આપે મુસીબતો માટે મને ચેતવી દઈને મારો ઇરાદો વધુ મજબૂત કરી દીધો છે.

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૮

  

સાહસ ત્યાં સિદ્ધિ

વિશ્ર્વવિજેતા બનવા નીકળેલા નેપોલિયનની સેના આલ્પ્સ પર્વત સમક્ષ ઊભેલી હતી. નેપોલિયન એ પર્વત પાર કરીને સામે કિનારે જવા માટે રસ્તો ગોતી રહ્યો હતો. રસ્તો ગોતતાં ગોતતાં પર્વતની તળેટીમાં આવી પહોંચ્યો. તળેટીમાં એક મકાન દેખાયું. નેપોલિયનને એક આશાનું કિરણ દેખાયું. અહીં પૂછવાથી કંઈક રસ્તો મળશે એ આશામાં મકાનનો દરવાજો ખખડાવ્યો. એક ડોશીમા બહાર આવ્યાં. ડોશીમા નેપોલિયનને ઓળખતાં નહોતાં. પરંતુ અતિથિ સત્કારની ભાવનાથી તેની આગતાસ્વાગતા કરી. નેપોલિયને વાત-વાતમાં આલ્પ્સ પર્વત પાર કરવાનો ઉપાય કે કોઈ જાણકારી માટે વાત કરી. સાંભળીને ડોશીમા બોલી ઊઠ્યાં, ‘મૂર્ખ, તારા જેવા કેટલાય આ અભેદ્ય પહાડને પાર કરવાની માટે રસ્તો ગોતવામાં જીવ ખોઈ બેઠા છે. શા માટે કમોતે મરવા તૈયાર થયો છે ? પાછો ફરી જા.’ નેપોલિયને હસતાં હસતાં કહ્યું, ‘માજી, આપે પર્વત પાર કરવાના રસ્તામાં આવતી મુસીબતો માટે મને ચેતવી દઈને મારો ઇરાદો વધુ મજબૂત કરી દીધો છે. મારો ઉત્સાહ પણ વધારી દીધો છે. હવે હું વધુ સાવચેતી સાથે ચાલાકીથી રસ્તો ગોતવાનું કાર્ય કરીશ અને એક ને એક દિવસ આ આલ્પ્સ પર્વત પાર કરીને જ જંપીશ.’ નેપોલિયનની વાત સાંભળી ડોશીમા વિચારમાં પડી ગયાં. એણે વિચાર્યુ કે જિંદગીના જોખમને આ પ્રકારનો પડકાર આપવાવાળો આ વ્યક્તિ કોઈ અસાધારણ માણસ લાગે છે અને તેણે નેપોલિયનને આશીર્વાદ આપતાં કહ્યું, ‘બેટા, હિંમતવાન અને સાહસિક માટે આ સંસારમાં કોઈ પણ કામ અસંભવ નથી. તું તારી હિંમત અને સાહસથી તારા આ કામમાં જરૂર સફળતા પ્રાપ્ત કરી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.’ પછી નેપોલિયન ત્યાંથી ચાલ્યો ગયો. ડોશીમાની વાત ધ્યાનમાં રાખીને તેણે ખૂબ જ સાવધાની અને હિંમત સાથે આલ્પ્સ પર્વત પાર કરવાનો માર્ગ શોધવા માંડ્યો અને આખરે એક દિવસ પોતાની લગન અને સાહસથી પર્વતને પાર કરવામાં સફળ થયો. જીવનની આખરી ક્ષણો સુધી નેપોલિયન એ ડોશીમાને ન ભૂલ્યો. એણે કહેલ વાક્ય વારંવાર રટતો રહ્યો. હિંમતવાન અને સાહસિક માટે કોઈપણ કામ અસંભવ નથી.