@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ સ્વાતંત્ર્ય-સંગ્રામની સફળતા પાછળ રહેલી અનેક મહિલાઓ...

સ્વાતંત્ર્ય-સંગ્રામની સફળતા પાછળ રહેલી અનેક મહિલાઓ...

સફળ પુરુષ પાછળ સ્ત્રીઓનો ફાળો હોય, તો પછી દેશની સ્વતંત્રતાના સંગ્રામ પાછળ સ્ત્રીઓનો ફાળો કેમ ન હોય ? છે જ ! આઝાદીના ૭૦મા વર્ષે વાત કરીએ એવી જ કેટલીક મહિલા ક્રાંતિકારીઓ જેમણે આઝાદીની લડતમાં પોતાનું નામ અમર કરી દીધું છે. ખૂબ લડેલી એ મર્દાનીઓની વાતો...

રાણી ચેન્નમ્મા - જન્મ : ૧૭૭૮ - મૃત્યુ : ૧૮૨૯ - જન્મસ્થળ : કાકતી (બેલગામ)

બ્રિટિશકાળમાં રાજ ખાલસા કરવાની નીતિ-રીતિ જાણતા ડેલહાઉસીના ધ્યાનમાં આવ્યું કે દક્ષિણ ભારતમાં એક માથાભારે રાણી રાજ કરે છે. નિયમ પ્રમાણે તો રાણી સરકારની મંજૂરી વગર દત્તક પુત્રને ગાદીએ બેસાડી શકે નહીં, પણ રાણી ચેન્નમ્માએ કિત્તુરની ગાદી પર દત્તક પુત્રને બેસાડ્યો હતો. જ્યારે તેને કોઈએ સરકારની ધમકી આપી ત્યારે ચેન્નમ્માએ કહી દીધું કે "મારું રાજ ચલાવવા માટે મારે અંગ્રેજોને પૂછવાની જ‚ર નથી ! થૈકર નામનો અંગ્રેજ કલેક્ટર સેના લઈને આવી પહોંચ્યો, સામે પક્ષે ઘોડા પર સવાર થઈને રાણી અને તેમની સેના પણ મેદાને પડી. અંગ્રેજ સેના ગઢમાં પ્રવેશી શકી નહીં અને વીલા મોઢે પાછું ફરવું પડ્યું. અંગ્રેજોએ એ પછી રાણીના સાથીદારોને ફોડીને બીજી વખત હુમલો કર્યો. એમાં સફળતા પણ મળી. રાણીને કેદ કરાયાં, જ્યારે તેમના વફાદાર સૈનિકો લડતા રહ્યા. અંગ્રેજોએ એ બધાને પકડીને ફાંસીએ ચડાવી દીધા. રાણીને ખબર પડી ત્યારે આઘાતના માર્યા તેમણે પણ જેલમાં જ આત્મહત્યા કરી લીધી.


બેગમ હઝરત મહાલ - જન્મ : ૧૮૨૦ - મૃત્યુ : ૧૮૭૯ - જન્મસ્થળ : ફૈઝાબાદ

સત્તાવનની ક્રાંતિ વખતે દિલ્હી પછી દેશની સૌથી મોટી સલ્તનત ગણાતા અવધના નવાબ વાજિદઅલી શાહનાં બેગમ હતાં હઝરત મહાલ. નાચ-ગાન જોવામાં વધુ સમય પસાર કરતા વાજિદઅલીને અંગ્રેજોએ પદચ્યુત કરીને કલકત્તા મોકલી દીધો ત્યારે હઝરતમહાલે અંગ્રેજોની ઉપરવટ જઈને પણ દીકરા બિરજીસ કદ્રને અવધનો નવાબ ઘોષિત કરી દીધો અને સત્તાનાં સંપૂર્ણ સૂત્રો હાથ કરી લીધાં હતાં. ૧૮૫૭ વખતે અંગ્રેજોને પહોંચી વળવા બેગમે એક તરફ બહાદુરશાહ ઝફરને તૈયાર કર્યા તો બીજી તરફ નાના સાહેબને પણ સાંકળી લીધા. બેગમની આગેવાની હેઠળ સમગ્ર લડતનું આયોજન તો જાણે જડબેસલાક રીતે થયું હતું, પણ જ્યારે અમલનો વખત આવ્યો ત્યારે પાસા અવળા પડ્યા, અંગ્રેજ ફોજે કાનપુર લીધું, લખનૌ કબજે કર્યું. એ વખતે નાસી જવાને બદલે છેવટ સુધી લખનૌમાં જ રહેનારાં બેગમને પછી તો પાણી પાનાર પણ કોઈ ન હતું. એનું જ નામ નસીબ !

