૧૩ ફેબ્રુઆરી - વિશ્ર્વ રેડિયો દિવસ - ભાઈઓ ઔર બહેનો, મૈં ફિર આપસે મુખાતિબ હૂઁ...

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્ર્વ રેડિયો દિવસ’મનાવવામાં આવે છે. સેટેલાઇટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એએમ રેડિયોના ‚રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ માધ્યમ બની ગયું છે, ત્યારે આવો, આ રેડિયો દિવસે તેના રોચક ઇતિહાસ પર એક નજર ફેરવીએ....
 
રેડિયો અને તેની અત્યાર સુધીની સફર પર થોડીવાર આંખો બંધ કરીને વિચારો... "મૈં અમીન સાયાની.... ફિર મુખાતિબ હૂઁ આપસે....થી લઈને "ગુડ મોર્નિંગ ઇન્ડિયા... કહેતા આજના યુવાન રેડિયો જોકી, ગીતમાલાનો એ કાર્યક્રમ, ગીતો સાંભળવા માટે પત્ર લખી ફરમાઈશ કરતા ઝુમરીતલૈયા અને રાજનંદ ગામના લોકો, હાથમાં મોટું રિસીવર/ રેડિયો લઈને ફરતા ગામડાના લોકો અને મોબાઈલમાં એફ.એમ. રેડિયો સાંભળતા આજના લોકો સુધીનો એક આખો સમય તમને યાદ આવી જશે !
 
રેડિયોની સાચી માહિતી, તેના રોચક અને રોમાંચકારી કિસ્સા સાંભળવા હોય તો ઘરના સૌથી મોટી ઉંમરના વડીલ પાસે જવું પડે. તે વખતે રેડિયો સાંભળવાનો એક રોમાંચ હતો. હિન્દી ગીતો અને ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવા લોકો ટોળે વળતા. રેડિયો શરૂઆતમાં ધનિકોનું પ્રતીક હતું, પણ સમય જતાં રેડિયો સામાન્ય જનતાનું મનોરંજનનું માધ્યમ બન્યું. લોકો મન ભરીને રેડિયો સાંભળતા. વર્ષ ૧૯૪૦થી ૧૯૭૦માં જે જૂનાં ગીતો રેડિયો પર પ્રસારિત થયાં તે બધાં આજે અમર ગીતોની યાદીમાં આવે છે. ૬૦થી ૭૦ના દાયકામાં ‘બિનાકા ગીતમાલા’ કાર્યક્રમ રેડિયો પર ખૂબ લોકપ્રિય થયો. આ કાર્યક્રમને સાંભળવા દર બુધવારની રાત્રે આઠ વાગે જ્યાં જ્યાં રેડિયો હોય ત્યાં, પાનની દુકાને, હોટલ પર, ચોકમાં રીતસર ભીડ ભેગી થઈ જતી. જે દુકાન કે હોટલમાં રેડિયો હોય ત્યાં ખૂબ ભીડ રહેતી જેનો ફાયદો તેના માલિકને થતો. આ કાર્યક્રમના સંચાલક હતા અમીન સયાની...તેમણે રેડિયો સંચાલનની એક નવી શૈલી આપી જે આજે પણ ખૂબ પ્રચલિત છે.
 

 
 
વિશ્ર્વ રેડિયો દિવસ
 
વર્ષ ૨૦૧૨થી ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્ર્વ રેડિયો દિવસ દર વર્ષે મનાવાય છે. શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદ્ભુત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ વિશ્ર્વ રેડિયો દિવસ ઊજવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ ૧૯૪૬માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શ‚આત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.
 
