તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો

14 Dec 2018 12:41:13

 
 

પંચદર્શનને પામે એ પંચેન્દ્રિયને પરાજિત કરી શકે

એકવાર એક રાજા બે પક્ષી લઈ આવ્યા. બંનેને તાલીમ આપી. એક પક્ષી આકાશમાં ઊડવાની બધી કરતબો શીખી ગયું. બીજું કંઈ શીખ્યું જ નહીં. એ માત્ર ડાળી પર બેસી રહેતું હતું. અનેક નિષ્ણાતોને બોલાવ્યા પણ કંઈ પરિણામ આવ્યું નહીં. એક અભણ માણસે આવીને રાજાને કહ્યું કે ‘હું આ પક્ષીને તાલીમ આપીશ.’
 
‘ભલભલા નિષ્ણાત થાકી ગયા. રહેવા દે. આ તારું ગજું નહીં.’ રાજાએ કહ્યું.
 
એ માણસે ખૂબ આગ્રહ કર્યો એટલે રાજાએ એને એક તક આપી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે એ પક્ષી માત્ર બે જ દિવસમાં કરતબો કરતાં શીખી ગયું. રાજાએ કારણ પૂછ્યું તો એણે કહ્યું કે ‘મેં જે ડાળ પર પક્ષી બેસી રહેતું હતું એ ડાળ જ સૌપ્રથમ કાપી નાખી.’
રાજાએ એને સોનામહોર ભેટ આપી પણ એણે તે ન સ્વીકારી. અભણ માણસે કહ્યું કે મને ભેટ આપવી જ હોય તો એવી ભેટ આપો કે રાજ્યમાં કોઈ નવો વિચાર લઈને આવે તો એને તક આપવી.
 
આજે કોઈ પણ ક્ષેત્રમાં નવોદિતને પ્રતિભાવાન હોવા છતાં ઓછી તક આપવામાં આવે છે. પણ દરેકનું ક્યારેક તો પહેલું પગથિયું હોય છે જ. માણસે એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. તો જ એનો વિકાસ શક્ય બને. ઘરની મમત છોડે એને જ વિશ્ર્વની વિશાળતા સાથે ભેટો થાય છે. સાહસ વગર સિદ્ધિ નથી. સ્પેન્સર જોન્સનના જાણીતા પુસ્તક Who Moved My Cheeseમાં ‘ચીઝ’ તો એક પ્રતીક છે, જે આપણી ગમતીલી ચીજ છે. જે છીનવાઈ જાય તો આપણે ઘેલા અને ઘાંઘા થઈ જઈએ છીએ. જે વિચલિત નથી થતો એ જ આગળ વધી શકે છે.
 
રામ વિચલિત થયા હોત તો એ દશાનનને હરાવી ન શક્યા હોત. દરેક માણસના પાંચ મિત્રો હોય છે. એ પંચેન્દ્રિય... જેણે આ પાંચ પર વિજય મેળવ્યો એ સ્વયં સમ્રાટ છે. આમ પણ આપણા શાસ્ત્રમાં પાંચનું મૂલ્ય સવિશેષ છે. રામાયણના પંચમ સોપાન સુંદરકાંડમાં પંચદર્શન છે. રામકથા એ કોઈ ધાર્મિક વ્યાખ્યાન નથી. સાધુસંગત ધરમશાળા નથી પણ પ્રયોગશાળા છે. આ પંચમ પ્રયોગશાળામાં હનુમાનજીનું લંકદર્શન છે. હનુમાનજી પાસે દૃષ્ટિ છે. આંખ માત્ર જોવાનું કામ કરે છે. દૃષ્ટિ નીરખવાનું કામ કરે છે. બીજું દર્શન હનુમાનજીની દૃષ્ટિથી અશોકવાટિકામાં સીતાદર્શન. ગોસ્વામીજીએ હનુમાન-સીતાના મેળાપનું અદ્ભુત વર્ણન કર્યું છે.
 
स्याम सरोज दाम सम सुन्दर | प्रभु भुज करि कर सम दसकंधर ॥
तब देखी मुद्रिका मनोहर | राम नाम अंकित अति सुन्दर ॥
 
હનુમાનજીનું ત્રીજું દર્શન એ દશાનનદર્શન છે. જો દૃષ્ટિકોણ હોય તો રાવણ પણ દર્શનનો વિષય બની શકે છે. ગોસ્વામીજી લખે છે કે ‘સૂનું રાવન બ્રહ્માંડ નિકાયા. પાઇ જાસુ બલ બિરચિત માયા.’ રાવણમાં અનેક દુર્ગુણ હોવા છતાં એની અમાપ શક્તિને અવગણી શકાય નહીં. રાવણમાં કેટલીક સારી બાબતો પણ હતી. કૃષ્ણમૂર્તિનું એક વાક્ય બહુ સુંદર છે. ‘ન કોઈ પાપ છે, ન પુણ્ય છે. છે તો કેવળ અજ્ઞાન છે અને પુણ્ય છે તો અહીં કેવળ જ્ઞાન છે.’ શંકરાચાર્યએ કહ્યું છે કે ‘न पुण्यं न पापं न सौख्यं न दुखं, न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः’ ચતુર્થ દર્શન વિભીષણનું રામદર્શન છે. જ્યારે વિભીષણ રામના શરણમાં આવ્યો અને એણે રામનું જે દર્શન કર્યું એ અલૌકિક સંગમ હતો. પાંચમું દર્શન સમુદ્રની દૃષ્ટિએ ભગવાન રામનું દર્શન હતું. તલગાજરડી વ્યાસપીઠ કહે છે કે ‘આ પાંચ દર્શનને પામશે એ પંચેન્દ્રિયને પરાજિત કરી શકે છે. શાસ્ત્રોમાં જે ષડ્દર્શનની ચર્ચા છે એ બહુ જ કઠિન અને જટિલ છે. હું એને સરળ રીતે કહેવાનો પ્રયત્ન કરું છું. પારસ જયપુરીનો શેર યાદ આવી જાય છે.’
 
उलझनो में खुद उलझकर रह गए वो बदनसीब,
जो तेरी उलझी हुई जुल्फों को सुल्झाने गए |
 
મારે અને તમારે જીવનમાં પ્રતિપળ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ માટે પંચદર્શન મોટો સધિયારો છે. તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો.
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી
hardwargoswami@gmail.com 
Powered By Sangraha 9.0