આજે ફરી એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર ખરી કે નહીં ?

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 
 
બે વર્ષ પહેલાં ૨૯મી સપ્ટેમ્બર - ૨૦૧૬ના દિને ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ૭ આતંકી શિબિરો ધ્વસ્ત કરી, ૩૮ આતંકવાદીઓનો સફાયો બોલાવી દુશ્મનોને પાઠ ભણાવ્યો હતો. એ વીરતાપૂર્ણ ઘટનાને આગામી ૨૯મી સપ્ટેમ્બરે બે વર્ષ પૂર્ણ થાય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ભારતની તમામ યુનિવર્સિટીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, ૨૯મી સપ્ટેમ્બર-૨૦૧૮નો દિવસ દરેક યુનિવર્સિટીએ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ તરીકે ઊજવવો જોઈએ. કોલેજના યુથને, ખાસ કરીને એનસીસીના વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરવા જોઈએ.
 
પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક ડેની ઉજવણીના અઠવાડિયા પહેલાં જ પાકિસ્તાની સૈનિકોએ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં બીએસએફના જવાન નરેન્દ્રસિંહની એક આંખ કાઢી, ગળું કાપી, ગોળીઓ મારી બર્બરતાપૂર્ણ હત્યા કરી. બે દિવસ બાદ ફરી કાશ્મીરનાં ત્રણ પોલીસ કર્મીઓનું અપહરણ કરી હત્યા કરી. કૂતરાની પૂંછડી સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ વાંકી જ છે. માત્ર નરેન્દ્રસિંહ જ નહીં પાકિસ્તાની સૈનિકોએ છેલ્લાં બે વર્ષમાં ઉરી, બારામુલ્લા, હન્દવાડા, નાગરોટા, પઠાણકોટ, ગુરદાસપુર વગેરે ૨૦ જેટલાં સ્થાનો પર ઘૂસણખોરી કરી મોટા આતંકી હુમલા કર્યા અને સુધાકર સિંહ, હેમરાજ જેવા આપણા સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યા પણ કરી છે. ભારતીય સૈન્યે એમાંનાં ઘણાં કૃત્યો નાકામ કર્યાં, ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક ઘણી વખત થતી હોય છે પણ તે બાબતો ગોપનીય રાખવામાં આવતી હોય છે. છતાં એક રીપોર્ટ મુજબ ભારતે કુલ ચાર વખત મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકીઓને નાથ્યા છે. વિરોધપક્ષોએ એ વખતે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરીને દુશ્મનોને આડકતરો સપોર્ટ કર્યો તેના પરિણામે આજે દુશ્મનો વધારે છાકટા બન્યા હોય તેવું લાગે છે.
 
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારત-પાક શાંતિના નવા અધ્યાયની શ‚આતની વાત કરી એ જ વખતે આ બર્બર ઘટના ઘટી એ જ સાબિતી કે ઈમરાનના દેખાડવાના અને ચાવવાના જુદા છે. પાકિસ્તાની સેના આતંકવાદને પોષે છે અને ઈમરાન સેનાની કઠપૂતળી છે. એટલે જ તાજેતરમાં પાકિસ્તાની ડાક વિભાગ દ્વારા કરાચીથી બહાર પડાયેલી ટપાલ ટિકિટ પર કાશ્મીર અથડામણમાં માર્યા ગયેલા કુખ્યાત આતંકવાદી બુરહાન વાણીની તસવીર છાપી છે અને કેટલીક ટિકિટો પર ભારતવિરોધી લખાણો પણ લખવામાં આવ્યા છે. આ બાબતો સાબિતી આપે છે કે પાકિસ્તાનના આકાઓ ભારત સાથે કોઈ સંજોગોમાં શાંતિ ઇચ્છતા નથી. આતંકીઓ એમના આકા-અલ્લા છે. માર્યા ગયેલા આતંકીઓ ત્યાં પૂજાય છે, પાકિસ્તાન આતંકીઓને માત્ર પનાહ નથી આપતું તેમને તમામ પ્રકારની મદદ પણ કરે છે. ત્યારે આપણે કઈ મુત્સદ્દીગીરી બતાવીને વાતો કરીએ ?
 
