વોશિંગ્ટનના માર્ગો પર ‘મુક્ત કરાંચી’ના સ્લોગનવાળી ગાડીઓ દોડી રહી છે

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૮

વોશિંગ્ટનની સડકો પર હાલ મુક્ત કરાંચીના બેનરવાળી ગાડીઓ મોટા પ્રમાણમાં ફરી રહી છે. પ્રથમ વખત આ જોનારા લોકોને થોડું આશ્ર્ચર્ય જરૂર થાય, પરંતુ અહીંના લોકો માટે આ સામાન્ય વાત છે. મુક્ત કરાંચી કેમ્પેનના પ્રવક્તા નદીમ નુસરત કહે છે કે, અમારા આ અભિયાનનો આશય વિશ્ર્વસમુદાયનું ધ્યાન કરાંચી તરફ આકર્ષવાનું છે. પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાંના મુહાજિરો પર થઈ રહેલા અત્યાચારો વિશ્ર્વસમુદાયને રૂબરૂ કરાવવાનો હેતુ છે. કરાંચીમાં આજે પણ મુહાજિરોને પાકિસ્તાની નાગરિક તરીકે સ્વીકારાયા નથી. અમને ત્રીજા દરજ્જાના નાગરિકો ગણી અમારી સાથે વ્યવહાર કરવામાં આવે છે. આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી શકે છે, પરંતુ અમને મુહાજિરોને પ્રાથમિક અને મૂળભૂત અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં મુક્ત કરાંચી અભિયાનનું બીજું ચરણ શરૂ થયું છે અને આ અભિયાન અંતર્ગત ૧૦૦ જેટલી ટેક્સીઓ મુક્ત કરાંચીના બેનર સાથે અહીંની સડકો પર દોડી રહી છે. આ ટેક્સીઓ શહેરનાં મહત્ત્વપૂર્ણ સ્થાનો જેમ કે, વ્હાઈટ હાઉસ, કેપિટલ હિલ, રાજ્ય વિભાગ અને સાંસદોના કાર્યાલય સુધી જઈ રહી છે અને કરાંચીને પાકિસ્તાનથી આઝાદ કરાવવાની ગુહાર લગાવી રહી છે. અમેરિકામાં રહેતા આ પાકિસ્તાની (મુહાજીરો) પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા લોકોના અધિકારો માટે દાયકાઓથી લડી રહ્યા છે. અમેરિકાના અગ્રણી દૈનિક વોશિંગ્ટન પોસ્ટમાં આ કેમ્પેન અંતર્ગત ૪ ફૂલ પેજ ભરી રૅપ પણ પ્રકાશિત થયું હતું. તેમાં મુક્ત કરાંચી કેમ્પેનના ઉદ્દેશ્યો વિગતવાર બતાવવામાં આવ્યા હતા. આ કેમ્પેન હવે સમગ્ર દુનિયાનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરી રહ્યું છે. કરાંચીમાં માનવ અધિકારોના હનન મુદ્દે હવે અમેરિકન સાંસદો પણ અવાજ ઉઠાવી રહ્યા છે.
કોણ છે પાકિસ્તાનમાં રહેતા મુહાજિરો
ભારતના વિભાજન બાદ લાખોની સંખ્યામાં ભારતીય મુસ્લિમો ઉજ્જ્વળ ભવિષ્ય માટે આશા અને એક ઇસ્લામિક દેશમાં રહેવા માટે પાકિસ્તાનના કરાંચી પહોંચ્યા હતા. શરૂઆતમાં ધાર્મિક લાગણીઓમાં આ લોકોને મૂળ પાકિસ્તાની મુસ્લિમો અને સરકારની સહાનુભૂતિ મળી, પરંતુ ધીરે-ધીરે ત્યાંના લોકોમાં ભારતથી ગયેલા મુસ્લિમો પ્રત્યે રોષ વધ્યો. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ જે ભારતીય મુસ્લિમો પાકિસ્તાન ગયા તેમને આજે પણ ન તો પાક. સરકાર કે ન તો મૂળ પાકિસ્તાની મુસ્લિમોએ અપનાવ્યા છે. તેઓને આજે પણ મુહાજિરો કહી ઉતારી પાડવામાં આવે છે. ભારતથી પાકિસ્તાન ગયેલા મોટા ભાગના મુસ્લિમો સિંધ પ્રાંતમાં કરાંચીમાં રહે છે. કરાંચી પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાય છે. નદીમ નુસરત કહે છે કે, ૧૯૯૨થી આજ દિન સુધી પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા માત્ર શહેરી સિંધમાં જ ૨૨,૦૦૦થી વધુ ઉર્દૂ બોલનારા મુહાજિરોની હત્યા કરી દીધી છે. ૨૦૧૩ બાદ સેંકડો હજારો મુહાજિરો ગાયબ થઈ ગયા છે. કહેવાય છે કે, તેમનું અપહરણ કરી તેમની હત્યા થઈ છે અને તેમનાં શબોને કરાંચીની બહારના વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યાં છે. કરાંચીએ પાકિસ્તાનનું એ શહેર છે જે પાકિસ્તાનની કુલ રાજકીય આવકના ૭૦ ટકાથી વધુ રળી આપે છે, છતાં તેને રાષ્ટ્રીય તો છોડો સ્થાનિક સિંધ પ્રાંતમાં પણ તેનું કોઈ જ પ્રતિનિધિત્વ નથી. કરાંચીની આબાદી પણ સિંધ પ્રાંતથી વધુ છે.
અહીં ન તો કોઈ વિશેષ કાનૂન વ્યવસ્થા છે કે, ન તો મુહાજિરોની રક્ષા માટે સુરક્ષા વ્યવસ્થા. જે પોલીસ અને અર્ધસૈનિકો દળો છે, તેમના માટે પણ કરાંચીના નાગરિકો માત્ર મુહાજિરો. આ લોકો તેમની સાથે કોઈ જીતેલા પ્રદેશના નાગરિકો જેવું વર્તન કરે છે. મન ફાવે ત્યારે કોઈ મુહાજિરનું અપહરણ કરી લેવામાં આવે છે અને તેને છોડવા માટે મોટી રકમ ખંડણીઓની માંગણી થાય છે અને ન ચૂકવાય તો અપહરણ કરાયેલ મુહાજિરની લાશ પણ તેના પરિવારજનો સુધી પહોંચતી નથી.