા સ્વજનની જેમ ભેટી પડશે. અને તારી અંદર રહેલી વિદ્યુતપ્રિયા ફેંકીશ ત્યારે તો આખું નગર ચમકી ઊઠશે પણ આ વેળા ઉજ્જયનીની સ્ત્રીઓની આંખની ચમક અને મુગ્ધતા જોવાનું તું ચૂકી જઈશ તો તારો જન્મ અફળ જશે, મિત્ર !’ આજે બધુ યથાતથ ના હોય તો પણ કાલિદાસ આપણને જે ચિત્રો અને ચેતનાનું સંયોજન આપે છે તે આજે પણ મનભાવન છે. વળી જ્યારે મેઘને કહે છે કે તું ત્યાં પહોંચીશ ત્યારે મારી પત્નીને ઓળખવામાં તને તકલીફ નહીં પડે કારણ મારા વિરહથી જેની આંખો સૂઝેલી હશે, વાળ છુટ્ટા રાખી સુકાઈ ગયેલી પણ સુંદર તે મારી પત્ની હશે. ‘તું હૈ સૌભાગ્યવતી... એમ કહીને કહેજે કે હું તારા વિરહી પતિનો મિત્ર છું...!’ ‘કારણ હું જીવતો છું એ શરૂઆતમાં જ જણાવી દેવું જ‚રી છે, નહીં તો એને ભારે આઘાત લાગશે.’
આજકાલ કાલિદાસને ગાવાની મજા આવે છે, લયમાંથી નીતરતો કાવ્યરસ આખા ઉનાળાને ભીંજવી દે તેવી શબ્દશક્તિનો વિસામો છે.