...અને બદલાઈ બાળકોની જિંદગી

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮
 
ખરેખર દિલ્હીની કલંદર કોલોનીનો મસ્તકલંદર જ હતો એ બાળક શકીલ. દિવસ આખો બસ ધમાચકડી, તોફાન-મસ્તી, આવારાગર્દી. માતા-પિતાની અનેક કોશિશ છતાં ભણવાનું નામ જ ન લેતો. ગરીબીમાં જીવન વ્યતીત કરી રહેલા તેના મહેનતુ અબ્બુ-અમ્મીને આશા હતી કે, શકીલ થોડું ભણી-ગણી લે તો વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બને, પરંતુ શકીલનાં રંગે-ઢંગે તેમની એ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ત્યારે જ એવી કંઈક ઘટના બની કે, શકીલનાં ગરીબ માતા-પિતાની તૂટતા આશાઓને રોશનીની નવી કિરણ દેખાઈ. સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રકલ્પ સાથે જોડાયેલ સેવા ભારતીના કાર્યકર્તા તેમની વસ્તીમાં પહોંચ્યા અને શકીલને સંસ્કારિત કરવાની વાત કરી તો તેના અબ્બુ-અમ્મી તરત જ માની ગયાં. બસ, પછી શું હતું ? શકીલે કેન્દ્રમાં જવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે તેણે વીજળીનાં કામમાં મહારત મેળવી લીધી. સંઘના સ્વયંસેવકોના સંપર્કમાં આવવાથી તેનામાં સંસ્કારના એવા અંકુર ફૂટ્યા કે ખુદ શકીલને ખબર ન પડી કે તે ક્યારે પોતાનાં અબ્બુ-અમ્મીનો આજ્ઞાકારી શકીલ બની ગયો. આજે અહીંની વસ્તીમાં શકીલના ઇલેક્ટ્રીશિયન કામના સૌ કોઈ કાયલ છે. તે કમાણી પણ સારી કરી લે છે અને તેનાં અબ્બુ-અમ્મી ખૂબ જ ખુશ છે.
વર્ષ ૧૯૯૪માં સેવા ભારતી દ્વારા ભટકતાં અને ઉપેક્ષિત બાળકો માટે શરૂ કરાયેલ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રકલ્પના માધ્યમ થકી આજ સુધી શકીલ જેવા હજારો કિશોરોને જીવનની નવી દિશા મળી છે. દિલશહા વિહાર વસ્તીના રાજુ દુબેને જ જોઈ લ્યો, આ કિશોર એકવાર અહીં ચાલતા કેન્દ્રની મુલાકાતે આવ્યો અને કમ્પ્યુટર શિક્ષણની એવી લત લાગી કે આજે આ યુવક બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસની સાથે-સાથે પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટનું કામ કરી સારા એવા પૈસા પણ કમાઈ રહ્યો છે. આવી જ રીતે પોતાની રઝળપાટને પાછળ છોડી સંતોષ હાલ કેન્દ્ર પર મળેલ સંસ્કારો અને પ્રેરણાથી વાસણ વેચવાના વ્યવસાયમાં જોડાઈ સારા એવા પૈસા કમાઈ રહ્યો છે. તે ઇચ્છે છે કે તેની પત્ની પણ આ પ્રકલ્પમાં જોડાય અને કામ કરે.
સેવાભાવના વિચારથી અંકુરિત થયેલ આ પ્રકલ્પ આજે સ્વયંસેવકોની અથાગ મહેનત અને પ્રયાસોથી સતત વિસ્તરી રહ્યો છે. હજારો કિશોરના જીવનમાં સુસંસ્કારોની વાવણી થઈ છે. હા, શરૂઆતમાં મુશ્કેલીઓ પણ આવી પરંતુ પોતાના બાળકોમાં આવેલ આશ્ર્ચર્યજનક પરિવર્તનને કારણે તેમનાં માતા-પિતા પણ આ પ્રકલ્પ સાથે જોડાતાં ગયાં. આજે હજારથી વધુ બાળકો આ પ્રકલ્પ થકી શિક્ષિત બની ચૂક્યા છે. સેવા ભારતીના દિલ્હીના વરિષ્ઠ કાર્યકર્તા જ્ઞાન પ્રકાશજી કહે છે કે, જ્યાં સુધી રઝળપાટ કરતાં અને ઉપેક્ષિત બાળકો શિક્ષિત થશે નહીં ત્યાં સુધી દેશના સર્વાંગીણ વિકાસનું આપણું સ્વપ્ન પૂર્ણ થઈ શકવાનું નથી. સેવા ભારતીનું આ સેવાકાર્ય દિલ્હીની ઝૂંપડપટ્ટીઓનાં કેટલાય ગુંડાગર્દી અને અપરાધની અંધેરી ગલીઓમાં ગુમ થઈ જતા પહેલાં તેમના જીવનમાં સ્વાવલંબનની નવી ઊર્જા ભરી રહ્યું છે. તાલીમ સાથે મળેલા સંસ્કાર આવા બાળકોને આદર્શ નાગરિક તો બનાવે જ છે. સમાજને પણ આવા કિશોરોને ભટકી જઈ અપરાધી બની જવાની ચિંતામાંથી મુક્તિ અપાવે છે.
* * *
- અપર્ણા સપ્રે