‘રેડિયો’નો રોચક ઇતિહાસ
 
૨૪ ડિસેમ્બર ૧૯૦૬ની એક સુંવાળી સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા.... દુનિયામાં રેડિયો પ્રસારણની આ શ‚આત મનાય છે. ત્યાર બાદ રેગિનાલ્ડે એક ગીત પણ ગાયું હતું.
જો કે આ પહેલાં, વર્ષ ૧૯૦૦માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લૅન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શ‚આત માર્કોનીએ કરી હતી. પણ એક કરતાં વધારે વ્યક્તિઓ સુધી સંદેશ મોકલવાની શ‚આત તો ૧૯૦૬માં રેગિનાલ્ડે જ કરી હતી. માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શ‚ થઈ ગયા. શ‚આતમાં રેડિયોનો પ્રયોગ માત્ર નૌસેના પૂરતો જ સીમિત હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૧૧ સુધી સૈનિક સિવાય કોઈ પણ સામાન્ય વ્યક્તિ રેડિયો રાખી શકતો ન હતો. સામાન્ય વ્યક્તિ રેડિયોનો કોઈ પ્રયોગ પણ કરી શકતો ન હતો. તેના પર એક રીતે પ્રતિબંધ મુકાયો હતો.
 
જ્યારે રેડિયો રાખવા લાઇસન્સ લેવું પડતું
 
એક સમય હતો જ્યારે ઘરની ઘડિયાળ પણ રેડિયોના સમય પ્રમાણે મેળવવામાં આવતી હતી. લગભગ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે જૂના જમાનામાં સાયકલ ચલાવવા પણ લાઇસન્સ મેળવવું પડતું હતું તેમ રેડિયો રાખવા પણ લાયસન્સ મેળવવું પડતું હતું. લાયસન્સ ‚પે પાસબૂક જેવી એક પુસ્તિકા અપાતી, જેના માટે અમુક ‚પિયા પણ ભરવા પડતા જે ખાસ પ્રકારની ડાક ટિકિટ ‚પે ભરવા પડતા. જે ટિકિટો પર રેડિયો ‘લાયસન્સ ફિસ’ લખેલું રહેતું (જુઓ ફોટો...) આ ટિકિટ પર ૧૯૬૦થી લઈને ૧૯૮૦નું વર્ષ લખેલું છે. આ ૧ ‚પિયાથી લઈને ૫૦ ‚પિયા સુધીની ટિકિટ છે. આ ટિકિટ અને લાઇસન્સ પરથી પણ રેડિયોની તે સમયની દિવાનગી સમજી શકાય તેમ છે.
 

 
 
દુનિયાનું પહેલું રેડિયો સ્ટેશન
 
૧૯૧૮માં લી ધી ફોરેસ્ટે ન્યૂયોર્કના હાઈબ્રિજ વિસ્તારમાં દુનિયાનું પહેલું રેડિયો સ્ટેશન સ્થાપ્યું. પણ રેડિયો અને તેના પ્રયોગ પર પ્રતિબંધ હોવાથી પોલીસે તરત જ રેડિયો સ્ટેશનને બંધ કરાવી દીધું. પરંતુ તેના એક વર્ષ પછી જ એટલે કે ૧૯૧૯માં લી ધી ફોરેસ્ટે સાનફ્રાન્સિસ્કોમાં એક બીજું સ્ટેશન ખોલી દીધું, જે છૂપી રીતે ચાલુ રહ્યું. આ દરમિયાન નવેમ્બર ૧૯૨૦માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શ‚ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શ‚ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં. બ્રિટનમાં ‘બીબીસી રેડિયો’ અને અમેરિકાના ‘સીબીએસ’ અને ‘એનબીસી’ જેવાં રેડિયો સ્ટેશનની શ‚આત પણ આ જ સમયગાળામાં થઈ.
 
ભારતમાં રેડિયોનું આગમન
 
વર્ષ ૧૯૨૭ સુધીમાં તો ભારતમાં અનેક રેડિયો સ્ટેશનો ખૂલી ગયાં હતાં, પણ ભારતમાં રેડિયોની શ‚આતને યાદ કરીએ તો વર્ષ ૧૯૨૩ને યાદ કરવું પડે. જૂન ૧૯૨૩માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શ‚ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. ૨૩ જુલાઈ ૧૯૨૭ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શ‚આત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં ‚પાંતરિત થઈ. ઑગસ્ટ ૧૯૩૫માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા. મહત્ત્વની વાત એ છે કે ૧૯૩૫ પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શ‚ કર્યંુ હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્રતા પછી ૧૯૫૬માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના ‚પે બહાર આવ્યું.
 
