16 ડિસેમ્બર : સંઘ દ્વારા કચ્છના દરેક ગામમાં ભગવા ધ્વજ સાથે શાખા લાગશે

    ૩૦-ઓક્ટોબર-૨૦૧૮


 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ડિસેમ્બરના મધ્યાહ્‌ને 16 તારીખે એક જ દિવસે 900થી વધારે સ્થાનો સાથે કચ્છના દરેક ગામમાં શાખા લાગશે અને સંઘનો વ્યાપ વધારવાના આશય સાથે પૂર્ણ ધ્વજ સાથે આ શાખા લગાડવામાં આવશે. આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમવાર કચ્છ વિભાગ કરી રહ્યો છે. મુસ્લિમ ગામોમાં પણ જો સ્થાનિકો શાખામાં જોડાઈ “ભારત માતા કી જય” બોલવા તૈયાર હશે, ત્યાં પણ શાખા લગાડવામાં આવશે.
 
સંઘના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સંઘની દૃષ્ટિએ કચ્છ વહીવટી દૃષ્ટિની જેમ જ પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બે જિલ્લામાં વ્યાપ્ત છે. અત્યારની સ્થિતિએ સંઘની દૃષ્ટિએ પૂર્વ કચ્છમાં ૯ તાલુકા છે અને 4 નગર છે, જેમાં ભચાઉ, રાપર, ગાંધીધામ, અંજારનો સમાવેશ થાય છે.
 
પૂર્વ કચ્છમાં 86 સ્થાનો પર દૈનિક શાખા લાગે છે. પશ્ચિમ કચ્છની વાત કરીએ તો હાલ અહીં 33 શાખા લાગે છે. પશ્ચિમ કચ્છ 8 તાલુકા અને ૨ નગરમાં સમાવિત છે. જેમાં મુદ્રા, ભુજનો સમાવેશ થાય છે. આ સંઘ દૃષ્ટિએ કુલ 17 તાલુકા અને 6 નગરમાં 119 શાખાઓ લાગે છે. જે 16મી ડિસેમ્બરે એક જ દિવસે 900થી વધુ સ્થાનો એ યોજવાની તૈયારીઓ થઈ ચુકી છે.
 
સોશિયલ મીડિયામાં સંઘના કચ્છ વિભાગે “ગાંવ ગાંવ શાખા, હર ગાંવ શાખા” સાથે વિચાર અને માધ્યમો પોસ્ટ કર્યા હતા. જે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે, સરહદી જિલ્લામાં રાજ્યનો પ્રથમ વિભાગ આ પ્રયોગ કરવા જઈ રહ્યો છે. તેને કેટલી સફળતા મળે છે.
 

સંઘની શાખા શું છે ?

 
સંઘની દૈનિક એક કલાકની શાખામાં સ્વયંસેવકો એકત્રિત થાય છે. જેમાં શારીરિક કાર્યક્રમો, સૂર્યનમસ્કાર, રમત, ગમ્મત, બૌદ્ધિક વ્યાખ્યાન, ગીત અભ્યાસ, અમૃતવંચન, શુભાશિષ અને અંતમાં પ્રાર્થના ગવાય છે. મહિનામાં બે દિવસ ચર્ચા સત્ર હોય છે.