કવર સ્ટોરી : પરીક્ષા પરીક્ષાર્થીની કે વાલીની ?

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 

 
 
પરીક્ષા સમયે પરીક્ષાર્થીના માતા-પિતાએ સમજવા જેવી વાત...

બોર્ડની પરીક્ષાઓ હવે હાથવેંતમાં છે. જેમનાં સંતાનો બોર્ડની પરીક્ષા આપતાં હશે તેમનાં ઘરમાં આજકાલ પરીક્ષા... પરીક્ષા... પરીક્ષાની બૂમો પડતી હશે. વિદ્યાર્થી જેટલી બલકે એનાથી પણ વધારે તૈયારીઓ તેનાં માતા-પિતાએ આરંભી દીધી હશે. કેટલીક જગ્યાએ તો વાલીઓમાં એટલો બધો સ્ટ્રેસ હોય છે કે વાત ના પૂછો. સલાહ, સૂચનો, માર્ગદર્શન, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, વગેરેથી કેટલાંક વાલીઓ પરીક્ષાર્થીઓને વધારે ચિંતામાં નાખી દેતાં હોય છે. ખરેખર તો વાલીએ વિદ્યાર્થીને માત્ર હૂંફ આપવાની હોય અને હળવાફૂલ રાખવાનાં હોય એના બદલે વાલી જાણે-અજાણે વિદ્યાર્થીમાં સ્ટ્રેસ ઊભો કરે છે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારેસાધનાતેના વાચકો, વાલીઓ માટે થોડુંક માર્ગદર્શન લઈને આવ્યું છે, જેથી પરીક્ષાનો ડર દૂર થાય અને ઘરનું વાતાવરણ તથા વિદ્યાર્થીનું મન સુધરે.

પ્રસંગ - : શુભેચ્છાના ઢગલા

રાત્રિના ત્રણ વાગી ગયા હતા. સવારે બોર્ડનું પેપર આપવા જવાનું હતું. યોગેશને હજુ ઘણું વાંચવાનું હતું, પણ સતત વાંચનના કારણે તેની આંખો પણ ઘેનના કારણે બંધ થઈ જતી હતી. આથી સવારે સાતથી દસ વાગ્યામાં થોડું વાંચી લઈશ એમ મનોમંથન કરી યોગેશ સૂઈ ગયો. મોડી રાતના ઉજાગરા પછી પણ ઍલાર્મના સહારે યોગેશ સવારે સાત વાગે ઊઠી જાય છે અને મોઢું ધોઈ ચોપડી પકડી બેસી જાય છે, ત્યાં તો બાજુવાળાં વનિતા માસીનો અવાજ સાંભળ્યો. બેટા યોગેશ, ક્યાં છે ? બૅસ્ટ ઑફ લક હોં ! બોલ ! કેવી છે તારી તૈયારી ? બધું બરોબર ગોખી નાખ્યું છે ને? જો તારે પણ તારા ભાઈની જેમ ૯૦ ટકા લાવવાના છે હોં ! એક કલાકની શુભેચ્છા પાઠવી માસી પાછાં ઘરે ચાલ્યાં ગયાં. યોગેશનો એક કલાક શુભેચ્છામય બગડ્યો, પણ યોગેશે વિચાર્યું હજુ મારી પાસે એક કલાક છે, પણ જ્યાં તે વાંચવા બેઠો ત્યાં પાછી ફોનની ઘંટડી રણકી... નાની બહેને બૂમ પાડી, ભઈલા, મામીનો ફોન છે, તને શુભેચ્છા પાઠવવા ફોન કર્યો છે.

પ્રસંગ - : દહીં ખાઈને જા...

સવારના દસ વાગી ગયા હતા. પરીક્ષાના હાઉના કારણે નયનની આંખો હજુ પણ ચોપડી પર આમ તેમ ફરતી હતી ! એવામાં એની નજર અચાનક ઘડિયાળ પર પડી. ઑહ ! દસ વાગી ગયા. હજુ તો ઘણું વાંચવાનું છે, પણ તેમ છતાં મોડું થવાના કારણે તે ચોપડી મૂકી ઝડપથી પેન લઈ દોડ્યો. ત્યાં મમ્મીએ બૂમ પાડી, બેટા નયન ! ઊભો રહે... લે દહીં ખાંડ ખાઈને જા... શુકન કહેવાય... તારું પેપર સારું જશે...

"પણ મમ્મી, મારે મોડું થઈ ગયું છે ! કંઈ વાંધો નહિ બેટા ! લે દહી - ખાંડ ખાઈ લે અને હા, પેલી ગાય માતા આવે છે, તેનાં દર્શન કરીને જા ! તું પાસ થઈ જઈશ.

