ધર્મકથા : હુતાશની પર્વ (હોળી)

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

શ્રી વિષ્ણુપુરાણ (પરાશર સંહિતા)ના પ્રથમ અંશનાં પ્રકરણોમાં ભક્ત પ્રહ્લાદનું ચરિત્ર વર્ણવાયું છે. ભક્ત પ્રહ્લાદની ભક્તિની અગ્નિપરીક્ષાની ધર્મકથા છે.

મૈત્રેય ઉવાચ : કથિતો ભવતા વંશો

માનવાનાં મહામુને

કારણં ચાસ્ય જગતો

વિષ્ણુરેવ સનાતન :

મૈત્રેયે પૂછ્યું : હે મહામુનિ પરાશર ! મનુના પુત્રો ઉત્તાનપાદ આદિનો વંશ આપે કહ્યો; તેમજ જગતનું કારણ સનાતન વિષ્ણુ છે, એમ પણ આપે કહ્યું. વિષ્ણુના પરમ ભક્ત પ્રહ્લાદની રક્ષા માટે વિષ્ણુના નૃસિંહ અવતારની ધર્મકથા સંભળાવો !

પરાશર ઉવાચ :

મૈત્રેય શ્રૂયતાં સમ્યક્

ચરિતં તસ્ય ધીમત:

પ્રહ્લાદસ્ય સદોદારચરિતસ્ય મહાત્મન:

પરાશરે કહ્યું : ‘હે મૈત્રેય ! બુદ્ધિમાન હોઈ સર્વકાળે ઉત્તમ ચરિત્રવાળા તે મહાત્મા પ્રહ્લાદનું ચરિત્ર તમે બરાબર સાંભળો. પૂર્વે દિતિનો પુત્ર હિરણ્યકશિપુ મહારપરાક્રમી દૈત્ય હતો, તેણે બ્રહ્માના વરદાનથી ગર્વિત થઈ ત્રણે લોકને વશ કર્યા હતા. તેને વરદાન હતું કે તેને દેવ-દાનવ કે માનવ મારી શકે, કોઈ અસ્ત્ર-શસ્ત્રથી મરે, ઘરમાં મરે કે બહાર મરે, સવારે મરે કે સાંજે મરે. તે પોતાને ભગવાન માનતો હતો. સૃષ્ટિ પર તેના સિવાય અન્ય ભગવાન નથી તથા સૌ તેની પૂજા કરે તેવો અહંકાર-(અભિમાન) હતો. દૈત્ય એટલો જુલ્મી હતો કે તેના રાજ્યમાં કોઈ અન્ય ભગવાનનું નામ લે તો તેની હત્યા કરાવતો હતો, તેમના પર જુલ્મ ગુજારતો હતો. અનેક યાતનાઓથી તેની પ્રજા ત્રાહિમામ્ પોકારતી હતી, પણ કુદરતની ગતિ ન્યારી છે. દૈત્યને ત્યાં વિષ્ણુના પરમભક્ત મહાત્મા ભક્ત પ્રહ્લાદ અવતરે છે. હિરણ્યકશિપુ પુત્ર પ્રહ્લાદને દૈત્યોના કુલગુરુ શણ્ડામર્કને ત્યાં વિદ્યાભ્યાસ-રાજનીતિ ભણવા મોકલે છે. કુલગુરુને પ્રહ્લાદમાં રહેલી અલૌકિક શક્તિ તથા ભક્તિનો અનુભવ થાય છે. પ્રહ્લાદની વિષ્ણુ-શ્રીકૃષ્ણભક્તિથી વિસ્મય થાય છે. બાળક સદાયે પ્રભુભજનમાં લીન રહે છે. સંસારની કોઈ મોહમાયા તેને સ્પર્શતી નથી, છતાં ભક્ત પ્રહ્લાદ મનુષ્યના નિત્યકર્મોમાં નિપુણ હતો.

