શ્રી અરવિંદની સ્વદેશાગમન - સવાશતાબ્દિએ સ્મરણાંજલિ... !

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૧૭

શ્રી અરવિંદના પિતાશ્રી કૃષ્ણધનની તો અંતરની ઇચ્છા હતી કે, તેમના સંતાનો ઇંગ્લૅન્ડમાં ખ્રિસ્તી પાદરીઓ પાસે રહીને; સંપૂર્ણપણે અંગ્રેજો જેવી જ જીવનશૈલી અને કારકિર્દી અપનાવે. પરંતુ વિધાતાની યોજના કંઈક અકળ-અનોખી હતી. ઇંગ્લૅન્ડ-લંડનમાં સંપૂર્ણ પાશ્ર્ચાત્ય પરિવેશમાં અભ્યાસ કરતાં રહીને જ, શ્રી અરવિંદે તેમના ભાવિજીવનનો માર્ગ જાતે જ કંડાર્યો હતો. પ્રિય માતૃભૂમિ ભારતમાતાની સંપૂર્ણ મુક્તિનું સ્વપ્ન, શ્રી અરવિંદનું જીવન-સ્વપ્ન બની રહ્યું. એટલે જ આઈ.સી.એસ. પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવ્યા છતાંય, ઘોડેસવારીની પરીક્ષામાં જાણી જોઈને ગેરહાજર રહીને, શ્રી અરવિંદે અંગ્રેજ હકૂમતની નોકરી નહીં કરવાનો મનોમન સંકલ્પ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં જ શ્રી અરવિંદનો સંપર્ક વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સાથે થયો. એ મુલાકાતની ફળશ્રુતિ રૂપે, શ્રી અરવિંદે મહારાજાના ભાવભીના નિમંત્રણથી ફેબ્રુઆરી ૧૮૯૩માં સ્વદેશ પરત આવી, ૧૩ વર્ષ સુધી વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી.

વડોદરાની કૉલેજમાં અંગ્રેજી-ફ્રેન્ચભાષા- સાહિત્યના પ્રબુદ્ધ પ્રાધ્યાપક તરીકે, શ્રી અરવિંદે છાત્રવર્ગમાં અપૂર્વ ચાહના મેળવી. શ્રી કનૈયાલાલ મુન્શી અને શ્રી ભાઈકાકા એમના મેધાવી છાત્રો પૈકીના હતાં. એ સહુ છાત્રો માટે માતૃભૂમિ ભારતમાતાની મુક્તિનો આદર્શ પ્રેરનાર શ્રી અરવિંદ હતા. વડોદરા રાજ્યની સુખ-સાહ્યબીવાળી નોકરી છોડીને કલકત્તા જવા તૈયાર થનાર તેમના વ્હાલા પ્રાધ્યાપક શ્રી અરવિંદ, ભારતમાતાની પુકાર ઉપર- માતૃભૂમિની મુક્તિ માટે કલકત્તા જઈ રહ્યા છે એવું વર્ગખંડમાં સાંભળતાં જ વિદ્યાર્થી આલમમાં વિદ્યુત-સંચાર થયેલો !

વડોદરામાં પ્રાચાર્ય તરીકે અંગ્રેજી-ફ્રેન્ચ ભાષાના અજોડ અધ્યાપક શ્રી અરવિંદની અનોખી અધ્યાપન કામગીરી અને ભાવસૃષ્ટિથી તેમના વિદ્યાર્થીઓ તો મુગ્ધ હતાં, પરંતુ શ્રી અરવિંદનું ભાવવિશ્ર્વ તો એનાથી અનેકગણું સમુન્નત - માતૃભૂમિ ભારતમાતાની સંપૂર્ણ મુક્તિની ઝંખનાથી ઓતપ્રોત હતું ! વિદેશી-વિધર્મી અંગ્રેજ શાસકોની ગુલામીની જંજીરો તોડવા માટે, સંપૂર્ણ ભારતવર્ષમાં સશસ્ત્ર-સંગ્રામ છેડવાની ક્રાંતિકારી યોજના સાથે, શ્રી અરવિંદ એકરૂપ થવા લાગ્યા હતા. કૉલેજમાં વૅકેશન દરમ્યાન શ્રી અરવિંદ વડોદરાથી કલકત્તા જતા. એ સમયગાળામાં શ્રી અરવિંદે બંગાળના ક્રાંતિકારી આંદોલનનાં સૂત્રોને સુસંકલિત કરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. કલકત્તાથી પસંદ કરાયેલા ક્રાંતિકારીઓને તેઓ વડોદરા લાવીને, તેમને લશ્કરી તાલીમની વ્યવસ્થા કરી આપતા. ખાસીરાવ અને માધવરાવ જાદવ જેવા ક્રાંતિકારીઓને માટે આવી સુવિધા ઊભી કરવામાં શ્રી અરવિંદે આગવી મદદ કરેલી. આ ક્રાંતિકારીઓએ બેરિસ્ટર પી. મિત્તલ, બિભૂતિ ભૂષણ ભટ્ટાચાર્ય અને શ્રીમતી સરલા ઘોષાલનો સંપર્ક કર્યો. તેઓએ બરણ ઓકાકુરાની પ્રેરણાથી ક્રાંતિકારી કાર્ય શરૂ કરી દીધું. આ સંદર્ભમાં શ્રી અરવિંદ, ભગિની નિવેદિતાના પણ સંપર્કમાં હતા. આમ સંપૂર્ણ ભારતમાં ખુલ્લી શસ્ત્રધારી ક્રાંતિ જગવવાની શ્રી અરવિંદની ક્રાંતિકારી યોજનાઓ નોંધપાત્ર બનવા લાગી.