ઑલ ઇન્ડિયા રેડિયોનું એકચક્રીય રાજ તે વખતે હતું. ભલભલા ઉસ્તાદો-પંડિતો ગાવા-વગાડવા રેડિયો પર આવવા લાગ્યા. રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો. રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. લોકોના મનોરંજન વગરના જીવનમાં રેડિયો મનોરંજનનું માધ્યમ બની ગયો. પણ તે સમયે તત્કાલીન માહિતી પ્રસારણ શ્રી બી.સી. કેસકરે એક અનોખો આદેશ આપ્યો અને ફિલ્મી સંગીતને છીછરું ગણાવી રાષ્ટ્રીય સેવા પરથી તેને પ્રસારિત ન કરવાનો આદેશ ફરમાવ્યો.
 
આવા સમયે આ આદેશનો ફાયદો પાડોશી દેશ સિલોને (શ્રીલંકા)એ લીધો. રેડિયો સિલોનની ભારતમાં એન્ટ્રી થઈ તેનો અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સયાની તેના બ્રાન્ડ બની ગયા. મેં અમીન સયાની... ફિર મુખાતિબ હૂં આપ સે... રેડિયો પર અમીન સયાનીનાં આ વાક્યો ખૂબ પ્રચલિત થયાં હતાં. તેઓ રેડિયો સિલોનના પર્યાય બની ગયા હતા. જો કે તેમની સાથે રેડિયોમાં કામ કરનારા વિજ્યાલક્ષ્મી ડીસેરમ, મનોહર મહાજન, ગોપાલ શર્મા પણ સ્ટાર બની ગયા. તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ. લોકો તેમને તેમના અવાજથી ઓળખવા લાગ્યા. પોતાના સ્ટારડમને યાદ કરતાં રેડિયો સીલોનના સંચાલક મનોહર મહાજન કહે છે કે એરપોર્ટ પર અમારી તપાસ થતી ન હતી. લોકોને ખબર પડતી કે અમે આ રેલમાં છીએ તો લોકો સ્ટેશને મળવા આવતા. દરેક સ્ટેશને ટ્રેન રોકવામાં આવતી અને એ પણ લોકો અમને મળી શકે તે માટે...
 
મહત્ત્વની વાત એ હતી કે ફિલ્મી ગીતોના પ્રતિબંધના કારણે આપણા દેશમાં આકાશવાણીની જગ્યાએ રેડિયો સીલોનની પ્રસિદ્ધિ વધતી ગઈ. આથી રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શ‚આત થઈ પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ૧૯૫૯માં ભારતમાં ટેલિવિઝનની એન્ટ્રી થઈ. રેડિયો સાંભળવા દૂર દૂર સુધી ચાલીને એક જગ્યાએ ભેગા થતા શ્રોતાઓ બદલાવા લાગ્યા, ધીરે ધીરે રેડિયોનો એ સુવર્ણયુગ આથમતો ગયો. પણ આજે ફરી એ યુગ આવી ગયો છે. કોમ્યુનિટી રેડિયો અને સ્થાનિક એફ.એમ. રેડિયોએ ફરી તેનો સુવર્ણકાળ પાછો અપાવ્યો છે. હા, તેને સાંભળનારી આખી પેઢી જ‚ર બદલાઈ ગઈ છે. આ કાળમાં રેડિયોએ ભારતની ત્રણ-ચાર પેઢી બદલાતી જોઈ છે. મોટા મોટા રેડિયો રીસિવર ખભે લઈને ફરતા લોકો, કે ગાયો ચરાવતો ગોવાળિયો રેડિયો પર કોમેન્ટરી સાંભળતો હોય એવા જૂના ફોટા જોઈ આજે આપણને રેડિયોના એ દિવસો યાદ આવી જાય પણ આજે તે રેડિયોનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. એક નાનકડી મોબાઈલ એપ્લિકેશન હવે તમારા મોબાઈલમાં ઈનસ્ટોલ કરી દો અને આકાશવાણી, વિવિધ ભારતીથી લઈ અનેક સ્થાનિક રેડિયો સાંભળવાનો લ્હાવો હવે લઈ શકાય છે.
 