પ્રસંગ - : પીળા તે રંગનો ડ્રેસ...રે

બારમા ધોરણમાં ભણતી સંધ્યાએ રિસીપ્ટ ચેક કરીને જાળવીને પર્સમાં મૂકી. કાંડા પર ઘડિયાળ બાંધતાં બાંધતાં સમય જોયો. હવે કલાક બાકી હતો. એણે છેલ્લી નજર મારી લેવા બૂક ખોલી... બહારથી ઊભેલા એના પપ્પાએ બારીમાંથી દૃશ્ય જોયું. તરત બૂમ પાડી, ‘હવે ક્યાં સુધી વાંચ્યા કરીશ ?! ચાલ જલદી, મોડું થાય છે. હું ક્યારનો સ્કૂટર ચાલુ કરીને ઊભો છું. સંધ્યા પર્સ લઈ તરત બહાર દોડી આવી, ચાલો, પપ્પા ! આઈ એમ રેડી ! સંધ્યાને જોઈ એના પપ્પાનું ધ્યાન એનાં કપડાં પર ગયું. સંધ્યાએ બ્લેક રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. પપ્પા તરત હૂંફાળા પાણી જેવા ગરમ થતાં બોલ્યા, અરે, બેટા ! તેં બ્લેક ડ્રેસ કેમ પહેર્યો ? તારે તો આજે પીળા રંગનો ડ્રેસ પહેરવાનો છે. આજના છાપામાં પરીક્ષા ટીપ્સમાં જ્યોતિષ જનાર્દને લખ્યું છે કે કુંભ રાશિવાળા વિદ્યાર્થીઓ માટે આજે પીળો કલર લકી છે. લોકો રંગ પહેરીને જશે તો પેપર ખૂબ સારું જશે ! જા જલદી આસમાની ડ્રેસ પહેરી લે !

પપ્પા ! શું તમેય, એવું ના હોય ! ચાલો જલદી, સમય બગડે છે !’ ‘મેં કહ્યુંને ! તું ડ્રેસ બદલી લે ! તને ખબર ના પડે. બધી બાબતો બહુ મહત્ત્વની છે બેટા ! પાંચ મિનિટ ભલે બગડે પણ પીળો ડ્રેસ પહેરી આવ!’ સંધ્યા કમને અંદર જઈ ડ્રેસ બદલી આવી. પેપરમાં પંદર મિનિટ મોડું થયું. એક પ્રશ્ર્ન છૂટી ગયો. છતાં એના પપ્પા કહેતા હતા કે પીળાં ડ્રેસને કારણે સંધ્યાના સારા માર્ક્સ આવશે. હકીકત સંધ્યા જાણે છે અને આવનારી માર્કશીટ ! પણ અત્યારે તો વિદ્યાર્થીઓના શુભેચ્છક વાલીઓની જય હો !

પ્રસંગ - : યાદશક્તિ વધારવાની દવા

"બેટા ! આવતી કાલે તારી બોર્ડની પરીક્ષા છે. હું તારા માટે એક ગિફ્ટ લાવ્યો છું. બોલ, શું હશે ?

"પેન ?, કમ્પાસ ?, પેડ ?, ઘડિયાળ ?

" ના હવે ! બધું તો તારી પાસે છે !

"જો હું તારા માટે યાદશક્તિ વધારવાની દવા લાવ્યો છું અને હા, મંદિરેથી તારા માટે સ્પેશિયલ પ્રસાદ અને બાબાનું માદળિયું પણ લાવ્યો છું. રોજ માદળિયાને અગરબત્તી કરી પેપર આપવા જજે... તું પાસ થઈ જઈશ.

પ્રસંગ - : પેન

રોનક પરીક્ષા દઈને પાછો આવ્યો. હજુ તો એણે ઘરમાં પગ મૂક્યો હતો ત્યાં એના પર બાણાવળી પરિવારજનોએ પ્રશ્ર્નોનાં બાણો ચલાવવાનાં શરૂ કરી દીધાં...

દાદાએ પૂછ્યું, કેવું ગયું પેપર ?, દાદીએ પૂછ્યું, બેટા, બધું બરાબર લખ્યું તો છે ને ?, પપ્પાએ પૂછ્યું, કેટલા માર્ક્સ આવશે ? ૯૦થી ઉપર તો આવવા જોઈએ., મમ્મીએ પૂછ્યું, બેટા, એકેય પ્રશ્ર્ન રહી તો નથી ગયો ને ?, મોટી બહેને પૂછ્યું, અલ્યા, જવાબો સાચા તો લખ્યા છે ને ?, મોટા ભાઈએ પૂછ્યું, ભઈલા ! પેપર સહેલું હતું કે અઘરું ? આઈ.એમ.પી.માંથી કેટલા પ્રશ્ર્નો પુછાયા ? આવડ્યા કે પછી રામ રામ !, અને છેલ્લે - ફોઈએ પણ પૂછી લીધું, "સમય તો નહોતો ખૂટ્યો ને ?!

રોનક ડઘાઈ ગયો. પરીક્ષા દઈને આવ્યો હતો કે યુદ્ધ લડીને ના સમજાયું. પ્રશ્ર્નોનો મારો એટલો બધો ચાલ્યો કે આવતી કાલની તૈયારી કરવા માટેનો એનો મૂડ ખરાબ થઈ ગયો. છતાં એને બધાના પ્રશ્ર્નોના જવાબ આપવા પડ્યા. છેલ્લે ફોઈના પ્રશ્ર્નનો જવાબ આપ્યો, "ફોઈબા, આજે તો ઘણો સમય ખૂટ્યો. પેન પકડીને મારા તો હાથ દુ:ખી ગયા... અને પછી રૂમમાં જઈને પરાણે વાંચવા લાગ્યો. બીજા દિવસે રોનક પેપર દેવા માટે જઈ રહ્યો હતો ત્યાં એના ફોઈ અચાનક પ્રગટ થયાં અને એની સામે પેન ધરતાં બોલ્યા, "લે, રોનક ! નવી પેનથી લખજે. તારા હાથ પણ નહીં દુ:ખે અને પેપર ૧૫ મિનિટ વહેલું પૂરું થઈ જશે.

