બ્રહ્મચારી ભગવાન અયપ્પા પાસે રેહાના ફાતિમા કેમ પ્રથમ ?

    ૨૬-ઓક્ટોબર-૨૦૧૮


 

નૈષ્ઠીક બ્રહ્મચારી ભગવાન અયપ્પાને સુપ્રીમ ઓર્ડર મળ્યો, રજસ્વલા સ્ત્રીઓને દર્શનનો અધિકાર છે. લોકશાહી છે. સમજો. ૧૧ વર્ષથી બાબતે અહિન્દુ, તમારી ભક્ત નથી તેવી સ્ત્રીઓ ખફા છે. ભેદભાવ, સ્ત્રીઓ વિરુદ્ધ કોઈપણ કારણસર, ભલે તે ધાર્મિક હોય, ગેરબંધારણીય છે, બંધારણ સર્વોપરી છે. સમજો. ચાર અરજી કરનારામાંથી ત્રણ જેમણે ભગવાન અયપ્પાનું પૂજન, વિધી-વિધાન, ઇતિહાસ, પરંપરા, આસ્થા વગેરે જાણ્યા વગર , કોઈના કહેવાથી કોર્ટમાં ઝંપલાવ્યું હતું. તેમને ખબર પડતાં અરજી પાછી લેવા વિનંતી કરી તો નિયમાનુસાર તે પાછી ખેંચી શકાય તેમ જણાવાયું. કાયદાને આધિન છે. સમજો. પાંચ ન્યાયાધીશની બેચમાં એક મહિલા ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાએ ચુકાદામાં પહેલાંની પ્રથા ચાલુ રાખવી જોઈએ તેમ લખ્યું છતાં - મતે ચુકાદો આવ્યો. બહુમતીના વલણે ચુકાદો. સમજો.

કેરાલા હાઈકોર્ટના ૧૯૯૧ના ચુકાદા અન્વયે, બાલિકાઓ અને પ્રૌઢ મહિલાઓને મંદિર પ્રવેશ હતો . રજસ્વલા સ્ત્રીઓને પ્રવેશ નહીં. કેરાલા સરકાર ૧૧ વર્ષમાં ત્રણ વખત એફિડેવિટ બદલી ચૂકી છે. ૨૦૦૭માં વામપંથી અચ્યુતન સરકાર મંદિર પ્રવેશ તરફેણમાં, ૨૦૧૧માં UDF સરકાર મંદિર પ્રવેશ વિરુદ્ધમાં અને ૨૦૧૮માં LDF સરકાર તરફેણમાં. દેશની રાજકીય પાર્ટીઓમાં પણ ઓછા-વત્તા અંશે વલણ અને હવે થોકબંધ મતોની ગણતરીએ, ચુકાદા વિરુદ્ધ, અયપ્પાની ભક્ત મહિલાઓ સમગ્ર રાજ્યમાં ઠેરઠેર અભૂતપૂર્વ દેખાવો કરી રહી છે ત્યારે કેરાલા સરકાર સિવાયના બધા રાજકીય પક્ષોએ સુર બદલ્યો છે.

વિટંબણાએ કેવી, કોર્ટમાં PIL દાખલ કરનાર યંગ લોયર્સ એસોસિએશનના નૌશાદ અહમદ ખાન. જે મહિલાઓ તેમાં જોડાઈ તે અયપ્પા ભગવાનમાં માનનારી કે ભક્ત પણ નહીં આવું કોર્ટના રેકર્ડ પર છે. ચુકાદા બાદ પ્રવેશ કરવા મથતી મહિલાઓમાંથી એક્ટિવિસ્ટ અહિન્દુ મહિલાઓનો સમાવેશ. જ્યાં ૧૯૯૧માં હાઈકોર્ટે નોંધ્યું હતું. પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને પણ મહિલાઓને મંદિર પ્રવેશ કરવા દેવો નહીં. ત્યાં ૨૦૧૮માં રાજ્ય સરકારે પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને દેખાવો કરતી મહિલાઓ સાથે ડંડાવાળી કરી, અભદ્ર વ્યવહાર થયો અને પ્રવેશ કરવા મથતી મહિલાઓને રક્ષણ પૂરું પાડવા છતાં પ્રવેશ કરાવી શક્યા નહીં.