 

રાણી લક્ષ્મીબાઈ - જન્મ : ૧૮૨૮ - મૃત્યુ : ૧૮૫૮ - જન્મસ્થળ : વારાણસી

ઇતિહાસ જેને લક્ષ્મીબાઈ કે ઝાંસીની રાણી તરીકે ઓળખે તેનું મૂળ નામ તો મણિકર્ણિકા હતું. મોરોપંત તાંબેને ત્યાં જન્મેલી મણિકર્ણિકાને નાની ઉંમરે ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે પરણાવી દેવાઈ હતી. એ પછી તેને ઝાંસીની રાણીની ઓળખ મળી ચૂકી હતી પણ રાણી જેવાં પરાક્રમો કરવાને હજુ થોડી વાર હતી. લગ્ન પછી સાસરિયા પક્ષે નામ બદલીને લક્ષ્મીબાઈ કર્યું હતું.

૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું એટલે અંગ્રેજ સૂબા ડેલહાઉસીએ ઝાંસી રાજ્ય ખાલસા કરાવવા સંદેશો મોકલ્યો. આવી રહેલી સ્થિતિને પારખી ચૂકેલી લક્ષ્મીબાઈએ પોતાની રીતે જંગની તૈયારી શરૂ કરી દીધી. એવામાં ૧૮૫૭નું વર્ષ આવી પહોંચ્યું. બળવા વખતે ઝાંસી અને અંગ્રેજોનું સૈન્ય સામસામે ટકરાયું. લાંબી લડાઈમાં અંગ્રેજ સૈના સામે ઝાંસીની ખુમારી ટૂંકી પડી અને રણમેદાનમાં તલવારના ઘાથી રાણી ચિરાઈ, બંદૂકની ગોળીથી તેનું અંગ વિંધાયું.

રાણીના નજીકના સેવક ગંગાદાસે પોતાની ઝૂંપડીમાં જ રાણીને અગ્નિદાહ આપ્યો... એ સ્થળે ગ્વાલિયરમાં આજે સ્મારક છે. વારાણસીના મણિકર્ણિકા ઘાટથી ૬૦૦ કિલોમીટર દૂર આવેલી લક્ષ્મીબાઈની સમાધિ પણ મણિકર્ણિકા જેટલી જ પવિત્ર છે.

                             

એની બેસન્ટ -  જન્મ : ૧૮૪૭ -  મૃત્યુ : ૧૯૩૩ - જન્મસ્થળ : લંડન

કેટલાક બ્રિટિશરો એવા પણ હતા, જે ભારતની આઝાદીની અને નાગરિક સ્વાતંત્ર્યની તરફેણ કરતા હતા. એમાંનાં એક એની બેસન્ટ હતાં. લંડનમાં જન્મેલાં અને મૂળ આયર્લેન્ડનાં એની બેસન્ટ ૧૮૯૩માં ભારતમાં આવ્યાં હતા. ભારતપ્રવાસ વખતે તેઓ પ્રાચીન ભારતીય વિદ્યાઓથી ભારે પ્રભાવિત થયાં અને એ પરંપરા જાળવી રાખવા માટે થિઓસોફી (બધા જ્ઞાનનું મૂળ ઈશ્ર્વર છે) સોસાયટીની સ્થાપના કરી. ત્યાં સુધી તો અંગ્રેજોને ખાસ નવાઈ ન લાગી. પણ પછી એની બેસન્ટે અંગ્રેજો વિરુદ્ધ જ શિંગડાં ભરાવવાં શરૂ કર્યાં. ભારતને શા માટે અંગ્રેજોએ ગુલામ બનાવ્યો છે, એવા સવાલો પણ ઊભા કર્યા. ગાંધીજીની વિચારધારા સાથે તેઓ સહમત ન હતાં, પણ તિલકનો માર્ગ તેમને પોતીકો લાગતો હતો. પોતાની વાતનો વ્યાપ વધારવા તેમણે "ન્યુ ઇન્ડિયન નામનું અખબાર શરૂ કર્યું. એમાં એટલું બધુ આકરું લખાતું હતું કે અંગ્રેજોને ઘણી વખત એમ થતું કે સૌથી પહેલું જે જહાજ ઊપડતું હોય તેમાં બેસાડીને બેસન્ટને ફરી બ્રિટન મોકલી આપીએ.મૂળ એની વૂડ્સ નામ ધરાવતાં શ્રીમતી બેસન્ટે પછી તો ભગવદ્ ગીતાને વધુ સરળ રીતે સમજાવવા ભાષ્ય પણ લખ્યું હતું. ગાંધીજી એમને મળવા જવા માટે "દર્શન કરવા ગયો હતો એવા શબ્દો વાપરતા હતા.