રોનકે કહ્યું, "એવું કોણે કહ્યું ? એવું ના બને! તો જેટલું આવડે એટલું લખાય !, ફોઈએ જવાબ આપ્યો, "બેસ, છાનોમાનો ! મેં કાલે ટી. વી.માં જાહેરાત જોઈ હતી. પેનથી લખો તો પેપર જલદી લખાય સમજ્યો ? લે, બેસ્ટ ઑફ લક ! અને રોનક પરાણે પેન લઈ ચાલતો થયો. સાંજે ઘરે આવ્યો, પણ એણે ફોઈને ના કહ્યું કે, "આજે એના ત્રણ પ્રશ્ર્નો છૂટી ગયા હતા !

પ્રસંગો આજની પરીક્ષા, વિદ્યાર્થી અને મા-બાપની માનસિકતાનું તાદૃશ ચિત્રણ રજૂ કરે છે. અહીં તો માત્ર થોડા પ્રસંગો આપ્યા છે, પણ પરીક્ષાની ધીકતી મોસમમાં આપણા સમાજમાં આવા અનેક પ્રસંગો ભજવાય છે. એક નજરે પ્રસંગો રમૂજી લાગે, પણ એની અસર બહુ ઊંડી હોય છે. શું આપણે પણ એક વિદ્યાર્થીના વાલી તરીકે આવા પ્રસંગોનો એક ભાગ તો નથી બની બેઠા ને ?! પ્રશ્ર્ન વિચાર માંગી લે તેવો છે. પરીક્ષાની પૂરબહાર ખીલેલી મોસમમાં વિદ્યાર્થી, વાલી અને સમાજે જોવા, જાણવા અને ચેતવા જેવી અનેક બાબતો ઊભી થઈ છે. અબ્રાહમ લિંકને એક વાલી તરીકે પોતાના બાળકના શિક્ષકને એક પત્ર લખ્યો હતો જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો. આજે ૨૧મી સદીમાં અબ્રાહમ લિંકન વિદ્યાર્થી તરીકે હાજર હોત તો જરૂર વિદ્યાર્થીઓને લઈને જગતના દરેક વાલીઓને એક પત્ર લખ્યો હોત. વાલીઓનું વિદ્યાર્થીઓ પરનું દબાણ એટલું બધું વધી ગયું છે કે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા કરતાં માતા-પિતાને આપેલા વચનની વધારે ચિંતા હોય છે. વાત સમજવા જેવી છે. એક બાજુ પરીક્ષાનું ટેન્શન અને બીજી બાજુ માતા-પિતાની અપેક્ષા પૂરી કરવાનું ટેન્શન.. વિદ્યાર્થી ક્યાંથી વાંચી શકે ? તેને પુસ્તકના અક્ષરોમાં પણ તેના મગજમાં ભરાયેલી અપેક્ષા વંચાય કે નહિ ?

આમાં વાંક થોડો માતા-પિતા સહિત આખેઆખી શિક્ષણપ્રણાલીનો પણ ખરો. આપણે ત્યાં માર્ક્સનું વધારે મહત્ત્વ છે. આપણી પરીક્ષાપદ્ધતિઓ એવી છે કે જ્યાં ગોખણિયું અને પુસ્તકિયું જ્ઞાન સફળતા અપાવે છે. એમાંય વળી બધાના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ મોટી થાય છે, માટે પુત્ર કે પુત્રી બોર્ડમાં હોય એટલે વિદ્યાર્થી કરતાં માતા-પિતા પરીક્ષાને વધુ મહત્ત્વ આપતાં થઈ ગયાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે જે ખરાબ વાત નથી. વાલીઓની જાગૃતિ કહી શકાય, પણ જાગૃતિના નામે વિદ્યાર્થી પર જે અપેક્ષા-ઉપેક્ષાનું વજન મૂકવામાં આવે છે તેની ચિંતા આપણે કરવી જોઈએ. પરીક્ષા આવે એટલે એવું લાગે કે પરીક્ષા વાલીઓની છે કે વિદ્યાર્થીઓની ! તમે જોયું હશે કે ૧થી ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકની વિગત વિદ્યાર્થી કરતાં તેની મમ્મીને વધુ સારી રીતે ખબર હશે! વિદ્યાર્થીને પરીક્ષાની રીત કઈ છે તે ખબર નહીં હોય પણ તેનાં માતા-પિતાને આજે જરૂર ખબર હશે !

સાધન નહિ, હિંમત આપો !

નવી પેન, નવો કંપાસ, નવું પેડ, નવાં પુસ્તકો, અલગ રૂમ... શું બધાંથી વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થતો હોય છે. ના ! આખી રાત તેની દેખરેખ રાખો, ચા-કાફીના થર્મોસ ભરીને બાજુમાં મૂકી દો... બધું તો ઠીક કહેવાય. ખરી જરૂર તો તેને હિંમત આપવાની છે. પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થીને આવડતું હોય ત્યારે તે ખરા અર્થમાં કટોકટીમાં ફસાઈ ગયો હોય છે. એક તરફ પાસ થવાનું ટેન્શન, જીવનમાં આગળ વધવાનું ટેન્શન અને બીજી બાજુ નાપાસ થાય તો ઘરે બધાં શું કહેશે, ઘરે મોં કોને અને કેમ બતાવવું તેનુંય ટેન્શન. આવા સમયે વિદ્યાર્થીને માત્ર અને માત્ર હિંમત આપવાની જરૂર છે.

પેપર કેવું ગયું... !

