મનને શાંત રાખો

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૭


પુસ્તક  :     મનને શાંત રાખો

સંપાદક :     નૌતમભાઈ વકીલ

પ્રકાશક :     શ્રુતસાર ટ્રસ્ટ

પૃષ્ઠ   :     ૧૧૨

દૂરભાષ :     (૦૭૯) ૨૬૬૫૧૪૮૧, ૨૬૬૨૦૨૩૫

 

‘જેની પાસે ઘણું છે,

તે સુખી નથી પણ

ઘણાં બધાં વિના જે

ચલાવી શકે છે તે સુખી છે.’

જો ઉપરોક્ત વાક્યને દરેક વ્યક્તિ જીવનમાં ઉતારી લે તો આજના સમયમાં સતત તાણમાં જીવતા વ્યક્તિની તાણ ઘણી ઓછી થઈ જાય. આજનો આ યુગ એ કમ્પ્યુટર યુગ છે. વ્યક્તિને પ્રત્યેક કાર્ય પલકના ઝબકારામાં કરી લેવું હોય છે. સારું - ઉચ્ચ શિક્ષણ, શ્રેષ્ઠ કારકિર્દી, ઉત્તમ આર્થિક સ્થિતિ અને અનેકાધિક ભૌતિક સાધનસામગ્રી થકી આજનો યુવા શાશ્ર્વત સુખની શોધમાં લીન રહે છે. કહેવાતા આ ઝાંઝવાના જળ સમાં સુખો મેળવતો હોવા છતાં આજનો મનુષ્ય અંદરથી દુ:ખી છે. અનેક નિરાશાઓની ગર્તામાં જાણે ધકેલાઈ જાય છે. આમ મનની શાંતિ જાણે જોજનો દૂર ચાલી ગઈ હોય એવું લાગે છે.

શરીરને તાવ આવે કે શરદી-ઉધરસ થાય તો તેવા દર્દ માટેની દવાઓ દુકાનોમાંથી પ્રાપ્ત થઈ શકે પરંતુ મનને શાંત રાખવા માટેની દવા દુકાનોમાંથી પ્રાપ્ત થતી નથી. આ પુસ્તક દ્વારા એવા સચોટ ઉપાયો પ્રાપ્ત થાય છે કે જેના થકી મનને જીતી શકાય છે. વર્તમાનમાં વૈજ્ઞાનિક યુગની ભૌતિકતા પાછળ દોડનારા જે અશાંતિનો અનુભવ કરે છે. તેને દૂર કરવા કેટલાક ધ્યાન કરવા જ‚રી છે. ધ્યાન કરવાથી ક્રોધને જીતી શકાય છે. વ્યસ્તતા, વ્યગ્રતા, ઉગ્રતા અને વિસંવાદિતા એ આપણા જીવનના મહારોગો છે. આથી ક્રોધને પણ ક્ષીણ (પાતળો) કરી શકાય છે. ઓછી અપેક્ષાઓ, ઈર્ષાનો ત્યાગ, અભિમાનથી દૂર, ક્રોધનું પ્રાયશ્ર્ચિત્ત જેવા ૧૭થી વધુ ઉપાય દર્શાવ્યા છે.

બીજું પ્રકરણ એ માન ધ્યાનથી સમજ આપે છે. અહંકાર એ ઘણાં દૂષણોનું મૂળ છે. આમ જ્યારે અભિમાન થાય ત્યારે જો એવો વિચાર કરવામાં આવે કે અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી તો હું શા માટે અભિમાન કરું ? આ પ્રકરણમાં આઠ પ્રકારનાં માનનાં ‚પો દર્શાવ્યાં છે. જાતિનું માન, લાભનું માન, કૂળનું માન, મોટાઈનું માન, બળનું માન, ‚પનું માન, તપનું માન, જ્ઞાનનું માન. આ આઠ વિવિધ સ્થિતિમાં જ્યારે વ્યક્તિ બળવત્તર સ્થિતિમાં હોય ત્યારે અહંકારનો ઉદય થાય છે અને મનની શાંતિ હણાય છે. આ પ્રકરણમાં ખૂબ સચોટ ઉદાહરણો દ્વારા આ વિવિધ સ્થિતિમાં મન ઉપર કાબૂ રાખવાનો ઉપાય દર્શાવ્યો છે.

