પોતાના જ દેશના મુસ્લિમો સામે ડ્રેગનનો ફૂંફાડો

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ચીન સમસ્ત વિશ્ર્વના મુસ્લિમ દેશો સાથે સારા સંબંધ સ્થાપિત કરવા માટે હંમેશા તત્પર રહે છે, પરંતુ પોતાના દેશમાંના મુસ્લિમ નાગરિકો તરફ ઓરમાયું વર્તન કરે છે. ત્યાંની સરકાર અને સૈન્ય મુસ્લિમ વસાહતો પર નજર રાખે છે અને વખત આવ્યે તેમને સખત સજા કરતાં પણ નથી અચકાતું. સામાન્ય રીતે મોટા ભાગના દેશોમાં ધર્મ અને જાતિ પ્રમાણે લોકો એક મહોલ્લામાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ચીનમાં એવું નથી. ચીન એક ધર્મ અને જાતિના આધારે લોકોને સાથે રહેવા નથી દેતું. ત્યાંની સરકાર અને નેતાઓનું એવું વિશ્ર્લેષણ રહ્યું છે કે મુસ્લિમો પોતાની જાતિ અને ધર્મના નામે બહુ જલદી સંગઠિત થઈ જાય છે. ચીનની ખાસિયત છે કે મુસ્લિમ રાષ્ટ્રો માટે પોતાની સરહદની બહાર મોટી મોટી જાહેરાત કરતું રહે છે. પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે, પરંતુ પોતાના રાજકીય સ્વાર્થ માટે ચીન એના ગળામાં હાથ નાખે છે અને ધાર્મિક અથવા સામાજિક બાબતનો સવાલ આવે ત્યારે પાકિસ્તાનનું કંઈ ચાલવા નથી દેતું. ચીન દર્શાવવાનો પ્રયાસ કરતું રહે છે કે ભારત અંગેના દરેક મામલામાં પાકિસ્તાન સાથે છે. ચીન પાકિસ્તાનને વિશ્ર્વસનીય મિત્ર માને છે અને ભારતને વિરોધી, પરંતુ જ્યારે પાકિસ્તાની ચીનમાં જઈને વસી જાય છે ત્યારે એની સાથે કટુ વ્યવહાર કરે છે જે અન્ય મુસ્લિમો સાથે કરે છે. ઇસ્લામને મામલે એને કોઈ છૂટ આપવામાં આવતી નથી. પોતાની આંતરિક બાબતોમાં અને રાજકીય કસોટીમાં ચીન ફક્ત ચીન બની રહે છે.

ચીનની ચીની મુસ્લિમોને હજયાત્રાની મંજૂરી નથી આપતું. વાત ફક્ત હજયાત્રા સુધી સીમિત નથી પરંતુ પવિત્ર કુરાન પણ તેમને વાંચવા નથી અપાતું. જો અરબી ભાષામાં લખાયેલા કુરાનથી એને ડર હોય તો ચીનની બહાર ચીની ભાષામાં અનુવાદિત થયેલું કુરાન પણ તેમને ઉપલબ્ધ નથી કરાવાતું.

એક સમાચાર મુજબ ચીનના રાજ્ય સિક્યાંગમાં મુસ્લિમો પર આતંકવાદી હોવાનો આરોપ લગાડી ચીને ત્યાંના મુસ્લિમો પર વધુ કડક પ્રતિબંધ લગાડ્યો છે. જો પ્રકારનો પ્રતિબંધ કોઈ પશ્ર્ચિમી રાષ્ટ્રે મૂક્યો હોત તો સંપૂર્ણ મુસ્લિમ જગતે હોબાળો મચાવ્યો હોત.

સિક્યાંગથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે ચીની અધિકારીઓએ સ્થાનિક મુસ્લિમ નાગરિકોને આદેશ આપ્યો છે કે તેમણે નમાજ વખતે ઉપયોગમાં લેવાતી તમામ ધાર્મિક વસ્તુઓ અને કુરાન, ચીની અધિકારીઓને હવાલે કરી દેવી. રેડિયો ફ્રી એશિયાના અહેવાલ મુજબ અહીં મોટા ભાગે એગ્યુર, કઝાકી અને કિગિંઝ વંશના મુસ્લિમો રહે છે.

સરકારે ત્યાંની મસ્જિદો અને વસાહતોમાં બાબતની જાહેરાત કરી દીધી છે. કઝાકિસ્તાનની સીમા નજીક આલ્ટે નામના વિસ્તારમાં એક વ્યક્તિએ ભયભીત અવસ્થામાં જણાવ્યું કે ગામ, જિલ્લા અને કાઉન્ટી સ્તરે ઘરઘરની ઝડતી લેવાઈ રહી છે. આશ્ર્ચર્યની વાત છે કે ઝડતીમાં દરેક ઘરમાંથી નમાજ પઢતી વખતે વપરાતું સાહિત્ય અને કુરાન મોટી સંખ્યામાં મળી રહ્યાં છે.