આખી રાતના ઉજાગરા પછી સવારે પેપર આપવા જવાનું અને પેપર આપીને બહાર નીકળે એટલે તરત પેપર કેવું ગયું ? પ્રશ્ર્નનો મારો સહન કરવાનો ! જો પેપર સારું ગયું હોય તો કંઈ વાંધો નહિ, બધાં ખુશ, પેપર ખરાબ ગયું હોય અને ડરનો માર્યો વિદ્યાર્થી ખોટું બોલે કે પેપર સારું ગયું છે તો વિદ્યાર્થી સિવાય બધાં ખુશ અને જો હિંમત કરીને વિદ્યાર્થી સાચું કહી દે કે પપ્પા-મમ્મી પેપર ખરાબ ગયું છે તો બસ ! પત્યું ! જે સમયે વિદ્યાર્થીને સૌથી વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર હોય તેવા સમયે આપણે તેનું મોરલ તોડી નાખીએ છીએ. શું એમ કહેવાય કે જાણે એક પેપર ખરાબ ગયું હજુ બીજાં ઘણાં પેપર બાકી છે, તે સારાં જશે, જે થયું તેનો વિચાર કરવાની જગ્યાએ હવે જે થવાનું છે તેનો વિચાર કર. પ્રોત્સાહનથી વિદ્યાર્થીમાં બીજા પેપરમાં મહેનત કરવાની શક્તિ મળશે.

મા-બાપ પોતાના સંતાનને ઓળખે

પરીક્ષા આવે એટલે રમવાનું બંધ, ટીવી જોવાનું બંધ, મનોરંજન બંધ... બસ માત્ર વાંચવાનું. શું યોગ્ય કહેવાય? મનોચિકિત્સકો પણ વાંચવાની સાથે સાથે થોડો રેસ્ટ અને મનોરંજન કરી લેવાનું કહે છે, પણ સમજે બીજા ! અરે કેટલાક વાલીઓ તો જાહેરમાં કહેતાં ફરે છે કે અમારો છોકરો / છોકરી તો બોર્ડમાં છે, એટલે અમે ટીવી બંધ કરી દીધું છે, કૅબલ કનેક્શન કઢાવી નાખ્યું છે. શું તમારા બોર્ડમાં ભણતાં છોકરા / છોકરીમાં એટલી સેન્સ નથી કે પરીક્ષા વખતે શું કરવાનું ? શું બધું કરવાની જરૂર માતા-પિતાને પડે ખરી ! આટલું ભણ્યા પછી શું જોવું ?, શું જોવું ?, પરીક્ષા વખતે શું કરવું?, એની ખબર પડતી હોય તો આટલાં વર્ષનું ભણતર શું કામનું ? પણ હકીકત તો મા-બાપ (પેરેન્ટ્સ) સંતાનોને સમજવામાં ભૂલ કરી બેસતાં હોય છે. પહેલાં આપણે આપણા સંતાનોને સમજવાની જરૂર છે. તેના પર વિશ્ર્વાસ તો મૂકી જુઓ.

પરીક્ષાલક્ષી માર્કેટ

તમે જોયું હશે કે પરીક્ષા આવે એટલે ટીવી સમાચાર પત્રોમાં રીતસરનો પરીક્ષાલક્ષી માહોલ ઊભો થઈ જાય છે. પરીક્ષાલક્ષી પેન, યાદશક્તિ વધારવાની દવા... જેવી પ્રૉડક્ટનો જાહેરાત‚પી મારો ‚ થઈ જાય છે. મા-બાપ (પેરેન્ટ્સ) પાછાં જાહેરાતનું સાચું માની જે-તે વસ્તુ ખરીદીને પોતાના પુત્ર/પુત્રીને આપી પણ દે છે. શું યાદશક્તિની દવા ચાર દિવસ પીવાથી વિદ્યાર્થી પાસ થઈ જશે ?! ના ! આખું વર્ષ મહેનત કરી હશે તો તે પાસ થશે ને ! આપણે સૌ જાણીએ છીએ પણ તેમ છતાં યાદશક્તિની દવાનો અતિરેકભર્યો ડૉઝ આપણે આપતાં અચકાતાં નથી.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

ગીતામાંકર્મનો સિદ્ધાંત લખ્યો છે. કર્મથી સફળ થઈ શકશો, પણ તેમ છતાં આપણા સૌમાં એક માનસિક રોગ ઘૂસી ગયો છે. રોગ છે કર્મ કર્યા વિના કંઈક મેળવી લેવાનો. પરીક્ષા આવે એટલે અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરખબરોનો રીતસરનો મારો ટીવી/પ્રિન્ટ મીડિયામાં શરૂ થઈ જાય છે. કયા રંગનાં કપડાં પહેરવાથી ?, શું ખાઈને જવાથી ?, કયા મંત્રનો જાપ કરવાથી પરીક્ષામાં સફળ થવાશે ?, તે બધું આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ. અરે ભાઈ! પરીક્ષા છે તો વાંચો, મનન કરો, લક્ષ્ય પર એકાગ્રતાથી કામ કરો. બસ ! શું લાલ રંગનો શર્ટ પહેરવાથી પાસ થઈ જવાશે ?! શું આખું વર્ષ વાંચ્યું હોય અને માત્ર એક મંત્રનો જાપ કરી પરીક્ષા આપવા જવાથી સફળ થવાશે ? પણ આપણે સીધી વાત સમજતા નથી. મંત્રનો જાપ કરવામાં જેટલો સમય જાય તેટલો સમય જો વિદ્યાર્થી થોડું વાંચી લે તો તેને વાંચેલું જરૂર કામ લાગશે. વાત માત્ર કર્મની છે. વાંચશો તો લખી શકશો અને લખશો તો પાસ થશો. બસ આટલું સમજવા જેવું છે.