ત્રીજા પ્રકરણમાં માથા ધ્યાનની વાત કરવામાં આવી છે. માયાવીને જેટલો અસત્યનો આશરો લેવો પડે એટલો બીજા કોઈને લેવો ન પડે. એટલે જ માયા મૃષાવાદને સત્તરમું સ્વતંત્ર પાપસ્થાનક ગણવામાં આવે છે. ધન-વૈભવની માત્ર માયાનું વળગણ વ્યક્તિને નથી હેતું. ઘણીવાર વ્યક્તિને વસ્તુ તથા વ્યક્તિ, જગ્યાનું પણ વળગણ હોય છે, જેના થકી પણ મન અશાંત બને છે.

ચોથા પ્રકરણમાં લોભધ્યાન વિશેની માહિતી આપવામાં આવી છે. લોભ વ્યક્તિને પરાધીન બનાવે છે. આત્માનું નિકંદન લોભ જ કાઢે છે. આથી લોભ ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જૈન શાસનમાં મનને શાંત રાખવા માટે એક સરળ આસન દર્શાવાયું છે. તે છે ‘માત્ર મન ઉપર ચોકી રાખવાની, કે ૨૪ કલાક મારા મનમાં શું ચાલે છે ? ૬૩ દુર્ધ્યાન પૈકીનું કર્યું દુર્ધ્યાન ચાલે છે.’ આમ જો આ રીતે આપણે આપણી જાત ઉપર જ દેખરેખ રાખીએ તો લોભ-મોહથી મુક્ત થવામાં મદદ મળી રહે છે. લોભની સજઝાય દ્વારા પણ લોભવૃત્તિથી થતા નુકસાનનો ખ્યાલ આવે છે.

પાંચમા પ્રકરણમાં રાગ ધ્યાન વિશેની વાત છે. વ્યક્તિ એક વાસ્તવિકતાને સ્વીકારી લે કે દુનિયામાં કોઈ કોઈનું ક્યારેય થયું નથી તો ઘણાં દુ:ખોનું નિવારણ આવી શકે છે. વ્યક્તિએ વ્યક્તિગત વિચારોને છોડી અને શાસ્ત્ર જે કહે છે. તે જ બોલવાને અપનાવીને પણ મનને શાંત રાખી શકાય છે. રાગ વિશેનું સુંદર ઉદાહરણ આ પ્રકરણમાં છે કે ગૌતમ સ્વામી જેવા ગણધરને મહાવીરસ્વામી પ્રત્યે પ્રશસ્ત સ્નેહ હતો ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું. તો આપણા જેવાના અપ્રશસ્ત સ્નેહ રાગ કરી કરીને આપણું શું થશે ? રાગના પણ ત્રણ પ્રકાર આ પ્રકરણમાં વર્ણવ્યા છે. (૧) કામરાગ એટલે કે કામભોગની લાગણીથી ઉત્પન્ન થતો રોગ. (૨) સ્નેહરાગ-સ્નેહના રાગથી પેદા થતો રાગ અને (૩) દૃષ્ટિ રાગ એટલે મિથ્યા માન્યતા, મિથ્યા-મત ઉપરનો રાગ. જો વ્યક્તિ આ રાગથી પર થતો જાય તો તેના જીવને શાતા વળે છે અને મન શાંત બને છે.

પુસ્તકના અંતિમ પ્રકરણમાં અપ્રીતિ દુર્ધ્યાનની વાત કરવામાં આવી છે. દ્વેષ ધ્યાનના બે પ્રકાર હોય છે. (૧) અરુચિમાંથી જન્મતો દ્વેષ એટલે કે અણગમો અને દુર્ભાવમાંથી જન્મતો દ્વેષ એટલે કે દ્રોહ. આજે જે સંયોગો નથી ગમતા તે કાલે ગમતા પણ થઈ જાય અને આજે ન ભાવતી વસ્તુ કાલે ભાવતી થઈ જાય. આવું જ કાંઈક કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે વાતાવરણ માટે પણ થઈ શકે છે.

આમ પુસ્તક માત્ર ધાર્મિક ક્રિયાઓ પર ભાર ન મૂકતાં ધર્મના અંતિમ લક્ષ્ય મોક્ષ તરફનું ધ્યાન દોરે છે. વળી ધર્મકાર્ય કરતાં કરતાં પણ કર્મ બંધન ના બંધાય તેનું ધ્યાન રાખવા માટે ખૂબ સુંદર અને સરળ ઉદાહરણો પ્રવાહી શૈલીમાં રજૂ કર્યા છે. આમ આજના આ દોડાદોડી અને તણાવવાળા યુગમાં આ પુસ્તક મનને શાંત રાખવાનો રામબાણ ઇલાજ રજૂ કરે છે.