વિચાર વૈભવ : ફૂલોની ફકીરાઈ

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

કોઈ મિત્ર હમણાં પુષ્પગુચ્છ આપીને ગયા. મેં એમાંથી શુભેચ્છાઓ વીણી લેવા નાક સતેજ કર્યું ત્યાં એક બગીચો ઊગી નીકળ્યો. હું પણ પુષ્પની પગદંડીએ નીકળી પડ્યો. ઘણાં વર્ષો પહેલાંગુલાબની વેદનાએવું કાવ્ય લખેલું એનું ગુંજન જાગી ઊઠ્યું. વર્ષોના સંબંધો, અપેક્ષાઓ અને ઉપેક્ષાઓની એક મોટી વણઝાર પસાર થવા લાગી. ફૂલો આપણને કયાં કયાં લઈ ચાલ્યાં છે ?

મારો ફૂલ સાથેનો સંબંધ ઊંડો છે, ભીનો છે, કાંટાળો છે અને એકાંતથી શણગારાયેલો છે. મને એમનાં ગીત સાંભળવાં ગમે છે. એમની ફકીરાઈ મારી આરાધ્યભાવના છે.

મિત્રના બૂકેના કેદખાનામાંથી શુભેચ્છાનાં ગીત ગાતાં ફૂલો, બારીના પડદા પર અસહાય ફૂલો, બહાર કૂંડામાં પોતાના વિશ્ર્વથી ઝૂકી ગયેલાં ફૂલો, બગીચાનાં મસ્તીખોર ફૂલો અને વનવગડામાં એકાંત અને અધ્યાત્મની આહલેક જગવાતાં ફૂલો. પવન એમનું વસ્ત્ર પણ ખરું અને શસ્ત્ર પણ. પડદાનાં ફૂલો સામે જોતી ચકલીનું મૌન મને આકર્ષે છે. ખબર નથી મૌન હશે કે કોઈ ગીત જે ચકલી મનમાં ગણગણતી હશે. પણ એક વાત નક્કી છે. પડદાનાં ફૂલો નિર્જીવ રહી શકતાં નથી. કૂંડાની કુંડળી અલગ છે, રાત્રે રોજ એના ભીના આંગણામાં કોઈ ગ્રહો નહાવા આવે છે. એમને સરનામાનું વજન લાગે છે, કયારેક કુરિયરવાળા તો કયારેક છાપાંવાળા એમની દુનિયામાં ડોકિયાં કરે છે. ફૂલો મારી પત્ની રોજ પાણી પાય છે તેની આભારવિધિ સાંજે કરતાં હોય છે. હીંચકા અને ફૂલો વચ્ચેની પવનસાંકળની સ્થિતિસ્થાપકતા અમારા આંગણની ઓળખ બની છે. બાજુમાં ઊગેલી લીલી-ચા અને તુલસી માનવમૂડની કથાઓ કહેતાં કયારેય થાકતી નથી. પૂજા માટે ચૂંટાતાં ફૂલોના કપાળમાં શ્ર્લોકવરણાં કંકુતિલક થશે તેની ચર્ચા પણ ખાસ્સા સમયથી ચાલે છે. સમયને અને ભાષાને ઓળંગવાનો પ્રયત્ન કરતા એમના દૂરના સગા એવાં વન-વગડાનાં ફૂલોનો એમને પરિચય પણ નથી એમને કેવી રીતે કહેવું તે મને સમજાતું નથી. જો કે બગીચાનાં ફૂલોની ઓળખાણ હવે જામી છે. એમના રોજના સૂર્યસ્તોત્રની બારાખડી ઉછીની લેવાની પણ એક મઝા છે. અહીં પવન સાથેની એમની રમત વાચાળ હોય છે. અહીં બાળકોની બૂમાબૂમ અને સ્ત્રીઓની વાતોની એક શેરી રચાય છે. એમાં સુગંધને પરોવવી અઘરી હોય છે. મેં વન-વગડાનાં ફૂલો જોયાં છે, જ્યારે જ્યારે એવાં ફૂલો પાસે ગયો છું ત્યારે કવિ કાલિદાસ અચૂક મારી સાથે આવ્યા છે. કોઈ ભ્રમરનાં ગુંજનથી ઘેરાયેલા ફૂલમાં હું શકુંતલાની આંગળી શોધી શકું છું. હું બગીચામાં હરણપગલે આવીને ફૂલોની મસ્તી માણું છું, કયારેક મીરાંના પૂજાના ઓરડાની અગરબત્તી જેવી સુગંધસેર અડી જાય છે, બે ત્રણ મહિના એનો નશો રહે છે. કયારેક રાધાની વેણી જેવી લાગતી ફૂલગૂંથણી એક નાનકડી પ્રેમરંગોળી દોરે છે. પણ મારું પ્રિય ગુલાબ તો કાંટાઓની ચોકીદારી ઓળંગીને આવી પહોંચે છે. મને પણ મળે છે એક જીવનનો મહામંત્ર : ફૂલની ફકીરાઈ....