જાણો ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો સાચો ક્રમ અને તેની સાથે જોડાયેલી વાતો, બાર જ્યોતિર્લિંગોની કથા....

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
જ્યોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે. આ બાર સ્થળોને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લિંગનાં નામ છે - સોમનાથ, નાગેશ્ર્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્ર્વર, કેદારનાથ, વિશ્ર્વનાથ, ત્ર્યંબકેશ્ર્વર, ધૃષ્ણેશ્ર્વર, રામેશ્ર્વર અને વૈદ્યનાથ. તા. 12મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પાવન પ્રસંગ છે એ નિમિત્તે પ્રસ્તુત છે બાર જ્યોતિર્લિંગોની કથા....
 
@#1 સોમનાથ
 
સૌરાષ્ટ્ર (ગુજરાત)માં આવેલું આ સૌથી જૂનું અને મહત્ત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આ તે સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશાં વિનાશકર્તાથી વધુ હોય છે.
 
દર્શનમહાત્મ્ય
 
પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થળે શિવજીએ ચંદ્રદેવ અથવા સોમરાજાના ક્ષયરોગનું નિવારણ કર્યું હતુ. આમ, સોમનાથનું પૂજન કરવાથી ક્ષયરોગ (ટીબી) તથા તેને સંબંધિત રોગોનું નિવારણ થાય છે.
 
મુખ્ય શહેરોથી અંતર :
અમદાવાદથી સોમનાથ 458 કિ.મી., મુંબઈથી 995 કિ.મી., દિલ્હીથી 1365 કિ.મી.
આસપાસનાં જોવાલાયક સ્થળો : સોમનાથથી ચોરવાડ 30 કિ.મી., કેશોદ 40 કિ.મી., સાસણગીર 45 કિ.મી., જૂનાગઢ 90 કિ.મી., દીવ 95 કિ.મી., પોરબંદર 130 કિ.મી., હરસિદ્ધિ માતા 116 કિ.મી. અને દ્વારકા 225 કિ.મી.ના અંતરે છે.
 
@#2 નાગેશ્ર્વર
 
દ્વારકામાં આવેલા આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથા પણ ખૂબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રિયને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રિયએ પોતાની રક્ષા માટે ૐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેણે જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શિખવાડી દીધું હતું. તે બધાનો ભક્તિભાવથી પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.
 
દર્શનમહાત્મ્ય
 
હરિદ્વાર સ્વરૂપ એવા શ્રી નાગેશ્ર્વરનાં દર્શન ઇચ્છાપૂર્તિ માટે ફળદાયી છે.
મુખ્ય શહેરથી અંતર :
અમદાવાદથી દ્વારકાનું અંતર રેલવે માર્ગે 471 કિ.મી. અને સડકમાર્ગે 457 કિ.મી., છે. સોમનાથથી દ્વારકા 230 કિ.મી., રાજકોટથી 232 કિ.મી. અને જામનગરથી 144 કિ.મી. છે.
 
@#3 મહાકાલેશ્ર્વર
 
ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે. તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્ત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લિંગના સાચા મનથી દર્શન કરનારને કદાપિ મૃત્યુ કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગ દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. એક કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.
 
અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. પોતાનો સંપૂર્ણ સમય શિવભક્તિમાં પસાર કરતા હતા. એક વખત પડોશના રાજાએ અવંતિ-ઉજ્જૈન પર હુમલો કરી દીધો. વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો, ત્યારે હુમલાખોર રાજાએ એક રાક્ષસ દુ:શનની મદદ લીધી. તેને અદ્શ્ય થવાનું વરદાન મળેલું હતું. દુ:શને અવંતિકામાં ખૂબ જ આતંક મચાવ્યો. આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા ત્યારે ભગવાન શિવ સાક્ષાત્ પ્રગટ થયા અને અવંતિકાની પ્રજાની રક્ષા કરી. ત્યાર પછી રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં વસવા અને નગરીના પ્રમુખ બનવાની વિનંતી કરી. રાજાની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે.
 
દર્શનમહાત્મ્ય
કાળના પણ કાળ એવા શિવજી મહાકાળરૂપે આ સ્થળે વસે છે. મહાકાળેશ્ર્વરનાં દર્શનથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને પરિવાર સુરક્ષિત રહે છે. શ્રી હરિસિદ્ધિ માતાજી આ સ્થળે નિવાસ કરે છે અને એટલે જ આ સ્થળ શક્તિપીઠ પણ છે. મહાકાલેશ્ર્વરનો ભસ્માભિષેક પ્રસિદ્ધ છે.
 