વડોદરામાં શ્રી અરવિંદ શ્રી માન્દ્રાલાને મળ્યા. તેઓ પશ્ર્ચિમ ભારતમાં સ્થપાયેલ એક ક્રાંતિકારી ગુપ્ત સંસ્થાના સદસ્ય હતા. તેના મુખ્ય નિર્દેશક ઉદયપુર રાજ્યના એક ઠાકુર હતા. આ સઘળા ક્રાંતિકારીઓ ભારતમાતાની મુક્તિ માટે સંપૂર્ણપણે પ્રતિજ્ઞાબદ્ધ હતા. શ્રી અરવિંદે મધ્યભારતના લશ્કરમાંના ભારતીય અધિકારીઓ અને જવાનોનો સંપર્ક કરી, તેઓને ક્રાંતિકારી આંદોલનને સહયોગ આપવા માટે પ્રેર્યા હતાં. શ્રી અરવિંદના ભાઈ બારીન પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેમને વડોદરા લાવવામાં આવ્યા. એ સહુએ સાથે મળી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. આમ પૂર્વ ભારત અને પશ્ર્ચિમ ભારતના ક્રાંતિકારી જૂથો વચ્ચે સંપર્ક-સૂત્રરૂપ ગુપ્ત કડીરૂપે, શ્રી અરવિંદે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આવા માહોલમાં ૨૦ જુલાઈ, ૧૯૦૫ના રોજ લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા જાહેર કર્યા. સમગ્ર બંગાળમાં લોકોનો આક્રોશ દાવાનળ જેમ ફેલાઈ ગયો ! શ્રી અરવિંદે બંગાળના ભાગલા વિરુદ્ધ ક્રાંતિકારીઓની સહાયથી એક ગુપ્ત પત્રિકા - ‘નો કોમ્પ્રોમાઈઝ’ - કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં ! એવી રણહાક કરતી ગુપ્ત પત્રિકા પ્રસિદ્ધ કરી. તે વાંચીને બંગાળની તરુણાઈ થનગની ઊઠી ! છેવટે અંગ્રેજ હકૂમતને વ્યાપક જનઆક્રોશ સામે ઝૂકી જઈને, બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. બંગભંગ-વિરોધી આંદોલન, અખિલ ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન રૂપે સમગ્ર દેશવ્યાપી બની રહ્યું...!

આમ એક તરફ વડોદરામાં અધ્યાપન કરતા રહીને, શ્રી અરવિંદે બંગાળમાં ક્રાંતિ-જ્યોત પ્રજ્વલિત કરવાની કામગીરી બખૂબી નિભાવી જાણી હતી. તે સાથે જ વડોદરાના એ ૧૩ વર્ષોના નિવાસ દરમ્યાન જ - ૧૮૯૩થી ૧૯૦૬ - શ્રી અરવિંદે તેમની યોગસાધના, ભાષાશિક્ષણ, સાહિત્ય-સાધના, કાવ્યોપાસના જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ એક સાથે જ આરંભીને, તે દરેક ક્ષેત્રે અનુપમેય સિદ્ધિઓ હાંસલ કરી હતી...

શ્રી અરવિંદે વડોદરા નિવાસ દરમ્યાન જ સંસ્કૃત ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વિવિધ ભાષાઓને ઝડપથી શીખવાની કળા શ્રી અરવિંદને સહજસાધ્ય હતી. કોઈની પણ મદદ લીધા સિવાય સંસ્કૃત ભાષામાં તેમણે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. ‘ભવાની અષ્ટક’ નામનું એક પ્રલંબ સ્તુતિ-કાવ્ય પણ સંસ્કૃત ભાષામાં, શ્રી અરવિંદે વડોદરામાં જ લખ્યું છે. તો માતૃભાષા બંગાળીનું શિક્ષણ પણ તેમણે વડોદરા આવીને જ મેળવ્યું. સ્પોકન બંગાળી ભાષા માટે શ્રી અરવિંદે બંગાળથી શ્રી દિનેન્દ્રકુમારને ખાસ તેડાવેલા. હિન્દી ભાષા પણ ઔપચારિક અભ્યાસ વગર, શ્રી અરવિંદે શીખી લીધેલી. તેઓ સરળતાથી હિન્દી દૈનિકો-પુસ્તકો વાંચી શકતા અને આત્મસાત્ કરી શકતા. મુંબઈના પુસ્તક-વિક્રેતાઓ પાસેથી નિયમિત રીતે અઢળક પુસ્તકો મંગાવી ખૂબ ઝડપથી તે સઘળાં પુસ્તકો વાંચી લેતા.