સમાજ-જ્ઞાતિમંડળોની જવાબદારી

હમણાં થોડા વરસોથી એક ટ્રેન્ડ વધારે ફૂલ્યોફાલ્યો છે. પોતાના સમાજમાં વિદ્યાર્થીઓને ઇનામ આપવાનો અને રૅન્ક આપવાનો. ઉપરાંત પણ જુદાં-જુદાં જ્ઞાતિમંડળો વર્ષભર પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબૂક - પેન - દફતર - કંપાસ જેવાં સાધનો ફ્રી અથવા સાવ સસ્તામાં વિતરિત કરતાં હોય છે. રિઝલ્ટ બાદ જે તે સમાજમાં અવ્વલ આવેલા વિદ્યાર્થીઓને મૅડલ, સર્ટિફિકેટ કે રોકડ પણ અપાય છે, પણ સમાજે અને જ્ઞાતિમંડળોએ નોટબૂક, ઇનામ વગેરેથી ઉપર ઊઠીને વિચારવાની જરૂર છે. વિદ્યાર્થીની પરીક્ષા આવે ત્યાં સુધી વિદ્યાર્થીને મૉરલ સપોર્ટ મળી રહે તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવી જરૂરી છે. પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવેલ એકાદ વિદ્યાર્થીને ઇનામ / મૅડલ આપવું તો બહુ સામાન્ય વાત છે, પરંતુ સમાજના એકે એક વિદ્યાર્થીનો સરખો ગ્રૉથ થાય તે માટે કંઈક નવાં પગલાં ભરવાનો સમય આવી ગયો છે.

બેસ્ટ ઑફ લક

વિદ્યાર્થીનેશુભેચ્છાપાઠવવાનો અનેબેસ્ટ ઑફ લકકહેવાનો અજબનો ટ્રેન્ડ આજકાલ વધી ગયો છે. કોઈનો ફોન આવે એટલે પેલો વાંચતો વાંચતો આવે અને શુભેચ્છા સાંભળે. મોટા ભાગનાં સગાં-સંબંધીનો ફોન આવે એટલે તેનો આખો દિવસથૅન્ક્યુકહેવામાં જાય. વાંચવા કરતાં લોકોની શુભેચ્છા સાંભળવામાં વિદ્યાર્થીનો વધુ સમય જઈ રહ્યો છે. નાના ઘરમાં રહેતાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને વળી વધુ તકલીફ છે. એક રૂમ - રસોડામાં ઘરમાં પેલો વાંચે કે લોકોની શુભેચ્છા સાંભળે તેની ખબર પડે.

પરીક્ષાનો હાઉ ખતમ કરો... હૂંફ આપો...

આપણે બાળકની પોતાની મૌલિકતાને ખીલવા દેતાં નથી. પરીક્ષા અને સફળતાનો હાઉ ઘર અને મનમાં પેદા કરવાને બદલે આનંદની હળવી પળો તમે ક્યારેય માણી છે ? પરીક્ષાનો હાઉ ખતમ કરવા તેની સાથે ચર્ચા કરી છે ? તેમને કદી વાર્તા સંભળાવી છે? તેનો ઇન્ટરવ્યૂ લેવાની જગ્યાએ કોઈ અદ્ભુત ફિલ્મની વાત તેની સાથે કરી છે ? ફિલ્મ સાથે જોવા ગયા છો ? પરીક્ષા બધું નથી એવી વાત તમે તેના મનમાં બેસાડી દેવામાં સફળ થયા છો ? સલાહ આપવાની જગ્યાએ તેને હૂંફ આપવાની કોશિશ કરી છે ? બધું કરી જુઓ... અમને આશા છે તમારો દીકરો / દીકરી જીવનની કોઈ પરીક્ષામાં નાપાસ નહિ થાય.

પરીક્ષાના સમયે પ્રસ્તુત કરેલી આવરણ-કથા ખરા અર્થમાંપરીક્ષાબાબતે વાલીની આંખ સામેનું અયોગ્ય આવરણ દૂર કરે તેવી આશા છે. વખતે વિદ્યાર્થીઓને નહીં વાલીઓને ગેટ વેલ સૂનની શુભેચ્છા.

 
 
વડાપ્રધાન નરેન્દ્રભાઈની પરીક્ષાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાલકોટા સ્ટેડિયમમાં "મૅકિંગ એક્ઝામ ઈન - ચેટ વિથ પી. એમ. મોદી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જો તમારે ફૉકસ કરવું હોય તો પહેલાં ડી-ફૉકસ કરતાં શીખો. પ્રસ્તુત છે વડાપ્રધાનની પરીક્ષાર્થીઓ સાથે પરીક્ષારૂપે ચર્ચા સંક્ષિપ્તમાં.

- પરીક્ષા પૂરી થવા સુધી સતત તનાવમાં રહીએ છીએ, તેને કેવી રીતે દૂર કરવો. પરીક્ષા વખતે કંઈ યાદ રહેતું નથી. ક્યારેક આત્મવિશ્ર્વાસ ખોઈ બેસીએ છીએ. એવા સમયે આત્મવિશ્ર્વાસ જાળવી રાખવા શું કરવું ?

ખુદને ક્યારેય પણ ઓછા આંકશો.

