અવની ચતુર્વેદીએ એકલા મિગ-21 ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચી દીધો છે. ભાવના અને મોહના પણ આ ઈતિહાસ રચવા તૈયાર…

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા મિગ-21 ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચી દીધો છે. 19 ફેબ્રુઆરીએ સવારે અવનીએ ગુજરાતના જામનગર એરબેઝથી ઉડાન ભરી અને સફળતાપૂર્વક પોતાનું મિશન પુરું કર્યું તે એકલા ફાઈટર પ્લેન ઉડાવનારી ભારતની પહેલી મહિલા બની ગઈ છે. ફાઈટર પ્લેનને એકલા ઉડાવવું એ પૂર્ણ રીતે ફાઈટર પાઈલોટ બનવાની દિશામાં પહેલું પગલું છે.
 
મિગ-21 ‘બાઈસન’ની દુનિયામાં સૌથી વધુ લેન્ડિંગ અને ટેક-ઓફ સ્પીડ 340 કિમી પ્રતિ કલાકની છે. એર કમોડોર પ્રશાંત દીક્ષિતે જણાવ્યું કે, ‘આ ભારતીય વાયુસેના અને સમગ્ર દેસ માટે એક ખાસ ઉપલબ્ધિ છે.’ ઉલ્લેખનીય છે કે, દુનિયાના ગણ્યા-ગાંઠ્યા દેશો, જેવાકે બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ અને પાકિસ્તાનમાં જ મહિલાઓ ફાઈટર પાઈલોટ બની શકે છે. ઓક્ટોબર 2015માં જ સરકારે મહિલાઓ ફાઈટર પાઈલટ બની શકે તે માટેનો રસ્તો ખોલી દીધો હતો.
 

 
 
અવનીનો ભાઈ પણ છે આર્મીમાં…
 
અવની ચતુર્વેદી મધ્યપ્રદેશના રીવા ગામની વતની છે. તેણે રાજસ્થાનની વનસ્થલી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં બીટેકનો અભ્યાસ કર્યો છે. અવનીના પિતા મધ્યપ્રદેશ સરકારમાં એક્જીક્યુટીવ ઈન્જીનીયર છે. તેનો ભાઈ પણ આર્મીમાં છે.
 
નિડર છે અવની…
 
તેના પિતાના કહેવા મુજબ અવની બાળપણથી જ નિડર રહી છે. તેને હંમેશાં આર્મીની વાતો સાંભળવી ગમતી હતી. તેને આર્મી વિશેનું ઊંડું જ્ઞાન છે. તેના રસના કારણે તેની પાસે આ સંદર્ભે ખૂબ જાણકારી છે. આ ઉપરાંત પોતાના જીવનમાં તે કોઈ પણ કામથી ડરતી નથી. કદાચ તેની આ નિડરતા જ તેને આ મુકામ સુધી લઈ ગઈ છે.
 

 
 
 3 મહિલા ફાઈટર પાઈલટ
 
ફ્લાઈંગ કેડેટ ભાવના કંઠ, મોહના સિંહ અને અવની ચતુર્વેદીને હૈદરાબાદ પાસેની વાયુસેના એકેડેમીમાં એડકમિશન મળ્યું હતું ત્યારે પણ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. 120 મહિલા કેડેટ્સમાંથી તેમની પસંદગી થઈ હતી. હૈદરાબાદથી લગભગ 3 કિમી દૂર ડુંડિગલ એરફોર્સ એડેકેમીમાં પહેલીવાર ત્રણ તાલિમ મહિલા પાઈલટ્સને ફાઈટર વિમાન ઉડાવવા માટે વાયુસેનામાં સામેલ કરાયા.
 
આ બહેનો પણ ઉડાવશે ફાઈટર વિમાન
 
અવનીની સાથે એરફોર્સ જોઈન કરનારા ભાવના અને મોહનાએ પણ ફાઈટર પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. આ ત્રણેયને જાન્યુઆરીમાં ટ્રેનિંગ અપાઈ. ભાવના કંઠ પણ જલદીથી અંબાલા એરબેઝથી વિમાન ઉડાવશે. કાલિકૂંડા એરબેઝ પર તહેનાત મોહાના સિંહે હજુ થોડી રાહ જોવી પડશે. હાલ તેઓ હૉક એડવાન્સ્ડ જેટ ઉડાવવાની ટ્રેનિંગ લે છે. તેને પણ જલદી ઓપરેશનલ સ્કવોડ્રનની તાલિમ અપાશે.