 
 
ભારતનાં શહેર જે રેડિયોપ્રેમીઓના કારણે પ્રસિદ્ધ થયાં
 
ઝુમરીતલૈયા શહેરનું નામ યાદ છે ? રાજનંદ ગામનું નામ યાદ છે ? આ એવા શહેર-ગામના નામ છે જેનો દરરોજ રેડિયો પર ઉલ્લેખ થતો. રાજનંદ ગામ, ભાટાપાર, ધમતરી, રાયબરેલી, ભોપાલ, જબલપુર જેવાં અનેક શહેરો તો તેના રેડિયો શ્રોતાગણના કારણે પ્રસિદ્ધ થઈ ગયાં હતાં. આમાં સૌથી આગળ હતું ઝુમરીતલૈયા... આ શહેર આકાશવાણીનું પર્યાય બની ગયું હતુ. અહીંના શ્રોતાગણો તો રેડિયોના દરેક કાર્યક્રમમાં પોતાનું નામ નોંધાવતા અને પત્ર લખી ફરમાઈશ કરતા. વિવિધ ભારતીના અનેક કાર્યક્રમો માટે ખૂબ મોટી સંખ્યામાં ઝુમરીતલૈયાથી પત્રો આવતા. ઉલ્લેખનીય છે કે આ શહેરના શ્રોતાગણોમાં તે સમયે રીતસરની સ્પર્ધા થતી. કોણ સૌથી વધુ પોતાનું નામ રેડિયો કાર્યક્રમમાં બોલાવી શકે ? શ્રોતા રામેશ્ર્વર બર્ણવાલ અને નંદલાલ સિંહા તો એવા શ્રોતા હતા જે દરરોજ કોઈ ને કોઈ રેડિયો કાર્યક્રમમાં પોતાનું નામ બોલાવવામાં સફળ રહેતા.
 
‘રેડિયો’માં આવેલુ એક આખું પરિવર્તન આપણી પેઢીઓએ જોયું છે. મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સૌથી સુલભ માધ્યમ હાલ ‘રેડિયો’ છે. યુનેસ્કોએ તો જાહેરાત કરી છે કે વિશ્ર્વના ૯૫ ટકા લોકો સુધી પહોંચવાની શક્તિ રેડિયો પાસે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને આજે રેડિયો સાંભળી શકાય છે. મહત્ત્વની વાત એ છે જેને વાંચતા-લખતાં નથી આવડતું એવા લોકો પણ રેડિયો સાંભળીને દેશ-દુનિયાની મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ જાણી શકે છે. આપત્તિની વેળાએ રેડિયો જ અનેકવાર સંકટમોચન બનીને આગળ આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે ટેલિવિઝન અને ઈન્ટરનેટના આ ડિજિટલ યુગમાં પણ રેડિયોની પ્રાસંગિકતા જરા પણ ઓછી થઈ નથી. આજ કાલ તો ખાનગી કંપનીઓએ પણ રેડિયો મીર્ચિ, બીગ એફએમ, રેડિયો સિટી જેવાં રેડિયો સ્ટેશનો શરૂ કર્યાં છે.
 
યહ નેશનલ કોંગ્રેસ રેડિયો હૈ....
 