જો આત્મવિશ્ર્વાસ નહીં હોય તો ગમે તેટલી મહેનત કરો. વર્ગખંડમાં બેસતા હોઈએ ત્યારે તો કયો જવાબ કયા પાને છે પણ યાદ હોય છે, પરંતુ પરીક્ષા વખતે અચાનક બધું ભુલાઈ જાય છે. હું બાળપણમાં સ્વામી વિવેકાનંદને વાંચતો હતો. તે કહેતા, અહ્મ બ્રહ્માસ્મિ એટલે કે ક્યારેય ખુદને ઓછા મૂલવશો, તે સમયે ૩૩ કરોડ દેવી-દેવતાઓની ચર્ચા થતી, તે કહેતા ૩૩ કરોડ દેવી-દેવતા તમારા પર કૃપા વરસાવી પણ દે, પરંતુ જો તમારામાં આત્મવિશ્ર્વાસ નહીં હોય, તો તે દેવી-દેવતાઓ પણ કંઈ નહીં કરી શકે. આત્મવિશ્ર્વાસ કેળવો અને તે લાંબા-લાંબા ભાષણોથી નથી આવતો. આપણે ખુદની કસોટી કરવાની આદત પાડવી જોઈએ.

દર વખતે આગળ વધવાની ભાવના રાખો.

કદમ-દર-કદમ પ્રયત્નો થકી આત્મવિશ્ર્વાસ વધે છે. હું જે છું તેનાથી હું વધારે કરી શકું છું. એના માટે મારે જે કાંઈ પણ કરવું પડે કરી છૂટીશ. પ્રકારનો ભાવ કેળવો. શાળામાં જતા પહેલાં તમારા દિમાગમાંથી વાત બિલકુલ કાઢી નાખો કે, કોઈ તમારી પરીક્ષા લેવાનું છે. કોઈ તમને માર્ક્સ આપવાનું છે. દિમાગમાં ભરી દો કે, તમે તમારા પરીક્ષક છો. તમે તમારું ભવિષ્ય નક્કી કરવાના છો. હું મારા મોટા ઇરાદાઓને વળગી રહીશ. ભાવ મનમાં લાવી દો. જીવનમાં સફળતા મેળવવા માટે ક્ષમતા-સંસાધનની સાથે આત્મવિશ્ર્વાસ પણ જરૂરી છે.

- ભણવામાંથી ધ્યાન ભટકી જાય તો શું કરવું? જ્યારે આપણે ખુદથી ખુશ થઈ જઈએ તો શું કરવું...?

એકાગ્રતાને તમારી રેસિપી બનાવી લો.

ઘણા બધા લોકોને લાગે છે કે, ‘ધ્યાન ખાસ પ્રકારની વિદ્યા છે, પરંતુ એવું નથી. આપણે દિવસમાં કોઈ ને કોઈ કામ ધ્યાનપૂર્વક કરતાં હોઈએ છીએ. દોસ્ત સાથે તમે ફોન પર વાત કરતા હોવ અને તમારું પ્રિય ગીત વાગતું હોય તો પણ તમે તેની સાથે વિક્ષેપ વગર વાતચીત કરી શકો છો. તમે ખુદનું મૂલ્યાંકન કરો કઈ બાબતો છે, જેનું તમે ધ્યાનથી-મનથી કરો છો અને તેના કારણો પર જાઓ. અને તેને તમારી રેસિપી બનાવી લો અને ભણવામાં તેનો ઉપયોગ કરો. આમ કરવાથી વર્ગખંડમાં તમારા ધ્યાનનો વિસ્તાર વિસ્તરશે ખુદને તપાસતાં શીખો.

કેટલાંક લોકોની ફરિયાદ હોય છે કે કંઈ યાદ રહેતું નથી, પરંતુ કોઈએ તેમને વર્ષો પહેલાં પણ દસ વાક્યો ખરાબ કીધાં હોય તો તે તમામે તમામ તેને યાદ હોય છે. મતલબ કે તમારી યાદશક્તિમાં કોઈ સમસ્યા નથી. જેમાં તમારું મન ભળી જાય તે વસ્તુઓ તમારી જિંદગીનો એક ભાગ બની જતી હોય છે. મહાન ખેલાડી સચિન તેંડુલકરે એક બાળકને જવાબ આપ્યો હતો કે, ‘જ્યારે હું રમતો હોઉં છું તો તેમાં હું મારું દિમાગ ખપાવતો નથી કે, પહેલાંનો બૉલ કેવો હતો. હું તેને બરોબર રમી શક્યો કે નહીં. મારા માટે વખતે બૉલ મહત્ત્વનો છે, જે મારી તરફ આવનાર છે, તે વખતે બાકી બધું ભૂલી જાઉં છું.

- ભૂતકાળના ભાર (બોજ) તળે ભવિષ્યનાં સ્વપ્નો ચગદાઈ જાય છે

એવું નથી કે ભૂતકાળનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ ભૂતકાળ જ્યારે ભાર(બોજ) બની જાય છે, ત્યારે તમારા ભવિષ્યનાં સ્વપ્નોને કચડી નાખે છે. વર્તમાનમાં જીવવાની આદત જરૂરી છે. પુસ્તકનું એક એક પાનું વંચાઈ રહ્યું છે, પરંતુ દિમાગ કોઈક બીજા સ્થળે છે. એટલે કે તમે ઑફલાઇન છો, માટે તમે પુસ્તક સાથે સંકળાતા નથી. તમારામાંથી કેટલા લોકોને પાણીનો સ્વાદ ખબર છે...? ક્યારેક પાણીનો સ્વાદ પણ માણો તે ધ્યાન છે.

- સરખામણી કરવાથી હું તનાવમાં રહું છું, તેનાથી મારો આત્મવિશ્ર્વાસ કમજોર પડે છે. મિત્રોમાં આગળ નીકળવાની હરીફાઈ વધારે રહે છે. આનાથી કેમ બચવું...?

દુશ્મનને તમારા મેદાનમાં લાવો અને પછી મારો.