દુર્ગાવતીદેવી વ્હોરા - જન્મ : ૧૯૦૭ - મૃત્યુ : ૧૯૯૯ - જન્મસ્થળ : ગાઝિયાબાદ (ઉ.પ્ર.)

ભગવતીચરણ વ્હોરા સાથે નાનકડી દુર્ગાનાં લગ્ન ૧૧ વર્ષની બાળવયે થયાં હતાં. વ્હોરા સાથે તેઓ પણ ક્રાંતિમાં સક્રિય થયાં. તેમના ભાગે ભગતસિંહ, સુખદેવ સહિતના યુવાનોના દુર્ગાભાભી તરીકે ઓળખાવાનું આવ્યું હતું. ૧૯૨૯માં ભગતસિંહ અંગ્રેજોની કેદમાં આવ્યા પછી દુર્ગાદેવીએ અંગ્રેજ અધિકારી માલ્કમ હેલી પર હુમલાનો પ્રયાસ કર્યો. હેલી તો બચી ગયા, પણ તેમના ઘણાય સાથીદારોના જીવ ગયા. દુર્ગાદેવી પકડાઈ ગયાં અને ૩ વર્ષનો કારાવાસ પણ થયો. એ પહેલાં તેમણે ભગતસિંહને બચાવવા માટે પોતાનાં ઘરેણાં વેચીને એ જમાનામાં માતબર કહેવી પડે એવી ૩ હજાર ‚પિયાની રકમ પણ એકઠી કરી હતી. લાહોરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કર્યા પછી ૧૯૨૮માં લાહોરમાં દુર્ગાદેવીના ઘરે રહ્યા હતા. દુર્ગાદેવીની સહાયથી જ ભગત અને સુખદેવ સાથે મળીને હાવડા જતી ટ્રેનમાં નીકળી પડ્યા. સૌ કોઈએ વેશ-પલટો કર્યો હતો, એટલે આસાનીથી ઓળખાયા નહીં. ભગવતીચરણ એ વખતે કલકત્તા હતા. જ્યારે લાહોરથી ભાગેલી ટીમ કલકત્તા પહોંચી ત્યારે પોતાની પત્નીનું પરાક્રમ જોઈને ભગવતીચરણે કહ્યું કે મને ખરેખર ક્રાંતિકારી પત્ની મળી છે !

 

પ્રીતિલતા વાડેદર - જન્મ : ૧૯૧૧ - મૃત્યુ : ૧૯૩૨ -  જન્મસ્થળ : ધાલઘાટ (ચિત્તાગોંગ)

અત્યારે બાંગ્લાદેશમાં આવેલું ચિત્તાગોંગ (ત્યારનું નામ ચટ્ટગાંવ) ભારતમાં હતું. સ્વભાવે બંગાળી વાઘણ જેવી પ્રીતિલતાએ અંગ્રેજો દ્વારા થતા દમન વારંવાર જોયાં હતાં. અંગ્રેજોનો સામનો કરવા માટે પ્રીતિલતા માસ્ટર સૂર્યસેનના ક્રાંતિકારી જૂથમાં જોડાઈ ગયાં. એક દિવસ નક્કી થયું કે પ્રહારતાલી યુરોપિયન ક્લબ પર હુમલો કરી તેને તહસ-નહસ કરવી. કેમ કે એ ક્લબ બહાર લખેલું હતું : "કૂતરાં અને ભારતીયોએ અંદર પ્રવેશ કરવો નહીં. એ મિશનની જવાબદારી સૂર્યસેને પ્રીતિને આપી. હુમલાના દિવસે વેશપલટો કરી પ્રીતિલતાએ પંજાબી પુરુષ જેવો પોશાક ધારણ કર્યો. હુમલો કર્યો એ વખતે ક્લબમાં ૪૦ લોકો હતા. કેટલાક મરાયા. એ પછી પ્રીતિલતા પણ પકડાઈ ગઈ, પરંતુ તેણે પહેલેથી પોતાની પાસે રાખેલી હળાહળ ઝેર ધરાવતી સાઈનાઈડની કેપ્સ્યુલ મોઢામાં મૂકી દીધી. પ્રીતિલતાનું મોત થયું ત્યારે તેની વય હતી માત્ર ૨૩ વર્ષ. તેમનું મિશન ત્યાં સુધીમાં સફળ થઈ ચૂક્‌યું હતું.

