તંત્રી સ્થાનેથી : પાક. આતંકને અમેરિકી પ્રહાર, હુક્કા-પાણી બંધ

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮


 

નવા વર્ષની પ્રથમ સવારે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી સહાય બંધ કરી દેવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્ર્વને અચંબિત કરી દીધું. જાહેરાતથી પાકિસ્તાન આરોપીના પિંજરામાં આવી ગયું, તેની રહીસહી પ્રતિષ્ઠા પર પણ પાણી ફરી વળ્યું.

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. નવાઝ શરીફ ભ્રષ્ટાચારમાં દાગદાર બન્યા, પદ પરથી રાજીનામું આપવું પડ્યું. પછી સરકારમાં સેનાનું વર્ચસ્વ વધ્યું છે. બીજી બાજુ આતંકી સંગઠનો દ્વારા હુમલા વધ્યા છે અને ભારતનો ૨૬/૧૧નો આરોપી હાફિઝ સઈદ ચૂંટણી લડવા તૈયાર થયો મુદ્દે કોઈ પગલાં ના લેવાતાં અમેરિકા પણ ગુસ્સે ભરાયું. અમેરિકાની ૧૫ વર્ષથી અપાતી સહાય સામે જૂઠાણાં સિવાય કાંઈ મળ્યું નથી. પાકિસ્તાન દ્વારા આતંકી પ્રવૃત્તિ અને સંગઠનો સામે સંતોષજનક કોઈ કામગીરી નહીં. ૧૫ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનને ૩૩ અબજ ડૉલરની સહાય કર્યા પછી હવે ૨૫૫ અબજ ડૉલરની સહાય અટકાવી છે. પાકિસ્તાન થોડું સક્રિય થયું છે અને હાફીઝ સઈદની સંસ્થાઓને ફંડ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. પગલાં માત્ર દેખાવ પૂરતાં હોય તેવું પાકિસ્તાનની મથરાવટી જોતાં લાગે છે.

ટ્રમ્પ રૂવિચારશે કે એવાં કયાં હિત પાકિસ્તાન સાથે સંકળાયેલાં હતાં કે, તેના માટે પૂર્વ સરકારો દ્વારા રાષ્ટ્રીય અંદાજપત્રમાં સહાય માટેનું ભંડોળ અલગ રાખવામાં આવતું હતું ? શું ભારત-રશિયાની મૈત્રી સામે એક ધરી રાખવાનો ખર્ચ હતો ? હંમેશાં પાકિસ્તાનનાં અળવીતરાંઓ સામે આંખમિંચામણાં કરીને, ભારતને દાબમાં રાખવાનો અમેરિકાનો ઇરાદો હોઈ શકે.

આંતરરાષ્ટ્રીય રાજકારણની રમતમાં અમેરિકા હવે ભારત સાથે સારા સંબંધો રાખીને પાકિસ્તાનને એકલું અને લાચાર બનાવવા માગે છે અને ચીનને આગળ વધતું અટકાવવા માગે છે. ચીનને સાચો જવાબ આપી શકે તેવો એશિયાખંડમાં એક માત્ર દેશ ભારત છે અમેરિકા જાણે છે.

ભારતમાં ૨૦૧૬માં પાકિસ્તાન તરફથી ૯૨૭ આતંકી હુમલા થયા અને એમાં આગલા વર્ષની સરખામણીએ ૧૬ ટકાનો વધારો થયો છે. અલબત્ત સરકારે વળતી કાર્યવાહી કરી છે અને ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૫૮૦ આતંકીઓનો ખાતમો કર્યો છે પણ વધતા આતંકી હુમલા અને સરહદે શસ્ત્રવિરામ ભંગ ભારત માટે ચિંતાનો વિષય છે.

ભારતે અગાઉ કેટલીય વાર વિશ્ર્વ આખાનું ધ્યાન દોર્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદીઓને પોષે છે, પણ અમેરિકાના પગ નીચે આગ લાગી ત્યારે તેને ભારતની વાત સાચી લાગી. અમેરિકાનો સખત આગ્રહ હતો અને હજુ પણ છે કે આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરો, પણ પાકિસ્તાન માનતું નથી. ઊલટાનું સહાય બંધ થતાં પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અમારી ખોટી રીતે નિંદા થઈ રહી છે અને અવિશ્ર્વાસ ઊભો થઈ રહ્યો છે ! ટંગડી ઊંચી !

પાકિસ્તાન સરકાર ખરેખર તો પોતાના લશ્કર સામે લાચાર છે અને લશ્કરે ઊભાં કરેલાં અને પાળેલાં પોષેલાં આતંકવાદી જૂથો પાસે પાકિસ્તાન લશ્કર લાચાર છે ! હવે સહાય બંધ થતાં ખરા અર્થમાં પાકિસ્તાની લશ્કરનાં હુક્કા-પાણી બંધ થઈ જશે. હવે સગવડ આતંકવાદી જૂથો પાસેથી મેળવીને ભોગવશે ? પરિણામે પાકિસ્તાનમાં આતંકવાદ કે આતંકવાદીઓનો નાશ નહીં, વિકાસ થવાની શક્યતાઓ વધી જશે.

અમેરિકાએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો ખાત્મો કરવા માટે ચીનનો સાથ લેવાનો વ્યૂહ ઘડી કાઢ્યો છે એવાંય વાવડ છે. અમેરિકા અન્ય ક્ષેત્રીય શક્તિઓ સાથે કામ કરવા માગે છે અને મામલે ચીન મુખ્ય સહયોગી હશે. પાકિસ્તાનમાં આતંકીઓનું સેફ હેવન હોય તે ચીનના હિતમાં પણ નથી. ચીને પણ પાકિસ્તાનમાં રહેલા આતંકીઓ સંગઠન મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે પાક. સાથેના સહયોગમાં બાંધવામાં આવી રહેલા અબજો ડૉલરના પ્રોજેક્ટની સલામતી સામે ખતરો હોવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી. ચીન પાકિસ્તાનને અમેરિકાની માફક આર્થિક સહાય કરે વાતમાં માલ નથી. ચીન તો ઉંદર છે, ફૂંકી ફૂંકીને કરડશે. અત્યારે તો બંને દેશ, ભારતે ઇકોનોમિક કોરીડોર સામે લીધેલા વાંધાથી પરેશાન છે. ભારતે પણ સમયસૂચકતા વાપરીને પાકિસ્તાનને સાર્કના લિસ્ટમાંથી દૂર કર્યું છે.

અમેરિકા, ચીન, પાકિસ્તાન અને ભારત, ચતુષ્કોણમાં રાજનૈતિક મેદાનમાં ભારત વિજયી બનશે સૌ જાણે છે. જય હિન્દ !