રમત અને યુદ્ધના વિજ્ઞાનને સમજો, તમે તમારા મેદાનમાં રમતા રહો. જો તમે સામેવાળાના મેદાનમાં રમવા જાઓ છો તે તે મોટું જોખમ લઈ રહ્યા છો. દુશ્મનને તમારા મેદાન તરફ ખેંચાઈ આવવા મજબૂર કરો અને ત્યારબાદ તેને મારો, યુદ્ધમાં પણ શીખવાય છે. અન્યની વિચારસરણી, ઉછેર, માહોલ, સ્વપ્નો, રસ, રુચિ અલગ હોય છે, પરંતુ તમે સ્વતંત્ર વ્યક્તિ છો. તમને તેની પૂરી ઈકો સિસ્ટમની જાણ હોતી નથી, તેવામાં તમે નિરાશામાં ધકેલાઈ જાઓ છો, માટે પહેલાં નક્કી કરો, તમારી અંદર શું છે ? તમે કઈ બાબતમાં મજબૂત છો...? રમતજગતનાં મોટાં નામોને જુઓ કોઈ તેમને તેમની ડિગ્રી પૂછે છે ? ખુદને ઓળખી શકવું સમસ્યાનું સાચું કારણ હોય છે.

ખુદની સાથે હરીફાઈ કરો...

જ્યારે પણ તમે હરીફાઈમાં ઊતરો છો, ત્યારે તમારે તણાવ મહેસૂસ કરવો પડે છે. બીજો ચાર કલાક વાંચે છે તો મારે પણ ચાર કલાક વાંચવું પડે એવું માનવા લાગો છો. તમે ખુદને જુઓ. લોકો તમને આદર્શ ગણી હરીફાઈમાં ઊતરે એવું કરો. તમે તમારી જાત સાથે હરીફાઈ કરો. ખુદનું પેરામીટર બનાવો, ડાયરી લખો અને જુઓ કે ગઈકાલથી હું બે કદમ આગળ વધ્યો કે નહીં...? ત્યાર બાદ તમને કોઈની શાબાશીની જરૂર નહીં રહે, તેનાથી તમારામાં નવી ઊર્જાનો સંચાર થશે. તમે હરીફાઈના ચક્રમાંથી આપોઆપ નીકળી જશો. પોતાની સાથે સ્પર્ધા કરો. એક ઓલિવિયન બુકા છે, તેઓએ પોતાનો વિક્રમ ૩૬ વાર તોડ્યો હતો, તે બીજાને જોવત તો ત્યાંના ત્યાં અટકી રહેત.

- પરીક્ષા દરમિયાનમાં વાલીઓ તરફથી દબાણ થાય છે. ૮૦થી ૯૦ ટકા લાવે તો પણ તેમને સંતોષ થતો નથી કેટલું યોગ્ય છે...? મા-બાપની આકાંક્ષાઓને કેવી રીતે પૂર્ણ કરવી ? સામાજિક દબાણથી કેવી રીતે મુક્ત રહેવું...?

મા-બાપના શિક્ષણ પર શક કરશો...

મા-બાપના ઇરાદાઓ પર ક્યારેય શંકા કરશો, તે આપણા માટે તેમની જિંદગી ખપાવી દે છે, તેઓ પોતાના શોખ મારે છે, કારણ કે તેમના બાળકને સારી સુવિધાવાળું શિક્ષણ મળે. ક્યાંય બહાર નથી જતાં, કારણ કે બાળકોની પરીક્ષા હોય છે. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું બાળક કંઈક બને માટે તેમની નિષ્ઠા પર ક્યારેય શક કરશો.

માતા-પિતાએ પોતાનાં બાળકો પર વિશ્ર્વાસ રાખવો જોઈએ. વિશ્ર્વાસ તેમનાં અને બાળકો વચ્ચે સમજણના દ્વાર ખોલશે. ડરભર્યા વાતાવરણમાં ક્યારેય ભણી શકાતું નથી ડર પરિવારમાં તબાહી લાવી દે છે. કેટલાંક મા-બાપે બાળપણમાં જે સ્વપ્નો જોયાં હોય છે, તેમના સ્વપ્નો પોતાના બાળક થકી પૂર્ણ થાય તેવું ઇચ્છે છે, તેમને તેમના બાળકોની ક્ષમતા અને પરવરિશ ચકાસ્યા વગર આમ કરવું જોઈએ. બાબતોને લઈને બાળકે જ્યારે તેમનાં-માતાપિતાનો મૂડ સારો હોય ત્યારે વાત કરવી જોઈએ. માતા-પિતા પોતાના બાળકના શિક્ષણને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક ક્યારેય બનાવે. તમારા બાળકનું સામર્થ્ય અને ક્ષમતાની સરખામણી અન્યો સાથે ક્યારેય કરશો. દરેક બાળકમાં પરમશક્તિ રહેલી હોય છે.

- પરીક્ષા સમયે રમવાનું મન થાય તો શું કરવું...? ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરવો ?

ફૉકસ કરવું છે, તો પહેલાં ડી-ફૉકસ કરતાં શીખો

"ફૉકસ કરવું છે તો, પહેલાં ડી-ફૉકસ કરતાં શીખી લો. કોઈ વાસણમાં દૂધ એક મર્યાદા સુધી ભરી શકાશે, માટે તમારી અંદરથી કંઈક ખાલી કરતાં શીખો. સતત માત્ર ફૉકે કરતા રહેશો તો ચહેરા પર તણાવ દેખાવા લાગશે. ચોવીસ કલાક પરીક્ષા, પ્રેક્ટિકલ અંગ્રેજની જેમ વિચાર્યા કરશો.

