777888999 નમસ્કાર તમારો ફોન બ્લાસ્ટ થવાનો છે? શું સાચે જ? શું આ નંબર કિલર છે?જાણો હકિકત...

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૮

સોશિયલ મીડિયા પર એક મેસેજ વારંવાર વાઈરલ થઈ રહ્યો છે. મેસેજ એવો છે કે ૭૭૭૮૮૮૯૯૯ નંબરથી જો તમને ફોન આવે તો તેને ઉપાડતા નહિ, ઉપાડશો તો ફોનમાં બ્લાસ્ટ થશે.
આ સંદેશ તમારા વોટસ એપ પર પણ કોઇએ કર્યો જ હશે. મોટા ભાગના લોકો તેને સાચુ માનીને આ સંદેશ આગળ શેર પણ કરે છે. આ સંદેશને શેર કરી કરી એટલા લોકો સુધી આપણે પહોંચાડી દીધો છે કે એક મોટો વર્ગ એવો છે જે સાચુ માની ગયો છે કે આ સંદેશ સાચો છે.
શું આ નંબર કિલર છે?
 
આમા થોડો ભાગ આપણા મીડિયાએ પણ ભજવ્યો છે. મીડિયાએ આ નંબરને ખોટો જ ઠેરવ્યો છે પણ ટીઆરપી મેળવવાના ચક્કરમાં એની રજૂઆત જ એવી કરે છે કે, અસલી વાત લોકો સુધી પહોંચતી જ નથી. જેમ કે સનસની ફેલાવવા આ નંબર પર સ્ટોરી બની. જો આ સ્ટોરી ૧૦ મિનિટની હોય તો ૯ મિનિટ મીડિયા શું બતાવે છે?
સાવધાન…
૭૭૭૮૮૯૮૯૯૯ આ નંબરથી તમારા મોબાઇલમાં આવી શકે છે કોલ…
જો આ નંબરથી કોલ આવે તો તેને ઉપાડતા પહેલા વિચાજો…
શું આ નંબર કિલર છે?
શું આ નંબરથી કોલ આવવાથી મોબાઈલમાં બ્લસ્ટ થાય છે?
પ્રોગ્રામની શરૂઆતમાં આવા તો અનેક સનસની ખેજ પ્રશ્નનો મારો ચાલાવામા આવે છે. એટલે જે શરૂઆતમાં થોડી મિનિટ જોવે તેને તો એવું જ લાગે કે આ શક્ય છે, હવે તો ન્યુઝ ચેનલમાં પણ આવી ગયુ છે. પણ પ્રોગ્રામના અંતમાં એક લીટીમાં કહી દેવામાં આવે છે કે આ શક્ય નથી. આ તો ફેક સંદેશ છે. હવે તમે આખા કાર્યક્રમમામ ઉદાહરણ સાથે ફોટાઓ બતાવી બતાવી જે રજૂઆત કરી તેનું શું? લોકો તો સાચું જ માનવાના!
 

