નવા વિચારવાળી ફિલ્મ ‘ટોઈલેટ - એક પ્રેમકથા’ જણાવે છે ટોઈટેલ એક ‘સોચ’ કથા

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭

‘ટોઈલેટ - એક પ્રેમ કથા’ ફિલ્મે ફરી એકવાર ખુલ્લામાં શૌચક્રિયા વિશે દેશને ‘સોચવા’ પ્રેશર લાવી દીધું છે. આ ફિલ્મ એક નવપરિણીતા ખુલ્લામાં હાજતે જવા સામે બંડ પોકારતાં પોતાના સાસરાના ઘરને લોટાલડાઈનું રણમેદાન બનાવી દેતી હોવા ઉપર વ્યંગ કરે છે. અનેક પ્રકારના કુરિવાજો, માન્યતાઓ અને જડતાની કબજિયાતથી પીડાતાં પેટ સાફ આવે તેવા ધારદાર કટાક્ષ કરતી આ ફિલ્મ વળી એવા સમયે આવી છે જ્યારે દેશમાં સ્વચ્છતાનું અભિયાન છેડાયેલું છે અને લોકોમાં ગંદકી વિરોધી જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે.

વાસ્તવમાં ભારત દુનિયાની સૌથી મોટી એવી લોકશાહી છે જેની અડધોઅડધ પ્રજા હજી પણ લોટાશાહીમાં જીવે છે. ૨૦૧૬ના એક અંદાજ પ્રમાણે દેશમાં ૫૫ કરોડ લોકો શૌચાલયથી વંચિત હતાં અને ખુલ્લામાં જવા માટે મજબૂર છે. એક બાજુ દેશ વિકાસની છલાંગો લગાવી રહ્યો હોય અને બીજી બાજુ નાગરિકો આવી રીતે ‘બેસવા’ મજબૂર હોય તે આપમેળે એક વિચિત્ર વક્રતા છે. વિકસિત રાજ્યોમાં પણ ગામેગામ અને શહેરેશહેરમાં હજી પણ ‘આંબાવાડી’ઓનું અસ્તિત્વ છે ત્યારે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યોની હાલત કેવી હશે તે વિચારીએ તો પણ સ્થિતિની દુર્ગંધ અનુભવાઈ જાય !

ટોઈલેટ ફિલ્મ જેનાથી પ્રેરિત છે તેવી અનેક ઘટનાઓ છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન દેશના જુદાજુદા ભાગોમાં નોંધાયેલી છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં પરિણીતાઓએ હિંમત દેખાડીને પરિવારને સ્વચ્છતાના સબક શીખવ્યા છે. આવા પરિવારો છાપે ચડ્યા, બદબોઈ થઈ અને તેના પ્રતાપે આખેઆખા ગામના લોકોને જાજ‚ની ઝાઝેરી આવશ્યકતાઓનું ભાન થયું હોય તેવું પણ બન્યું છે.

ગામેગામ સુલભ શૌચાલયો બની રહ્યાં હોવા છતાં ઘરોમાં આ વ્યવસ્થા હજી પણ શા માટે દુર્લભ છે એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે. આવા જ સવાલનો જવાબ શોધવા માટે ઓરિસ્સાના પુરીમાં લંડન સ્કૂલ ઑફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન દ્વારા એક ઊંડો અભ્યાસ હાથ ધરવામાં આવેલો, જેમાં ચોંકાવનારું તારણ એવું બહાર આવેલું કે આ સમસ્યાના મૂળમાં પુરુષની માનસિકતા જવાબદાર છે. જો કોઈ ઘરોમાં સંડાસની વ્યવસ્થા હોય તો તેમાંથી ૮૦ ટકા કિસ્સામાં તેના માટેનો નિર્ણય સંપૂર્ણપણે પરિવારનાં પુરુષ મોભીએ લીધેલો જોવા મળ્યો હતો. જ્યારે માત્ર ૧૧ ટકા કિસ્સામાં જ પતિએ પત્ની સાથે આ બાબતે વિચાર કરીને ઘરમાં શૌચાલય બનાવવાનો નિર્ણય કરેલો. ફક્ત ૯ ટકા કિસ્સામાં જ ઘરની મહિલાઓએ જાજ‚ બાંધવાનો સુવાંગ નિર્ણય લીધેલો. ટૂંકમાં લૈંગિક અસમાનતા પણ જોવા મળે છે. ઘરમાં સંડાસ હોવું કે ન હોવું તેનો નિર્ણય હજી પણ પુરુષોના હાથમાં જ છે. આના હિસાબે જ દર વર્ષે કમસે કમ એકાદી એવી ઘટના દેશમાં ચકચાર મચાવે જ છે, જેમાં જાજ‚ માટે મહિલાને જંગ છેડવો પડ્યો હોય.

મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશનના આંકડાઓ ચકાસીએ તો ખ્યાલ આવે કે છે કે ૨૦૧૧ સુધી તો દેશના ૫૦ ટકા પરિવારો પાસે ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ન હતી. ૨૦૧૬માં આ મંત્રાલય હેઠળ આવતી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે (એનએસએસઓ) એક સ્વચ્છતા રિપોર્ટ આપેલો, જેમાં કહેવામાં આવેલું કે હવે ૯૫ ટકા ભારત શૌચાલયોનો વપરાશ કરતું થઈ ગયું છે.

જો કે આમાં એક બાબત ખાસ નોંધવી અને ધ્યાને રાખવી ઘટે કે, એનએસએસઓ દ્વારા કરવામાં આવતા સર્વેમાં નમૂના રૂપ વિસ્તારો પસંદ કરીને જ તારણો આપવામાં આવતાં હોય છે, એટલે કે તેના દ્વારા રજૂ થતું ચિત્ર સંપૂર્ણ સત્ય હોતું નથી. બીજી ખાસ વાત, ૯૫ ટકા ભારત જાજ‚નો વપરાશ કરે છે તેનો અર્થ એવો પણ નથી કે આટલાં ઘરોમાં વ્યવસ્થા છે. જાહેર શૌચાલયનો વપરાશ કરાતો હોય તો પણ તે આ મોજણીમાં ધ્યાને લેવામાં આવેલું છે. ટૂંકમાં આવા સરકારી આંકડાઓ દેશનો સાચો ચિતાર આપતા હોય તે જરૂરી નથી. સરકાર આ દિશામાં સ્થિતિ સુધારવા માટે પોતાના તરફથી સરકારી રાહે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે પણ જો લોકો જ પોતાની માનસિકતા અને કુટેવ નહીં છોડે ત્યાં સ્વચ્છ ભારતની કલ્પના ગાંધીજીના ચશ્મા પહેરીને મુંગેરીલાલનાં હસીન સપનાં જોવા જેવી બની રહેશે.