@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ઊકળતી પૃથ્વીનું અનાદરસૂક્ત...

ઊકળતી પૃથ્વીનું અનાદરસૂક્ત...

 
‘હું ધ્યાવા પૃથ્વી, ઊકળી રહી છું, સુત ! જો મારી કિનખાબી સાડીના પાલવમાંથી નીકળતા ગરમ પવનોને ઓળખ, પુત્ર !’
અવાજ સાંભળી હું ચમકી ગયો. બપોરના બાર વાગ્યે સ્પર્શ થતાં દઝાડે તેવા લાહ્ય જેવા પવનને હડસેલી એક વૃક્ષની છાયામાં ગયો. આ ઉનાળાનો ઉકળાટ નહોતો, ઊકળતી પૃથ્વીનો ઉકળાટ હતો. કયા ગ્રહની શાપપત્રિકા વાંચવા તત્પર બન્યા છે આ પવનો ! જે પવનના આલિંગનથી કેટકેટલી સાંજ ક્ષણોના સંધ્યાપણાને મેં વાંચેલી. તે જ પવન, જાણીતા પવનના આ કેવા નવા વંશજ આજે કાળી વાસ લઈને ફરી રહ્યા છે મારા નગરની ગલીએ ગલીઓમાં !
 
એમ થાય છે આ પરિસ્થિતિમાં શાંતિપાઠ કરું, પૃથ્વીને વંદન કરીને ગાવા મથું છું. ‘ધ્યૌ: શાંતિ’... ‘હે પૃથ્વી તમે શાંતિ આપો, જલ, તમે શાંતિ આપો, વનસ્પતિ, શાંતિ આપો, પ્રકૃતિ, શાંતિ આપો, હે બ્રહ્માંડ, શાંતિ આપો.’ શું કોઈ એવો ઉનાળો હતો જ્યારે મારા પૂર્વજો પણ આવી રીતે ત્રાહિ પોકારી ઊઠેલા ? પેલા મધુમય બનો આ પૃથ્વી, મધુમય બનો આ સમીર.. એવી પ્રાર્થનાના ઉદ્ગાર તો કદાચ શુદ્ધચિત્તથી જગતકલ્યાણની પ્રાર્થના હશે, વારું !
 
મન ચાતક બની ગયું છે, વરસાદ પડતો નથી. અષાઢના તડકાની ટાંકણીઓ ભોંકવાની ઇચ્છા થઈ આવે છે. અચાનક જ પરિચિત વૃક્ષની છાયા ચોરાઈ ગઈ છે. વાદળો આવ્યાં છે, પણ વરસતા નથી. કાલિદાસનું મેઘદૂત પણ વાંચવાના ટેબલ પરથી ખસતું નથી.
પે’લા મંકોડા આવશે અને આવેલી વર્ષાનું વિજય સરઘસ કાઢશે ત્યાં સુધી કાલિદાસના શબ્દો વિરહગીતના શબ્દો તીવ્રતર બની રહ્યા છે. નહીં ખૂલેલી છત્રી એક જુદી અભિવ્યક્તિનું સ્થાનક બની ગઈ છે. કોઈ પંડા જેવા પવન વહીવંચા લઈને દોડતા પહોંચ્યા છે વાદળ મહોલ્લે. વાદળોને એમની પિતરાઈ બહેન છત્રીનું કોઈ નહીં ગવાયેલું ગીત સંભળાવી રહી છે. એક લૂખો અંધકાર થાક વગરની ઊંઘની વાત કરવા આંટો મારે છે. એના તીવ્ર ખાલીપાની ગંધથી વરસાદની કવિતાથી લથબથ પુસ્તકોએ નાક દબાવી દીધાં છે. હું વાછટવિહોણી બારીને કશુંક કહેવા મથું છું ત્યારે અચાનક જ એક ચકલી આવીને બેસે છે. અષાઢ મહિનાની ચકલીના સ્કર્ટમાં વાદળના જ લિસોટા દેખાય છે. મે-જૂનની અસહ્ય ગરમી આ જુલાઈની અજાણી ગરમી વધારે અસહ્ય લાગે છે. કોઈ આપણો જ કંટાળાજનક મિત્ર ઊભો હોય ત્યારે આપણને બિલકુલ ના ગમતો હોય તેવો કોઈ જણ આવી ચઢે ત્યારે થાય તેવી અર્ધજુગુપ્સાભરી ગ્લાનિથી આ ગરમીને બારી પાસેથી ઉડાડું છું. મારા અને ચકલીનાં સંવાદને એક બારી પહેરાવીને આકાશમાં મોકલવાની મહેચ્છાથી..
 
વેકેશન પૂરું થયા પછી હવે બાળકો નવા વેકેશનની રાહ જુએ છે. એમની આ પ્રતીક્ષામાં શિક્ષણની અરાજકતા જેટલી જ વિહ્ળતા આ કોરા અષાઢની છે. ગૌરીવ્રતની અમીછાંટણા વિનાની સવાર હવે વધુ કોરી લાગે છે. લાગે છે ઇન્દ્રએ મારા નગરની આ ક્ધયાઓની આકાંક્ષાઓને વ્હેરવા આ વર્ષે કોઈ નવાં આયુધ સજ્યાં છે. વાતાવરણ નવું હોય તો કવિતાને પાંગરવાનું ગમે તેવું આ અષાઢના બદલાયે ‚પરંગમાં નથી દેખાતું. આ તો ઊકળતી પૃથ્વીના અનાદરસૂક્તના દિવસો ચાલે છે. સમૃદ્ધિનું મિથ્યાભિમાન વધુ પ્રગટ કરતા હતા. લાલપટ્ટીવાળી નંબર પ્લેટવાળી ગાડી ઊંઘી ગયેલા સરકારી અધિકારીની છે તેવું બોલી શકે એટલા માટે ધાબામાંથી પડતા પાણીએ ખાસ્સી મહેનત આદરી છે.
 
અજ્ઞાનીઓને કારણે આખી શેરી ખાલી હોય તેવો ભ્રમ ઊભો થયો છે. હું શ્રદ્ધા ભરેલી શ્રાદ્ધપક્ષની ઊંઘને છોડીને બેઠો છું. કાળને હીંચકે. દેવક્ધયાના અક્ષરોનું સંગીત હવે બરડ થતી રાતને છોડવા મથે છે. કારકિર્દી બનાવવા ઊઠેલા યુવાનો સાથે ઊઠેલા અભ્યાસખંડનું અજવાળું શેરીમાં આંટા મારવા નીકળ્યું છે. પાણિયારાના નળે હજી હમણાં જ પહેલો શબ્દ બોલવાનો પ્રયત્ન કર્યો છે. રસ્તાના વળાંક પછીના રસ્તાની ઊંટની ડોક જેવી લંબાઈ અજવાળું ઊંચકીને આવવાની તૈયારીમાં હોય તેમ લાગે છે.
શ્રાદ્ધપક્ષનો આ વરસાદ મોડો હોવા છતાં સમયસરનો લાગે છે. મારી આંખમાં સ્વર્ગસ્થ પિતાજી હમણાં જ ઊઠીને કોઈ મંત્ર બોલી રહ્યા છે. લાગે છે, શ્રાદ્ધપક્ષની શ્રદ્ધાની અક્ષર દીવાલ પર નહીં. આકાશમાં લખાય છે, વાદળવહીમાં...