નિર્દોષ આનંદનો સ્રોત

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 

સુપ્રસિદ્ધ વાયોલિનવાદક શ્રી કૃષ્ણ ઐયર એક કાર્યક્રમમાં વાયોલિનના સૂર રેલાવી રહ્યા હતા, અચાનક વાયોલિનનો એક તાર તૂટી ગયો. ગાયકે તેમના તરફ ઠપકાભરી નજર કરી. માનો કે તેમનું કહેવું હતું કે, તમે ખરા ટાણે સાથ આપતા નથી...? વાદકે પણ સામો આંખનો ઇશારો કર્યો અને માત્ર એક તાર રાખી બાકીના બધા તાર તોડી નાખ્યા, ગાયકની આંખોમાં આશ્ર્ચર્ય અને ક્રોધ મિશ્રિત ભાવ ઊભરાઈ આવ્યા, પરંતુ શ્રી કૃષ્ણ ઐયરે એકમાત્ર તાર પર અદ્ભુત સંગત આપી. ગાયકે સંગીતમંડળી અને શ્રોતા સૌના દિલ જીતી લીધાં. હવે ગાયકને સમજાયું કે, તાર તોડતાં પહેલાંના ઇશારામાં શ્રીકૃષ્ણ ઐયર તેમને કહી રહ્યા હતા કે, તમે શું એમ સમજો છો કે, સારી સંગત આપવા માટે ચાર તાર જોઈએ ...? ગાયકને પોતાના મનોભાવ માટે અફસોસ થયો અને શ્રીકૃષ્ણ ઐયરજી માટે આદરભાવ વ્યક્ત કર્યો. નામાંકિત સંગીતજ્ઞ શ્રી વાસુદેવાચાર્યજીએ પોતાનાં સંસ્મરણોમાં પ્રસંગ લખેલ છે.

કોઈ પણ ક્ષેત્રમાં પ્રવીણતા મેળવવા માટે નિરંતર સાધના કરવી પડે. સાધક માટે સ્વયં કરતાં સાધનાનું મહત્ત્વ વધારે હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય, કલા, અનુસંધાનમાં પોતાની જાતને સમર્પિત કરી દે છે, તેના મય બની જાય છે, ત્યારે તે તેના અંતસ્થ સત્યોને જાણી શકે છે અને સાધના એના નિર્દોષ આનંદનો સ્રોત બની જાય છે.

- નરેન્દ્ર ત્રિવેદી