મુખ્ય શહેરથી અંતર :
અમદાવાદથી રેલમાર્ગે ઉજ્જૈનનું અંતર અંદાજે 455 કિ.મી.નું છે. ઉજ્જૈનથી ભોપાલ 183 કિ.મી. અને ગ્વાલિયર 459 કિ.મી. છે.
 
@#4 મલ્લિકાર્જુન
 
આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન છે. પાંડવોએ ‘પંચ પાંડવ’ લિંગની સ્થાપ્ના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.
 
દર્શનમહાત્મ્ય
 
શ્રી મલ્લિકાર્જુનનાં દર્શનથી માત્ર સંપત્તિ જ નહિ, માનવીની ઇચ્છાઓની પણ પૂર્તિ થાય છે. પુત્રપ્રાપ્તિ માટે મલ્લિકાર્જુનના દર્શનનો વિશેષ મહિમા છે. આ સ્થળ શક્તિપીઠ પણ છે.
 
મુખ્ય શહેરથી અંતર :
સડક માર્ગે હૈદરાબાદથી 222 કિ.મી. અને બેંગલોરથી 510 કિ.મી.નું છે.
 

 
 
@#5 ભીમશંકર
 
મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રિ અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો.
 
દર્શનમહાત્મ્ય
 
નીરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમશંકરનાં દર્શનથી મળે છે.
મુખ્ય શહેરથી અંતર : પુણેથી કુલ 125 કિ.મી. છે.
 
@#6 ઓમકારેશ્ર્વર
 
મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્ર્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવનાં બે મંદિરો છે - ઓમકારેશ્ર્વર અને અમલેશ્ર્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું. ઓમકારેશ્ર્વરની ખાસિયત એ છે કે અહીંંનો પર્વત ૐના આકારનો દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ૐના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્ર્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્ર્વરની એક ગુફામાં રહેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્ર્વરમાં વિંધ્યાચલે પણ તપસ્યા કરી હતી.
 
દર્શનમહાત્મ્ય
 
આ સ્થળે શિવજી ઉપરાંત બ્રા અને વિષ્ણુનો પણ વાસ છે. ઓમકારેશ્ર્વરનાં દર્શન સર્વથા સુખ અને આનંદ આપ્નારાં છે.
મુખ્ય શહેરોથી અંતર :
ઇન્દોર અને ઓમકારેશ્ર્વર વચ્ચેનું અંતર અંદાજે 90 કિ.મી.નું છે. અમદાવાદથી ઇન્દોર વચ્ચેનું રેલવે માર્ગે અંતર 537 કિ.મી. છે.
 
@#7 કાશી વિશ્ર્વનાથ
 
વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્ર્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર છેલ્લાં એક હજાર વર્ષોથી અહીંયાં આવેલું છે. કાશી વિશ્ર્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્ત્વ છે. એક વખત વિશ્ર્વનાથનાં દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીં દર્શન કરવા માટે આવવા ઈચ્છે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.
 
દર્શનમહાત્મ્ય
 
શ્રી કાશી વિશ્ર્વનાથનાં દર્શન પાપ-તાપથી છુટકારો આપે છે. ભક્તિ અને મુક્તિ માટે પણ આ સ્થળનો વિશેષ મહિમા છે.
મુખ્ય શહેરોથી અંતર : સડક માર્ગે વારાણસીથી અલાહાબાદ 125 કિ.મી., લખનૌ 281 કિ.મી., દિલ્હી 809 કિ.મી. છે. રેલવે માર્ગે અમદાવાદથી વારાણસીનું અંતર 1540 કિ.મી.નું છે.
 
@#8 ત્ર્યંબકેશ્ર્વર
 
નાસિક (મહારાષ્ટ્ર)માં આવેલ ત્ર્યંબકેશ્ર્વર જ્યોતિર્લિંગમાં બ્રા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે એ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધાં જ જ્યોતિર્લિંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદીના કિનારે આવેલ ત્ર્યંબકેશ્ર્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે, જેને ભક્તો અલગ અલગ માનતાઓ પૂરી કરવા માટે કરાવે છે.
 
દર્શનમહાત્મ્ય
 
ત્રિગુણાત્મક (અવધૂત) ગુણો ધરાવતા આ જ્યોતિર્લિંગમાં બ્રા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોનો વાસ છે. પાપ્નાશક જ્યોતિર્લિંગ તરીકે ત્ર્યંબકેશ્ર્વરનો મહિમા છે.
 
