હનુમાનજી વિષે તમે જે જાણવા માંગો છો એ બધુજ!

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

  
 

હનુમાનજી કોણ હતા ?

ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો નિર્ણય કર્યો ત્યારે સ્વર્ગના દેવતાઓ પણ તેમના સહયોગી બનવા માટે અલગ અલગ રૂપે પ્રગટ થયા. કેટલાક રીંછ બન્યા તો કેટલાક વાનર બન્યા. ભગવાન શિવજી રામના અનન્ય ભક્ત હતા. તેમણે પોતાના અગિયારમા રુદ્ર અવતાર સમાન રૂપમાં વાનરકુળના શ્રેષ્ઠ અંજનીમાતાની કૂખે જન્મ લીધો. અતિ બળવાન, બુદ્ધિશાળી પરાક્રમી અને રામભક્ત એવા હનુમાનજીનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે થયો.
રામચરિતમાનસમાં તુલસીદાસે ગાયું છે.
 
મહાવીર બિનવઉ હનુમાના રામ જાસુ જસ આપ બખાના
કનક ભૂધરાકાર સરીરા,સમર ભયંકર અતિબલ બીરા ॥
 
હનુમાનજી શિવજીના ‚દ્રાવતાર તો વાયુદેવતાના ઔરસ પુત્ર અને વાનરરાજ કેસરીના ક્ષેત્રજ પુત્ર કહેવાય છે. તેથી તેમનાં અનેક નામોમાં કેસરીનંદન, પવનસુત, વાયુપુત્ર કે અંજનીસુત પણ કહેવાય છે.
 
બાળપણથી જ હનુમાનજી મહાપરાક્રમી હતા. એકવાર સવારમાં ભૂખ લાગતાં સૂર્યને લાલ રંગનું ફળ સમજીને તેને પકડવા માટે આકાશમાં છલાંગ લગાવી અને સૂર્યને પકડી લીધો. જેનાથી બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ચારેબાજુ અંધકાર છવાઈ ગયો. દેવરાજ ઇન્દ્રે ગુસ્સામાં આવી જઈ તેમના પર વજ્ર નામના હથિયારનો ઘા કર્યો. જેથી તેમની દાઢી એટલે ‘હનુ’ વાંકી થઈ ગઈ. આ ઉપરથી તેમનું નામ હનુમાન પડ્યું. તેઓ બેભાન થઈને પૃથ્વી પર આવીને પડ્યા. આ જોઈને તેમના પિતા વાયુદેવ ક્રોધે ભરાયા. તેમણે બ્રહ્માંડમાંથી પોતાનું વાયુસ્વરૂપ પાછું ખેંચી લીધું, જેથી દુનિયામાં પ્રલયની સ્થિતિ નિર્માણ થઈ. લોકો વાયુ વિના તરફડવા લાગ્યા. વાયુવેદને રીઝવવા માટે બ્રહ્માજી વગેરે દેવોએ ભેગા મળી વિનંતી કરી. બ્રહ્માજીની વિનંતી સ્વીકારી વાયુદેવે પોતાનો પ્રક્ષેપ પાછો ખેંચ્યો. બધા દેવોએ હનુમાનજીને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું.
 

 
 
એ પછી સૂર્યદેવતાને પોતાના ગુરુ માની હનુમાનજીએ પોતાનો વિદ્યાભ્યાસ કર્યો અને બધી વિદ્યાઓમાં પારંગત બન્યા. હનુમાનજીના માતા અંજનીદેવી ભગવાનના પરમ ભક્ત હતાં. દિવસમાં ભગવાનની પૂજા કર્યા પછી અને રાત્રે સૂતાં પહેલાં તે બાળ હનુમાનજીને પુરાણો અને મહાપુરુષોની કથાઓ સંભળાવતાં. રામકથા સાંભળતાં હનુમાનજી ભાવવિભોર થઈ જતા. તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગતી. ભગવાન રામનું ધ્યાન કરવા તે જંગલમાં, પર્વતોની ગુફાઓમાં અને નદીકિનારે પહોંચી જતા. ત્યારે માતા અંજની તેમને શોધવા પાછળ પાછળ દોડતાં.
 
હનુમાનજી મોટા થઈ વાનરરાજ સુગ્રીવને મદદ કરવા ગયા. ત્યારે તેઓ બ્રાહ્મણનું રૂપ ધરીને રામને મળવા ગયા હતા. વનવાસમાં રહેલા ભગવાન રામને તેઓ ઓળખી જઈ તેમના ભક્ત બની ગયા હતા.
 
રાવણ સાધુના વેશમાં સીતાજીનું અપહરણ કરી લંકામાં લઈ ગયો ત્યારે આખી વાનરસેના મૂંઝાઈ ગઈ હતી. લંકામાં જઈ સીતાજીની શોધ મેળવવી કપરી હતી. વયોવૃદ્ધ જાંબુવતે હનુમાનજીની શક્તિઓની પ્રશંસા કરી ત્યારે તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, જેનું વર્ણન કરતાં વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે, જેવી રીતે પર્વતની હારમાળાઓ વચ્ચે ગિરિકંદરાઓમાં સિંહ આળસ મરડીને ગર્જના કરે છે તેવી રીતે વાયુદેવના પુત્રે શરીરનું વિરાટ રૂપ ધારણ કર્યું. બધા વાનરોની વચ્ચેથી ઊભા થઈ પ્રણામ કરતાં કહ્યું, પૂર્વાંચલમાં પ્રગટતા સૂર્યને હું સૂર્યાસ્ત પહેલાં સ્પર્શ કરીને ત્યાંથી પાછો આવી શકું છું. સમુદ્રને ઓળંગતી વખતે મારું એ જ રૂપ પ્રગટ થશે. જેમ ત્રણ ડગલામાંથી પૃથ્વીને માપતાં ભગવાન વામને વિરાટરૂપ ધારણ કર્યું હતું તેમ હું સમગ્ર લંકાને જડમૂળમાંથી ઉખાડીને મારી હથેળીમાં અહીં લાવી શકું એમ છું.
 
પરાક્રમ, ઉત્સાહ, બુદ્ધિ, પ્રતાપ, સુશીલતા, મધુરતા, નીતિવિવેક, ચાતુર્ય, ગંભીરતા અને ધીરજ જેવા ગુણોને લીધે તે રામના પ્રિય ભક્ત બની ગયા.
 
તેમના આ ગુણોને લીધે જ ભગવાન રામે તેમને અનંત સમય સુધી ધર્મ અને ભક્તોના રક્ષણ માટે પૃથ્વી પર રોકાવાનું કહ્યું અને આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી દુનિયામાં મારી રામકથા ચાલશે ત્યાં સુધી તમારે ત્યાં ઉપસ્થિત રહેવું પડશે ને આજે ભગવાન રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી સૂક્ષ્મરૂપે અચૂક હાજર રહે છે.