વડોદરામાં નિવાસ દરમ્યાન જ શ્રી અરવિંદે યોગાભ્યાસનો પ્રારંભ કર્યો. લેલે નામના યોગના ઊંડા અભ્યાસી પાસેથી

શ્રી અરવિંદે યોગનો અભ્યાસ આરંભ્યો. શ્રી અરવિંદને અંત:સ્ફુરણા અને આધ્યાત્મિક અનુભૂતિઓ તો એ અગાઉથી જ થઈ આવતી...

શ્રી અરવિંદે જણાવ્યા પ્રમાણે, જેવા તેઓ વિદેશથી આવીને મુંબઈના એપોલો બંદરે ઊતર્યા કે, માતૃભૂમિ ભારતમાતાની માટીના દિવ્ય સંસ્પર્શથી, તેમના સંપૂર્ણ શરીરમાં - સમગ્ર ચેતનામાં એક પ્રગાઢ શાંતિ ફરી વળી. આ એક અવર્ણનીય અનુભૂતિ હતી. એ આધ્યાત્મિક અનુભૂતિ પછીનાં વર્ષોમાં પણ શ્રી અરવિંદની સૂક્ષ્મ ચેતના સાથે કાર્યરત રહી. આવી વિરલ આધ્યાત્મિક અનુભૂતિને કારણે જ શ્રી અરવિંદ સર્વસાધારણ વ્યક્તિઓથી નોખા-અનોખા બની રહ્યા...!

વડોદરાના નિવાસ દરમ્યાન તેઓ જે મકાનમાં રહેતા ત્યાં ઉનાળામાં ગરમી, વર્ષાઋતુમાં છાપરામાંથી પાણી ટપકવા જેવી મુશ્કેલીઓ અને મચ્છરોની તકલીફો હતી. પરંતુ શ્રી અરવિંદ આવી ભૌતિક મુશ્કેલીઓથી સંપૂર્ણ અલિપ્ત જણાતા. તેમની આસપાસ એક વિશિષ્ટ આધ્યાત્મિક તેજોવલય રક્ષા-કવચ પૂરું પાડતું. શ્રી અરવિંદ દુન્વયી વ્યવહારોથી અલિપ્ત-અનાસક્ત જણાતા. તેમને જે પગાર મળતો. તે અંગે તેઓ ત્રણ મહિનાનો પગાર એક સાથે પોતાના નિવાસસ્થાને લાવીને એક ખુલ્લી ટ્રેમાં મૂકી રાખતા. પગારની રકમ રોકડમાં મળતી. તેમાંથી શ્રી અરવિંદ જરૂર મુજબ ખર્ચ કરતા. તેમના સેવકો પણ તેમાંથી જ‚ર મુજબ રકમ ખર્ચ પેટે જાતે લઈ શકતા. શ્રી અરવિંદ એ રકમની ગણત્રી કરતા નહીં. ખર્ચ વ.નો કોઈ હિસાબ પણ રાખતા નહીં. તેમને જ્યારે એ અંગે પૂછવામાં આવતું તો તેઓ સસ્મિત જણાવતા કે, પરમેશ્ર્વર તેમના યોગક્ષેમની ચિંતા રાખે છે. પછી મારે હિસાબ-કિતાબમાં શા માટે પડવું ?! જો કે શ્રી અરવિંદ તેમના માતુશ્રી અને બહેન માટે નિયમિત રીતે જરૂરી રકમ તેમના વતનમાં મોકલતા રહેતા, પરંતુ એ સિવાય સમગ્ર રીતે જોતા શ્રી અરવિંદ દુનિયાદારીથી પર અને ઉપર હતા. સૂવા માટે પોચી પથારીને બદલે કાથીના ખાટલા ઉપર માત્ર ચાદર પાથરીને તેઓ સૂવાનું પસંદ કરતા. એ અંગે પ્રશ્ર્નના જવાબમાં તેઓ કહેતા : ‘બ્રહ્મચારી તરીકે મારે માટે પોચી પથારી નિષિદ્ધ છે !’ શ્રી અરવિંદે પ્રાણાયામ શીખવા માટે એન્જિનિયર-દેવધરની સલાહ લીધી. પ્રાણાયામથી શ્રી અરવિંદના માનસ અને શરીરમાં આમૂલ પરિવર્તન આવ્યું. કાવ્ય-સર્જનમાં પણ તેનાથી ઘણી જ પ્રગતિ થઈ આવી. એમના મસ્તક આસપાસ એક તેજોવલયનો તેઓ અનુભવ કરવા લાગ્યા. તેની નજીક મચ્છરો આવી શકતા નહોતા !