મુખ્ય શહેરથી અંતર :
અમદાવાદથી સુરતનું અંતર 220 કિ.મી., સુરતથી સાપુતારાનું અંતર 200 કિ.મી., સાપુતારાથી નાસિકનું અંતર 77 કિ.મી. અને નાસિકથી ત્ર્યંબકેશ્ર્વર વચ્ચેનું અંતર 28 કિ.મી. છે.
 

 
 
@#9 રામેશ્ર્વરમ
 
તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્ર્વર હિન્દુ ધર્મનાં મહત્ત્વનાં તીર્થસ્થળોમાંનું એક છે.
 
દર્શનમહાત્મ્ય
 
નારાયણના સ્વરૂપ એવા શ્રીરામ અને શિવજીનો વસવાટ આ તીર્થમાં છે. શ્રી રામેશ્ર્વરમનાં દર્શનથી યશ અને વિજયપ્રાપ્તિનું ફળ મળે છે.
 
મુખ્ય શહેરોથી અંતર :
રામેશ્ર્વરમથી ચેન્નઈનું અંતર 556 કિ.મી., ત્રિચીથી 248 કિ.મી. અને મદુરાઈથી 174 કિ.મી. છે. રામેશ્ર્વરમ્ અને કન્યાકુમારી વચ્ચેનું અંતર 320 કિ.મી. છે.
 
@#10 ધૃષ્ણેશ્ર્વર
 
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો એને ધૃશ્મેશ્ર્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.
 
દર્શનમહાત્મ્ય
 
પુત્રવિયોગને દૂર કરતા શ્રી ધૃષ્ણેશ્ર્વર જ્યોતિર્લિંગનાં દર્શનથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન ફળદાયક છે.
 
મુખ્ય શહેરથી અંતર :
ઇલોરા ગામથી મુંબઈનું અંતર 365 કિ.મી., પુણે 254 કિ.મી. છે. નાગપુર 550 કિ.મી., શ્રી ભીમા શંકર 300 કિ.મી., ઔઢા 200 કિ.મી., પરલી 225 કિ.મી., પંઢરપુર 310 કિ.મી., અજન્ટા ગુફાઓ 106 કિ.મી., નાંદેડ 350 કિ.મી., સુરત 365 કિ.મી., શિરડી 120 કિ.મી. અને શનિ શિંગણાપુર 140 કિ.મી.ના અંતરે છે.
 
@#11 વૈજનાથ
 
આ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો એને બૈધનાથ પણ કહે છે. દેવધર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે એને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિદ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.
 
દર્શનમહાત્મ્ય
શિવ અને શક્તિના સુભગ સમન્વયયુક્ત આ સ્થળ પણ રોગમુક્તિ, અપમૃત્યુથી રક્ષણ આપ્નારું છે. સ્ત્રીઓને અહીં અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું ફળ પણ મળે છે.
મુખ્ય શહેરથી અંતર :
દિલ્હી-જશદીહ રેલવે રૂટ 1220 કિ.મી, જશદીહથી ભાગલપુર 140 કિ.મી., રાજ્યનું પાટનગર રાંચી 268 કિ.મી., દેવઘરથી કોલકતાનું અંતર 373 કિ.મી. અને પટના 281 કિ.મી. છે.
 
@#12 કેદારનાથ
 
ઉત્તરાખંડમાં હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથનેબાર જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે ચારધામ યાત્રામાં તેનો સમાવેશ થાય છે. અહીં પ્રતિકૂળ આબોહવાને કારણે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું.
 
દર્શનમહાત્મ્ય
 
શિવજીએ આ સ્થળે પશુસ્વરૂપ લીધું હતું. શ્રી કેદારનાથનાં દર્શનથી મૃત્યુ પછી પશુયોનિમાં જન્મ લેવામાંથી મુક્તિ મળે છે.
મુખ્ય શહેરથી અંતર : રેલવે માર્ગે અમદાવાદ-હરિદ્વાર 1217 કિ.મી., સડક માર્ગે ઋષિકેશથી ગૌરીકુંડ 223 કિ.મી., ઋષિકેશથી દેવપ્રયાગ 70 કિ.મી., શ્રીનગર 101 કિ.મી., રુદ્રપ્રયાગ 139 કિ.મી. અને ગુપ્તકાશી 181 કિ.મી. છે. કેદારનાથથી બદરીનાથ જવા માટે ઉખીમઠ થઈને જાવ તો 229 કિ.મી. અને પરંપરાગત મોટરમાર્ગે વાયા રુદ્રપ્રયાગ થઈને જાવ તો 247 કિ.મી. છે.