 

અરૂણા અસફઅલી - જન્મ : ૧૯૦૯ - મૃત્યુ : ૧૯૯૬ - જન્મસ્થળ : કાલકા (પંજાબ)

૧૯૪૨ની ભારત છોડો ચળવળ વખતે ગાંધીજીની ધરપકડ થયા પછી અ‚ણા અસફઅલીએ ધ્વજ ફરકતો રાખવાનું કામ કર્યું હતું. ઑલ ઇન્ડિયા કોંગ્રેસના યુવા સભ્ય અરૂણા અસફઅલી ૯મી ઓગસ્ટે ઓગસ્ટ ક્રાંતિ મેદાને આવ્યાં હતાં અને તેમણે અહીં ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. એ પછી દેશવાસીઓમાં તેમની ઓળખ "૧૯૪૨ના હિરોઈન તરીકે પ્રચલિત થઈ હતી. અંગ્રેજો ધરપકડ કરી રહ્યા હતા ત્યારે અ‚ણા સાથે મળીને ઉષા મહેતાએ ગુપ્ત રેડિયો સર્વિસ ચાલુ રાખી હતી. જેમાં ચળવળના સમાચારો પ્રગટ થતા હતા.  ૧૯૪૨ની ચળવળ પહેલા મીઠાનો સત્યાગ્રહ અને અન્ય મહત્ત્વપૂર્ણ લડાઈઓ વખતે તેઓ સક્રિય હતા, વારંવાર જેલમાં પણ ગયા હતા.

 


કસ્તૂરબા ગાંધી - જન્મ : ૧૮૬૯ - મૃત્યુ : ૧૯૪૪ -  જન્મસ્થળ : પોરબંદર

ગાંધીજીની આભા પાછળ છુપાયેલાં રહીને કસ્તૂરબાએ ઘણાં કામો કર્યાં હતાં અને પોતાના ઘરેણાં સુધ્ધાં આઝાદી માટે અર્પણ કર્યાં હતા. આઝાદીની લડત વખતે ગાંધીજીની ધરપકડ થઈ તો અનેક વખત કસ્તૂરબાએ મોરચો સંભાળ્યો હતો, ભાષણો કર્યાં હતાં અને તેની સજા પણ વેઠી હતી. પતિની સેવામાં કસ્તૂરબાએ ઘણાં કષ્ટો સહ્યાં હતાં. શરૂઆતમાં તો ગાંધીજીએ તેમના પર ધણી તરીકે જોહુકમી પણ કરી હતી. એ વાતો ગાંધીજીએ આત્મકથામાં વિગતવાર, પસ્તાવાની ભાવના સાથે લખી છે. ગાંધીજીને નિર્ણય સાચો કે ખોટો એ ચિંતા કર્યા વગર ગાંધીજીનો કસ્તૂરબાએ સાથ આપ્યો હતો. એક સમયે તો તેમને પતિ કે દીકરામાંથી એકની પસંદગી કરવી પડે એવો કપરો કાળ પણ તેમણે પસાર કર્યો હતો. અંતિમ દિવસોમાં કસ્તૂરબા, ગાંધીજી અને અન્ય સાથીદારો સાથે પૂનાના આગાખાન મહેલમાં નજરકેદ હતાં. ત્યાં જ તેમનું ગાંધીજીના ખોળામાં જ મૃત્યુ થયું હતું. આગાખાન મહેલમાં કસ્તૂરબાની સમાધિ છે, તો વળી પોરબંદરમાં ગાંધીજીના ભવ્ય કીતિર્ર્ મંદિરમાં કસ્તૂરબાની ભવ્યમૂર્તિ છે.

 

સરોજીની નાયડુ - જન્મ : ૧૮૭૯ - મૃત્યુ : ૧૯૪૯ - જન્મસ્થળ : હૈદરાબાદ

૧૯૦૫માં સરોજીની નાયડુએ લડતમાં ઝંપલાવ્યું. ટિળકથી માંડીને નેહરુ સુધીના નેતાઓને તેઓ મળતા રહેતાં હતાં. સૌ કોઈએ તેમને મહિલા જાગૃતિની વાત કરી એટલે પછી નાયડુ ચારે તરફ ફરી વળી મહિલાઓને ઢંઢોળવા લાગ્યાં. ૧૯૧૭માં તેમણે "વુમન્સ ઇન્ડિયન ઍસોસિયેશનની પણ સ્થાપના કરી. પ્લેગને ખાળવામાં મહત્ત્વનું કામ કર્યું એ બદલ તેમને અંગ્રેજો ‘કૈસર-એ-હિન્દ’નો ખિતાબ આપ્યો. તો વળી ૧૯૨૫માં કોંગ્રેસે તેમને પ્રમુખ બનાવ્યાં. ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં પણ ગયાં હતાં અને જેલમાં પણ. અસહકારની ચળવળ, ભારત છોડો આંદોલન વગેરે વખતે તેમની ધરપકડ થઈ હતી. એ બધા વચ્ચે તેઓ પોતાનો સાહિત્યિક રસ જીવતો રાખતાં હતાં અને તેમણે ઘણી કવિતાઓ પણ લખી.