વર્ષ ૧૯૩૯...એટલે બીજા વિશ્ર્વયુદ્ધની શરૂઆતમાં ભારતમાં અનેક રેડિયો સ્ટેશનનાં લાઇસન્સ અંગ્રેજોએ રદ કરી દીધાં. રેડિયો સ્ટેશનના માલિકોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ રેડિયો સ્ટેશનના ટ્રાંસમીટરો સરકાર પાસે જમા કરાવી દે. તે સમયે રેડિયો એન્જિનિયર નરીમન પ્રિંટર પણ પોતાનું એક રેડિયો સ્ટેશન ચલાવતા. સરકારનો આદેશ સાંભળી તેમણે પોતાનું ટ્રાન્સમીટર છૂટું કરી તેના જુદા જુદા ભાગ પાડી તેને અલગ અલગ જગ્યાએ છુપાવી દીધું. આ બધાની વચ્ચે ૧૯૪૨માં ગાંધીજીએ અંગ્રેજો, ભારત છોડો...નું આંદોલન ચલાવ્યું. અનેક નેતાઓની ધરપકડ થઈ. બધા પ્રમુખ નેતાઓને જેલમાં પૂરી દેવાયા. આવા સમયે નરીમન પ્રિન્ટરે પોતાના ટ્રાંસમીટરના જુદા પાડેલા ભાગ ભેગા કર્યા અને ફરી રેડિયો પ્રસારણ શરૂ કર્યુ. આ પ્રસારણમાં ઉદ્ઘોષક ઉષા મહેતાના પહેલા શબ્દો હતા, ૪૧.૭૮ મીટર પર એક અંજાન જગહ સે યહ નેશનલ કોંગ્રેસ રેડિયો હૈ.... ત્યાર પછી આ જ રેડિયો દ્વારા ગાંધીજીનો સંદેશો અને મેરઠમાં ૩૦૦ સૈનિકોના મૃત્યુની ખબર, અંગ્રેજોના મહિલાઓ સાથેનો દુરાચારનું પ્રસારણ કરવામાં આવ્યું, જે સેન્સરના કારણે અખબારોમાં પ્રકાશન થતું ન હતું. અંગ્રેજોની નજરથી ટ્રાન્સમીટરને બચાવવા તેને માત્ર ત્રણ મહિનામાં સાતથી આઠવાર અલગ અલગ સ્થાન પર લઈ જવાયું. ૧૨ નવેમ્બર ૧૯૪૨ના રોજ નરીમન પ્રિન્ટરે અને ઉષા મહેતાની ધરપકડ થઈ. અને નેશનલ કોંગ્રેસ રેડિયોની વાત પૂર્ણ થઈ ગઈ.
 
તુમ મુઝે ખૂન દો...
 
તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા... સુભાષચંદ્ર બોઝનું આ વાક્ય તમને યાદ જ હશે પણ આ વાક્યનો સૌપ્રથમ ઉલ્લેખ તેમણે રેડિયો પર કર્યો હતો. નવેમ્બર ૧૯૪૧ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘રેડિયો જર્મની’ દ્વારા ભારતવાસીઓને એક સંદેશો પાઠવ્યો જે ઐતિહાસિક સંદેશ બની રહ્યો. આ રેડિયો જર્મની પરથી જ નેતાજીએ ભારતવાસીઓને કહ્યું હતું કે તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.... ત્યાર પછી ૧૯૪૨માં આઝાદ હિંદ રેડિયોની સ્થાપના થઈ જે પહેલાં જર્મનીથી પછી સિંગાપુરથી અને પછી રંગૂનથી ભારતીયો માટે સમાચાર પ્રસારિત થતા હતા.
 
મન કી બાત....
 
સંયુક્ત રાષ્ટ્ર સંઘનો રીપોર્ટ કહે છે કે રેડિયોની પહોંચ દુનિયાના ૯૫ ટકા લોકો સુધીની છે. આ પરથી રેડિયોનું મહત્ત્વ સમજી શકાય છે. કદાચ એટલે જ દેશના ખૂણે - ખૂણે પોતાની વાત પહોંચાડવા વર્તમાનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આકાશવાણી’નો સહારો લીધો છે. આજે દર મહિને એકવાર આકાશવાણીના માધ્યમથી વડાપ્રધાન મન કી બાત થકી દેશના વિષયો, ભારતના લોકો સમક્ષ રજૂ કરે છે, જેને અદ્ભુત પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
 
અને છેલ્લે
 
રેડિયોની શોધ થઈ તેનાં લગભગ ૧૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. આ વર્ષોમાં રેડિયોનું ‚રૂપ બદલાયું છે પણ તેનું મહત્ત્વ એટલું જ અંકબંધ રહ્યું છે. આ ડિઝિટલ યુગમાં અનેક પ્રતિસ્પર્ધા હોવા છતાં રેડિયો તેની લોકપ્રિયતા જાળવી શક્યો છે. હા, મોટી મોટી મચ્છરદાની જેવી જાળીવાળું એન્ટેના ધરાવતો રેડિયો આજે એક ચીપ ‚પે નાનકડા મોબાઈલમાં જરૂર સમાઈ ગયો છે, પણ શ્રોતાઓને મનોરંજનનું, જાગૃતિ, શિક્ષણ આપવાનું તેનું કામ હજી પણ ચાલુ જ છે.
- હિતેશ સોંડાગર