 
ક્યા છે આપણી સમજશક્તિ?
આપણે પોતાને દુનિયાના સમજુ માણસો કહીએ છીએ. આપણા વિજ્ઞાનીઓ અને ઇસરોની સિદ્ધીની દુનિયામાં નોંધ લેવાઈ રહી છે. આપણા હોંશિયાર યુવાનોની માંગ દુનિયામાં વધી રહી છે ત્યારે આવા પ્રકારના સંદેશ પર આપણે વિશ્વાસ કરી લઈએ એ કેટલું યોગ્ય? આવા સંદેશા વાંચીને ક્યાં જાય છે આપણી સમજદારી? આપણને કોઇ આવો સંદેશો મોકલે એટલે આપણે સમજયા વિના આપણા પરિચિત અને કુંટુંબીજનોને રીતસર આ ઘાતક કોલથી બાચાવવાના અભિયાનમાં જોડાઇ જઈએ છીએ અને ફટાફત આ સંદેશને શેર કરી દઈએ છીએ.
અરે ભાઈ થોડું તો વિચારો? શું આવું શક્ય બને? કોઈ દૂરથી આપણને ફોન કરે અને આપણા મોબાઈલમાં બ્લાસ્ટ કરાવી શકે? જો આવી ટેકનીક વિકાસ પામી હોય તો આતંકવાદીઓને કઈ કરવાનું જ ન રહે. બસ જેને મારવો હોય તેનો નંબર મેળવો અને તેને કોલ કરી ઉડાવી દો, કામ પૂરૂં. ઓબામા, ટ્રમ્પ, નરેન્દ્ર મોદીને એક કોલ કરીને ઉડાવી શકાય. આ બધા મોબાઇલનો ઉપયોગ કરે છે. જો આવું હોય તો દુનિયાની કોઇ સેલિબ્રીટી જીવિત ન રહે. કેમ કે જો પસિદ્ધ લોકોના મોબાઇલમાં બ્લાસ્ટ કરે તો મિડીયામાં પણ ઝડપથી આવે. પણ આવું કોઇ પણ પ્રસિધ્ધ વ્યક્તિ સાથે બન્યુ? નથી બન્યુ. અને બનશે પણ નહિ કરણ કે આ તો લોકોને ડરાવવા માટેનું એક નાટક છે. અને સોશિયલ મિડીયા પર આવા ફેક નાટકો વઈરલ થતા રહે છે.
તમે એક બીજો મેસેજ પણ મળ્યો જ હશે. યુનેસ્કો દ્વારા આપણા રાષ્ટ્રીય ગીતને દુનિયાનું બેસ્ટ નેશનલ એન્થમ જાહેર કરવામાં આવ્યું છે. ભાઈ આપણા માટે તો ગૌરવની વાત છે. એટલે આપણે તો તેને આગળ વધારવાના જ ને! પણ જરા વિચારો યુનેસ્કો કેમ આવું કરે? આવું તો તેણે પહેલા ક્યારેય કર્યુ જ નથી! પણ જે દેશમાં ૪૩ કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતા હોય ત્યાં આવી ખોટી વાત આ લોકો સુધી પહોંચાડતા કેટલી વાર લાગે? આપણે જ વિચાર્યા વગર આવા ફેક સંદેશ વાઈરલ કરનારા લોકોનું હથિયાર બનીએ છીએ.
 

 
હવે વાત ૭૭૭૮૮૮૯૯૯ નંબરની…
#આ નંબર તમે આખો જોયો? જોયો હોય તો ખબર પડી જ જાય કે આ તો નવ આકંડાનો જ નંબર છે. જે ભારતમાં હોય શકે નહિ. હા વિદેશમાં નવ નંબર હોય છે પણ એમાય જો વિદેશથી આ કોલ આવતો હોય તો તે દેશનો કોડ પણ આગળ લાગે. એટલે પહેલા તો આ નંબરથી ફોન લાગવો જ શક્ય નથી.
#આ નંબરથી કોઇને ફોન આવ્યો હોય અને તેનો મોબાઈલ બ્લાસ્ટ થયો હોય તેવો એક પણ કેશ નોંધાયો નથી.
# આ પહેલા પણ આવી ફોન સંદર્ભની અફવાઓ સામે આવી હતી. જેમાં કહેવાયું હતું કે 09141 નંબરથી શરૂ થતો ફોન આવે તો ઉપાદવો નહિ. કેમ કે તેમાથી એવા કિરણો નીકળે છે આપણા મગજને નુકશાન પહોંચાડે છે.
# મહત્વની વાત એ છે કે આ ખોટા સંદેશા નીચે અમુક ન્યુઝ ચેનલનું નામ પણ લખ્યું હોય અને કહેવામાં આવ્યું હોય કે આ ન્યુઝ ચેનલ જોઇ લો આ તેનો જ રીપોર્ટ છે. એ ચેનલ તો આની ખબર પણ ન હોય!
 
અને છેલ્લે..
 
આવા ફેક સંદેશથી ડરવાની નહિ તેને સમજવાની જરૂર છે. કોઇ પણ ફાલતું, નવરો માણસ આવા સંદેશા બનાવીને વાઈરલ કરી આપણો સમય બગાડી આપણને ડરાવી જાય છે અને આપણે જ તેને વાઇરલ કરી તેનું હથિયાર બનીએ છીએ. એટલે કોઇ પણ મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા થોડું વિચારો…