આ નવ શહેરો બનશે સ્માર્ટ સીટી, સેલવાસ મોખરે

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮

આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી હરદીપસિંહ પૂરીએ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પ્રતિયોગિતાનાં ચોથા રાઉન્ડનાં વિજેતા થયેલા શહેરોનાં નામ જાહેર કર્યાં હતા. પ્રેસને સંબોધતા મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, દાદરા નગર અને હવેલીનું સેલવાસ વિજેતા થયેલા શહેરોની યાદીમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત જીતેલા શહેરોમાં નિમ્નલિખિત શહેરોનો સમાવેશ થાય છે.
 
# ઇરોડ, તામિલનાડુ
# દિવ, દમણ અને દિવ
# બિહારશરીફ, બિહાર
# બરેલી, ઉત્તર પ્રદેશ
# ઇટાનગર, અરૂણાચલ પ્રદેશ
# મોરાદાબાદ, ઉત્તર પ્રદેશ
# સહરાનપુર, ઉત્તર પ્રદેશ
# કવરત્તી, લક્ષદ્વિપ
 
રૂ. 12,824 કરોડનાં રોકાણનાં પ્રસ્તાવ સાથે 9 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી રૂ. 10,639 કરોડનો ઉપયોગ વિસ્તાર આધારિત વિકાસકાર્યો(એબીડી) માટે કરવામાં આવશે અને રૂ. 2,185 કરોડ સમગ્ર શહેર માટેની યોજના માટે વાપરવામાં આવશે.
 
આ નવ 9 શહેરોમાં આશરે 409 પ્રોજેક્ટ કાર્યરત છે. આજની જાહેરાત બાદ સ્માર્ટ શહેરો તરીકે પસંદ કરાયેલા શહેરોની સંખ્યા 99 થાય છે. આ પહેલા જાન્યુઆરી, 2016માં 20 શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા, મે -2016માં 13 શહેરો, સપ્ટેમ્બર, 2016માં 27 શહેરો અને જૂન 2017માં 30 શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા. આ 9 નવા શહેરોની પસંદગી સાથે કુલ 99 સ્માર્ટ શહેરોમાં પ્રસ્તાવિત રોકાણ રૂપિયા 2,03,979 કરોડ થાય છે.
 
17 જાન્યુઆરી 2018 સુધીમાં રૂપિયા 1,38,730 કરોડની કિંમતના 2,948 પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં ચાલી રહ્યા છે. રૂપિયા 2,237 કરોડના ખર્ચે 189 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે જ્યારે રૂપિયા 18,616 કરોડના ખર્ચે તૈયાર થનારા 495 પ્રોજેક્ટનું કાર્ય ચાલુ છે. વળી, રૂપિયા 15,885 કરોડના ખર્ચે તૈયાર થનારા 277 પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે અને રૂપિયા 1,01,992 કરોડના ખર્ચે તૈયાર 1,987 પ્રોજેક્ટ ડીપીઆરના તબક્કામાં છે.