આપણાં શાસ્ત્રોમાં પંચમહાભૂતોની ચર્ચા થઈ છે. પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ તમે જ્યારે થાકીને આવો પાણીથી મોં ધોઈ લો. બારી ખોલી હવા લો ખુદને તરો-તાજા અનુભવશો. પંચમહાભૂતો સાથે સંપર્ક બનાવી રાખો. સતત ઊર્જાવાન રહેશો. પરીક્ષા આવે કે ઘરમાં કરફ્યુ જેવું વાતાવરણ બની જાય છે. ટી. વી. બંધ, વાતચીત બંધ. તમે જિંદગીની આદતો સાથે ઉછરી રહ્યાં હોય તેને તમે ઓછી કરી શકો છો, તેનાથી સંપૂર્ણ અલગ થઈ શકો. રમવાનું મન થાય છે તો રમી લ્યો, ગીત ગાવાનું મન થાય છે, તો ગાઈ લ્યો... તમારાં શોખને તમારાથી અલગ કરશો.

- પરીક્ષાના તણાવપૂર્ણ દિવસોમાં યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે...? એવાં કેટલાંક આસન જણાવો? . ક્યૂ. અને આઈ. ક્યૂ.માં સંતુલન સાધતાં શીખવો...

સંતુલિત વિકાસ માટેઆઈ. ક્યૂ.’ અને. ક્યૂ.’ જરૂરી. આપણેઆઈ. ક્યૂ.’ અને. ક્યૂ.’ વિશે સાંભળ્યું છે, પરંતુ જો કોઈને પૂછીએ કે તે શું છે...? હું આની સરળ રીત જણાવું. એક મા પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવે છે, તેમાં ઘૂઘરી બાંધે છે, બાળક - મહિનાનું થતાં તેને ખબર પડવા લાગે છે કે, મા આવું કરે છે, તો ઘૂઘરીમાંથી અવાજ આવે છે, તે તેના પગ ઊંચા કરી ઘૂઘરીમાંથી અવાજ લાવવાનો પ્રયત્ન કરે છે. આનેઆઈ. ક્યૂ.’ કહેવાય છે, તે રડતું નથી, તેનું સમગ્ર ધ્યાન પેલી ઘૂઘરી તરફ હોય છે. હોય છેઆઈ. ક્યૂ.’

હવે માની લો કે પેલી માને ખૂબ કામ છે, તે ઇચ્છે છે કે, બાળક સૂઈ જાય તો સારું. તે ઘોડિયાને સીડી પાસે મૂકી ગીત વગાડે છે. સારામાં સારું સંગીત અને અવાજ આવવા છતાં બાળક રડવાનું બંધ કરતું નથી, પરંતુ જ્યારે તે રસોડામાંથી ઊંચા સાદે ગીત લલકારે છે, તો બાળક તરત સૂઈ જાય છે. . ક્યૂ.’ છે. લાગણી છે, તે તેની મા સાથે જોડાયેલું છે, માટે આઈ. ક્યૂ. અને . ક્યૂ. બંનેમાં સંતુલિત વિકાસ જરૂરી છે. . ક્યૂ.નો ખૂબ મોટો ભાગ હોય છે અને તે પ્રેરણાનો સૌથી મોટો સ્રોત હોય છે અને સાહસ અને સેવાની ક્ષમતા વધારે છે.

મારા એક શિક્ષકનો નિયમ હતો બાળકને તેના જન્મદિને પરિવાર સાથે વૃદ્ધાશ્રમ, હૉસ્પિટલ કે અનાથાલયમાં જાઓ. તમારો . ક્યૂ. વધારવા માટે ખૂબ જરૂરી છે. આપણા માટે જરૂરી છે ? આપણે જીવનનો કેટલોક સમય આવા અપરિચિત લોકો સાથે વિતાવીએ. આપણા સમાચારપત્ર નાખનારનું નામ જાણતાં હોઈએ, ડ્રાઇવર, દૂધવાળાના નામની આપણને ખબર હોતી નથી. તમે તેમને પૂછશો તો તમારી વિચાર કરવાની રીત બદલાઈ જશે. લોકો સાથે જેટલા સંપર્કમાં આવશો તેનાથી. ક્યૂ.’ એટલો શાર્પ બનશે. ‘આઈ. ક્યૂ.’ સફળતા અપાવે છે, પરંતુ દૃષ્ટિની સમજ માટે. ક્યૂ.’ જરૂરી છે.

યોગાસનોને લઈને ભ્રમ છે કે, આસન કરવાથી આમ થાય છે. યોગ વિજ્ઞાન છે, તમને જે આસન યોગ્ય લાગે તો યોગઆસન કરવાનું શરૂ કરી દો.

- પરીક્ષાના ૨૪ કલાક પહેલા ટાઇમ મૅનેજમેન્ટ કેવી રીતે કરવું ?

લોકોને પૂછીએ ત્યારે તે કહેતા હોય છે કે, મારી પાસે સમય નથી. હકીકત છે કે કોઈને સમય ઓછો-વત્તો નથી મળતો. બધાને સરખો મળે છે. ટાઇમના મિસમૅનેજમેન્ટનો સિદ્ધાંત તમારી પ્રાથમિકતાઓને લઈ તમારું અજ્ઞાન છે. તમને ખબર હોવી જોઈએ કે, હું કયાં કામોમાં સમય બરબાદ કરું છું, જે કરવું જોઈએ તે કરતો નથી અને જે કરવું જોઈએ કરી રહ્યો છું. જરૂરી નથી કે એક ટાઇમ ટેબલ ૩૬૫ દિવસ કામ આવે.