પરાશર મુનિએ કહ્યું : હૈ મૈત્રેય ! પ્રહ્લાદની પ્રભુભક્તિ - કીર્તનનો એક પ્રસંગ સાંભળ. પ્રહ્લાદના ગુરુ શણ્ડામર્કને થયું કે પ્રહ્લાદ તાળી પાડીને કીર્તન કરે છે તો લાવ તેને તાળી પાડતો બંધ કરી અભ્યાસમાં તેનું ધ્યાન પરોવું; તે તેના સહાધ્યાયીઓને જોડે છે અને બાળકોને બગાડે છે. હવે નહિ સુધરે. દોડતા જઈને પ્રહ્લાદજીને કહ્યું : ‘કીર્તન બંધ કરો, બંધ કરો.’ કોણ સાંભળે ? કાન ઉઘાડા છે પણ મન શ્રીકૃષ્ણચરણમાં છે. પ્રહ્લાદજી સાંભળી શક્યા નહિ. શણ્ડામર્કે વિચાર કર્યો કે, ‘પ્રહ્લાદના બે હાથ પકડું. એની તાળી અટકે તો કીર્તન બંધ થશે.’ શણ્ડામર્ક પ્રહલાદજીના બે હાથ પકડવા ગયા. પ્રહ્લાદજીના રોમરોમમાંથી કૃષ્ણ નામનો જપ થતો હતો. આખું શ્રીઅંગ કૃષ્ણમય હતું. પ્રહ્લાદજીનો જ્યાં સ્પર્શ થયો તો શણ્ડામર્કને પણ ભક્તિનો રંગ લાગ્યો. કુલગુરુ પણ હરેકૃષ્ણ-હરેકૃષ્ણ કરતાં તન્મય બન્યા. પ્રહ્લાદજીના સતસંગનો રંગ સર્વેને લાગવા માંડ્યો.

કુલગુરુ ભક્ત-શિરોમણી પ્રહ્લાદને લઈ દૈત્યરાજ પિતા હિરણ્યકશિપુ પાસે જાય છે. પુત્ર પ્રહ્લાદ પિતાને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુ બોલ્યો : હે પુત્ર ! આટલા કાળ સુધીમાં સદાય તત્પર રહી તું જે શીખ્યો હોય, તે સારરૂપ સુંદર વચન બોલ જોઈએ !

પ્રહ્લાદ બોલ્યો : જે સારરૂપ વચન મારા ચિત્તમાં સ્થિર થઈ રહ્યું છે, તે તમારી આજ્ઞાને લીધે કહું છું; તેને તમે એકાગ્રચિત્ત થઈ સાંભળો. જે આદિ, મધ્ય તથા અંતરહિત છે; જન્મ, વૃદ્ધિ કે ક્ષયથી પણ રહિત છે અને સર્વના પર સત્તા ચલાવી રહ્યા છે અથવા સર્વ(પાપીઓ)ને શિક્ષા કરી રહ્યા છે અથવા સર્વેને સદુપદેશ આપી રહ્યા છે, તે સર્વ કારણોના કારણ પરમેશ્ર્વરને હું પ્રણામ કરું છું.

પરાશર બોલ્યા : સાંભળીને દૈત્યોનો રાજા કોપથી લાલચોળ નેત્રોવાળો બન્યો; તેનો નીચલો હોઠ ફરકી રહ્યો. તેણે પ્રહ્લાદના ગુરુ સામે જોઈને આમ કહ્યું.

હિરણકશિપુએ કહ્યું : ‘અરે બ્રાહ્મણ ! શું ? અલ્યા દુષ્ટબુદ્ધિ ! મારું અપમાન કરી બાળકને તારા (ને મારા) શત્રુની સ્તુતિવાળું અસાર શિક્ષણ કેમ શીખવ્યું ?

ગુરુ બોલ્યા : હે દૈત્યોના ઈશ્ર્વર ! તમારે કોપને વશ થવું ઘટતું નથી; તમારો પુત્ર મારા ઉપદેશથી ઊપજેલું બોલતો નથી. હિરણ્યકશિપુ બોલ્યો : હે પુત્ર પ્રહ્લાદ ! તું કહે; આવું તને કોણે શીખવ્યું છે? તારા ગુરુ તો કહે છે મેં શીખવ્યું નથી.

પ્રહ્લાદ બોલ્યો : હે તાત ! સમગ્ર જગતના હૃદયમાં જે બિરાજે છે તે વિષ્ણુ સર્વને શીખવનાર અથવા ઉપદેશ આપનાર છે; તે પરમાત્મા સિવાય કોણ કોને શીખવે છે ? (એમના સિવાય બીજા કોણ કોને ઉપદેશ આપનાર છે ?)

