પરિવર્તશીલ દુનિયામાં કાર્યદક્ષ નહીં, અસરકારક થવાનો મહિમા ચાલો, થોડો ફેર પાડીએ

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 
 
દરેકની એક ઇચ્છા હોય છે કે આ જગત બદલાઈ જવું જોઈએ. પણ એની સાથે સાથે તરત જ બીજી ઇચ્છા થાય છે તે હોય છે કે મારા સિવાય કે મારી જે સ્થિતિ છે તે સિવાય બીજું બધું ભલે બદલાય. આ એક ભારે વિરોધાભાસ છે જેમાં આપણે જીવીએ છીએ. આપણી ઇચ્છા એવી હોય કે આપણે ત્યાં આવનાર પુત્રવધૂ એકદમ કહ્યાગરી હોય, એનો સહેજ પણ અવાજ ના હોય અને સાસરે ગયેલી આપણી દીકરીનું જ ચલણ હોવું જોઈએ.
આજે પરિવર્તનની હવા છે, બધું બદલાઈ રહ્યું છે. દરેક જણને એમની બેટરી ફુલ્લી-ચાર્જ-કરેલી હોય તેવા મૂડમાં રહેવું છે અથવા તેવી રીતે કામ કરવું છે. આ એક અઘરી સ્થિતિ છે, આ અપેક્ષાઓની અને કાર્યક્ષમતાના આંતરિક સમિટની ઘટના છે. આ સમિટના ચાર ઘટકો છે. 

બહુ ઓછા લોકો ઇચ્છિત પરિવર્તન લાવી શકે છે. 

બહુ ઓછા લોકોને ઘરેડ પસંદ હોય છે, પણ બહુ ઓછા લોકો ઇચ્છિત પરિવર્તન લાવી શકે છે. પરિવર્તન લાવનારે ત્રણ સીમાડે લડાઈ કરવાની હોય છે, એક પોતાની આસપાસનું વાતવરણ જેમાં ‘સ્ટેટસ-ક્વો’ના સમ્રાટો બેઠા હોય છે. બીજી મોટી સંરક્ષણ દીવાલ એક જડતાની હોય છે જે લોકોની માન્યતાની હોય છે. કદાચ એટલે જ સરસ્વતીની પ્રાર્થનામાં ઋષિએ સાચી રીતે જ કહ્યું છે, "જાડ્યાંધકારાપહા જે અંધકાર દૂર કરવાનો છે એ જડતાનો અંધકાર છે, એ સાથીઓનો હોઈ શકે, સંસ્થાનો હોઈ શકે. પણ સૌથી મોટી અડચણ તો મનની છે. પોતાના મનનું મેનેજમેન્ટ જ મહત્ત્વનું છે. ફેર પાડવાની ઇચ્છાવાળાએ પડકારની શૈલી અને શૌર્ય શીખી લેવાં જોઈશે. મેં બહુ મોટા મોટા માણસો જોયા છે જે માને છે કે આમ ના થવું જોઈએ પણ હિમ્મત નથી દાખવી શકતા. ઘણા મોટા સાહિત્યકારો નકારાત્મકતાભર્યા વલણથી નારાજ હોય, ઘણાં સૂત્રો પાછળ સિદ્ધાંત કરતાં તેજોદ્વેષ કે દંભ વધારે છે તે બધું જાણતા હોવા છતાં પરિસ્થિતિને પડકારી નથી શકતા. આવા લોકો અંદરથી પ્રસન્નતા નથી પામી શકતા. જે પડકારે છે, જે લલકારે છે એ જ થોડો ફેર પાડી શકે છે.

પાંચ ‘સી-ફોર્મ્યુલા’ની વાત 

થોડો ફેર પાડવાની સૌની ઇચ્છા હોય છે, પણ સફળ બહુ ઓછા થાય છે. આજે મારે પાંચ ‘સી-ફોર્મ્યુલા’ની વાત કરવી છે. જેણે કશુંક કરવું છે તેણે ‘ચેન્જ-એજન્ટ’ બનવું પડશે. ત્રણ બાબતો પર બદલાવ માટે પ્રયત્ન કરવાનો છે. જે પોતાને, પોતાની ટીમને અને પોતાની કાર્યસંસ્કૃતિને બદલી શકે તેને માટે સફળતા મેળવવી અઘરી નથી હોતી.
 