મંદિર સાર્વજનિક સ્થળ ખરું. ભગવાનના દર્શન તો નહીં , પૂજારીના કહેવા પ્રમાણે પૂજા-પદ્ધતિ, મૂર્તિસ્નાન, અલંકાર-આભૂષણ-વસ્ત્ર ધરાવવાં કે દર્શન, પૂજારીના અધિકારમાં છે. તેમણે સ્વસ્થતાપૂર્વક કહ્યું, મંદિરના નિયમો વિરુદ્ધ અનધિકૃત મહિલા પ્રવેશ થશે તો મંદિરના કપાટ બંધ કરીશું. બાબતે ત્રાવણકોર દેવસ્થાનમ્ બોર્ડ કે રાજ્ય સરકાર કે અન્ય કોઈની જોહુકમી ચાલે કે નહીં તે અધ્યાહાર રાખીએ તો પણ મંદિર પરિસરમાં ગણપતિ, શંકર તથા મા ભગવતીની પણ મૂર્તિઓ છે. આસપાસના થોડાંક મંદિરોમાં પરંપરાગત માત્ર મહિલાઓને પ્રવેશ છે, પુરુષોને નહીં. ઠેક ૧૧મી સદી, એટલે સૈકાઓથી ચાલતી પ્રથામાં ભગવાન અયપ્પાનું બ્રહ્મચારીસ્વરૂપ છે. આસ્થા પ્રમાણે તેના દર્શને જતા ભક્તો, ૪૧ દિવસ બ્રહ્મચર્ય પાળી, શુદ્ધ-સાત્વીક-શાકાહારી ભોજન લઈ અન્ય શારીરિક તપ કરી, તુલસીદ્રાક્ષ માળા ધારણ કરી, ત્રણ જુદા રૂટ દ્વારા ૬૧ કિ.મી., કિ.મી. કે ૧૨ કિ.મી. પગપાળા પેરિયાર ટાઈગર રિઝર્વના ગીચ જંગલમાં આવેલ મંદિરની યાત્રા કરે જેમાં તેમના કુટુંબીજનો દીકરી-પત્ની-મા સહિત સૌનો સંપૂર્ણ સહકાર અને ધાર્મિક અનુષ્ઠાન સિદ્ધ કર્યાની ભાવના પ્રતિબિંબિત છે. આમેય સનાતન ધર્મીઓમાં, મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થાય એટલે ભક્તો પથ્થર કે પંચધાતુની મૂર્તિમાં સ્વયં ભગવાનનાં દર્શન કરે છે. ભૂતનાથ ઉપાખ્યાન આધારિત સ્થળ શબરીમાળાનું મહાત્મ્ય ઓછામાં ઓછું ૧૮૦૦ વર્ષ જુનું છે. ૧૯૫૦માં ક્રિશ્ર્ચિયનો દ્વારા પથ્થરની મૂર્તિની તોડફોડ કરાતાં પંચધાતુની મૂર્તિ, પાંડલમ કુટુંબનો બાળબ્રહ્મચારી કુંવર જે સમાધીસ્થ થઈ ઇશ્ર્વરત્વ પામ્યો તેને અવતાર ગણી મંદિર બન્યું છે. મકરસંક્રાતિ મહાવિષ્ણુ સંક્રાંતિએ લાંબા સમય માટે ખુલતું મંદિર, મલયાલમ માસ પ્રમાણે પ્રથમ પાંચ દિવસ ખૂલે છે.