હિરણ્યકશિપુ બોલ્યો : અલ્યા મહાદુષ્ટ બુદ્ધિ ! વિષ્ણુ કોણ છે, જેને અહીં સમગ્ર જગતના ઈશ્ર્વર મારી આગળ નિ:શંક થઈને વારંવાર તું કહી રહ્યો છે ? હું હયાત છું, ત્યારે બીજો પરમેશ્ર્વર નામનો કોણ છે ? (મારા સિવાય બીજો કોઈ પરમેશ્ર્વર છે નહિ; તું આમ વારંવાર બકે છે, તેથી ખરેખર મરવા ઇચ્છે છે ?

હિરણ્યકશિપુએ કહ્યું : દુષ્ટને બહાર કાઢો. ગુરુને ઘેર લઈ જઈ શિક્ષા કરો અને શિખામણ આપો. આપણા શત્રુની ખોટી સ્તુતિ કરવાની દુષ્ટ બુદ્ધિ આનામાં ક્યાંથી આવી ?

ભક્ત પ્રહ્લાદને ફરીથી ગુરુને ત્યાં મૂકવામાં આવે છે, પણ આશ્ર્ચર્યની વચ્ચે તેના સંસર્ગમાં આવતા સર્વે સિપાઈઓ તથા રાક્ષસો હરેકૃષ્ણ-હરેકૃષ્ણનું રટણ કરતા થઈ ગયા. હિરણ્યકશિપુને ગુસ્સો આવે છે. તે પ્રહ્લાદને મૃત્યુદંડ-યમલોકમાં પહોંચાડવાની વિવિધ તરકીબો કરે છે.

હિરણ્યકશિપુ કુહક, તક્ષક તથા અંધક નામના સર્પોને આજ્ઞા કરે છે કે તમે દુષ્ટ પુત્રને ઝેરના ડંખ મારી યમલોક પહોંચાડો. બધા સર્પરાજ તેમ કરે છે છતાં ભક્ત પ્રહ્લાદ તો ભક્તિમાં લીન હતો, તેના પર ઝેરની અસર થઈ નહિ.

ત્યારે સર્પો બોલ્યા : અમારી તો દાઢો ભાંગી ગઈ. મણિઓ ફૂટી ગયા, ફેણોમાં બળતરા થાય છે અને હૃદયમાં કંપારી વછૂટે છે; છતાં પ્રહ્લાદની ચામડી તો લગારે વીંધાતી નથી, કે ચિરાતી નથી; ત્યારબાદ પ્રહ્લાદને હાથીઓની નીચે કચડવામાં આવ્યો અને હાથીઓના દંતશૂળો પણ ભાંગી ગયાં છતાં પ્રહ્લાદને કશું થતું નથી, તેને પવર્ત પરથી ગબડાવી ફેંકવામાં આવે છે. સમુદ્રમાં ડુબાડવામાં આવ્યો છે. હિરણ્યકશિપુની આજ્ઞાથી શંબેરાસુર પણ પોતાની એક હજાર માયાનો પ્રયોગ પણ ભક્ત પ્રહ્લાદ પર કરે છે. દૈત્યરાજના રસોઇયાઓ પણ પ્રહ્લાદને ભોજનમાં હળાહળ ઝેર આપે છે છતાં તે અમૃત બની જાય છે.

છેવટે હારી-થાકીને હિરણ્યકશિપુએ તેની બહેન હોળીકાને બોલાવી. તેની બહેનને વરદાન હતું કે તેને અગ્નિ બાળી શકશે નહિ. પ્રહ્લાદને યમલોકમાં પહોંચાડવા તેની મદદ માગી. હુતાશની(હોળી) કહ્યું : ‘હે પ્રિય ભાઈ ! ફાગણ માસની પૂર્ણિમા જ્યારે આકાશમાં ચંદ્રની સાક્ષીએ કાષ્ટની શય્યા પર તારા પુત્રનું પારખું કરવા - અગ્નિપરીક્ષા કરવા તથા તેની ભક્તિની સત્ય-પરાયણતા માટે હું તેને ખોળામાં લઈને બેસીશ, જેથી પ્રહ્લાદ બળી જશે જ્યારે હું સુરક્ષિત રહીશ.’