બીજો ‘સી’ છે, ચેલેંજ’. પડકાર કરો અથવા પડકારને સ્વીકારો, ઉપાડી લો. વ્યાખ્યાઓને પડકારો, માન્યતાઓને પડકારો. આવી હિમ્મત કેળવવાથી તમે એક પરિવર્તનના મશાલચી બની શકશો. ગાંધીજીએ મહાસત્તાને પડકારી તો મહાત્મા બની શક્યા. માન્યતાઓને પડકારો. ત્રીજો ‘સી’ છે, ‘ચેનલાઈઝ’. જે શક્તિઓ છે, જે ઊર્જા છે તેને એક દિશામાં ચોક્કસ ગતિથી પ્રવાહિત કરો. આવું કરવાથી ચમત્કારિક પરિણામો આવી શકે છે. ઇન્દુચાચાએ જ્યારે મહાગુજરાતની લડતનું નેતૃત્વ લીધું ત્યારે એમણે એક મહાશક્તિનાં દર્શન કરેલા. એમને આ શક્તિઓને આંદોલન તરફ વાળી તો ‘ગુજરાત’ મળ્યું. આજે જે નેતૃત્વ કે લીડરશીપની વાત થયા કરે છે એ મૂલત: તો પરિવર્તક-પુરુષની કે મહિલાની દરેકને જરૂર હોય છે. એ જ વ્યક્તિ આ નેતૃત્વ પૂરું પાડી શકે છે જે પોતાની કલ્પકતા થકી કશુંક એવું કરે છે જેનાથી સંસ્થામાં સકારાત્મક અને પ્રગતિપોષક પરિવર્તન થઈ શકે છે.

 ‘ફરિયાદ-ફેમસ’ થવાના બદલે સ્વીકાર-સજ્જન થવું જોઈએ.

હવે પછીના બે ‘સી’ છે તે કશીક અલગ ભાતના છે. એમાં સ્થિતિને બદલ્યા સિવાય પણ તમે ફેર પાડી શકો છો. આમાં માનસિકતાની માવજત કરવાની હોય છે, મનની ખેતી છે. જે ‘વર્તમાન’ને ‘ચેરિશ’ કરી શકે છે, સ્વીકારીને વ્હાલ કરી શકે છે, એ કશું બદલ્યા સિવાય પણ બધું બદલી શકે છે. આપણા સમાજમાં ઘણા બધા લોકો મિસ્ટર ફરિયાદ હોય છે. એમને દરેક વિશે ફરિયાદ હોય છે. આજે વાદળ કેમ દેખાયાથી શરૂ કરી તમે આજે ‘બ્લ્યુ’ શર્ટ કેમ પહેર્યો છે, ત્યાં સુધીના વિષયોમાં આવા મહાનુભાવો વિહરતા હોય છે. આવી ‘ફરિયાદ-ફેમસ’ થવાના બદલે સ્વીકાર-સજ્જન થવું જોઈએ. જે પરિસ્થિતિ છે તેને સ્વીકારો. બધા મિત્રોને, અરે ખુદ તમારી પત્નીને, તમારા સ્ટાફને એની તમામ મર્યાદા સાથે પણ સ્વીકારો. આ સ્વીકાર તમારા માટે પરિવર્તનનો પથ કંડારનારો બની શકે તેમ છે.
 
એક વધુ અઘરો સી છે, તે છે ‘કંટિન્યુઇટી’. તમે સાતત્યથી જ ફેર પાડી શકશો. સનાતન ધર્મના કેટલા બધા સિદ્ધાંતો અને માન્યતાઓ વર્ષોથી ચાલી રહી છે. કોઈ બાબત જડતાથી ચાલુ રહે એના કરતાં એનું પુનર્દર્શન કે સકારાત્મક સંસ્કરણ કરવામાં આવે તો કેવું ? કોઈ વિધિવિધાન કે કોઈ પઠનપાઠન આપણને જીવનના એ પહેલુનું નવેસરથી અર્થઘટન કરીએ તો તે આપણને એક અલગ ઊંચાઈથી પ્રેરણા આપે છે. જો આપણે આપણા કૃષ્ણની પુન: શોધ કરીએ કે જીવનની પરિવાર પ્રેરિત પરંપરા કે રિવાજને રી-ઇન્વેન્ટ કરીએ તો રુટિન લાગતા કર્મકાંડ કે જડ માન્યતામાંથી પણ સુગંધ પ્રગટી શકે છે.