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સર્જિકલ સ્ટ્રાઇક ડે ઉજવવાની વાત કરી તેમાં એનસીસીના વિદ્યાર્થીઓની પરેડ, એનસીસી કમાન્ડર, એક્સ આર્મીમેન અથવા એ પ્રકારના લશ્કર સાથે જોડાયેલા અધિકારીઓનાં વક્તવ્યો, મલ્ટીમીડિયા એક્ઝિબિશન વગેરેનું આયોજન કરી યુવાનોમાં આ બાબતે અવેરનેસ કરવાની વાત કરી છે એ ચોક્કસપણે અને ગંભીર રીતે કરવાની જરૂર છે. આપણા સૈનિકો સાથે થઈ રહેલી બર્બરતાની વાત અને દુશ્મન દેશની સ્ટ્રેટેજી અને અવળચંડાઈથી આજનો યુવાન માહિતગાર થાય અને જરૂર પડે તો દેશ માટે લડવા માટે તૈયાર થઈ જાય તે પ્રકારે તેને ટ્રેનીંગ આપવાનો સમય પાકી ગયો છે. સેન્ટ્રલ, સ્ટેટ, ડિમ્ડ અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓની સંખ્યા ભારતમાં ૮૬૮ જેટલી છે, અંદાજે ૩ કરોડ ૪૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરે છે અને ૧૫ લાખથી વધારે યુવાનો તો એનસીસીના કેડેટ છે. આ બધા વિદ્યાર્થીઓને જો ‘સર્જિકલ સ્ટ્રાઈક ડે’ બરાબર સમજાવી શકાય તો દેશમાં જરૂર પડે એક સાથે લાખ્ખો યુવાનો આતંકીઓને પાઠ ભણાવી શકે અને દેશ માટે કંઈ કરવાનું ગૌરવ લઈ શકે. સર્જિકલ સ્ટ્રાઈક ડે દ્વારા ભારતના યુવાનમાં દેશદાઝ ભરવાનો એક અનોખો મોકો છે. યુનિવર્સિટી, કોલેજો અને વિદ્યાર્થીઓ આ બાબતે જ‚ર આગળ આવશે એવો વિશ્ર્વાસ છે. સ્વીત્ઝરલેન્ડમાં આર્મી જ નથી. છતાં સ્વીત્ઝરલેન્ડનાં દરેક યુવાનને મિલિટ્રીની ટ્રેનિંગ ફરજિયાત છે. કોઈ પણ ઇમરજન્સી વખતે આ યુવાનો શોર્ટ નોટીસમાં દેશ માટે હાજર થઈ જાય છે. સ્વીત્ઝરલેન્ડનાં આ હ્યુમન આર્મી જેમ આપણા યુવાનોને તૈયાર કરવાનો સમય પાક્યો છે માટે યુનિવર્સિટી કમિશન અને સરકારનું ‘સ્ટ્રાઈક ડે’ની અનોખી ઉજવણીમાં યુવાનોને જોડવાનું પગલું આવકાર્ય છે.
 
આ અંક પ્રસિદ્ધ થશે તે દિવસે, ૨૯મી સપ્ટેમ્બરે યુનાઈટેડ નેશન્સની ૭૩મી જનરલ એસેમ્બલી અમેરિકાના ન્યૂયોર્કમાં મળવાની છે અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમાં સંબોધન કરવાનાં છે. પાકિસ્તાની વિદેશમંત્રી મહંમદ કુરેશી પણ આ સભાને સંબોધન કરશે. કુરેશીનું વલણ પહેલેથી જ ભારતવિરોધી રહ્યું છે, મુંબઈ પર ટેરરિસ્ટ એટેક થયો ત્યારે આ કુરેશી જ વિદેશ મંત્રી હતા. આ સંજોગોમાં વિદેશ મંત્રી સુષ્માજી આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી હુંકાર કરે અને પાકની નાપાક હરકતોને જાહેરમાં પડકારે તે જરૂરી છે. આપણા આર્મીને પણ ઓસામા બિન લાદેનને મારનાર નેવી સીલ જેવી ટ્રેનિંગની જરૂર છે જ. અમેરિકાએ ઓસામા બિન લાદેનને મારીને બેસાડેલી ધાક જેવી જ ધાક બેસાડવાનો સમય હવે શું નથી પાક્યો ? કાશ્મીરનાં અલગાવવાદીઓને સીધાં કરવાનો સમય હવે શું નથી પાડ્યો ? આર્મી ચીફ બીપીન રાવતે પણ પાક. આર્મી પર ગુસ્સો કરતાં કહ્યું કે, ‘આપણે પણ પાકિસ્તાનીઓને એમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ.’
 
એટલું જ નહીં યુનિવર્સિટીઓ દ્વારા કોલેજોમાં સૂચિત સર્જિકલ સ્ટ્રાઇક ડે તો જરૂર ઊજવાય પરંતુ આજે જે રીતે આતંકીઓ આપણા સૈનિકોની બર્બર હત્યા કરી રહ્યા છે તે જોતાં એવું નથી લાગતું કે આગામી ૨૯મી સપ્ટેમ્બરે ભારતે ફરીવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ ? એટલું જ નહીં, તો પણ જો દુશ્મનો ના સુધરે તો સર્જિકલ સ્ટ્રાઇકની વાર્ષિક નહીં, માસિક ઉજવણી કરી આતંકનો સફાયો કરવા ભારતે કટિબદ્ધ ના થવું જોઈએ ?