શ્રી અરવિંદે લેલે પાસેથી યોગવિદ્યાનો અભ્યાસ કર્યો. તેનાથી શ્રી અરવિંદ એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભૂતિથી ઓતપ્રોત જણાયા. એક એવી પ્રગાઢ શાંતિ, નિર્વિકલ્પ મનસ્થિતિમાં શ્રી અરવિંદ ઊંડી આધ્યાત્મિક અનુભૂતિથી દિવ્યત્વમય ઊર્ધ્વચેતનામાં સ્થિત રહેવા લાગ્યા. આવી મનોભૂમિકામાં જ શ્રી અરવિંદ મુંબઈમાં નેશનલ યુનિયનના ઉપક્રમે પ્રવચન આપવા ગયા. તેમણે એવી મન:સ્થિતિમાં લેલેને પૂછ્યું : ‘મને કોઈ વિચારો આવતા નથી. આવી મનની અવસ્થામાં મારે શું કરવું ?’ લેલેએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : તમે પ્રાર્થના કરો, પરંતુ શ્રી અરવિંદ જણાવે છે : હું તો શાંત બ્રહ્મની ચેતનામાં એટલો ડૂબી ગયેલો કે, હું પ્રાર્થના પણ ન કરી શક્યો. તેથી મેં તેમને કહ્યું કે, હું પ્રાર્થના કરી શકું એવી સ્થિતિમાં પણ નથી. લેલેએ કહ્યું, ‘કાંઈ વાંધો નહીં. તેઓ અને બીજા કેટલાક પ્રાર્થના કરશે.’ મારે તો બસ સભામાં જવાનું. શ્રોતાઓને નારાયણ સ્વરૂપ માનીને તેમને નમસ્કાર કરવાના અને કોઈક અવાજ બોલશે. તેમણે કહ્યું, એ મુજબ મેં કર્યું સભામાં જતાં કોઈકે મને વર્તમાનપત્ર વાંચવા આપ્યું. જેવો હું બોલવા ઊભો થયો કે તુરત જ વર્તમાનપત્રની મુખ્ય સમાચાર પંક્તિ મારા મન સામે ઊપસી આવી અને ઓચિંતું જ કોઈક બોલવા લાગ્યું. લેલે સાથેની મારી આ બીજી અનુભૂતિ હતી. આમ શ્રી અરવિંદને માત્ર યોગની વ્યવહારુતા વિશે જ નહીં, પરંતુ તેની ગતિશીલતા વિશેની ચાવી પણ મળી આવી. આવી અપ્રવૃત્તિશીલતા અને નિષ્ક્રિયતા તરફ લઈ જતી સાધનામાં, દિવ્ય ગતિશીલતાનું એક મહત્ત્વનું પાસું ઉમેરાયું. શ્રી અરવિંદ તેને સમજ્યા એટલું જ નહીં, પરંતુ મુંબઈથી કલકત્તા સુધીના સમગ્ર પ્રવાસ દરમ્યાન તેમણે તેની કસોટી પણ કરી જોઈ. ઉપર જણાવ્યું તેમ પછીથી શરૂ કરાયેલી તમામ પ્રવૃત્તિઓ આ જ પ્રકારે હાથ ધરવામાં આવી. માનવ સ્વભાવના સંપૂર્ણ ‚પાંતરના પરિણામરૂપ દિવ્યજીવનનું બની આવવું - એ તેમના આદર્શનો પાયો, તોફાનભરી રાજકીય પ્રવૃત્તિઓ વચ્ચે પણ થયેલા નક્કર અનુભવ પરથી મળી આવ્યો.

આવા પૂર્ણયોગ - અતિમનસના દિવ્યદૃષ્ટા મહાયોગી

શ્રી અરવિંદના સ્વદેશાગમનની સવા શતાબ્દીએ, કૃતજ્ઞ-રાષ્ટ્રની વિનમ્ર સ્મરણાંજલિ ! શ્રી અરવિંદ... શ્રી અરવિંદ હૃદય - હૃદય શ્રી અરવિંદ..!

 * * *

(લેખકશ્રી દિલીપ મહેતા, વડોદરાની રિલાયન્સ હાયર સેક્ધડરીમાં અંગ્રેજી ભાષાના શિક્ષક ઉપરાંત શ્રી અરવિંદ-દર્શનના મર્મજ્ઞ છે.)