ટ્રમ્પે ટ્વિટર પર કરી મીડિયા માટે 'ફેક ન્યૂઝ એવોર્ડ' ની જાહેરાત

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કથિત રીતે ભ્રષ્ટ અને પક્ષપાતી સમાચારો પ્રસિદ્ધ કરનારા મીડિયા હાઉસ માટે વિવિધ કેટેગરીમાં 'ફેક ન્યૂઝ એવોર્ડ' જાહેર કર્યા છે.
 
એવોર્ડવિજેતાઓની આ યાદી GOP.COM વેબસાઇટ પર પણ રાખવામાં આવી હતી. જો કે આ વેબસાઇટ થોડા સમયમાં ક્રેશ થઈ હતી. ટ્રમ્પના એવોર્ડની યાદીમાં ન્યૂયોર્ક ટાઇમ્સનો એક રિપોર્ટ હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પની ઐતિહાસિક જીત તે વાતની સાક્ષી પૂરેે છે કે અમેરિકન અર્થતંત્ર ક્યારેય પગભર નહીં થાય.
 
બીજા ક્રમાંકે એબીસી ન્યૂઝના બ્રાયન રોસ નામના પત્રકારે રિપોર્ટ કરેલા સમાચાર હતા કે ટ્રમ્પે અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જનરલ ફ્લાયનને ચૂંટણી પહેલા રશિયા સાથે સંપર્કો અને વાતચીત કરવા કહ્યું હતું.
 
સીએનએન જૂથે પ્રસિદ્ધ કરેવા એક સમાચારને ટ્રમ્પે ત્રીજુ સ્થાન આપ્યું હતું. આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ અને તેમના પુત્ર પાસે વિકીલિક્સે લીક કરેલા દસ્તાવેજો એક્સેસ કરવાનો અધિકાર છે.
 
ટ્રમ્પે ચોથા ક્રમાંકે ટાઈમ મેગેઝિનને એવોર્ડ આપ્યો છે અને એવો આક્ષેપ કર્યો છે કે આ મેગેઝિને એક સમાચાર ખોટી રીતે પ્રસિદ્ધ કર્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ તેમની ઓવલ ઓફિસમાંથી માર્ટિન લ્યુથર કિંગની પ્રતિમા હટાવી દીધી હતી.