ફાગણ માસની પૂર્ણિમા આવે છે. ફોઈ હોળીકા પ્રહ્લાદને ખોળામાં બેસાડી દેવો અને દાનવોની સાક્ષીએ અગ્નિશય્યા પર ખોળામાં લઈ બેસે છે. બાજુ તો ભક્ત પ્રહ્લાદ શ્રીકૃષ્ણ-શ્રીકૃષ્ણના નામસ્મરણથી ભક્તિમાં લીન છે. તેમને તો અગ્નિમાં પણ ઠંડીનો ભાવ થાય છે. પ્રભુમાં લીન તેમના દેહને અગ્નિદેવ પ્રણામ કરે છે અને અગ્નિદેવ પણ ભગવાન વિષ્ણુના ભક્તની ભક્તિમાં તલ્લીન થઈ પરમાત્માને ભક્તની રક્ષાની ખાત્રી આપે છે. અગ્નિદેવ ક્ષણે વરદાનમુક્ત થાય છે અને હોલીકા બળી મરે છે. અહીં દુષ્ટબુદ્ધિનો સંહાર થાય છે અને સદ્બુદ્ધિનો વિજય થાય છે.

ત્યારથી પૃથ્વીલોકના કલિયુગમાં પણ હોલીકાદહન અર્થાત્ હોળી પર્વ ઊજવાય છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૉરે અથવા ગામની ભાગોળે હોળી પ્રગટાવવામાં આવે છે. ભક્ત પ્રહ્લાદનાં દર્શન કરવાનો ભાવ પ્રગટે છે. ધાણી તથા શ્રીફળ અને પવિત્ર જળથી હોળીનાં દર્શન કરવા સૌ કોઈ ઊમટે છે. પોતાના નવજાત બાળકને તેના સ્વાસ્થ્યની રક્ષા માટે હોળીની ફરતે ફેરવવામાં આવે છે, પ્રસંગનેઢૂંઢકહે છે, તથા લગ્નની પ્રથમ તિથિએ - અર્થાત્ નવા વરઘોડિયાં પણ હોળીનાં દર્શને આવે છે. ગ્રામજનો ઢોલ-નગારાંના તાલે પર્વને ઊજવે છે. બીજા દિવસે વસંતોત્સવનો ફાગ ખેલાય છે. રંગોના પર્વ ધૂળેટીથી હોલીકાને સવારે ઠંડા શીતળ જળથી ઠારવામાં આવે છે. પરમકૃપાળુ પરમાત્મા જીવનમાં હોળી પ્રગટે અર્થાત્ ક્લેશ-કંકાસ વિનાનું સુખમય જીવન સૌને પ્રાપ્ત થાય અને જીવનમાં ટાઢાશ-શાંતિ રહે તેવી સૌ કોઈ પ્રાર્થના કરે છે. ઘણા પર્વને વ્રત તરીકે પણ ઊજવે છે. આખો દિવસ પૂનમનો ઉપવાસ કરે છે અને હોળીનાં દર્શન કર્યા પછી સૌ સાથે બેસી મિષ્ટાન-ભોજન કરે છે. હવામાનશાસ્ત્રીઓ હોળીની વચ્ચે જે થાંભલો હોય છે તેની ધજા અથવા પવન કઈ દિશામાં જાય છે તેને આધારે નવા વર્ષના ફલાદેશની આગાહી કરે છે.

આપણો ઉત્સવપ્રિય સમાજ હંમેશાં અધર્મ પર ધર્મના વિજયની આવી અનેક ધર્મકથાઓને આધારે ઉત્સાહ અને આનંદથી પર્વોની ઉજવણી કરે છે, તેથી તો આપણી હિન્દુ-ભારતીય સંસ્કૃતિ આજે પણ તેના મૂળસ્વરૂપ સાથે જીવંત છે.

અસતો મા સદ્ ગમય

તમસો મા જ્યોતિર્ગમય

મૃત્યોર્મા અમૃતં ગમય

સર્વેત્ર સુખિન:

સન્તુ સર્વે સન્તુ નિરામયા:

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિદ્ દુ:ખમાપ્નુયાત્