સનાતન હિન્દુ ધર્મમાં અનેક પંથો છે. ભગવાન, પૂજા પદ્ધતિ, પ્રાણ-પ્રતિષ્ઠા, સંકલ્પ લેવડાવી મૂર્તિ સ્થાપન કરતા આચાર્ય, શ્રદ્ધા, ઇતિહાસ વગેરે અન્વયે વિધી-વિધાન અને પદ્ધતિ નક્કી કરાય છે. વૈદિક-તાંત્રિક શિષ્યો / ભક્તો દ્વારા આવતા સૂચનોથી તેમાં ફેરફાર પણ કરાય છે. તે શાસ્ત્રમાં શ્રદ્ધાને આધિન છે. મંદિરમાં સ્ત્રી પ્રવેશ નહીંથી માંડીને માત્ર સ્ત્રીઓ માટેનાં મંદિર, સાધુઓના પ્રવચનમાં સ્ત્રીઓની અનઉપસ્થિતિથી ભક્ત મીરાંબાઈના મતે પુરુષ એકમાત્ર કૃષ્ણ, અન્ય બધી સ્ત્રીઓ છે. ગોપીઓ છે જેવી વિવિધતાઓ સ્વીકારીને પણ હિન્દુ સમાજ એક છે. સમરસ છે. વિવિધતામાં એકતા છે. સંપ્રદાયો વચ્ચે સર્વોપરિતા માટે હૂંસાતૂંસી નથી સમરસતા છે. દિગંબર જૈન સાધુઓને નગ્ન અવસ્થામાં કે નાગા બાવાઓને ૨૧મી સદીમાંય સ્વીકૃતિ છે. દેવતાને પણ એક બાળક તરીકે અને વ્યક્તિ તરીકે સ્વીકારતી આપણી વ્યવસ્થામાં રામ ભગવાને મહેલને બદલે ઝુંપડીમાં વસ્યા છે ને ?

કેરાલામાં પ્રમાણમાં નાના છતાં રાજકીય લેબલમાં ઉપયોગી થાય તેવા અનુસુચિત જાતિની ભારત ધર્મ જનસેના કે દલિતોની કેરાલા પુલમાર મહાસભાના જોરે ત્યાંની સરકાર, કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પડકાર છતાં રીવ્યુ પીટિશનના કાયદાકીય વિકલ્પ માટે તૈયાર નથી. ધાર્મિક કે પરંપરાગત વૈજ્ઞાનિક દૃષ્ટિએ રજસ્વલા સ્ત્રી, માસિક સમયે મનોવિકારથી પીડાય. શારીરિક ક્ષમતા હણાય તથા શારીરિક યાતના સહન કરે . વળી સરકારી તથા એક્ટિવિસ્ટની દલિલ જે ત્રણ તલાકમાં મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય તો અયપ્પા મંદિરમાં હિન્દુ સ્ત્રીઓને અન્યાય તેય ભારોભાર વિસંગત તુલના ત્રણ તલાક સામાજિક વિધાન અન્વયે લડાઈ મુસ્લિમોની , મંદિરના રીતિ-રિવાજને શાસ્ત્ર, ધર્મ, પૂજા પદ્ધતિ સાથે સુસંગત. કહેવાતો ન્યાય માગવાવાળાય એક્ટિવિસ્ટો, ભક્તો નહીં .

હિન્દુ સ્ત્રીઓની આસ્થાને પહોંચેલી ઠેસના કારણે સંઘર્ષ પાંચ દિવસથી કેરાલામાં ચાલ્યો છે. સામ્યવાદી અને ક્રિશ્ર્ચિયન સંસ્થાઓને આસ્થા તોડવામાં રસ હોય તે નિર્વિવાદ સત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. ત્રાવણકોર દેવસ્થાન બોર્ડે માત્ર સુપ્રીમને પરિસ્થિતિથી વાકેફ કરવાની હૈયાધારણ આપી છે. અયપ્પાની ભક્તિ કરતાં એક્ટિવિસ્ટમાં વિશ્ર્વાસ વધારી સફળતા માટે મથતી સરકારે ૪૨ દેવસ્થાનોનું સંચાલન હસ્તગત કરી હિન્દુઓ માટે નવા સંઘર્ષના કાયદાકીય રસ્તાઓ શોધ્યા છે. લોકતંત્રને મજબૂત કરવામાં શ્રદ્ધા કેન્દ્રોનું સુરસુરીયું કોણ સાંખી લેશે ? અન્ય રીત-રીવાજો, પરંપરાઓ જે શાસ્ત્રોક્ત છે તેનું શું ? આસ્થાઓ તૂટે તો કોને ફાયદો ? બ્રહ્મચારી ભગવાન અયપ્પા પાસે રેહાના ફાતિમા કેમ પ્રથમ ?