 

કેપ્ટન લક્ષ્મી સેહગલ - જન્મ : ૧૯૧૪ - મૃત્યુ : ૨૦૧૨ - જન્મસ્થળ : મલબાર (મદ્રાસ)

સિંગાપોરમાં કામ કરી રહેલા ડૉક્ટર લક્ષ્મી સેહગલ જે સૈનિકોની સારવાર કરી રહ્યાં હતાં એ આઝાદ હિન્દ ફોજ હતી. એક દિવસ ત્યાં સુભાષબાબુ આવ્યા અને ભાષણમાં કહ્યું કે મહિલાઓ આગળ આવે તો મારેય તેમનેય સેનામાં લડતી કરવી છે. એ પછી સુભાષબાબુએ તેમને ભરતી કરી લીધાં. આગળ જતાં ફોજની ઝાંસી રેજિમેન્ટના કેપ્ટન પણ બન્યાં. તેમણે ડૉ. પ્રેમકુમાર સેહગલ સાથે લગ્ન કર્યાં એટલે સેહગલ કહેવાયાં, બાકી તો સ્વામીનાથન તેમની મૂળ અટક હતી. નેતાજી રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયા ત્યાં સુધી ફોજને વળગી રહ્યાં. ઈમ્ફાલમાં આઝાદ હિન્દ સેના બ્રિટિશરો સામે લડતી હતી ત્યારે કેપ્ટન લક્ષ્મીની ધરપકડ પણ થઈ. આઝાદી પછી તો કેસ ખાસ ચાલ્યા નહીં અને લક્ષ્મી સેહગલ સહિત ઘણા લોકો છૂટી ગયા. એ પછી કાનપુરમાં સ્થાયી થયેલા ડૉ. લક્ષ્મી સેહગલે હમણાં મૃત્યુ થયું ત્યાં સુધી તબીબી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

 

મણિબહેન પટેલ - જન્મ : ૧૯૦૩ - મૃત્યુ : ૧૯૯૦ - જન્મસ્થળ : માન (ખેડા)

મણિબહેને સરદાર બની ચૂકેલા વલ્લભભાઈને સરદાર તરીકે ટકાવી રાખવામાં ઘણો ફાળો આપ્યો હતો. ૧૯૧૦માં સરદારનાં પત્નીના મૃત્યુ પછી આજીવન મણિબહેને જ તેમની સંભાળ રાખી હતી. ૧૯૪૭માં સરદાર નાયબ વડાપ્રધાન બન્યા એટલે તેમને સેક્રેટરી સહિતના સહાયકો મળ્યા. પરંતુ એ પહેલાંના દાયકાઓમાં મણિબહેને જ સરદારના સચિવ, સંભાળ રાખનાર, સરદારના મદદગાર, સરદાર સંબંધિત દસ્તાવેજોનો વહિવટ કરનાર, સરદારનો જાહેર અને ખાનગી મોરચો સંભાળનાર.. વગેરે કામો કરનાર મણિબહેન એકલાં જ હતાં. મણિબહેન અને સરદાર હાથે કાંતેલી ખાદીનાં જ કપડાં પહેરતાં હતાં. સરદારની વ્યસ્તતાને કારણે તેમના કપડાં પણ મણિબહેન કાંતતાં હતાં. સરદારનાં ધોતિયાં ઘસાય એટલે એમાંથી ઘસાયેલો ભાગ કાઢી નાખી મણિબહેન પોતાના કપડાં બનાવી લેતાં હતાં. ભારતવર્ષના ઇતિહાસમાં પિતૃપ્રેમમાં ગાદી છોડી દેનાર રામ, પતિપ્રેમી સાવિત્રી, માતા-પિતાપ્રેમી શ્રવણકુમાર સહિતનાં ઉદાહરણો મોજૂદ છે. પરંતુ પિતા માટે કોઈ દીકરીએ બલિદાનો આપ્યાં હોય એવા કિસ્સા શોધવાના હશે તો એમાં પહેલું નામ મણિબહેનનું હશે.

આ મહિલાઓને પણ આઝાદ ભારતે ભૂલવી ન જોઈએ...